જી.એસ.ટી કાયદા હેઠળ નોંધણી નંબર રદ કરવા અંગેની જોગવાઈઓ

Spread the love
Reading Time: 4 minutes

ધવલ એચ. પટવા, એડવોકેટ, સુરત.

વન નેશન વન ટેક્ષના સૂત્ર હેઠળ સરકાર દ્વારા વિવિધ કાયદાઓને એક કરી અમલમાં લાવવામાં આવેલ જીએસટી કાયદામાં નોંધણી નંબર મેળવવા માટે કરવાની થતી કાર્યવાહીનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ નોંધણી નંબર રદ કરવા માટેની જોગવાઈઓનું પણ છે. નોંધાયેલ વ્યક્તિ જ્યારે પોતાનો નોંધણી નંબર રદ કરાવવાની ઈચ્છા ધરાવતો હોય તો તે માટે જીએસટી કાયદામાં શું જોગવાઇઓ છે તેની સમજ આપવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સીજીએસટી કાયદાની કલમ ૨૯ માં નોંધણી નંબર રદ કરવા અંગેની જોગવાઈઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મુજબ નીચેની વ્યક્તિઓ જીએસટી નંબર રદ કરવાની કાર્યવાહી કરી શકે છે.

(૧) જીએસટી કાયદા હેઠળ નોંધાયેલ વ્યક્તિ

સીજીએસટી કાયદાની કલમ ૨૯(૧) મુજબ નીચેના સંજોગોમાંજીએસટી કાયદા હેઠળનોંધાયેલ વ્યક્તિનોંધણી નંબર રદ કરાવી શકે છે:

  • જો ધંધો બંધ કરવામાં આવ્યો હોય.
  • જો ધંધો તબદીલ કરવામાં આવ્યો હોય.
  • જ્યારે ધંધાનું અન્ય ધંધા સાથે સંયોજન (જોડાણ) કરવામાં આવ્યું હોય.
  • જ્યારે ધંધાના બંધારણમાં ફેરફાર થયો હોય.
  • જ્યારે નોંધાયેલ વ્યક્તિ જીએસટી કાયદા હેઠળની અન્ય કોઈ જોગવાઈ મુજબવેરો ભરવાનેજવાબદાર રહેતી ન હોય.

અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે મરજિયાત નોંધણી નંબર મેળવનાર નોંધાયેલ  વ્યક્તિ નોંધણી નંબર લીધાના ૧ વર્ષ પહેલા નોંધણી નંબર રદ કરાવી શકશે નહીં તે જોગવાઈ તા. ૨૩/૦૧/૨૦૧૮ના નોટિફિકેશન નં.(GHN-7)/GSTR-2018(18).THથી રદ કરવામાં આવેલ છે જેથી મરજિયાત નોંધણી નંબર મેળવનાર નોંધાયેલ વ્યક્તિ આ કાયદાની અન્ય જોગવાઈ મુજબ નોંધણી નંબર મેળવવા જવાબદાર થતો ના હોય તો ગમે ત્યારે નોંધણી નંબર રદ કરાવી શકશે.

 

જ્યારે નોંધાયેલ વ્યક્તિ ઉપર જણાવેલા સંજોગોને કારણે જો પોતાનો નોંધણી નંબર ચાલુ રાખવા ન માંગતો હોય તો તેણે દિન ૩૦ માં કોમન પોર્ટલ પર FORMGSTREG– 16 માં નોંધણી નંબર રદ કરવા માટે અરજી કરવાની રહે છે. જે સંતોષકારક જણાય તો યોગ્ય અધિકારી અરજી કર્યાના 30 દિવસમાં FORMGSTREG– 19 માં નોંધણી નંબર રદનો આદેશ કરશે.

(૨) યોગ્ય અધિકારી-

સીજીએસટી કાયદાની કલમ ૨૯(૨) મુજબ યોગ્ય અધિકારી પણ નીચેના સંજોગોમાં પોતાને યોગ્ય જણાય તેવી કોઈ પાછલીતારીખ સહિતની તારીખથી સુનાવણીની તક આપ્યા બાદ નોંધણી નંબર રદ કરી શકશે:

  • જ્યારે નોંધાયેલ વ્યક્તિએ જીએસટી કાયદા અથવા નિયમોનો ભંગ કરેલ હોય.
  • જ્યારે નોંધાયેલ વ્યક્તિ કમ્પોજીશન સ્કીમ હેઠળ વેરો ભરતો હોય અને સતત ત્રણ વેરા મુદતના રિટર્ન ભર્યા ન હોય.
  • કમ્પોજીશન સ્કીમનો લાભ લેતા ન હોય તેવા નોંધાયેલ વ્યક્તિઓ કે જેમણે સતત છ મહિનાના રિટર્ન ભર્યા ન હોય.
  • એવા નોંધાયેલ વ્યક્તિ કે જેમણે કલમ ૨૫(૩) હેઠળ મરજીયાત ધોરણે નોંધણી નંબર મેળવેલ હોય પરંતુ નોંધણી નંબર મેળવ્યાના સતત છ મહિના સુધી ધંધો ચાલુ કરેલ ન હોય.
  • નોંધણી નંબર દગા (છળકપટ)થી, જાણીબુજીને ખોટા નિવેદનથી અથવા સાચી હકીકત છુપાવીને મેળવ્યું હોય.

જો યોગ્ય અધિકારીને એમ માનવાને કારણ હોય કે નોંધાયેલ વ્યક્તિ નો નોંધણી નંબર ઉપરોક્ત કારણસર રદ કરવાને પાત્ર છે તો તે FORM GSTREG– 17 માં કારણ દર્શક નોટિસ આપી શકશે જેનો સંતોષકારક જવાબ નોંધાયેલ વ્યક્તિએ નોટિસ મળ્યાના ૭ દિવસમાં FORMGSTREG– 18 માં આપવાનો રહેશે. જો કારણ દર્શકનોટિસનો જવાબ યોગ્ય અધિકારીને સંતોષકારક લાગે તો તે FORM GST REG– 20 માં આદેશ પસાર કરી નોંધણી નંબર રદ કરવાની કાર્યવાહી પડતી મૂકશે.

(૩) નોંધાયેલ વ્યક્તિના અવસાનના સંજોગોમાં તેનો કાયદેસરનો વારસદાર-

જ્યારે નોંધાયેલ વ્યક્તિનું અવસાન થાય ત્યારે તેનો કાયદેસરનો વારસદાર નોંધણી નંબર          રદ કરવા માટે અરજી કરી શકે છે. આ માટે નોંધાયેલ વ્યક્તિના વારસદારેઉપર પેરા(૧) માં        જણાવ્યા મુજબ નોંધણી નંબર રદ કરવા માટેની અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત નિયમ ૨૧ મુજબ નીચેના સંજોગોમાં પણ નોંધણીનંબર રદ થવા પાત્ર છે:

(૧) જ્યારે નોંધાયેલ વ્યક્તિ ધંધાકીય સ્થળ તરીકે જાહેર કરેલ સ્થળેથી ધંધો કરતો ન હોય.

(૨) જ્યારે નોંધાયેલ વ્યક્તિ કોઈપણ પ્રકારના માલ કે સેવા આપ્યા વગર માત્ર બિલ ઇસ્યુ કરતોહોય.

(૩)જ્યારે નોંધાયેલ વ્યક્તિએ કલમ ૧૭૧ મુજબના એન્ટી પ્રોફીટીયરીંગની જોગવાઈઓનું ઉલ્લઘન કર્યું હોય.

(૪) તા.૨૮/૦૬/૨૦૧૯ ના નોટીફીકેશન નં. ૩૧/૨૦૧૯મુજબ નિયમ ૧૦એમાં ઉલેખ્ખ કર્યા  પ્રમાણે નોંધણી નંબર લીધાના ૪૫ દિવસ અથવા કલમ ૩૯ મુજબની પત્રક ભરવાનીસમયમર્યાદા બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીમાં કોમન પોર્ટલ પર બેંક ખાતાની વિગતો રજૂકરી ન હોય.

સીજીએસટી કાયદાની કલમ ૨૯(૩) મુજબજ્યારે નોંધણી નંબર રદ કરવામાં આવે ત્યારે જે નોંધાયેલ વ્યક્તિનો નોંધણી નંબર રદ કરવામાં આવે છે તેની આ અધિનિયમ હેઠળની વેરો ભરવાની જવાબદારીને કોઈ અસર થતી નથી.

સીજીએસટી કાયદાની કલમ ૨૯(૪) મુજબસીજીએસટીકાયદા હેઠળ નોંધણી નંબર રદ થયેલ હોય તો એસજીએસટી કાયદા હેઠળ પણ નોંધણી નંબર રદ થયેલ છે તેમ માની લેવામાં આવશે.

