આજે ભારતમાં ઉજવાય રહ્યો છે “એન્ટિ ટેરેરીઝમ ડે”!! જાણો આતંકવાદ સામે લડવાની ખરી નીતિ તથા પદ્ધતિ….

Spread the love
Reading Time: 7 minutes

 

 

 

By Bhavya Popat, Editor-Tax Today

 

તા. 21.05.2020: ભારતમાં દર વર્ષે 21 મે ને “એન્ટિ ટેરેરીઝમ ડે” તરીકે મનાવવામાં આવે છે. “એન્ટિ ટેરેરીઝમ ડે” એટ્લે આતંકવાદ વિરુદ્ધ દિવસ…. આ દિવસ ભારતના ભુતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્ય તિથીની યાદમાં મનાવવામાં આવે છે. ભારતના ભુતપૂર્વ વડા પ્રધાન ને 21 મે 1991 ના રોજ શ્રીલંકાના આતંકવાદી જુથ LTTE ના આત્મઘાતી હુમલાખોર દ્વારા તામિલનાડું રાજ્યના શ્રીપેરામ્બદૂર ખાતે મારી નાખવામાં આવ્યા હતા.

આ દિવસ મનાવવાની શરૂવાત વી.પી. સિંઘ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ દિવસ મનાવવાનો હેતુ નાગરિકોમાં આતંકવાદ વિરુદ્ધ જુવાળ ઊભો કરવા, તેના દુષ્પરિણામો વિષે લોકોમાં સભાનતા કેળવવા, આતંકવાદના કારણે લોકો ને થતી તકલીફો ઉજાગર કરવા તથા દેશમાં ભાઇચારા તથા શાંતિની ભાવના વિકાસ કરવાનો છે. આ દિવસે ભારત સરકાર ની તમામ ઓફિસો, જાહેર ક્ષેત્ર ના નિગમોની કચેરીઓમાં તથા તમામ સરકારી સંસ્થાઓમાં આતંકવાદ વિરુદ્ધ સોગંદ લેવડાવવામાં આવે છે. આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર સભાઓ તથા રેલી નું આયોજન પણ કરવામાં આવે છે. આતંકવાદનો ભોગ બનેલા લોકો તથા આ લડાઈ માં શહિદ થયેલા દેશના વીર સપૂતોને આ દિવસે શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. પણ શું આ દિવસ માનવીને માત્ર સોગંદ લઈ ને કે જાહેરસભાઓ તથા રેલીઓ કરી ને આતંકવાદ ને દૂર કરી શકશે??? આતંકવાદ સામે લડવા માટે ખરી નીતિ તથા પદ્ધતિ કઈ??? જાણો આ વિશેષ લેખમાં

આજે આતંકવાદ એ માત્ર ભારતની જ નહીં સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો છે. વિશ્વ સ્તરે 9/11 ના અમેરિકા ના વર્ડ ટ્રેડ સેન્ટર ના આતંકવાદી હુમલાની વાત કરીએ કે 26/11 ના ભારતમાં હોટેલ તાજ પરના હુમલાની, દરેક આતંકવાદી હુમલામાં માનવતાને ખૂબ મોટું નુકસાન ભોગવ્યું છે. ભારતમાં કશ્મીરમાં આતંકવાદની સમસ્યા લગભગ 50 વર્ષ થી વધુ સમય થી વકરી રહી છે. પંજાબ પણ ભૂતકાળમાં આતંકવાદને મોટા પ્રમાણમા ભોગવી ચૂક્યું છે. ભારતના ઘણા રાજ્યો નક્સલવાદી આતંકવાદ નો શિકાર છે. જ્યારે પણ આતંકવાદી હુમલા થાય ત્યારે તમામ નાગરિકોના મનમાં પ્રશ્ન આવતો હોય છે કે શું છે સમાધાન આ આતંકવાદી પ્રવૃતિઓનું??? કેવી રીતે દૂર કરી શકાય આતંકવાદી સમસ્યા??? પણ થોડા દિવસમાં આ પ્રશ્ન શાંત થઈ જતો હોય છે અને નાગરિકો આતંકવાદ ને ભૂલી પોતાની રોજબરોજના જીવનમાં પોરવઈ જતાં હોય છે. આજે “એન્ટિ ટેરેરીઝમ ડે” નિમિતે એક દેશ દ્વારા આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલ જંગની નાની પણ અત્યંત રોચક વાત રજૂ કરી રહ્યો છું.

