જી.એસ.ટી. કાયદા હેઠળ એડવાન્સ રૂલિંગ, જોગવાઈ સારી પણ અમલવારી માં ઉણપ???

Spread the love
Reading Time: 2 minutes

તા. 06.11.2019: જી.એસ.ટી. કાયદા હેઠળ પોતાની પ્રોડક્ટ કે સર્વિસ ક્યાં દરે “ટેકસેબલ” બનશે, કોઈ વ્યવહાર વેરાપાત્ર બનશે કે નહીં?, ટાઈમ ઓફ સપ્લાય કે પ્લેસ ઓફ સપ્લાય નક્કી કરવા, ઈન્પુટ ક્રેડિટ મળશે કે નહીં વગેરે પ્રશ્નો અંગે એસેસમેંટ થયા પૂર્વે, સરકારી વલણ તથા અર્થઘટન જાણવા અને ભવિષ્ય ની તકલીફ નિવારવા એડવાન્સ રૂલિંગ ની જોગવાઈ જી.એસ.ટી. કાયદા હેઠળ કરવામાં આવેલ છે.  આ જોગવાઈ એ જી.એસ.ટી. કાયદા હેઠળ ખૂબ મહત્વ ની જોગવાઈ છે.

આ એડવાન્સ રૂલિંગ હેઠળ એવા મુદ્દા ઉપર અરજી કરી શકાય નહીં જે મુદ્દો અગાઉ એસેસમેન્ટ, અપીલ વગેરે માં જે તે અરજદાર ના કિસ્સામાં નિર્ણયાધીન હોય. એડવાન્સ રૂલિંગ હેઠળ ની અરજી જી.એસ.ટી. કાયદા ની કલમ 97 હેઠળ કરવાની રહે છે. આ અરજી કેવી રીતે કરવી, એ અંગે નિર્ણય કેવી રીતે કરવો, એ અરજી નો નિકાલ કેવી રીતે તથા કેટલા સમયમાં કરવો તે અંગેની વિધિ આ કાયદા ની કલમ 98 હેઠળ આપવામાં આવેલ છે. આ કલમ હેઠળ અરજી મળ્યે થી 90 દિવસ માં તેનો નિકાલ “એડવાન્સ રૂલિંગ ઓથોરીટી” દ્વારા કરી આપવાનો રહે છે.

“એડવાન્સ રૂલિંગ” અરજીઓ નો નિકાલ 90 દિવસ માં કરવો ફરજિયાત હોવા છતાં અમુક રાજ્યો માં એડવાન્સ રૂલિંગ ઓથોરીટીઆ 90 દિવસ ની સમય મર્યાદા માં ઓર્ડર ના કરતાં હોવાની ફરિયાદ વ્યાપક પ્રમાણમાં ઉઠી રહી છે. ગુજરાત એડવાન્સ રૂલિંગ દ્વારા આ 90 દિવસ ની સમય મર્યાદા જાળવવામાં આવતી ના હોવા અંગે પણ વ્યાપક પ્રમાણમા ફરિયાદો ઉઠી રહી છે. ટેક્સ ટુડે સાથે વાત કરતાં એડવોકેટ અવિનાશ પોદ્દાર જણાવે છે કે ગુજરાત એડવાન્સ રૂલિંગ ઓથોરીટી દ્વારા આ 90 દિવસ ની મર્યાદા  નો ભંગ ઘણા કેસોમાં થઈ રહ્યો છે. આ સમય મર્યાદા માં ઓર્ડર થતાં ના હોવાથી એડવાન્સ રૂલિંગ ની જોગવાઇઓ ખૂબ સાર્થક હોવા છતાં નિરર્થક બની રહી છે. તેઓ ગુજરાત એડવાન્સ રૂલિંગ સત્તાધિકારીઓ ને ખાસ અપીલ કરે છે કે કાયદામાં પ્રસ્થાપિત સમય મર્યાદામાં આ અરજીઓ નો નિકાલ કરવામાં આવે.

જી.એસ.ટી. કાયદા હેઠળ કરદાતા એ ભરવાના થતાં રિટર્ન, ઓડિટ, ટેક્સ વગેરેમાં જો મોડુ કરવામાં આવે તો આ માટે મોટા દંડ (લેટ ફી) તથા વ્યાજની જોગવાઈ કરવામાં આવેલ છે. પણ જો સરકાર તરફે કાયદા ની જોગવાઈ નું પાલન ના કરવામાં આવે તો તેમના ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી. જૂની “બ્રિટિશ સિસ્ટમ” માં કહેવાતું કે “King Can Do No Wrong”, શું હજુ આ કહેવત ને માની ને સરકાર કે અધિકારીઓ માટે આ લાગુ પડી રહ્યું છે??? એડવાન્સ રૂલિંગ ના ઓર્ડર સમયસર કરવામાં ના આવે તો એની ઉપયોગિતા રહેતી નથી. એ સમજી શકાય તેવી બાબત છે કે જી.એસ.ટી. કાયદો નવો હોય, એની અમલવારીમાં થોડી મુશ્કેલીઓ આવી રહી છે. આશા રાખીએ કે “Justice Delayed is Justice Denied” ની ઉક્તિ સમજી એડવાન્સ રૂલિંગ ના ઓર્ડર સમયસર કરવામાં આવે તેવી માંગ ટેક્સ પ્રોફેશનલ્સ તથા કરદાતાઓ માં ઉઠી રહી છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!