જ્યારે નોંધણી નંબર રદ કરવા માટે અરજી કરવામાં આવે ત્યારે દરેક નોંધાયેલ વ્યક્તિએ જે તારીખે નોંધણી નંબર રદ કરવામાં આવે તે તારીખે સ્ટોકમાં રહેલ ઈનપુટ, અર્ધતૈયાર માલ તથા તૈયાર માલમાં સમાવિષ્ટ ઈનપુટ, તેમજ મૂડીગત માલ જેવા કે પ્લાન્ટ મશીનરીમાં સમાવિષ્ટ ઈનપુટ (ટકાવારી મુજબ) વેરા જેટલી વેરા શાખ અથવા આવા માલના વેચાણ પર ભરવાપાત્ર વેરો બેમાંથી જે વધુ હોય તે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર અથવા ઈલેક્ટ્રોનિક કેશ લેજરમાં ઉધારીને ભરવાની રહેશે.CBICના તા.૨૬/૧૦/૧૮ના સરક્યુલર નં.૬૯/૪૩/૨૦૧૮ મુજબ આ રકમ નોંધણી નંબર રદ કરવા માટેની અરજી સમયે ઉધારેલ ન હોય તો ફાઈનલ રીટર્ન FORM GSTR-10 ભરતી વખતે પણ ઉધારી શકાશે.

અંતિમ પત્રક (ફાઇનલ રીટર્ન):

જ્યારે નોંધાયેલ વ્યક્તિનો નોંધણી નંબર રદ કરવામાં આવ્યો હોય ત્યારેતેણે (ઈનપુટ સર્વિસડિસ્ટ્રીબ્યુટર, બિનરહીશ કરપાત્ર વ્યક્તિ તથા ઉચ્ચકવેરો ભરનાર વ્યક્તિ સિવાય) નોંધણી નંબર રદ કર્યા તારીખ અથવા રદ કર્યાનો આદેશ થયા તારીખ બેમાંથી જે મોડુ હોય ત્યારથી ત્રણ મહિનામાં ફાઇનલ રીટર્ન કોમન પોર્ટલ પર FORMGSTR– 10 માં ભરવાનું રહે છે.

રદ કરેલ નોંધણી નંબર રદબાતલ કરવા બાબત ( રીવોકેશન ):

જ્યારે કોઈ નોંધણી નંબર નોંધાયેલ વ્યક્તિની અરજીના આધારે નહીં પરંતુ યોગ્ય અધિકારી દ્વારા આપમેળે રદ કરવામાં આવેલ હોય ત્યારે નોંધયેલ વ્યક્તિ કે જેનો નોંધણી નંબર રદ કરવામાં આવ્યો હોય તે રદ કરેલ નોંધણી નંબર રદ બાતલ કરવા (રીવોકેશન)માટે FORM GSTREG-21 માં નોંધણી નંબર રદ કર્યાના આદેશની બજવણીની તારીખથી 30 દિવસમાં અરજી કરી શકે છે. જો પત્રક તથા વેરો ન ભરવાના કારણે નોંધણી નંબર રદ કરવામાં આવ્યો હોય તો જે નોંધાયેલ વ્યક્તિનો નોંધણી નંબર રદ કરવામાં આવ્યો હોય તેણે રીવોકેશનની અરજી કરતાં પહેલા તમામ પત્રક તથા વેરો દંડ તથા વ્યાજ સહિત ભરપાઈ કરેલ હોવા જોઈએ.

રીવોકેશનની અરજી ચકાસ્યા બાદ યોગ્ય અધિકારીને જો અરજી સંતોષકારક જણાય તો તે FORM GST REG – 22 માં નોંધણી નંબર રદ કર્યાના આદેશને રદબાતલ કરતો આદેશ અરજી મળ્યા તારીખથી 30 દિવસમાં પસાર કરશે અને જો અરજી સંતોષકારક ન જણાય તો તે FORMGST REG – 23 માં નોંધણી નંબર રદ કર્યાના આદેશને રદબાતલ કરતી અરજી નામંજૂર શા માટે ન કરવી તેની કારણદર્શકનોટિસ આપશે. જેનો જવાબ નોંધાયેલ વ્યક્તિએ દિવસ –૭માં FORM GST REG -24 માં આપવાનો રહેશે. આ જવાબ મળ્યા પછી યોગ્ય અધિકારી કામકાજના દિન – 30 માં અરજીનો નિકાલ કરશે. જો જવાબ સંતોષકારક ન જણાય તો તેના કારણોની લેખિતમાં નોંધ કરી FORM GST REG– 05માં અરજી નામંજૂર કર્યાનો આદેશ કરી વેપારીને જાણ કરશે.

એડિટર નોટ: જી.એસ.ટી. કાયદા ની જોગવાઇઓ માં નોંધણી દાખલો રદ કરવા અંગે ની જોગવાઈ ને ખાસ ધ્યાન થી સમજી રદ અંગે ની અરજી કરવી જરૂરી છે. આ અંગે સુરત ના એડવોકેટ શ્રી ધવલભાઈ એચ. પટવા નો લેખ આપ સૌ વાચકો ને ખૂબ ઉપયોગી નીવડશે તેવી આશા.

error: Content is protected !!