વિશ્વના દેશોમાં એક દેશ એવો છે કે જે અનેક રીતે હમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે. આ દેશ છે ઈઝરાયલ. આ દેશની સ્થાપના ની વાર્તા ખૂબ રોચક છે. આ દેશના મૂળ વાતની એવા “યહુદીઓ” નો પોતાનો કોઈ અલાયદો દેશ ના હતો. વર્ષોથી છૂટાછવાયા અનેક દેશમાં તેઓ વસવાટ કરી રહ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન હિટલરની સેના દ્વારા 60 લાખ યહુદીઓની ગેસ ચેમ્બર માં ઠંડા કલેજે હત્યા કરી નાખવાંમાં આવી હતી. ત્યાંર બાદ વિશ્વ માં અલગ અલગ ઠેકાણે નિવાસ કરતી યહૂદી કોમ ને સમજાય ગયું કે હવે પોતાના દેશ સિવાય આ કોમ માટે ઉદ્ધાર નથી. રાજકીય તથા લશ્કરી રીતે ઘણા દાવપેચ ખેલી યહુદીઓ 14 મે 1948 ના રોજ પોતાનો મુલ્ક મેળવ્યો હતો. પરતું ભૌગોલીક રીતે આ દેશ સામે અનેક પડકારો હતા. ઈજિપ્ત, સિરીયા, લેબનાંન, જૉર્ડન જેવા મુસ્લિમ-આરબ દેશો વચ્ચે આ દેશ નું સ્થાન. તેમાં પણ આરબો ના પવિત્ર ધર્મસ્થળ જેરુંસલેમ પણ આ દેશમાં જતું રહ્યું હોવાનો આ તમામ આરબ દેશને ભારોભાર રંજ હતો. જેરૂસલેમ માત્ર આરબો નુંજ ધાર્મિક સ્થાન ના હતું, યહૂદી લોકોના મન પણ આ શહેર માટે ધાર્મિક રીતે અનન્ય મહત્વ ધરાવતું હતું. આ દેશની આર્થિક રાજધાની તો “તેલ અવિવ” છે પરંતુ રાજધાની તરીકે આ દેશે આ પવિત્ર શહેર “જેરૂસલેમ” ને (પ્રતિકાત્મક રીતે) પસંદ કર્યું છે.

આમ તો આ દેશ ની સ્થાપનાથીજ આતંકવાદી છમકલા નો શિકાર બની રહ્યું હતું. પરંતુ 1967માં થયેલ ઈજિપ્ત (આમ તો આરબો સાથે) ના યુદ્ધ પછી આતંકવાદ તેની ચરણ સીમાએ પહોચી ગયો હતો. ઈજિપ્ત સાથે નું આ યુદ્ધ “ધ સિક્સ ડે વોર” તરીકે જાણીતું છે. ઈજિપ્ત સહિતના આરબ દેશો ની લશ્કરી તાકાત ઈઝરાયેલ કરતાં લગભગ ત્રણ ગણી વધારે હતી. પરંતુ યુદ્ધ નીતિની ઉત્કૃષ્ટ ચાલબાઝીઑ વડે માત્ર 6 દિવસના ટૂંકા સમયમાં ઈઝરાયેલ દ્વારા ઈજિપ્તજ નહીં તેની મદદે આવેલ અન્ય આરબ રાષ્ટ્રોને ધૂળ ચટતા કરી દીધા. આ યુદ્ધમાં ઈઝરાયેલ દ્વારા ખૂમ મોટા પ્રમાણમા ઈજીત્પ્તની જમીન હડપી લીધી. આ જમીન ને “ગાઝા પટ્ટી” તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે વિપુલ પ્રમાણમા લોકો નિરાશ્રિત બન્યા. એક બાબત ઈજિપ્ત તથા અરબ રાષ્ટ્રો સમજી ગયા કે પરંપરાગત યુદ્ધમાં ઈઝરાયેલ ને હરાવવું ખૂબ મુશ્કેલ છે. માટે તેઓએ આતંકવાદ નો સહારો લીધો. “પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન”, “અલ ફતહ” જેવા ઘણા આતંકવાદી સંગઠનો આ યુદ્ધ પછી (1967 પછી) સ્થાપયા. ઉદેશ માત્ર એટલો કે ઈઝરાયેલ માં આતંકવાદ, ગોરીલા પ્રવૃતિઓ દ્વારા અરાજકતા ફેલાવવી તથા તેઓએ યુદ્ધ વખતે પચાવી પડેલ જમીન પછી મેળવવી અને જેરૂસલેમ જે આરબો માટે ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર છે તે પાછું મેળવવું. યાસર અરફાત નામનો આતંકવાદી (આરબો ની નજરમાં ક્રાંતિકારી) આ આતંકવાદી સંગઠન નો સરદાર હતો.

