જી.એસ.ટી. કાયદા હેઠળ જાહેરનામા દ્વારા COVID-19 ના કારણે મુદતમાં થયો છે વધારો.. પણ “પોર્ટલ” હે કી માનતા નહીં……….

Spread the love
Reading Time: 2 minutes

તા. 11.06.2020: COVID-19 મહામારીએ માત્ર ભારતજ નહીં પણ સમગ્ર વિશ્વને પોતાના ભરડાંમાં લીધેલ છે. છેલ્લા અઢી મહિના જેવા સમયથી દુનિયા લગભગ ઠપ થઈ ગઈ હોય તેવો માહોલ ઊભો થયો છે. ભારતમાં પણ માર્ચના અંત ભાગમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લગભગ 01 જૂન સુધી (અનેક વિસ્તારોમાં તો આજે પણ) લોકડાઉન સંપૂર્ણ રીતે અમલી હતું.

કોઈ પણ ટેકસેશન કાયદા માટે માર્ચ મહિનો અતિ મહત્વનો હોય છે. જી.એસ.ટી. કાયદા હેઠળ પણ માર્ચ માહિનામાં અનેક કામગીરીઓ કરદાતાઓ એ કરવાની રહેતી હોય છે. લોકડાઉન ના કારણે આ કામગીરીઓ કરવાં અંગે કરદાતાઓ માં ભય કે ચિંતા નો માહોલ ઊભો ના થાય તેના કારણે સમયસર નાણાં મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જી.એસ.ટી. હેઠળ મોટા ભાગની મુદતોમાં વધારો કરવામાં આવ્યો હતો. આ અંગે ના જાહેરનામા (નોટિફિશન) પણ ખૂબ સમયસર બહાર પાડી દેવામાં આવ્યા હતા. આ અંગે જાહેરનામું 35/2020, તારીખ 03 એપ્રિલ 2020 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા દ્વારા 20 માર્ચથી માંડી ને 29 જૂન સુધી કરવાની થતી મોટાભાગની જી.એસ.ટી. હેઠળ ની વિધિઓની મુદત 30 જૂન સુધી વધારવામાં આવેલ છે. આ વધારો કંપોઝીશનમાંથી બહાર નીકળી રેગ્યુલર દરે વેરો ભરવા ઇચ્છતા કરદાતાઓ ને પણ લાગુ પડે. આ કરદાતાઓએ પોતાના સ્ટોક ઉપરની ક્રેડિટ લેવા માટે  જી.એસ.ટી. નિયમોના નિયમ 40 હેઠળ ITC-01 ફોર્મ, ક્રેડિટ લેવા હક્કદાર બન્યાના 1 મહિના ની અંદર ભરવાનું રહે છે. આ જાહેરનામું 35 એ આ મુદતને પણ લાગુ પડે અને આ મુદત 30 જૂન સુધી વધી ગઈ છે તેમ માનવનું રહે. પરંતુ જી.એસ.ટી. પોર્ટલ આ જાહેરનામા મુજબ વર્તતું ના હોવાની રાવ કર વ્યવસાયિકો કરી રહ્યા છે. ટેક્સ ટુડે સાથે વાત કરતાં પોરબંદર ના અગ્રણી ટેક્સ એડવોકેટ કેયૂર શાહ જણાવે છે કે “સંપૂર્ણ લોકડાઉન ના કારણે કરદાતા, તેના એકાઉન્ટન્ટ તથા વકીલ તમામ માટે ઓફિસે જવું શક્ય ના હતું. આ ફોર્મ ની મુદત પણ વધી ગયેલ છે તેમ માની લેવામાં આવ્યું હતું. પરંતુ હવે જ્યારે લોકડાઉન બાદ ઓફિસો શરૂ થતાં આ અંગે પોર્ટલ પર ફોર્મ ભરવા પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે “પોર્ટલ” એ નોટીફીકેશન મુજબ વધારાની મુદત આપતું નથી. આ કારણે કરદાતાઓ એ મોટી નુકસાની ભોગવવી પડી રહી છે”.

આજ પ્રકારે નોંધણી દાખલો રદની અરજી, સુધારા અરજી જેવા અનેક પ્રશશનિક કામગીરીઓ માં પણ આ નોટિફિકેશન મુજબ વધારો આપવામાં આનાકાની થઈ હોવાની ફરિયાદો મળી રહી છે. આ અંગે ટેક્સ ટુડે ના સ્પેશિયલ જી.એસ.ટી કરસપોન્ડન્ટ CA મોનિષ શાહ એ ખાસ જણાવ્યું છે કે CA એસોસિયેશન અમદાવાદ (CAAA) દ્વારા એક વિગતવાર રજુઆત રાજ્યના જી.એસ.ટી. કમિશનર ને કરવામાં આવેલ છે. આ નોટિફીકેશન મુજબ તમામ મુદતો નો વધારો સ્વીકારી પોર્ટલ તથા અધિકારીઓ વ્યાવહારિક મુશ્કેલીઓ સમજી અર્થઘટન કરે તેવી આશા કરદાતાઓ તથા કર વ્યવસાયિકો કરી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

error: Content is protected !!