ગુજરાત વેરા સમાધાન યોજના ની મુદત વધારવામાં આવી: સાથે કરવામાં આવ્યા મહત્વ ના સુધારા: વાંચો આ વિશેષ લેખ
ગુજરાત વેરા સમાધાન યોજના ની મુદત વધારવામાં આવી: સાથે કરવામાં આવ્યા મહત્વ ના સુધારા: વાંચો આ વિશેષ લેખ
By Bhavya Popat, Editor
તા. 12.12.2019: વેરા સમાધાન યોજના માં ફેરફાર જરૂરી છે આ અંગે અવારનવાર સરકાર માં વિવિધ વેપારી એશોશીએશન, ટેક્સ પ્રેકટીશનર એશોશીએશન દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી. આ અંગે યોગ્ય વિચારણા ના અંતે 06 ડિસેમ્બર 2019 ના રોજ સુધારેલું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા ની સરળ ભાષા માં સમજૂતી આપવાનો પ્રયાસ આ લેખ માં કરવામાં આવ્યો છે.
- આ જાહેરનામાં નો ઠરાવ ક્રમાંક: જીએસટી-૧૦૨૦૧૯-૧૦૦૬-ઠ, તા. ૦૬.૧૨.૨૦૧૯ છે.
- આ અગાઉ બહાર પાડવામાં આવેલ ઠરાવ ક્રમાંક જીએસટી૦૧૨૦૧૯-૧૦૦૬-ઠ ને રદ કરી ઠરાવ નવેસરથી બહાર પાડવામાં આવ્યો છે.
- ૧૫.૦૯.૨૦૧૯ થી આ નવા ઠરાવ ની તારીખ સુધી કરવામાં આવેલ અરજીઓ આ ઠરાવ ની જોગવાઈ મુજબ થયેલ છે તેમ માનવમાં આવશે.
- આ કાયદા હેઠળ નીચેના કાયદાઑ ની બાકી વસૂલાત ને આવરી લેવામાં આવે છે.
૧. ગુજરાત વેચાણવેરા કાયદો ૧૯૬૯
૨. ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા અધિનિયમ, ૨૦૦૩ (વેટ)
૩. ધી મુંબઈ સેલ્સ ઓફ મોટર સ્પિરિટ ટેક્સેશન એક્ટ, ૧૯૬૭
૪. ગુજરાત પરચેઝ ટેક્સ ઓન સુગરકેન એક્ટ, ૧૯૮૯
૫. કેન્દ્રિય વેચાણવેરા કાયદો ૧૯૫૬
૬. ધી ગુજરાત ટેક્સ ઓન એન્ટ્રી ઓફ સ્પેસિફાઇડ ગુડ્સ ઇનટુ લોકલ એરિયાઝ એક્ટ, ૨૦૦૧ (એન્ટ્રી ટેક્સ)
સંપાદક નોંધ:
ઉપરોક્ત પૈકી ઘણા કાયદા હેઠળ ના ઓનલાઈન ચલણ ભરવાની સગવળતા નથી. વેપારીઓ તથા વકીલ વર્ગ માં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે સેલ્સ ટેકસ અંગે ની બાકી રકમ નું ચલણ શું સેલ્સ ટેકસ ના ચલણ માંજ ભરવું પડે કે વેટ હેઠળ ના ચલણ માં ભરી શકે. બેન્કો ની સિસ્ટમ આ ચલણ સ્વીકારવા તૈયાર છે કે નહીં તે પણ ખાસ જોવું રહ્યું.
- ઉપર ના કાયદા હેઠળ ની આકારણી, ફેર આકારણી, રિવિઝન કે અપીલ ની બાકી વસૂલાત માટે આ યોજના નો લાભ મળી શકશે
- કોઈ વેપારી ની તમામ વર્ષો ના આદેશોથી ઉપષ્ઠિત થયેલ મૂળ માંગના મુજબ ની રકમ ૧૦૦ કરોડથી ઓછી હોય તો જ આ યોજના નો લાભ મળશે.
- વેપારીઓ સ્વમેળે પણ વેરાની જવાબદારી જાહેર કરીને આ યોજનાનો લાભ લઈ શકશે.
- ૩૦.૦૬.૨૦૧૯ સુધીના તમામ ધંધાકીય વ્યવહારો માટે આ યોજના નો લાભ લઈ શકશે.
સંપાદકીય નોંધ:
આ યોજના ના વ્યાપ માં રહેલ 3.1 તથા 3.2 ના મુદ્દાઓ અન્વયે નીચેના મહત્વ ના પ્રશ્ન નું અર્થઘટન કરવું જરૂરી બને છે.
