ઇન્કમ ટેક્સ હેઠળ હવે થશે ફેસલેસ એસેસમેન્ટ: આકારણી બાબતે નહીં મળવું પડે કોઈ અધિકારીને…..વાંચો આ ખાસ અહેવાલ.
13 ઓગસ્ટથી હવે ઇ એસેસમેંટના સ્થાને ફેસલેસ એસેસમેંટ
તા. 14 ઓગસ્ટ 2020: 13 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રીએ દેશના કરદાતાઓ માટે ફેસલેસ એસેસમેન્ટ તથા કરદાતા અધિકાર પત્ર લાગુ કર્યું. ફેસલેસ એસેસમેંટ વિષે વિગતવાર પરિપત્ર પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા CBDT દ્વારા ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 143(3A) તથા (3B) હેઠળ બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ નીચેની જોગવાઇઓ કરવામાં આવેલ છે:
- હાલ સુધી “ઇ એસેસમેન્ટ” તરીકે ઓળખાતી આકારણી હવે “ફેસલેસ એસેસમેંટ” તરીકે ઓળખાશે.
- આ ફેસલેસ આકારણી હેઠળ હવે કલમ 144 હેઠળના એક્સપર્ટે ઓર્ડર પણ કરી શકાશે.
- ફેસલેસ આકારણી હેઠળની નોટિસ નેશનલ ઇ એસેસમેંટ સેન્ટર આપશે.
- નેશનલ ઇ એસેસમેન્ટ સેન્ટર કરદાતાને તેમનો કેસ ચકાસણી માટે ક્યાં કારણોસર પસંદગી પામેલ છે તેની વિગતો પણ આપશે.
- નોટિસ મળ્યાના 15 દિવસમાં કરદાતાએ વિગતો સાથે જવાબ રજૂ કરવાનો રહેશે.
- જે કેસોમાં અગાઉ ઇન્કમ ટેકસ કાયદાની કલમ 142, 148 હેઠળ નોટિસ મળેલ હોય, આકારણીની પ્રક્રિયા ચાલુ હોય, તે તમામ આકારણી 13 ઓગસ્ટથી આ ફેસલેસ આકારણી હેઠળ થશે.
- દેશભરમાં એસેસમેન્ટ યુનિટ ઊભા કરવામાં આવશે. આ નોટિસ સામે મળેલ જવાબ તથા વિગતો આવા ઇ એસેમેંટ સેન્ટરને મોકલી આપવામાં આવશે.
- એસેસમેંટ યુનિટ દ્વારા વિગતો ઉપરથી કેસ ફાઇનલ કરી શકાશે, વધુ વિગતોની જરૂર હોય તો નેશનલ ઇ એસેસમેંટ સેન્ટરને કરદાતા પાસેથી મંગાવવાની વિગતો મોકલી શકશે અથવા જરૂર જણાય તો ટેકનિકલ ટીમને મોકલી શકશે.
- આ વધારાની વિગતો જો મંગાવવા આવી હોય તો આ વિગતો કરદાતાએ નિયત સમય સુધી આપી દેવાની રહેશે.
- જો આ વિગતો કરદાતાઓ દ્વારા આપવામાંના આવે તો નેશનલ ઇ એસેમેંટ સેન્ટર દ્વારા કરદાતાને કારણ બતાવ નોટિસ (શો કોઝ નોટિસ) આપવામાં આવશે.
- જો આ શો કોઝ નોટિસનો પણ જવાબ કરદાતા દ્વારા આપવામાં નહીં આવે તો એસેસમેંટ યુનિટ દ્વારા ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 144 હેઠળ ઓર્ડર પસાર કરવામાં આવશે.
- કરદાતા દ્વારા જે વિગતો આપવામાં આવી હશે તેના ઉપરથી એસેસમેંટ યુનિટ ડ્રાફ્ટ ઓર્ડર પસાર કરશે.
- આ ડ્રાફ્ટ ઓર્ડરની ચકાસણી નેશનલ ઇ એસેસમેંટ સેન્ટર દ્વારા કરવામાં આવશે.
-
- જો આ ડ્રાફ્ટ ઓર્ડર ઇ એસેસમેંટ સેન્ટરને યોગ્ય લાગશે તો તે કરદાતાને બજાવવામાં આવશે.
-
- જો એસેસમેંટ યુનિટનો ડ્રાફ્ટમાં સુધારો જરૂરી જણાયતો ઇ એસેસમેંટ સેન્ટર આ અંગે કરદાતાને કારણ બતાવ નોટિસ આપી શકે છે અને કરદાતાને શા માટે આ ડ્રાફ્ટ ઓર્ડર ફાઇનલ ના કરવામાં આવે? તે પૂછી શકે છે.
-
- જરૂરી જણાય તો આ ડ્રાફ્ટ રિવ્યુ યુનિટને મોકલી શકે છે.
- રિવ્યુ યુનિટએ આ ડ્રાફ્ટની યોગ્યતાની તપાસ કરવાની રહેશે અને નીચે પૈકી કોઈ એક નિર્ણય લેવાનો રહેશે.
- જો આ ડ્રાફ્ટ ઓર્ડર યોગ્ય જણાય તો આ અંગે નેશનલ ઇ એસેસમેંટ સેન્ટરને જાણ કરવાની રહેશે.
- જો આ ડ્રાફ્ટમાં કોઈ ફેરફાર જરૂરી લાગે તો સુધારા દર્શાવતો ડ્રાફ્ટ નેશનલ ઇ એસેસમેંટ સેન્ટરને મોકલી આપવાંનો રહશે.
- નેશનલ ઇ એસેસમેંટ સેન્ટર, રિવ્યુ યુનિટના ડ્રાફ્ટનો અભ્યાસ કરી નીચેના નિર્ણયો લઈ શકે છે.:
- જો આ ડ્રાફ્ટ ઓર્ડર ઇ એસેસમેંટ સેન્ટરને યોગ્ય લાગશે તો તે કરદાતાને બજાવવામાં આવશે.
- જો એસેસમેંટ યુનિટનો ડ્રાફ્ટમાં સુધારો જરૂરી જણાયતો ઇ એસેસમેંટ સેન્ટર આ અંગે કરદાતાને કારણ બતાવ નોટિસ આપી શકે છે અને કરદાતાને શા માટે આ ડ્રાફ્ટ ઓર્ડર ફાઇનલ ના કરવામાં આવે? તે પૂછી શકે છે.
- નેશનલ ઇ એસેસમેંટ સેન્ટરને જ્યારે રિવ્યુ યુનિટ પાસેથી કોઈ સુધારો સૂચવવામાં આવે ત્યારે તેઓએ આ ડ્રાફ્ટ ઓર્ડર રિવ્યુ યુનિટના સૂચનો સાથે અલગ એસેસમેંટ યુનિટ ને મોકલવાના રહેશે.
- નવા એસેસમેન્ટ યુનિટે ડ્રાફ્ટ ઓર્ડર અને રિવ્યુ યુનિટના સૂચનો ધ્યાને લઈ રીવાઈઝ ઓર્ડર તૈયાર કરી નેશનલ ઇ એસેસમેંટ સેન્ટરને મોકલવાનો રહેશે.
- આ રિવાઈઝડ ડ્રાફ્ટમાં જો કરદાતા વિરુદ્ધ કોઈ સુધારો ના હોય તો નેશનલ ઇ એસેસમેંટ સેન્ટર આ ઓર્ડર કરદાતાને બજાવી આપશે.
- આ રિવાઈઝડ ડ્રાફ્ટમાં જો કરદાતા વિરુદ્ધ સુધારો કરવામાં આવ્યો હોય તો નેશનલ ઇ એસેસમેંટ સેન્ટર કરદાતાને કારણ બતાવ નોટિસ આપશે. આ નોટિસનો જવાબ કરદાતાએ નિયત સમયમાં આવનો રહેશે.
- નેશનલ ઇ એસેસમેંટ સેન્ટર ઓનલાઈન આકારણીની વિધિ સમાપ્ત થઈ ગયા પછી એસેસમેન્ટ ના તમામ રેકોર્ડ્સ ઇલેક્ટ્રોનિક્લી જે તે જ્યુરિસડિકશન ઓફિસરને તબદીલ કરી આપશે.
- નેશનલ ઇ એસેસમેંટ સેન્ટરના પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર અથવા પ્રિન્સિપાલ ડાયરેક્ટર જનરલ, ને જરૂર જણાય તો CBDTની મંજૂરી લઈ કોઈ પણ કેસ, કોઈ પણ તબક્કા ઉપર હોય, જે તે જ્યુરિસડીકશન ઓફિસરને તબદીલ કરી શકશે.
- ફેસલેસ એસેસમેન્ટ ની આ સંપૂર્ણ કામગીરીમાં નેશનલ ઇ એસેસમેંટ સેન્ટર, કરદાતા, કરદાતાના અધિકૃત વ્યક્તિ, એસેસમેંટ યુનિટ, રિવ્યુ યુનિટ વચ્ચે થતી કામગીરીઓ ઈલેક્ટ્રોનિક રીતેજ કરવાની રહેશે.
- કરદાતાએ પોતાના દ્વારા આપવાની વિગતો ડિજિટલ સિગ્નેચર દ્વારા અથવા તો ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ દ્વારા પ્રમાણિત કરવાની રહેશે. જે કરદાતાઓએ પોતાનું રિટર્ન ડિજિટલ સિગ્નેચર વડે ભરવાનું થાય છે તે કરદાતાઓ એ EVC ની જગ્યાએ ડિજિટલ સિગ્નેચર વાપરવી ફરજિયાત રહેશે.
- કરદાતા અથવા તેમના અધિકૃત વ્યક્તિ, પર્સનલ હિયરિંગની માંગણી કરી શકશે. જે તે એસેસમેંટ યુનિટના ચીફ કમિશ્નર અથવા ડાયરેક્ટર જનરલ આ અંગે ખાસ સંજોગોમાં પરવાનગી આપી શકે છે. આ સંજોગોમાં પર્સનલ હિયરિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવાનું રહેશે.
- આ નોટિફિકેશન દ્વારા CBDT એ પ્રિન્સિપાલ કમિશ્નર અથવાતો પ્રિન્સિપાલ ડાયરેક્ટર જનરલને આ અંગે “સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર” બહાર પાડવા અધિકૃત કરવામાં આવ્યા છે.
ફેસલેસ એસેસમેંટમાં ઊભી થશે આ મુશ્કેલીઓ:
ઇ એસેમેંટનું નામ ફેસલેસ એસેસમેંટ કરવાથી કરદાતાઓને ખાસ ફેર પડશે નહીં. જરૂરી છે આકારણી પદ્ધતિઓમાં માનવીય અભિગમની, કરદાતાની સમસ્યા પણ સમજવાની અને જમીની વાસ્તવિક્તા સ્વીકારવાની. આ ફેસલેસ આકારણી તે ચોક્કસ આવકારીએ છીએ પણ તેમાં જમીની સ્તરે પડતી મુશ્કેલીઑ સમજી તેનું નિરાકરણ કરવું જરૂરી છે. આ મુશ્કેલીઓમાં મુખ્યત્વે નીચેની સમસ્યાઓ ગણી શકાય:
- હાલ નોટિસ ઇ મેઈલ દ્વારા આપવાની પદ્ધતિ અમલમાં છે. ખાસ કરીને નાના ગામોમાં આ પ્રકારે ઇ મેઈલ કરદાતાઓ વાપરતા હોતા નથી. ઇ મેઈલ જેમના ઉપર બજે તેઓ જો કરદાતાને ના જણાવે તો કરદાતા મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
- ઘણા કરદાતાઓ હજુ પોતાનું નામું પોતાની માતૃ ભાષામાં લખતા હોય છે. હવે જ્યારે દેશમાં ગમે ત્યાં આ આકારણી ફાળવવામાં આવશે ત્યારે આ પ્રકારના નામા કેવી રીતે જોઈ અને સમજી શકાશે એ પ્રશ્ન છે. આ બાબતે દર વખતે ભાષાંતર કરવું કરદાતા માટે શક્ય જ ના બને.
- આવી રીતે ઘણા ખરા રાજ્યોમાં મિલ્કત દસ્તાવેજની નોંધણી માતૃભાષામાં થતી હોય છે. જ્યારે રાજ્ય બહાર આ આકારણી થતી હોય છે ત્યારે તે માતૃભાષાના દસ્તાવેજો અધિકારીઓ માટે વાંચવા કે સમજવા સહેલા નથી હોતા. તેવીજ રીતે કરદાતાઓ માટે પણ આ દસ્તાવેજોનું ભાષાંતર કરવું મોંઘું અને અઘરું રહેતું હોય છે.
- પર્સનલ હિયરિંગમાં પણ આ પરિસ્થિતી ઊભી થઈ શકે કે જ્યાં કરદાતા કે તેમના અધિકૃત વ્યક્તિ અધિકારીને પોતાની બાબત અસરકારક રીતે સમજાવી ના શકે.
આ ફેસલેસ સ્કીમમાં ઉપરની સમસ્યાઓ માટે નીચે મુજબ સમાધાન પણ સૂચવવામાં આવ્યા છે.
- નેશનલ ઇ એસેસમેંટ સેન્ટર દ્વારા જે નોટિસ આપવામાં આવે તે રિટર્નમાં દર્શાવેલ ઇ મેઈલ ઉપર પણ આપવામાં આવે. આ ઉપરાંત SMS દ્વારા પણ કરદાતાને જાણ કરવામાં આવે. હવે તો વોટ્સ એપ ઉપર પણ નોટિસ બજાવવાની સિસ્ટમ શરૂ કરવી શક્ય છે. હાલ, એવું જાણવા મળ્યું છે કે નોટિસો માત્ર કરદાતાના ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર નોંધાયેલ ઇ મેઈલ ઉપર મોકલવામાં આવે છે.
- ભાષાંતરની સમસ્યા નિવારવા તમામ એસેસમેંટ યુનિટમાં અલગ અલગ ભાષા જાણનારા વ્યક્તિઑની ટિમ બનાવવી જોઈએ જેથી કરદાતા ની વિગતો અને રજૂઆતો આ પ્રકારના વ્યક્તિઓ દ્વારા અધિકારી સુધી પહોચાડી શકાય.
આ ફેસલેસ આકારણી બાબતે તકલીફો પડી શકે છે. પણ એ બાબતે બેમત નથી કે સરકારનો ઉદેશ ખૂબ સારો છે અને ભવિષ્યમાં ભારતીય કરપ્રણાલી પારદર્શક બનાવવા આ વ્યવસ્થા ચોક્કસ ઉપયોગી બનશે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે