આવકવેરા કાયદા હેઠળ રોકડ વ્યવહાર પરના નિયંત્રણો….

Spread the love
Reading Time: 4 minutes

   ધવલ એચ.પટવા, એડવોકેટ, સુરત

અર્થતંત્રમાંથી કાળું નાણું દૂર થાય અને રોજિંદા વ્યવહારમાં રોકડ લેવડદેવડનું પ્રમાણ ઓછું થાય તે માટે સરકાર દ્ઘારા આવકવેરા કાયદામાં રોકડ વ્યવહાર પર અવારનવાર અનેક પ્રકારના નિયંત્રણો મૂકવામાં આવે છે જે પૈકી રોજીંદા જીવનમાં જાણવા જરૂરી કેટલાક મહત્વનાં નિયંત્રણો અંગે અહીં સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે:

 • ધંધાકીય ખર્ચ અંગે:-

આવકવેરા કાયદાની કલમ ૪૦એ(૩) મુજબ જ્યારે કોઈ કરદાતાએવો કોઈ ધંધાકીય ખર્ચ કે જે અન્ય જોગવાઈ મુજબ ધંધા/વ્યવસાયની આવકમાંથી બાદ મળવાપાત્ર હોય અને તેની ચુકવણી કોઈ એક દિવસે કોઈ એક વ્યક્તિને રૂ|. ૧૦,૦૦૦/- (આ.વ.૨૦૧૭-૧૮ સુધી રૂ|.૨૦,૦૦૦/-)થી વધુ રકમની રોકડ સ્વરૂપે કરે તો તે ધંધાકીય ખર્ચ બાદ મળવાપાત્ર રહેશે નહીં. આ ખર્ચમાં ધંધાકીય ખરીદીનો પણ સમાવેશ થતો હોઈ ખરીદી પણ રૂ|. ૧૦,૦૦૦/- થી વધુ રકમની રોકડમાં કરી હોય તો બાદ મળવાપાત્ર રહેશે નહીં. દા.ત. રૂ|.૧૩,૦૦૦/-ની ખરીદીના કોઈ બિલ પેટે એક જ દિવસે એક જ વ્યક્તિને રોકડમાં રૂ|.૮,૦૦૦/- અને રૂ|. ૫,૦૦૦/-ની ચુકવણી કરવામાં આવે તો તે પૂરો ખર્ચો નફામાંથી બાદ મળવાપાત્ર નથી પરંતુ રૂ|.૮,૦૦૦/-ની રોકડ ચુકવણી કર્યા બાદ બાકીના રૂ|. ૫,૦૦૦/-ની ચુકવણી જો એકાઉન્ટ પેયી ચેક કે એકાઉન્ટ પેયી બેંક ડ્રાફ્ટથી કરવામાં આવે તો સમગ્ર રકમ ખર્ચા તરીકે બાદ મળવાપાત્ર થશે. જો કે નાણાંકીય ધારા ૨૦૦૯થી તા.૦૧/૧૦/૨૦૦૯ ના રોજથી અમલી બને તેમ કરવામાં આવેલ સુધારા મુજબ આવી ચુકવણી જો ટ્રાન્સપોર્ટરને કરવામાં આવી હોય તો તેને માટે રૂ|.૩૫,૦૦૦/-ની મર્યાદા ધ્યાને લેવાની રહેશે.

(એડિટર નોંધ: 44AD, 44ADA વી. જેવી પ્રિસ્મ્પટિવ ટેક્સેશન હેઠળ આવક દર્શાવતા કરદાતા ને આ નિયમ લાગુ પડે નહીં)

 • સ્થાવર મિલકત અંગે :-

તા. ૦૧/૦૬/૧૫ થી કરવામાં આવેલા સુધારા અનુસાર આવકવેરા કાયદાની કલમ ૨૬૯એસએસ મુજબ સ્થાવર મિલકત વેચનાર વ્યક્તિ મિલકત વેચાણના અવેજ પેટે રૂ|.૨૦,૦૦૦/- કે તેથી વધુ રકમ રોકડ સ્વરૂપે સ્વીકારી શકશે નહીં, જો સ્વીકારે તો જેટલી રકમ રોકડ સ્વરૂપે સ્વીકારી હોય તેટલી જ રકમનો દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.

તે જ પ્રમાણે મિલકત વેચાણની સમજુતી રદ થાય તો અવેજ પેટે મળેલ રકમની પરત ચુકવણી પણ જો રૂ|.૨૦,૦૦૦/- થી વધુ હોય તો કલમ ૨૬૯ટી મુજબ રોકડ સ્વરૂપે કરી શકાશે નહીં . જો પરત ચુકવણી રૂ|. ૨૦,૦૦૦/- થી વધુ હોય અને રોકડ સ્વરૂપે કરવામાં આવે તો જેટલી ચુકવણી રોકડમાં કરવામાં આવી હોય તેટલી જ રકમનો દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.

(એડિટર નોંધ: જ્યારે લોન લેનાર તથા લોન આપનાર અથવા મિલકત બંને રકમ મેળવનાર તથા ચૂકવનર ની આવક નો સ્ત્રોત માત્ર ખેતી ની આવક હોય, તેમને આ નિયમ લાગુ પડે નહીં)

 • લોન / એડવાન્સ સ્વીકારવા તથા પરત આપવા અંગે :-

આવકવેરા કાયદાની કલમ ૨૬૯એસએસ મુજબ કોઈપણ કરદાતા કોઈપણ વ્યક્તિ પાસેથી નાણાંકીય વર્ષ દરમ્યાન  રૂ|.૨૦,૦૦૦/- થી વધુ રકમ રોકડ સ્વરૂપે લોન કે એડવાન્સ તરીકે લઈ શકશે નહીં.

તે જ પ્રમાણે કલમ ૨૬૯ટી મુજબ કોઈપણ વ્યક્તિ લોન કે એડવાન્સ તરીકે લીધેલ રૂ|.૨૦,૦૦૦/- થી વધુ રકમની પરત ચુકવણી રોકડ સ્વરૂપે કરી શકશે નહીં.

જો ઉપરની જોગવાઈનો ભંગ કરવામાં આવે તો કલમ ૨૭૧ડી/૨૭૧ઈ મુજબ જેટલી રકમ લોન / ડીપોઝીટ તરીકે સ્વીકારેલ હોય કે પરત કરેલ હોય તેટલી જ રકમના દંડની  જોગવાઈ કરવામાં આવી છે.

જો કે કલમ ૨૬૯એસએસ તથા કલમ ૨૬૯ટીની જોગવાઈઓ –

 • સરકારને
 • બેન્કિંગ કંપનીને
 • સરકારી સંસ્થાને તથા
 • કેન્દ્ર સરકાર દ્ઘારા ઠરાવવામાં આવે તેવી વ્યક્તિઓને લાગુ પડતી નથી.

(એડિટર નોંધ: જ્યારે લોન લેનાર તથા લોન આપનાર અથવા મિલકત બંને રકમ મેળવનાર તથા ચૂકવનર ની આવક નો સ્ત્રોત માત્ર ખેતી ની આવક હોય, તેમને આ નિયમ લાગુ પડે નહીં)

 

 • કોઈ પણ વ્યવહારમાં રોકડ સ્વીકારવા અંગે :-

તા.૦૧/૦૪/૧૭ના રોજથી અમલી બનાવવામાં આવેલ આવકવેરા કાયદાની કલમ ૨૬૯એસટી મુજબ કોઈપણ વ્યક્તિ –

 • કોઈ વ્યક્તિ પાસેથી કોઈ એક દિવસ દરમ્યાન (અલગ અલગ બિલો હોય તો પણ )
 • કોઈ એક વ્યવહાર પેટે (અલગ અલગ દિવસ હોવા છતાં)
 • કોઈ એક પ્રસંગ સંબંધિત વ્યવહાર પેટે

રૂ|. ૨,૦૦,૦૦૦/- કે તેથી વધુ રોકડ સ્વીકારી શકશે નહીં .

દા.ત. એક કોન્ટ્રાક્ટરે લગ્નપ્રસંગ નિમિત્તે કેટરિંગ, સજાવટ તથા અન્ય અલગ અલગ ખર્ચા અંગે રૂ|.૩,૦૦,૦૦૦/-નો એક જ કોન્ટ્રાક્ટ રાખેલ હોઈ તો –

 • તે જેની સાથે કોન્ટ્રાક્ટ થયેલ હોઈ તે વ્યક્તિ પાસેથી એક દિવસ દરમ્યાન (કેટરિંગ, સજાવટ તથા અન્ય ખર્ચાના અલગ અલગ બિલો હોય તો પણ)
 • આ કોન્ટ્રાક્ટ અંગે અલગ અલગ ખર્ચા પેટે અલગ અલગ દિવસે ચુકવણી હોઈ તો પણ
 • આ લગ્નપ્રસંગનો એક જ વ્યવહાર હોઈ

કેટરિંગના રૂ|.૧,૫૦,૦૦૦/-, સજાવટના રૂ|.૧,૦૦,૦૦૦/- તથા અન્ય ખર્ચાના રૂ|.૫૦,૦૦૦/- મળી રૂ|.૩,૦૦,૦૦૦/-ની ચૂકવણી રોકડ સિવાય એટલે કે એકાઉન્ટ પેયી ચેક કે એકાઉન્ટ પેયી બેંક ડ્રાફ્ટ કે ઇલેક્ટ્રોનિક ક્લીયરીંગ સિસ્ટમ મારફત બેંક દ્વારા અથવા નિર્દિષ્ટ કરવામાં આવે તેવા ઇલેક્ટ્રોનિક માધ્યમ મારફત જ મેળવવાની રહેશે.