3.1 વેપારી ઉપર જણાવેલ કાયદાઓ હેઠળ ની આકારણી, ફેરઆકારણી, રિવિઝન કે અપીલ ની બાકી વસૂલાત હેઠળ પડશે
3.2 જે વેપારીઓની આકારણી, ફેરઆકારણી અથવા રિવિઝનની કાર્યવાહી બાકી હોય તેવા વેપારીઓ પણ સ્વમેળે વેરાની જવાબદારી જાહેર કરી આ યોજના નો લાભ લઈ શકશે.
આ યોજના દરમ્યાન એટલેકે 06 ડિસેમ્બર થી 10 જાન્યુઆરી સુધી માં પસાર કરવામાં આવતા આદેશો ઉપર પૈકી ક્યાં વિભાગ માં પડે તે અંગે સ્પષ્ટતા થાય તે જરૂરી છે. જ્યાં સુધી આ અંગે સ્પષ્ટતા ના આવે ત્યાં સુધી વેપારીઓ એ આકારણી આદેશ પસાર થાય તે પહેલા 3.2 હેઠળ લાભ લઈ સ્વમેળે જવાબદારી જાહેર કરી દેવી હિતાવહ રહેશે.
- વેપારીઓ ને નીચે ના ભાગ માં વિભાજિત કરવામાં આવ્યા છે
- નિયમિત વેપારી
- મૂળ મંગણા મુજબ વેરા ની સંપૂર્ણ રકમ ભારે તો દંડ અને વ્યાજ સંપૂર્ણ બાદ આપવામાં આવશે.
- આ યોજનાની હેઠળ કરેલ અરજીની તારીખ પહેલા ભરેલ રકમ મૂળ મંગણા મુજબ વેરાની રકમ સામે સંપૂર્ણ પણે બાદ આપવામાં આવશે.
- જો અગાઉ ભરેલ રકમ આ યોજના માં ભરવા પાત્ર રકમ થી વધુ થતી હોય તો કોઈ પણ સંજોગો માં રિફંડ આપવામાં આવશે નહી કે અન્ય કોઈ બાકી રકમ સામે સરભર પણ કરી શકશે નહીં.
- ટર્નઓવર માં વધારો કરવામાં આવેલ હોય તેવા અન્વેષણ ના કેસો:
- મૂળ ડિમાન્ડ મુજબ ના વેરાની રકમ (ટર્નઓવર નો વધારો ધ્યાને લીધા સિવાય) ના 120% રકમ ભરવામાં આવે તો બાકી રહેતા વેરા, વ્યાજ અને દંડ નું સંપૂર્ણ રેમીશન આપવામાં આવશે.
ઉદાહરણ તરીકે: કોઈ આદેશ માં વેપારીનું વેચાણ 100 રૂ નું છે. અન્વેષણ ની કામગીરી માં આ વેચાણ ને 200 રૂ આકારવામાં આવેલ છે. આ સ્કીમ હેઠળ વેપારી જો 100 રૂ ઉપર આકારવા પાત્ર થાય તે વેરા રૂ 5 છે. તો આ સંજોગો માં વેપારી રૂ 6 નો વેરો ભરી આપે તો આ યોજના હેઠળ બાકી વ્યાજ તથા દંડનું સંપૂર્ણ રેમીશન મળવા પાત્ર થશે.
- આ યોજનાની હેઠળ કરેલ અરજીની તારીખ પહેલા ભરેલ રકમ મૂળ મંગણા મુજબ વેરાની રકમ સામે સંપૂર્ણ પણે બાદ આપવામાં આવશે.
- જો અગાઉ ભરેલ રકમ આ યોજના માં ભરવા પાત્ર રકમ થી વધુ થતી હોય તો કોઈ પણ સંજોગો માં રિફંડ આપવામાં આવશે નહી કે અન્ય કોઈ બાકી રકમ સામે સરભર પણ કરી શકશે નહીં.
- ટર્નઓવર માં વધારો થયો હોય તે સિવાય ના કેસો (ઉપર સિવાય ના અન્વેષણ ના કેસો)
- મૂળ માંગના મુજબ ના વેરાની રકમ ના 120% રકમ ભરવામાં આવે તો બાકી રહેતા વેરા, વ્યાજ અને દંડ નું સંપૂર્ણ રેમીશન આપવામાં આવશે.
- આ યોજનાની હેઠળ કરેલ અરજીની તારીખ પહેલા ભરેલ રકમ મૂળ મંગણા મુજબ વેરાની રકમ સામે સંપૂર્ણ પણે બાદ આપવામાં આવશે.
