હવે ઘર ભાડા ઉપર પણ લાગશે 18% જી.એસ.ટી.!!!

જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતા ઘર ભાડે લેશે ત્યારે રિવર્સ ચાર્જ તરીકે ભરવો પડશે 18% જી.એસ.ટી.
તા. 19.07.2022: જી.એસ.ટી. હેઠળ 18 જુલાઇ 2022 થી ઘણા મહત્વના ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. ઘર ભાડા ઉપર હાલ કરમુક્તિ હતી. 19.07.2022 થી એક મહત્વનનો ફેરફાર કરી ઘર ભાડાની કરમુક્તિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતા કોઈ ઘર ભાડે લે છે અને તેનું ભાડું ભરે છે ત્યારે આવા રજિસ્ટર્ડ વેપારીએ રિવર્સ ચાર્જના ધોરણે 18% લેખે જી.એસ.ટી. ભરવાનો રહેશે. આ અંગે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં ક્યાં પણ એ બાબતનો ઉલ્લેખ નથી કે રજિસ્ટર્ડ વેપારી જ્યારે ધંધાના કામ માટે (ફરધરન્સ ઓફ બિઝનેસ) રહેણાંકી ઘર ભાડે રાખે ત્યારે જ આ જી.એસ.ટી. લાગુ પડે. આનો બીજો અર્થ એ થાય કે હાલની પરિસ્થિતીમાં જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કોઈ પણ કરદાતા પોતાના અંગત રહેઠાણ માટે પણ ઘર ભાડે રાખે ત્યારે તેઓ રિવર્સ ચાર્જ મુજબ આ ઘર ભાડા ઉપર જી.એસ.ટી. ભરવા જવાબદાર બનશે. આ બાબત ખરેખર અવ્યવહારિક ગણી શકાય. આ બાબતે CBIC દ્વારા ખુલાસો બહાર પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો એક વ્યક્તિગત કરદાતા ઉપર પોતાના અંગત ઘર ભાડા ઉપર પણ RCM લાગુ કરવામાં આવે તો આ વેપારી માટે ખૂબ મુશ્કેલી ઊભી થાય કારણકે અંગત રહેઠાણ ઉપર ભરેલ RCM ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓ મેળવી શકે નહીં. આમ થવાથી આ RCM ટાળવા આવા રજીસ્ટર્ફ વેપારીઓ પોતાનું ઘર ભાડું રોકડમાં ચૂકવવાનું શરૂ કરી શકે છે અને આમ થવાથી જી.એસ.ટી.ની આવક તો થતાં થશે પરંતુ સરકાર ભાડા ઉપરની ઇન્કમ ટેક્સની આવક પણ ગુમાવી શકે છે તેવું ટેક્સ નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે