પાડા ના વાંકે પડશે પખાલી ને પણ ડામ!! 01 એપ્રિલ પછી ના GST ના નવા કરદાતાઓ ના સ્થળ ની થશે તપાસ!!!

Spread the love
Reading Time: 3 minutes

ઉના, તા. 04 એપ્રિલ 2019: રાજ્ય જી. એસ. ટી. કમિશ્નર દ્વારા 02જી એપ્રિલ ના રોજ ખાતાકીય પરિપત્ર દ્વારા રાજ્ય ની તમામ જી.એસ.ટી. ઓફિસો ને સૂચના આપવામાં આવેલ છે કે નવા જી.એસ.ટી. નમ્બર મેળવતા દરેક વેપારીઓ ના ધંધા ના સ્થળ ની ચકાસણી કરવાની રહેશે. જી.એસ.ટી. ના અમલ બાદ નવો નમ્બર મેળવી જી.એસ.ટી. હેઠળ ઘણા મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી કર્યા ના અહેવાલો ના કારણે આ નિર્ણય આવેલ છે.

પરિપત્ર માં જણાવવા માં આવેલ છે કે કેટલાક વ્યક્તિ ખોટા દસ્તાવેજો તથા ખોટી માહિતી રજુ કરી નોંધણી  નમ્બર મેળવી ખૂબ ટૂંકા સમય માં બીલિંગ પ્રવૃત્તિ કરી મોટું ટર્નઓવર દર્શાવી કરચોરી કરી રહ્યા છે. ધંધા ના સ્થળે ખરેખર કોઈ ધંધો થતો હોતો નથી.  આ કારણે નોંધણી નમ્બર આપ્યા બાદ તમામ ધંધા ની ચકાસણી હાથ ધરવાની સૂચના આપવામાં આવેલ છે. સૂચના ની મુખ્ય બાબતો નીચે મુજબ છે.

1. 01 એપ્રિલ બાદ આપવામાં આવતા તમામ નોંધણી નમ્બર ના સ્થળ ની ખરાઈ કરવામાં આવશે.

2. આ સ્થળ તપાસ રાજ્ય વેરા અધિકારી અથવા નિરીક્ષક (ઇન્સ્પેકટર) કરી શકશે. પરંતુ સંવેદનશીલ ચીજ વસ્તુ જેવીકે પિતળ કે લોખંડ નો ભંગાર, તેલ તથા તેલી બિયા, સિમેન્ટ, પ્લાયવુડ, સીરામીક ટાઇલ્સ વી. ના ધંધાર્થી ના સ્થળ ની તાપસ શક્ય હોય ત્યાં સુધી અધિકારી કરશે.

3. ધંધા ના સ્થળ ની આ ચકાસણી નોંધણી દાખલો આપ્યા ના 7 દિવસ ની અંદર હાથ ધરવાની રહેશે.

4. આ ચકાસણી માં અધિકારી/નિરીક્ષકે નોંધાનિંદાખલા સાથે જોડેલ દસ્તાવેજ ની ખરાઈ કરવાની રહેશે. આ ઉપરાંત સ્થળ તપાસ સમયે હાજર વ્યક્તિ સાથે ધંધા ના સ્થળ નો ફોટો લેવાનો રહેશે.

5. તાપસ કરનાર દ્વારા નોંધણી દાખલા ની અરજી માં દર્શાવેલ ચીજ વસ્તુ, ધંધા નો પ્રકાર(ફેર વેચનાર, ઉત્પાદક વી.), ધંધા ના સ્થળ પર બોર્ડ, કંપોઝિશન હોઈ તો કંપોઝિશન અંગે નો ઉલ્લેખ કરેલ છે કે નહીં તે અંગે નોંધ કરવાની રહેશે.

6. સ્થળ તપાસ કરનાર વ્યક્તિ એ પોતાનો રિપોર્ટ સ્થળ તપાસ ના ત્રણ દિવસ માં પોર્ટલ પર અપલોડ કરી આપવાનો રહેશે.