- જો અગાઉ ભરેલ રકમ આ યોજના માં ભરવા પાત્ર રકમ થી વધુ થતી હોય તો કોઈ પણ સંજોગો માં રિફંડ આપવામાં આવશે નહી કે અન્ય કોઈ બાકી રકમ સામે સરભર પણ કરી શકશે નહીં.
- જો કોઈ કિસ્સામાં ટર્નઓવર નો વધારો થયેલ હોય તથા તે ઉપરાંત 34(7) હેઠળ પેનલ્ટી પણ લાગેલ હોય તેવા કેસ આ ભાગ હેઠળ પડશે.
- ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા 2003 અન્વયે દંડ થયો હોય તેવા કેસો:
- મૂળ માંગણા મુજબ ના વેરાની રકમ (ટર્નઓવર નો વધારો ધ્યાને લીધા સિવાય) ના 120% રકમ ભરવામાં આવે તો બાકી રહેતા વેરા, વ્યાજ અને દંડ નું સંપૂર્ણ રેમીશન આપવામાં આવશે.
- આ યોજનાની હેઠળ કરેલ અરજીની તારીખ પહેલા ભરેલ રકમ મૂળ મંગણા મુજબ વેરાની રકમ સામે સંપૂર્ણ પણે બાદ આપવામાં આવશે.
- જો અગાઉ ભરેલ રકમ આ યોજના માં ભરવા પાત્ર રકમ થી વધુ થતી હોય
- તો કોઈ પણ સંજોગો માં રિફંડ આપવામાં આવશે નહી કે અન્ય કોઈ બાકી રકમ સામે સરભર પણ કરી શકશે નહીં.
- સ્વમેળે જવાબદારી જાહેર કરતાં વેપારીઓ:
- જેમની આકારણી, ફેર આકારણી કે રિવિઝન ની કાર્યવાહી બાકી હોય તેવા કેસોમાં વેપારીઓ સ્વમેળે વેરાની જવાબદારી જાહેર કરે તો તેમણે પણ આ યોજના નો લાભ મળવાપાત્ર થશે.
સંપાદક નોંધ: ઉપરોક્ત જણાવેલ કિસ્સામાં જે વેપારીઓ ના આકારણી તથા ફેરઆકારણી કે રિવિઝન ના ટાસ્ક ઊભા થઈ ગયા હોય કે ઊભા ના થયા હોય તે બંને વેપારી ના સમાવેશ થઈ જાય છે.
- સ્વમેળે જાહેર કરેલ રકમ માં વેરાની રકમ ની ભરપાઈ કરવામાં આવે તો વ્યાજ તથા દંડ નું રેમીશન આપવામાં આવશે.
- સ્વમેળે જાહેર કરેલ રકમ આકારણી, ફેરઆકારણી કે રિવિઝન માં જો કોઈ વધારનું માંગણું ઉપસ્થિત થાય તો આ રકમ કાયદા મુજબ ભરવા બહેધરી આપવાની રહશે.
સંપાદક નોંધ: અગાઉ ના ઠરાવ માં સ્વમેળે રકમ જાહેર કરનાર વેપારી અપીલ કરશે નહીં તે અંગે બહેધરી આપવા ની શરત હતી. નવા ઠરાવમાં માત્ર વેપારીએ વધારાની રકમ ભરવા બહેધરી આપવાની રહે છે. આમ, યોજના માં સ્વીકારેલ મુદ્દા સિવાય ના મુદ્દા ઉપર જો વધારાની રકમ ભરવાની આવે તો વેપારીએ અપીલ કરી શકશે તેવો મારો મત છે. પણ આ બાબતે પણ સરકાર દ્વારા અર્થઘટન બાબતે સ્પષ્ટતા થાય તે જરૂરી છે.
- આ યોજનાની હેઠળ કરેલ અરજીની તારીખ પહેલા ભરેલ રકમ મૂળ મંગણા મુજબ વેરાની રકમ સામે સંપૂર્ણ પણે બાદ આપવામાં આવશે.
- જો અગાઉ ભરેલ રકમ આ યોજના માં ભરવા પાત્ર રકમ થી વધુ થતી હોય તો કોઈ પણ સંજોગો માં રિફંડ આપવામાં આવશે નહી કે અન્ય કોઈ બાકી રકમ સામે સરભર પણ કરી શકશે નહીં.
- ફક્ત વ્યાજ દંડ ના આદેશો થયેલ હોય તેવા બોગસ બિલિંગ સિવાય ના કેસ:
- જે વેપારીઓ ના કિસ્સામાં ફક્ત વ્યાજ કે દંડ ના અથવા વ્યાજ તથા દંડ ના આદેશ થયેલ હોય પરંતુ વેપારીઓ ઉપર બોગસ બિલિંગ ના આરોપ ના હોય તેવા કેસ માં માંગણા ની રકમ ના 20% રકમ ભરવામાં આવે તો બાકી રહેતા વ્યાજ અને દંડ નું સંપૂર્ણ રેમીશન આપવામાં આવશે.
સંપાદક નોંધ: લેખક ના મતે સૌપ્રથમ વાર માત્ર વ્યાજ તથા દંડ ના આદેશો માટે સ્કીમ નો લાભ આપવામાં આવ્યો છે. આ બાબત ખરેખર આવકારદાયક છે.
અપીલ ના કેસો માં મળવાપાત્ર લાભ:
- કેન્દ્રિય વેચાણવેરા કાયદા અન્વયેની અપીલ ના કેસો:
જે વેપારીઓ ના કિસ્સામાં કેન્દ્રિય વેચાણવેરા કાયદા અન્વયે ની અપીલ ચાલુ હોય તે વેપારી આ યોજના હેઠળ લાભ લઈ શકશે.
- કેન્દ્રિય વેચાણ વેરા કાયદા હેઠળ ની અપીલ માં વેપારી ફોર્મ્સ વાર વ્યવહારો માટે લાભ લઈ શકશે.
ઉદાહરણ તરીકે જો કોઈ વેપારી ને એમ લાગતું હોય કે કોઈ પાર્ટી M/S A ના ફોર્મ્સ તે મેળવી શકશે અને બાકી ની પાર્ટી M/s B અને M/s C ના ફોર્મ્સ તે મેળવી નહીં શકે તો વેપારી M/s B અને C માટે આ યોજના નો લાભ લઈ શકશે.
- જે વેપારી ની કેન્દ્રિય વેચાણ વેરા કાયદા ને લગતી અપીલ પડતર છે તે કેસમાં વેપારીએ સંબંધિત અપીલ અધિકારી તેમજ પોતાના ઘટક અધિકારીને પોતે આ વેરા સમાધાન યોજના હેઠળ લાભ લેવા માંગે છે તેવી અરજી કરવાની રહેશે.
આ ઉપરાંત, ધારાકીય ફોર્મ્સ સિવાય ના મુદા ઉપર ની અપીલ પરત ખેંચવાની રહેશે.
ભવિષ્ય માં અપીલ દાખલ કરશે નહીં તેવી બહેધરી સમાધાન યોજનાની અરજી સાથે આપવાની રહેશે.
- જે કેસો માં કેન્દ્રિય વેચાણ વેરા કાયદા ના ધારાકીય ફોર્મ્સ અંગે અપીલ કરેલ હોય તેમાં નીચે મુજબ યાદી અપીલ અધિકારી સમક્ષ 10.01.2020 સુધીમાં રજૂ કરવાની રહેશે.
- જો ફોર્મ્સ રજૂ કરવા માંગતા હોય તેની યાદી અને ફોર્મ્સ
- જે ફોર્મ્સ રજૂ કરી ના શકતા હોય તેની યાદી
આ ઉપરાંત આ યાદી રજૂ કર્યા પછી કોઈ બીજા ફોર્મ્ રજૂ ના કરવા અને આ બાબતે બીજી કોઈ અપીલ દાખલ ના કરવા અંગે ની બહેધરી આપવાની રહેશે.
- અપીલ અધિકારીએ રજૂ થયેલ ફોર્મ્સ ની સત્યતા ની ચકાસણી TINXSYS પર અથવા જે તે રાજ્ય માંથી ફોર્મ્સ વેરિફિકેશન અહેવાલ પરથી કરવાની રહેશે.
- વેપારીએ રજૂ કરેલ ફોર્મ્સ પૈકી માન્ય કરેલ, અમાન્ય કરેલ (વેરીફાય ના થઈ શકતા), ખોટા તથા રજૂ ના કરેલ ફોર્મ્સ ની વિગતો અને તેના ઉપરનો લાગુ દરે આકારેલ વેરો અપીલ આદેશ માં અલગ થી દર્શાવીને અપીલ અધિકારી 15.02.2020 સુધી માં આદેશ કરવાનો રહેશે.
- રજૂ કરેલ ફોર્મ્સ બોગસ હશે તો કાયદા હેઠળ વેપારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે.
- વેપારીએ અપીલ આદેશ ની નકલ દિન 7 માં ઘટક કચેરી એ મોકલવાની રહેશે.
- ઉપર મુજાબ ના કેસો માં આ યોજના હેઠળ નીચે મુજબ ના લાભો આપવામાં આવશે.