ડિસેમ્બર 1967 પછી ઈઝરાયેલમાં આતંકવાદી પ્રવૃતિઓમાં ખૂબ વધારો થયો. યુદ્ધમાં દુશ્મનો ને ધૂળ ચાટતા કરી દેનાર ઈઝરાયેલ એ હવે આતંકવાદ સામે નવું યુદ્ધ લડવાનું હતું. સૌ પ્રથમ કામ ઈઝરાયેલએ એ કર્યું કે આ આતંકવાદીઑની ઘૂસપેઠ રોકવા સેકડોં કિલોમીટર લાંબી તાર લશ્કર દ્વારા બિછાવવામાં આવી. ઈઝરાયેલ દ્વારા દિવસભર પોતાના પેટ્રોલીંગના વિમાનો ઉડતા રાખી આતંકવાદીઓ ઉપર નજર રાખવાની શરૂ કરી. રાત્રિના અંધકારમાં ઘુસણખોરી ડામવા પોતાની સીમાઓમાં પ્લાસ્ટિક ભેળવેલી માટીના થર, તાર ની વાડ આસપાસ ના વિસ્તારમાં પાથરવામાં આવ્યા. આ માટીના થર શું કરવા??? આમ કરવાનું કારણ એ કે આ માટીના થરમાં આતંકવાદીઓના પગના નિશાન (ફૂટ પ્રિન્ટ) ઉપરથી કેટલા આતંકવાદી ઈઝરાયેલમાં ઘુસ્યાં છે તે અંગે ખ્યાલ મેળવવામાં આવતો. અને જ્યાં સુધી એ આતંકવાદીઓ ને ઝડપી તેમનો ખાત્મો ના લેવામાં આવે ત્યાં સુધી “એન્ટિ ટેરર યુનિટ” ઓપરેશન ચાલુ રાખે. સામે પક્ષે પણ અવનવા અખતરા થયા, ઉલ્ટા જૂતાં પહેરી તથા એક ઉપર એક ત્રાસવાદી બેસી ઈઝરાયેલ ને ગુમરાહ કરવા પ્રયાસો થયા પણ જમીન કેટલા પ્રમાણમા દબાયેલ છે તેના ઉપરથી ઈઝરાયેલ દ્વારા આ તમામ અખતરા ખોટા સાબિત કરી દર વખતે આતંકવાદીઓને ગોતી ને મોત ને ઘાટ ઉતાર્યા. પ્રાચીન ભારતની સામ-દામ-દંડ-ભેદ ની નીતિને હૂબહૂ અનુસરી આતંકવાદી પ્રવૃતિ નો ખાતમો બોલવા પ્રયાસો ચાલુ રહ્યા. આતંકવાદીઓ વિરુદ્ધ ઈઝરાયેલના જાસૂસો દ્વારા જોર્ડનના રાજા ને ચડાવવામાં આવ્યા. પેલેસ્ટાઇન મુક્તિ મોરચા એ જૉર્ડન સરકાર ની સમાંતર સરકાર રચી રહ્યા નો ભ્રમ જૉર્ડનના રાજાના મનમાં ઠસાવવામાં આવ્યો. આ કારણે ઈઝરાયેલ તો આ આતંકવાદીઓની સામે હતુંજ પણ જોર્ડનના રાજાનું લશ્કર પણ આ આતંકવાદીઓ સામે કડક કામ લેવા માંડ્યુ. આ હતું “સામ” નું સ્વરૂપ. ઈઝરાયેલ દ્વારા ગાઝાપટ્ટીમાં રહેતા અને ભયંકર ગરીબી વેઠતા આરબોને પોતાના બાતમીદાર બનાવ્યા. આ માટે ઈઝરાયેલ દ્વારા છૂટા હાથે ધનનો વપરાશ કરવામાં આવ્યો. આરબ બાતમીદરો ને બાતમી ના આધારે પૈસા આપવામાં આવતા. આમ કરવાથી વિપુલ પ્રમાણમા બાતમી ઈજરાયેલ ને મળવા લાગી અને આતંકવાદીઓ નો ખાતમો બોલાવવાનો દોર શરૂ રહ્યો. આ હતી “દામ” પ્રકારની રણનીતિ. આમ કરવાથી ઈજરાયેલ ને બે ફાયદા થયા. એક તો આતંકવાદીઓની બાતમી મળતા તેઓનો ખાતમો બોલાવવાનો શરૂ રહ્યો બીજું કે આરબ આતંકવાદીઓના મનમાં અવિશ્વાસ ની ભાવના ઊભી થવા લાગી. જે સરવાળે આતંકવાદીઓ નું જોમ ઓછું કરવા પૂરતી હતી. એક પ્રશ્ન વાચકોને એ પણ થાય કે આ પ્રકારે પૈસા વેડફવા કેટલા અંશે વ્યાજબી?? મિત્રો, એક બાબત જાણવી ખૂબ જરૂરી છે કે જેમ ભારત ની સિંધી, વાણિયા, લોહાણા જેવી કોમની વેપારી બુદ્ધિ વખણાય છે તેમજ યહૂદી લોકો ની વેપારી બુદ્ધિ વિશ્વમાં પંકાયેલ છે. લશ્કરી ખર્ચ કરતાં આ બાતમી માટે ચૂકવતો ખર્ચ ખૂબ ઓછો લેખાય. હવે આગળ વધીએ. 1968 ની સાલમાં ઈઝરાયેલ માં સ્કૂલબસ માં આતંકવાદી બોમ્બ ધડાકો કરવામાં આવ્યો હતો. બે પુખ્ત વય ના યહુદીઓ આ હુમલામાં માર્યા ગયા. સદનસીબે કોઈ બાળકોની જાન તો ના ગુમાવી પણ ઘણા બાળકો આ વિસ્ફોટમાં ઘવાયા હતા. આ હુમલાનો બદલો ઈજરાયેલ એ કેવી રીતે લીધો એ જુવો. જાસૂસી સંસ્થા મોસદ દ્વારા પાકી બાતમી મળી કે આ કાવતરું જ્યાં ઘડયું એ સ્થળ કરામેહ હતું જે જૉર્ડનમાં હતું. ઈઝરાયેલ દ્વારા 15000 સૈનિકો 100 તોપો, મોબાઈલ તોપો અને વિમાનો વડે બિન્દાસ્ત રીતે જોર્ડન માં પ્રવેશી ઘમાંસાણ મચાવ્યું. આ સ્થળે છુપાયેલા 150 આતંકવાદીઓ ને મોતને ઘાટ ઉતારી દીધા અને 130 જેટલા આતંકવાદીઓને કેદી બનાવ્યા. આ હુમલા માં ઈઝરાયેલએ પણ પોતાના 28 સૈનિકો ગુમાવ્યા. વાચકોને ફરી એ બાબતે વિચાર આવે કે ક્યાં 2 વ્યક્તિઓ ના મૃત્યુ નો બદલો લેવા 28 સૈનિકો ગુમાવવા શું યોગ્ય કહેવાય??? જો જાણી લો કે ઈઝરાયેલ ની આતંકવાદી નીતિ માં એક બાબત વણકહી હકીકત છે. આતંકવાદીઓ એક ને મારશે તો ઈઝરાયેલ જવાબી કાર્યવાહીમાં 5 ને મારશે. આ 5 વ્યક્તિને મારવાથી જે ડર અને ખૌફ આતંકવાદીઓના મનમાં પેસી જાય છે તેના કારણે આતંકવાદ સામેની અળધી જંગ જીતી ગઈ સમજો. આ હતું દંડ સ્વરૂપની લડાઈ. જૉર્ડનમાં ના હુમલા વાંચકો ને ભારત દ્વારા હાલમાં ધરાયેલ લશ્કરી ઓપરેશન (સર્જીક્લ સ્ટ્રાઈક-એર સ્ટ્રાઈક) જરૂર યાદ આપવી હશે. ચોથું શાસ્ત્ર ઈઝરાયેલ દ્વારા ઉઠાવ્યું તે હતું ભેદ સ્વરૂપ ની રણનીતિ નું. પેલેસ્ટાઇન ને મુકત કરાવવા ના નામે ઘણા આતંકવાદી સંગઠનો કાર્યરત હતા. તેમાં મુખ્ય હતા અલ ફતેહ, બ્લેક સપ્ટેમ્બર વગેરે. ઈજરાયેલ દ્વારા આ તમામ સંગઠનો વચ્ચે ફૂંટ પડાવવા એકની માહિતી બીજા ને અને બીજાની માહિતી પહેલા જુથ ને પોતાના ફાયદા માટે આપવાની શરુવાત કરી. આ અંગે અનેકવાર વિવિધ અખબારોમાં ખોટા સમાચારો પણ પ્રગટ કરવામાં આવ્યા. આ સમાચારો વડે આ આતંકી સંગઠનોમાં જોરદાર ફૂંટ પાડવામાં આવી. અનેકવાર આ સંગઠનોમાં અંદર અંદર વિગ્રહ થવા માંડ્યો અને જે આતંકવાદીઓ ને મારવાનું કામ ઈઝરાયેલ એ કરવું પડતું તે હવે આતંકવાદીઑ પોતેજ કરી રહ્યા હતા!!! ભાગલા પાડો અને રાજ કરો ની અંગ્રેજી નીતિ દેશહિતમાં ઈજરાયેલ દ્વારા વાપરવામાં આવી. આ પ્રકારે અનેક બહાદુર પગલાં ભરી માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં પેલેસ્ટાઇન મુક્તિ ને લગતી આતંકવાદી ચળવળ મોટાપ્રમાણમા ડામવામાં આવી. આજે પણ થોડા ઘણા પ્રમાણમા છમકલા કરવા પ્રયાસો કરવામાં આવે છે પણ ઈંટ નો જવાબ પત્થર થી આપવા ની “કાઉન્ટર ટેરેરિઝમ” પદ્ધતિ ના કારણે 22 દુશ્મન દેશો વચ્ચે ઘેરાયેલ નાનકડું ઈઝરાયેલ ગર્વથી પ્રગતિ કરી રહ્યું છે.

