તક્ષશિલા દુર્ઘટના ને એક વર્ષ….શ્રધ્ધાંજલી

Spread the love
Reading Time: 2 minutes

 

 

 

ચેતન ઠકરાર
+919558767835

આ દુર્ઘટના માં જીવ ગુમાવનારા માસૂમ બાળકો પ્રત્યે ની મારી ભાવના ને હું અહી શબ્દો દ્વારા વર્ણવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ઘટના ને એક વર્ષ થયું, પણ હજુ કાલે જ બની હોય એમ એ ભયાનક દ્ર્શ્યો આંખો સામે થી ઓઝલ થતા નથી. એ આગ ના ધુમાડા, એ બાળકોની ચીસો… નાસભાગ… આજે પણ રૂવાંટા ઉભા થઇ જાય છે.

સસ્તું મૌત.
એવું કહેવાય છે કે ભૂતકાળને ભૂલી એ તો વર્તમાન ને માણી શકીએ.. પરંતુ અમુક ભૂતકાળની ઘટના ક્યારેય ભૂલવા માંગતા હોવા છતાં ભૂલી શકાતી નથી. એવી જ એક ઘટના આજથી એક વર્ષ પહેલાં સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં લાગેલી આગ. આ કોમ્પલેક્ષ માં કોચિંગ ક્લાસ ચાલતા હતા..અને ત્યાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઊઠી હતી. એ આગથી અકાળે મૃત્યુ પામેલા માસૂમ વિધાર્થીઓના માતાપિતા અને અંગત ઓળખીતા સિવાય લગભગ બધાજ ભૂલી ચુક્યા હશે.જ્યારે આ હોનારત બની ત્યારે લોકોનો રોષ સરકાર તરફ, મ્યુનિસિપલ કર્મચારી, ફાયર બ્રિગેડ,બિલ્ડર અને કોચિંગ ક્લાસ સંચાલક તરફ ભભૂકી ઊઠયો હતો . સરકારે કાયદાકીય કાર્યવાહી પણ કરી હતી.
પણ પછી શું થયું? સવાલ એ નથી કે ત્યારે કેવાં પગલાં લીધા, પણ સવાલ એ છે કે એના પછી પરિસ્થિતિ સુધરી કે નહીં? મને ગર્વ છે કે આપણી પાસે દુનિયાની સહુંથી ઊંચી પ્રતિમા “સરદાર વલ્લભભાઈ પટેલ” ની પ્રતિમા છે પણસાથે દુઃખ એ વાતનું પણ છે કે આપણા દેશમાં ફાયર બ્રિગેડ પાસે 4 કે 5 માળ સુધી પહોંચવાની સીડી નથી. દરેક ન્યૂઝ પેપરના પાને આ ઘટના ને વખોડી કાઢી ને વધુ કવરેજ આપ્યું પણ પછી કોઈએ એ દિશામાં પગલાં ભરી ને તપાસ કરી કે આ ઘટના પછી આ રીતે કાયદા ની વિરુદ્ધ ચાલતા કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના સાધન આવ્યા કે નહિ!!!?
આપને ગુજરાતીઓ ભૂલી જવામાં અને માફ કરવામાં માનીએ છીએ. એની ફરી સાબિતી આપતી આ ઘટના છે. આવા સમયેસરકાર તપાસ ના આદેશ આપીને, મૃતકોને 4-5 લાખની સહાય આપીને થોડા દિલસોજી ના શબ્દો કહીને છૂટી જતી હોય છે. જ્યાં સુધી પ્રજા નહિ જાગે ત્યાં સુધી આવી ઘટનાઓ થતી જ રહેશે અને થોડા દિવસ હોબાળો મચાવીને ફરી બધું ભૂલી જશે.
જ્યારે આવી ઘટના બને ત્યારે શરૂઆત મા લોકોમાં રોષ હોય, પણ પછી? અત્યાચાર ની સામે પગલાં લેવા સરકાર આંખ આડા કાન કરતી હોય છે. આજે વર્તમાન સમયમાં સરકારે આત્મનિર્ભર જે વ્યાખ્યા આપી છે તે માટે આપને જાતે જ જાગૃતિની જ્વાળા જલાવી રાખવાની જરૂર છે. થોડા સમય નો ઉહાપોહ અને પગલાંની પરેડ કે કેન્ડલ માર્ચ કરવાં કરતાં નેતાઓને પૂછવું જ જોઈએ કે ભવિષ્યમાં આવી ઘટના ના બને એ માટે તમે શું કર્યું કે કરશો? આજે લાંચ ને રિશ્વત ના યમપાશ માં લોકો જકડાઈ ગયા છે. ત્યારે એક નાગરિક તરીકે આપણને ન્યાય નહિ મળે ત્યાં સુધી આવી ઘટનાઓ બન્યા જ કરશે.
નિર્લજ્જતા, હેવાનિયત જેવા શબ્દો થી નવાજીએ તો પણ અમુક ભ્રષ્ટ લોકોની ચામડી અજગર ની ખાલ જેવી ખરબચડી હોય છે કે તેને કાંઈ અસર નથી થતી. “એવેંજર્સ-એન્ડગેમ” માં આવા જ વિલન થેનોસ ને ખતમ કરવાં માટે બધાં સુપર હીરો / સુપર વુમન ભેગા થાય છે તેમ આપણે પણ જો સંગઠિત થઇ આવા તત્વો ને પડકારીશું તો જ આવી ઘટનાને બનતા અટકાવી શકીશું…
ખરેખર આપણે જ આત્મનિર્ભર બનવું પડશે.
સરકારને ભરોસે તો આપણા ભાગે ફક્ત અભાવ આવશે,
ભણેલાને ખુરશીઓ પર બેસાડો તો સારો પ્રભાવ આવશે,
ક્રાંતિ સમાજનોછેક છેલ્લો માણસ જ શરૂ કરે છે કાયમ,
મૌન રહીને નહીં, બગાવતથી જ જોઈતા બદલાવ આવશે. -ડો. અખ્તર ખત્રી
*******
-ચેતન ઠકરાર
+91955876783
(લેખ ની પ્રેરણા : રીટા મેકવાન)

error: Content is protected !!