આવતીકાલે છે ગુજરાત ચેમ્બરની પ્રતિષ્ઠાસભર ચૂંટણી: વેપારીઓ માટે હમેશા લડત ચલાવતા જયેન્દ્ર તન્ના છે સિનિયર વાઇસ પ્રેસીડંટના ઉમેદવાર

Spread the love
Reading Time: 2 minutes

ટેક્સ ટુડેની વેપારી હિતની અનેક મુહિમને તેમના દ્વારા આપવામાં આવ્યો છે ટેકો:

તા. 04.09.2020: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની (GCCI) ચૂંટણી આવતીકાલે 05 સપ્ટેમ્બર 2020 ના રોજ યોજવાની છે. આ ચૂંટણી ખૂબ રસપ્રદ થઈ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. GCCIની ચૂંટણીમાં પ્રમુખ તરીકે હાલ સિનિયર વાઇસ પ્રેસિડંટ એવા નટુભાઇ પટેલનું બિનહરીફ રહ્યા છે. જ્યારે સિનિયર વાઇસ પ્રેસીડંટના પદ માટે જાણીતા વેપારી આગેવાનો હેમંત એન. શાહ તથા જયેન્દ્ર વી. તન્ના વચ્ચે મુકાબલો રસપ્રદ રહેશે. આ ઉપરાંત ઉપ પ્રમુખની એક બેઠક હોય ત્રણ ઉમેદવારો મેદાનમાં હોય, ચૂંટણી થવાની છે. સ્થાનિક આજીવન સભ્યની બે બેઠકો, બહારગામ આજીવન સભ્યની એક બેઠક, બિઝનેસ એસો.ની સ્થાનિકની બે બેઠકો, બિઝનેસ એસો. બહારગામની એક બેઠક ઉપરાંત સ્થાનિક કારોબારીની 8 બેઠકો માટે ચૂંટણી થવાની છે. COVID 19 ની પરિસ્થિતીમાં સરકાર દ્વારા અપાયેલ માર્ગદર્શિકાઑનું પાલન કરી આ ચૂંટણી થનારી છે. 05 સપ્ટેમ્બર, શનિવારના રોજ યોજનારી આ ચૂંટણીનો સમય 8.30 થી સાંજે 4 સુધી રહેશે. આ પ્રતિસ્ઠાભરી ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે નિવૃત IAS એચ. એસ. પટેલ સેવા આપશે.

આ ચૂંટણીમાં સૌથી વધુ નજર સિનિયર વાઇસ પ્રેસીડંટના ચૂંટણીમાં રહેશે. એક તરફ હેમંત એન શાહ એ ઉમેદવારી નોંધાવી છે તો તેમની સામે જયેન્દ્ર તન્ના ઉમેદવાર છે. ઉલ્લેખનીય છે કે જયેન્દ્ર તન્ના એ વેપારીઓના પ્રશ્નોની રજૂઆત માટે હમેશા અગ્રેસર હોય છે. તેઓ વિવિધ ટેક્સ એસોશીએશનને પણ વેપારી હિતને લગતી લડતોમાં ટેકો આપતા આવ્યા છે. ટેક્સ ટુડે જેવા ટેક્સને સલગ્ન ન્યૂઝ પેપરમાં જ્યારે પણ વેપારી હિત સંદર્ભે મુદ્દો ઉઠાવવામાં આવે છે ત્યારે તેઓ હમેશા આ અંગે સરકારમાં યોગ્ય રજૂઆત કરી ટેક્સ ટુડેની મુહિમને નિરંતર ટેકો આપતા રહ્યા છે. વેપારીઓના હિત માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપરાંત વકીલો તથા ટેક્સ પ્રેકટિશનરોને પણ જી.એસ.ટી. સર્ટિફિકેશનના હક્કો મળે તે બાબતે તેઓએ અનેકવાર દિલ્હી મુલાકાત લઈ સરકારમાં અસરકારક રજૂઆત કરેલ છે. જી.એસ.ટી. પોર્ટલની ખામીઓ સામે જ્યારે નેશનલ એક્શન કમિટી, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ(WZ), ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો, ઓલ ગુજરાત ફેડરેશન, ટેક્સ એડવોકેટ એસો. ગુજરાત જેવા નામાંકિત એસોસીએશનના ધારણામાં પણ તેઓ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા અને આ એસો. ને ટેકો આપ્યો હતો.

તેઓની પેનલ દ્વારા પોતાના ચૂંટણી ઢંઢેરામાં મહત્વાકાંક્ષી જાહેરાતો કરેલ છે. આ પૈકી સૌથી મહત્વની જાહેરાત ગણીએ તો તેઓ દ્વારા સમગ્ર ગુજરાતની તમામ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સને રાજ્ય કક્ષાના સંગઠન સાથે જોડવાની જાહેરાત કરેલ છે. આ ઉપરાંત ઓનલાઈન બિઝનેસ સામે સામાન્ય વેપારીઓ ટકી શકે એ માટે પ્લેટફોર્મ ઊભું કરવાની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવેલ છે. ટેક્સ ટુડે સાથે વાત કરતાં તેઓએ એ જણાવ્યુ હતું કે વેપારીઓના પ્રશ્નોની સતત રજૂઆત કરવાના કારણે સામાન્ય વેપારીઓ તેઓની આ મહેનત વિષે અવગત છે. લોહાણા અગ્રણી અને જાણીતા બિઝનેસમેન ભાવેશ લાખાણી પણ તેઓની પેનલના વાઇસ પ્રેસીડન્ટ ના ઉમેદવાર છે. ભાવેશ લાખાણી અનેક વેપારી કમિટીઓ માં સ્થાન ધરાવે છે અને વેપારીઓની રજુઆત અસરકારક રીતે કરવા જાણીતા છે. વધુમાં જણાવ્યુ હતું કે ટેક્સ ટુડે એ ટેક્સ પ્રોફેશનલ્સનું મુખ પત્ર છે. તો અમારી પેનલમાં જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૈલાશ ગઢવી પણ છે જે પ્રોફેસનલ્સનું પ્રતિનિધિત્વ કરશે. તેમની પેનલનો વિજય થશેજ તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

05 સપ્ટેમ્બરે યોજાનાર આ ચૂંટણી ખરેખર રસપ્રદ બની રહેશે અને રાજ્યભરના વેપારી સમાજની નજર આ ચૂંટણી ઉપર રહેશે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

( જી.એસ.ટી. પોર્ટલ સામે વિવિધ ટેક્સ પ્રોફેશનલસ એસો. ના ધારણામાં ખાસ હાજરી આપતા (ડાબેથી)વેપારી અગ્રણી પ્રતાપભાઈ ચંદન, સિનિયર વાઇસ પ્રેસીડંટ ઉમેદવાર જયેન્દ્રભાઈ તન્ના તથા  સાથે ટેક્સ ટુડે એડિટર ભવ્ય પોપટ)(ફાઇલ તસવીર)

error: Content is protected !!