જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો ફરી આપી દેવામાં આવશે 3 દિવસમાં!!
COVID 19 ના કારણે મુદત વધતાં નોંધણી આપવામાં કરવામાં આવતો હતો વિલંબ!!
કોવિડ-19 ના કારણે કરદાતાઓને કરવાની થતી વિવિધ વિધિઓ બાબતે સમય મર્યાદામાં રાહતો આપવામાં આવી હતી. આવીજ રીતે અધિકારીઓએ કરવાની થતી કામગીરી બાબતે પણ સમય મર્યાદામાં વધારો કરી આપવામાં આવ્યો હતો. આ વધારાના કારણે સામાન્ય રીતે જે નોંધણી દાખલાની અરજીનો 3 દિવસમાં નિકાલ કરવામાં આવતો હતો તે અરજી મહિનાઓ સુધી ટલ્લે ચડાવવામાં આવતી હતી. આ કારણે કરદાતાઓ કે જેમણે જી.એસ.ટી. નંબર મેળવવા અરજી કરેલ હોય તેમણે મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો.
તારીખ 17 જુલાઇ 2020 ના રોજ આ અંગે સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેકસીસ એન્ડ કસ્ટમસ (CBIC) દ્વારા પત્ર બહાર પાડી જાહેર કરવામાં આવ્યું છે કે 01 ઓગસ્ટ થી તમામ અરજીઓ ફરી ત્રણ દિવસમાં ડિમ્ડ એપરુવલ આપવાનું શરૂ કરી આપવામાં આવશે. આ યાદી માં જણાવવામાં આવ્યું છે 30 જૂન 2020 સુધી આવેલ અરજીઓ નો 15 જુલાઇ સુધી નિકાલ કરી આપવામાં આવ્યો છે. હજુ જે અરજીઓ પડતર છે તે માટે એક મુહિમ ચલાવવામાં આવશે અને આ અંતર્ગત તમામ પડતર અરજીઓ નો નિકાલ 28 જુલાઈ સુધીમાં કરી આપવામાં આવશે તેવું પણ આ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
કોવિડ 19 ના લોકડાઉન ના દિવસો દરમ્યાન જી.એસ.ટી. પોર્ટલ ની ટેકનિકલ ક્ષતિઓના કારણે “ડીમ્ડ એપરુવ” થઈ ગયા હોય તેવા કરદાતાઓની “ફિઝિકલ” ચકાસણી કરવા માટેની વિગતો જે તે અધિકારીઓને મોકલી આપવામાં આવશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે.
નોંધણી દાખલા માટેની અરજીઓ માન્ય કરવામાં જે વિલંબ થઈ રહ્યો હતો તેના કારણે કરદાતાઓ તો પરેશાન હતા જ પરંતુ આ કારણે સરકારી તિજોરીને પણ માઠી અસર થઈ રહી હતી. આ મુશ્કેલી નું નિવારણ કરવા માટે બહાર પાડવામાં આવેલ આ ખુલાસાથી કરદાતાઓ અને ખાસ કરી ને કરવ્યવસાયિકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હોવાના સમાચારો મળી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે