ગુજરાત સેલ્સટેક્ષ બાર એસોસીએશનને સો સો સલામ…

Spread the love
Reading Time: 2 minutes

ધવલ એચ. પટવા, એડવોકેટ, સુરત

મિત્રો, હાલમાં જીએસટી અને પોર્ટલ બાબતે આપણા કરવ્યવસાયિકોને પડતી મુશ્કેલીઓ બાબતે સરકારશ્રીને વિવિધ પ્રકારે રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે. જે અંતર્ગત તા.૧૮/૦૨/૨૦ના રોજ મૌન ધરણાનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જે બાબતે આપણે સૌ વિદિત છીએ. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી પ્રમુખ ભૂમિકામાં આપણું ધી ગુજરાત સેલ્સટેક્ષ બાર એસોસીએશન સાથે અન્ય પાંચ એસોસીએશનનો જોડાયેલા છે.

મિત્રો, એક પુત્ર જયારે પિતાના આર્થિક સંકડામણના દિવસો સમયે પોતાના પ્રાથમિક કક્ષાનો અભ્યાસ પિતાના સહારાની આશા રાખ્યા વિના પૂરો કરે અને ઉચ્ચ અભ્યાસ વિશેષ ડીગ્રી સાથે પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવે અને આર્થિક સધ્ધરતાનાં દિવસોમાં ઉચ્ચ અભ્યાસ માટે પિતાના સહારાની આશા રાખે ત્યારે પિતા દ્ઘારા પુત્રને પુત્રની યોગ્યતા પર શંકા રાખી નકારવામાં આવે ત્યારે પુત્ર જે આઘાતની લાગણી અનુભવે છે તેવી લાગણી આજે આપણા કરવ્યવસાયિક મિત્રો સરકારની પ્રતિક્રિયા બાદ અનુભવી રહ્યા છે. જ્યારે જ્યારે નવા કાયદાનું આગમન થયું છે ત્યારે આપણે જ ખંત અને મહેનતથી નવા કાયદાઓને સ્વીકારી સરકારશ્રીના નિર્ણયને બળ પૂરું પાડ્યું છે ચાહે તે વેચાણવેરા કાયદામાંથી મૂલ્યવર્ધિત વેરાકાયદાનું પરિવર્તન હોય કે મૂલ્યવર્ધિત વેરા કાયદામાંથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષના કાયદાનું પરિવર્તન હોય. હાલમાં પણ આપણે ગુજરાતના વિવિધ એસોસીએશનોના સહકારથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષના વ્યવહારુ અમલમાં પડતી મુશ્કેલીઓના નિવારણ રૂપે કાયદાને સફળ બનાવવા માટે જ સરકારશ્રીને વિવિધ સ્તરે રજૂઆત કરીએ છીએ પરંતુ વર્ષોથી વિવિધ કાયદાઓના અમલમાં સરકાર અને વેપારી વચ્ચે

કડીરૂપ કરવ્યવસાયિકોને જવાબદાર ઠેરવી સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માંગે છે એવું ફલિત થઈ રહ્યું છે અને એ ઘણું જ દુ:ખદાયક છે. જયારે GSTN પોર્ટલ પોતાની અસમર્થતા પુરવાર કરી ચુક્યું હોઈ ત્યારે આપણા કરવ્યવસાયિકોને આળસુ કહી અંતિમ દિવસોમાં રીટર્ન ભરતા હોવાનું જણાવવું કેટલે અંશે વાજબી કહી શકાય !.

ખેર… આ તમામ પરિસ્થિતિઓમાં આપણા સૌનાં માનીતા ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એસોસીએશને પોતાના સભ્યોના હિતમાં જીએસટીને લગતા તમામ મુદાઓ સાથે જે લડત ઉપાડી છે ત્યારે અને જ્યારે અન્ય એસોસીએશન આ લડતમાં ટેકો જાહેર કરવો કે નહિ તે નિર્ણય પણ લઇ શકતું ન હોઈ ત્યારે પોતાના સભ્યોના હિતને અગ્રેસર રાખી પોતે આગળ રહી જે રીતે લડત ચલાવી રહ્યું છે તે બદલ આપણા સૌ તરફથી ધી ગુજરાત સેલ્સટેક્ષ બાર એસોસીએશનને લાખ લાખ વંદન તથા સો સો સલામ…

error: Content is protected !!