7. સ્થળ તપાસ ના આધારે એવું ફલીત થાય કે ધંધા ના સ્થળે અરજી માં દર્શાવેલ પ્રવૃત્તિ થતી ના હોઈ અથવા કલમ 29 માં જણાવેલ કોઈ શક્યતા હોઈ તો એજ દિવસથી તેનો નોંધણી દાખલો સસ્પેન્ડ કે રદ કરી નાખવાનો રહેશે.

8. જાહેર સાહસો તથા સરકારી કંપનીઓ ને આ સ્થળ તપાસ માંથી મુક્તિ આપવામાં આવેલ છે.

કરચોરી કરતા ધંધાર્થીઓ સાથે કડક રીતે કામ લેવું જોઈએ એ અંગે કોઈ બે મત નથી. અવારનવાર જી.એસ.ટી ચોરી ના મોટા કૌભાંડ બહાર આવે છે જે નાથવા ખૂબ જરૂરી છે. પણ પરિપત્ર ના અમલ થી નીચે મુજબ ની મુશ્કેલી પડી શકે છે.

1. તમામ નોંધણી નમ્બર ની સ્થળ તપાસ ના કારણે રાજ્ય જી.એસ.ટી ખાતા નું કામ નું ભારણ ખૂબ વધી જશે. ખાસ કરી ને ચૂંટણી દરમ્યાન આ બાબતે વધુ મુશ્કેલી પડશે તેવું જણાઈ રહ્યું છે.

2. નાના-નાના વેપારીઓ સ્થળ તપાસ ના ડર થી નોંધણી દાખલો લેવાનું ટાળશે.

3. ઇન્સ્પેકટર રાજ જેવી સ્થિતિ ફરી નિર્માણ પામશે તથા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ના સિધ્ધાંત ને ધક્કો વાગશે.

4. સેન્ટ્રલ ટેક્સ ઓફિસ માં થતી અરજી માં કોઈ સ્થળ તાપસ ના થતી હોય, સેન્ટ્રલ અને સ્ટેટ માં અલગ અલગ પદ્ધતિ અમલ માં આવશે.

5. અધિકારીઓ /નિરીક્ષકો પોતાની ઉપર જવાબદારી ના આવે તે હેતુ થી સ્થળ તાપસ અહેવાલ ભરવામાં વધુ પડતી ચીવટ રાખી, કરદાતાઓ માટે વ્યવહારિક મુશ્કેલીઓ ઉભી કરી શકે.

ટેક્સ ટુડે કમિશનરશ્રી ને પોતાના પોર્ટલ ના માધ્યમ થી અપીલ કરે છે કે જો પરિપત્ર માં નીચે મુજબ ની રાહતો આપવામાં આવે તો કરચોરી રોકવામાં પરિપત્ર ઉપયોગી રહેશેજ પરંતુ સાથે સાથે પ્રામાણિક કરદાતાઓ કનડગત થી બચી શકશે.

1. નવો નોંધણી દાખલો મેળવતા કરદાતા જેનું ટર્નઓવર માસિક ધોરણે 10 લાખ (ટર્નઓવર ચર્ચા કરી નક્કી કરી શકાય) થી વધુ થાય તો જ સ્થળ તાપસ કરવાની રહે.

2. કંપોઝિશન ની પરવાનગી ધરાવતા વેપારી માટે સ્થળ તાપસ માંથી મુક્તિ આપવામાં આવે.

3. સ્થળ તપાસ ની કામગીરી માં કરદાતા ને પરિપત્ર માં દર્શાવેલ સિવાય ના કોઈ પ્રશ્નો ના પૂછવા સ્પષ્ટ નિર્દેશ કરવો જરૂરી છે.

આશા રાખીએ કે આ પરિપત્ર થી કરચોરી આચરતા પડાઓ ના વાંકે નિર્દોષ -પ્રામાણિક કરદાતાઓ જેવા પખાલી ને ડામ નહીં પડે!!!

error: Content is protected !!
18108