જો આ જોગવાઈનો ભંગ કરવામાં આવે તો કલમ ૨૭૧ડીએ મુજબ જેટલી રકમ રોકડ સ્વરૂપે સ્વીકારવામાં આવી હોય તેટલી રકમનો દંડ થઇ શકશે. તા.૦૫/૦૪/૧૭ના નોટીફીકેશન નં.SO૧૦૫૭(E)મુજબ બેંક, કો.ઓ.બેંક કે પોસ્ટ ઓફીસ સેવિંગ્સ એકાઉન્ટમાંથી રોકડ ઉપાડને ઉપરોક્ત જોગવાઈમાંથી બાકાત રાખવામાં આવેલ છે.

 

 • રૂ|. ૫૦ કરોડથી વધુ ઉથલો ધરાવતી પેઢી અંગે :-

હાલમાં જ તા.૦૧/૧૧/૧૯ નાં રોજથી દાખલ કરવામાં આવેલ કલમ ૨૬૯એસયુ મુજબ દરેક વ્યક્તિ જેના ધંધાનું કુલ ટર્નઓવર / રીસીપ્ટસ પાછલા વર્ષમાં રૂ|. ૫૦ કરોડથી વધુ હોય તો તેણે કોઈપણ ચુકવણી સ્વીકારવા માટે નિર્દિષ્ટ ઇલેક્ટ્રોનિક માધ્યમ સહીત અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્ઘારા ચુકવણીસ્વીકારવા (રોકડ રહિત ચુકવણી) ની વ્યવસ્થા કરવી પડશે. જો આવી સગવડ પૂરી પાડવામાં નિષ્ફળ જાય અને કોઈ વાજબી કારણ ન હોય તો કલમ ૨૯૧ડીબી મુજબ જ્યાં સુધી આવી સુવિધા ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી રોજના રૂ|.૫૦૦૦/- લેખે દંડ ભરવાની જવાબદારી ઉભી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.૦૧/૧૧/૧૯ નાં રોજથી દાખલ કરવામાં આવેલ આ જોગવાઈ અંગે કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમ નિર્દિષ્ટ કરવામાં આવેલ ના હોઈ વ્યવહારિક રીતે તેનો અમલ શક્ય ન હતો પરંતુ  હાલમાં જ તા.૩૦/૧૨/૧૯ના રોજ બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન નં.૧૦૫/૨૦૧૯ મુજબ નીચેના ત્રણ માધ્યમો ઇલેક્ટ્રોનિક માધ્યમ તરીકે નિર્દિષ્ટ કરવામાં આવેલ છે જેનો અમલ તા ૦૧/૦૧/૨૦ના રોજથી કરવાનો રહેશે ;

 • રૂ પે સંચાલિત ડેબીટ કાર્ડ
 • યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)
 • યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ક્વીક રિસ્પોન્સ મોડ (UPI QR CODE) (BHIM UPI QR CODE)

એટલે કે હવે ઉપરોક્ત ત્રણ માધ્યમો મારફત ચૂકવણી સ્વીકારવાની વ્યવસ્થા તા.૩૧/૦૧/૨૦ સુધીમાં ઉપર જણાવેલ વ્યક્તિએ કરવાની રહેશે અન્યથા તા.૦૧/૦૨/૨૦ના રોજથી કલમ ૨૯૧ડીબી મુજબ જ્યાં સુધી આવી સુવિધા ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી રોજના રૂ|.૫૦૦૦/- લેખે દંડ ભરવાની જવાબદારી ઉભી થશે.

 

 • માન્ય સંસ્થાઓને આપવામાં આવતા દાન અંગે :-

જ્યારે આવકવેરા કાયદાની કલમ ૮૦જી હેઠળ બાદ માળવાપાત્ર માન્ય સંસ્થાઓને દાન આપવામાં આવે ત્યારે જો રોકડ દાનની રકમ રૂ|. ૨૦૦૦/- (નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ સુધી રૂ|.૧૦,૦૦૦/-) કરતાં વધુ હોય તો તે બાદ મળવાપાત્ર નથી.

 

 • મેડીકલેઇમ પ્રીમીયમની ચુકવણી :-

જો મેડીકલેઇમ પ્રીમીયમની ચુકવણી રોકડમાં કરવામાંઆવે તો તે આવકવેરા કાયદાની કલમ ૮૦ડી અન્વયે બાદ માળવાપાત્ર નથી.

 

આમ, રોકડ વ્યવહારો કરતી વખતે ઉપરની તમામ જોગવાઈઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે અન્યથા દંડની જોગવાઈઓનો સામનો કરવાની પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

error: Content is protected !!