મિત્રો, ઈજરાયેલની આતંકવાદી પ્રવૃતિઓ સામેની ઝુંબેશ માં ત્યાનું લશ્કર, મોસદ તથા શીન બેત જેવી જાસૂસી સંસ્થાઓનો મોટો ફાળો રહ્યો છે. પણ આ સાથે વખાણ કરવાં પડે ત્યની રાજનૈતિક ઈચ્છાશક્તિની તથા નાગરિકોની દેશ પ્રત્યેની ભાવનાની પણ. આના પણ એક કે બે ઉદાહરણ જોઈ લઈએ. ઈજરાયેલના નાગરિકો ભરેલા એક વિમાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને છોડાવવા ના બદલામાં ઈજરાયેલ સરકાર પાસે તેના જેલમાં સજા ભોગવતા આતંકવાદીઓની મુક્તિ ની માંગણી કરવામાં આવી હતી. ઈજરાયેલ સરકાર દ્વારા આ માંગણી સ્વીકારવાની જગ્યા એ દુશ્મન દેશમાં કમાન્ડો ઓપરેશન વડે પોતાના નાગરિકોને દેશ પરત લાવ્યા હતા. અન્ય એક કિસ્સામાં જર્મનીમાં “મ્યુનિક ઓલમ્પિક” દરમ્યાન ઈઝરાયેલના રમતવીરોને બાનમાં લઈ જર્મની તથા ઈજરાયેલમાં કેદ આતંકવાદીઓ ને છોડાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જર્મની જેવા તાકાતવાર દેશે કે જે ઓલમ્પિક ગેમ્સ નું યજમાન હતું તેમણે આ આતંકવાદીઓને છોડી મૂક્યા હતા પણ જે દેશના રમતવીરો બાનમાં હતા તે ઈઝરાયેલ દેશે આતંકવાદીઓને છોડાવવા સ્પષ્ટના કહેવામા આવી. 9 જેટલા રમતવીરોને આતંકવાદીઓ દ્વારા મોતને ઘાંટ ઉતારવામાં આવ્યા હતા. પણ ત્યારબાદ ઈજરાયેલની વિખ્યાત જાસૂસી સંસ્થા મોસદ દ્વારા એક ઓપરેશન ચલાવી આ આતંકી હુમલા માં સામેલ તમામ આતંકવાદીઓ તથા આ મિશન ઘડનાર તમામનું નાટ્યાત્મક રીતે કસળ કાઢીને પોતાના રમતવીરો ને સાચી શ્રદ્ધાંજલી આપી હતી. આ દરમ્યાન કોઈ નાગરિકોએ પોતાના સ્વજન ને છોડાવવા સરકાર સામે દેખાવો કર્યા ના હતા….આ હતી આ નાગરિકો ની દેશ ભક્તિ. રાજનૈતિક ઈચ્છા શક્તિ નો મિસાલ કોઈ દેશ હોય તો તે ઈઝરાયેલને ગણી શકાય.

ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ બેંજામિન નેતનયાહૂ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મિત્રતા જગ જાહેર છે. પોતાના મિત્ર ના દેશ ની આતંકવાદ વિરુદ્ધની નીતિને ભારતમાં પણ અપનાવવામાં આવી રહી છે તેવી પ્રતીતિ થઈ રહી છે. “સર્જીક્લ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક” એ આ “ન્યુ ઈન્ડિયા” ની રણનીતિના ભાગ છે તેવો સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યો છે. આતંકવાદ વિરુદ્ધ “ઝીરો ટોલરન્સ” નીતિ અપનાવવા ભારત અગ્રેસર છે. વિશ્વના તમામ દેશ આ અંગે એક મંચ ઉપર આવે તેવ પ્રયાસ ભારત કરી રહ્યું છે. માત્ર સોગંદ લઈને આ દિવસ ઉજવવા કરતાં એ બાબત દરેક નાગરિક પોતાના દિલમાં ઉતરે કે આતંકવાદીઓને મચક ના આપવાના સરકારી નિર્ણયનો હમેશા તેણે સાથ આપવો જોઈએ. પછી ભલે પોતાના સ્વજન આ નીતિના કારણે આતંકવાદ નો ભોગ પણ બને. આતંકવાદને શરણેના થઈ જે ભોગ આપવો પડે તે આપવા દરેક નાગરિકે કટ્ટીબદ્ધ બનવું જોઈએ. ભૂતકાળ માં થયેલ કંદહાર કાંડ એ દરેક ભારતીય માટે ખેદ ઉદ્દભવ કરતી ઘટના છે તો “સર્જીક્લ સ્ટ્રાઈક તથા એર સ્ટ્રાઈક” એ તમામ ભારતીયને ગૌરવ પ્રદાન કરતી ઘટના છે. આ દિવસે ભારતીય સૈન્ય, ભારતીય જાસૂસી સંસ્થા “રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ” (રો), પુલિસ ફોર્સ તથા તમામ નામી અનામી સંસ્થાઓ તથા વ્યક્તિઓને યાદ કરી તેમને સલામી આપવાનો દિવસ પણ છે જેમને પોતાના ની મહેનત તથા બલિદાન વડે આતંકવાદ સાથે લડવામાં ભારતને મજબૂતી પ્રદાન કરી છે.

આ લેખ લખવામાં મારા પ્રિય ઇતિહાસ અંગે ના લેખક “નાગેન્દ્ર વિજય” ના વિવિધ લેખ ઉપયોગી બન્યા છે. આ તકે મારી તમામ વાચકો ને વિનંતી છે કે જો તમને વિશ્વ ઇતિહાસમાં રસ હોય તો નાગેન્દ્ર વિજયના પુસ્તકો “21 મી સદી ની ઐતિહાસિક ઘટનાઓ, મોસદ, વિશ્વ યુદ્ધ 1 અને 2” ઉપરના તેમના પુસ્તકો ખાસ વાંચવા જોઈએ. બીજી એક વિનંતી એ કે સામાન્ય રીતે હું ટેક્સ ને લગતા વિષયો લખવા ટેવાયેલ હોય આ અંગે “સમથિંગ અધર ધેન ટેક્સ” લખવા પ્રયાસ કર્યો છે. આ લેખ આપને કેવો લાગ્યો એ અંગે ટીકા-ટિપ્પણી નીચે કોમેંટ્સના બોક્સ માં લખી શકો છો.

 

 

error: Content is protected !!