ફૂલ નહીં તો પાંખડી થઈએ

Spread the love
Reading Time: < 1 minute

અંધારી રાતે ભટકેલા માટે
વાટે ચમકતી વીજળી થઈએ,
તપતા બપોરે રાહદારી માટે
ચાલ, છાંયડો આપતી લીમડી થઈએ,

ઉનાળે તરસ્યા કોઈ પંખી માટે
રણમાં મીઠી વિરડી થઈએ,
ડૂબતા જીવન બચાવવા માટે
ચાલ, નાની પણ એક નાવડી થઈએ,

ઝુંપડે ઠુંઠવાતા લોક માટે
હૂંફ આપનારી સગડી થઈએ,
વૃદ્ધ , બીમાર ને અશક્ત માટે
ચાલ, હાથ લંબાવી લાકડી થઈએ,

ગરીબના શરીર ઢાંકવા માટે
કટકો પણ કામળી થઈએ,
અનાથ બાળને હસાવવા માટે
ચાલ, બે પળ એની માવડી થઈએ,

મદદ નહિ તો મદદગાર માટે
રસ્તો ચીંધતી આંગળી થઈએ,
જીવન સુગંધી બનાવવા માટે
ચાલ, ફૂલ નહિ તો પાંખડી થઈએ.

કાજલ શાહ

error: Content is protected !!
18108