જી.એસ.ટી. કાયદા હેઠળ બિલ બનાવવા અંગે ના નિયમો અંગે અવારનવાર પૂછાતા પ્રશ્નો (FAQ on Invoice)
ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
જી.એસ.ટી. કાયદા ની કલામ 31 બિલ બનાવવા અંગેની છે. નિયમ 46 થી 54 માં બિલ બનાવવા અંગે ના નિયમો સૂચિત કરવામાં આવ્યા છે. નીચેના પ્રશ્નો અસીલો દ્વારા અવારનવાર પુછવામાં આવતા પ્રશ્નોઉપરોક્ત નિયમો ઉપરથી તૈયાર કરવામાં આવ્યા છે.
- જી.એસ.ટી. કાયદા હેઠળ બિલ ના કેટલા પ્રકાર છે?
જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ બિલ ના મુખ્યત્વે બે પ્રકાર છે.
- ટેક્સ ઇંવોઇસ
- બિલ ઓફ સપ્લાય
- મારે ક્યાં કિસ્સાઓ માં ટેક્સ ઇંવોઇસ આપવાનું રહે?
જવાબ: કોઈ પણ નોંધાયેલ વેપારી, કરપાત્ર માલ નું વેચાણ કરે તેવા સંજોગોમાં તેણે ખરીદનારને ટેક્સ ઇંવોઇસ આપવાનું રહે.
- ટેક્સ ઇંવોઇસ મારે માલ ની ડિલિવરી સમયે જ બનાવવાનું રહે કે તે પહેલા હું આ બિલ બનાવી શકું?
જવાબ: ટેક્સ ઇંવોઇસ એ માલ ની ડિલિવરી આપતા સમયે અથવા તો એ પહેલા બનાવવા નું રહે.
- મારી કરિયાણા ની દુકાન છે. આ ઉપરાંત મારી એક દૂકાન ભાડે પણ આપી છે. શું મારે દુકાન ભાડા બાબતે પણ બિલ બનાવવું પડે? જો હા તો ક્યાં પ્રકાર નું બિલ બનાવવા નું રહે તથા આ બિલ ક્યારે બનાવવા નું રહે?
જવાબ: હા, દુકાન ભાડે આપવા બાબતે કરપાત્ર સેવા પૂરી પડતાં કરદાતા એ ટેકસ ઇંવોઇસ આપવાનું રહે. આ બિલ સેવા પૂરી પડ્યા પહેલા અથવા પછી આપી શકાય છે.
- શું મારે નાનામાં નાની રકમ માટેનું બિલ બનાવવું પડે?
જવાબ: 200/- રૂ થી નીચેની રકમ નું B2C (કંસયુમર ને) બિલ બનાવવું ફરજિયાત નથી. 199/- સુધીનું વેચાણ હોય તેના માટે દિવસ પ્રમાણે એક બિલ બનાવી લેવું જોઈએ. ઉદાહરણ તરીકે જો આપના 31 માર્ચ 2020 ના રોજ ના 199 સુધી ના 10 વેચાણો થયેલ હોય તો તેની કુલ રકમ નું એક બિલ બનાવી લેવું જોઈએ.
- શું કરમુક્ત માલ વેચાણ કરું ત્યારે પણ ટેક્સ ઇંવોઇસ બનાવવું પડે?
જવાબ: ના, માત્ર કરમુક્ત માલ નું વેચાણ કરવામાં આવે ત્યારે બિલ ઓફ સપ્લાય આપવાનું રહે.
- હું વેચનાર કંપોઝીશનની પરવાનગી ધરાવું છું. શું મારે ખરીદનારને ટેક્સ ઇંવોઇસ આપવાનું રહે?
જવાબ: ના, કંપોઝીશન ની પરવાનગી ધરાવતો વેપારી ખરીદનાર ને ટેક્સ ઇંવોઇસના આપી શકે. તેણે ખરીદનાર ને બિલ ઓફ સપ્લાય આપવાનું રહે.
- હું વેચનાર કંપોઝીશન સિવાય નો વેપારી છું. મારા ખરીદનાર કંપોઝીશન હેઠળ ના વેપારી છે? શું મારે તેમણે પણ ટેક્સ ઇંવોઇસ બનાવવા નું રહે?
જવાબ: હા, નોર્મલ વેપારીએ (કંપોઝીશન) સિવાયના વેચનારએ કંપોઝીશન ધરાવતા ખરીદનારને પણ ટેક્સ ઇંવોઇસ આપવાનું રહે. એક બાબત ધ્યાન રાખવી જરૂરી છે જે કિસ્સામાં ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેવા કિસ્સાઓમાં ટેક્સ ઇંવોઇસ ફરજિયાત છે.
- મે જાંગડ માલ નું વેચાણ કરેલ છે. માલ જો ગમશે તો ખરીદનાર રાખશે અન્યથા પરત કરશે. આવા સંજોગોમાં મારે બિલ ક્યારે બનાવવાનું થાય?
જવાબ: જાંગડ માલ ના વેચાણમાં બિલ બનાવવા વેચાણ સમયે અથવા તે પહેલા અથવા માલ મોકલ્યા ના 6 મહિનાની અંદર બિલ બનાવવાનું રહે.
- ટેક્સ ઇંવોઇસ નું ફોર્મેટ શું કાયદા દ્વારા જાહેર કરવામાં આવેલ છે?
જવાબ: ના, કાયદા તથા નિયમોમાં ટેક્સ ઇંવોઇસમાં કઈ કઈ વિગતો નો સમાવેશ કરવો તે જણાવેલ છે. ફોર્મેટ વેપારી પોતે પોતાની રીતે બનાવી શકે. ટેક્સ ઇંવોઇસ માં નીચે ની વિગતો નિયમ 46 મુજબ ફરજિયાત હોવી જોઈએ:
- વેચનારનું નામ: આ તકે એ યાદ રાખવું જરૂરી છે કે નો માલિકી ધોરણે ધંધો ચાલતો હોય તો માલિક નું નામ બિલ માં હોવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ધંધાનું નામ પણ લખવું જરૂરી છે. વેચનાર નું સરનામું તથા જી.એસ.ટી. નંબર પણ હોવો ફરજિયાત છે.
- બિલ માં છાપેલ નિરંતર સિરિયલ નંબર, જે એક કે એકથી વધુ સીરિઝ માં હોય શકે. બિલ બુક નવા વર્ષે નવી શરૂ કરવી હિતાવહ છે.
- બિલ ની તારીખ
- ખરીદનાર નું નામ, સરનામું તથા જી.એસ.ટી. નંબર (જો ખરીદનાર નોંધાયેલ હોય તો)
- જો ખરીદનાર બિન નોંધાયેલ હોય તો ખરીદનારનું નામ તથા સરનામું તથા માલની ડિલિવરી ક્યાં આપવામાં આવેલ છે તેનું સરનામું. જો બિલની રકમ 50000 થી વધુ હોય તો રાજ્યનો કોડ પણ લખવો જરૂરી છે.
- જો બિલ ની રકમ 50000 સુધી પણ હોય અને ખરીદનાર આગ્રહ કરે તો સ્ટેટ કોડ લખવો જરૂરી બનશે.
- HSN નંબર ( નોટિફિકેશન 12/2017 મુજબ 1.5 કરોડ સુધી નું ટર્નઓવર ધરાવતા કરદાતા માટે HSN લખવા મરજિયાત થઈ ગયા છે)
- માલ ની વિગતો.
- માલ ના કિસ્સામાં જથ્થા ની વિગતો
- કુલ રકમ
- ડિસકાઉન્ટ બાદ ની રકમ
- જી.એસ.ટી. નો દર
- જી.એસ.ટી. ની રકમ. (CGST-SGST-IGST વગેરે અલગ)
- જ્યારે આંતર રાજ્ય વેચાણ હોય ત્યારે પ્લેસ ઓફ સપ્લાય તથા રાજ્ય નું નામ.
- જ્યારે ડિલિવરીની જગ્યા બિલ ની જગ્યા થી અલગ હોય તેવા કિસ્સામાં ડિલિવરીનું સરનામું.
- બિલમાં ભારવપાત્ર ટેક્સ રિવર્સ ચાર્જ મુજબ ભરવાની હોય તો તેની વિગત.
- કરદાતા અથવા અધિકૃત વ્યક્તિની સહી.
આ જી.એસ.ટી. હેઠળ અવાર નવાર પુછવામાં આવતા પ્રશ્નો (FAQ) અંતર્ગત પ્રથમ લેખ છે. લોકડાઉન દરમ્યાન આ અંગે વધુ લેખ આપવા ટેક્સ ટુડે ટિમ દ્વારા પ્રયાસ કરવામાં આવશે.
(આ લેખ લેખત ના અંગત મંતવ્યો આધારિત છે. આ લેખ ઉપર કોઈ કરદાતાએ અથવા કોઈ વ્યક્તિએ અભિપ્રાય બાંધતા પહેલા પોતાના એડવોકેટ, C A, ટેક્સ કન્સલ્ટન્ટ ની સલાહ લેવી જરૂરી છે.)