- રજૂ થયેલ પરંતુ ઉપર મુજબ વેરીફે ન થયેલ ફોર્મ માટે અપીલ આદેશ માં ઊભા થયેલ વેરાના 50% રકમ આ યોજના માં ભરવામાં આવે તો બાકી રહેતો વેરો, વ્યાજ અને દંડ નું સંપૂર્ણ રેમીશન આપવામાં આવશે.
ઉદાહરણ તરીકે કોઈ વેપારી 100 રૂ ના C ફોર્મ આપેલ છે પણ તે વેરીફાય થયેલ નથી, તો તેવા કિસ્સામાં તેમણે 100 રૂ ઉપર અકરેલ વેરો રૂ 5 ના 50 ટકા એટલેકે રૂ 2.5 ભરવાથી બાકી નો વેરો, વ્યાજ અને દંડ માફ થશે.
સંપાદક નોંધ:મારા માટે C ફોર્મ બાકી હોય તેવા મોટાભાગ ના કિસ્સાઓ માં આ યોજના લાભકારી થશે. કારણકે C ફોર્મ આવે તો જે ભરવાની રકમ થતી હોય તેનાથી થોડી વધારે રકમ ભરી વેપારી બોજા મુક્ત થઈ શકશે. આ સામે H ફોર્મ, F ફોર્મ વગેરે જેવા ફોર્મ્સ કે જેમાં વેપારીએ ફોર્મ આવ્યા હોય તો કોઈ રકમ ભરવાની થતી ના હોય તેમણે આ યોજના હેઠળ પણ જવાબદારી તો પ્રમાણમા મોટી આવશે.
- ઉપર (a) સિવાય ના મુદ્દાઓ અંગે અપીલ આદેશ મુજબ નો વેરો ભરપાઈ કરવાનો રહેશે. આ વેરો ભરપાઈ થાય એટ્લે વ્યાજ અને દંડ નું રેમીશન આપવામાં આવશે.
જો અપીલ આદેશ માં ઉપરોક્ત બંને કિસ્સા મુજબ ના વેરા ભરવામાં આવે તો જ આ યોજના નો લાભ આપવામાં આવશે.
- પ્રિ ડિપોઝિટ તરીકે ભરેલ રકમ કે આંશિક ભરેલ રકમ આ યોજના હેઠળ પૂરે પૂરી જમા આપવામાં આવશે.
- ધારાકીય ફોર્મ્સ સિવાય ના અન્ય કોઈ મુદ્દા હોય તો તે પરત લઈ તેના પરનો વિવાદિત વેરો ભરવાનો રહેશે.
- ઉપર મુજબ સિવાય ના અપીલ ના કેસો માં મળવાપાત્ર લાભ:
- કેન્દ્રિય વેચાણ વેરા કાયદા સિવાયના કાયદા હેઠળ દાખલ કરેલ અપીલ ની કાર્યવાહી ચાલુ હોય તેવા કેસોમાં વેપારી સંપૂર્ણ અથવા અંશતઃ અપીલ પરત ખેંચીને આ યોજના નો લાભ લઈ શકશે.
- અંશતઃ અપીલ પરત ખેંચવાના કિસ્સામાં જે મુદ્દા પ્રત્યે અપીલ પરત ખેંચવા માંગતા હોય તેવા એક કે વધુ સંપૂર્ણ મુદ્દા માટે અપીલ પરત ખેંચી શકશે. પરંતુ એકજ મુદ્દા માટે અલગ અલગ વ્યવહારો માટે અપીલ પરત ખેંચી શકાશે નહીં. ક્યાં મુદ્દા અલગ અલગ ગણાય તેના માટે નીચે મુજબ યાદી આપવામાં આવેલ છે.
- બ્રાન્ચ ટ્રાન્સ્ફ્રરનો વેરા શાખ ઘટાડો
- આંતર રાજ્ય વેચાણ અન્વયે વેરા શાખ ઘટાડો
- માફી માલના અને જોબવર્ક ના પ્રમાણસર વેરા શાખ ઘટાડો
- ફ્યુલનો વેરાશાખ ઘટાડો
- કેપિટલ ગુડ્સ ની વેરાશાખ નામંજૂર
- વેચનાર વેપારીએ વેરો ન ભર્યા અંગે, મિસમેચ અંગે વેરશાખ ઘટાડો.
- ક્રેડિટ નોટ અન્વયે ક્રેડિટ ઘટાડો.
- કેન્સલ/એબ ઇનિશિયો કેન્સલ વેપારી પાસે થી કરેલ ખરીદી
- ઉપરોક્ત સિવાય ના વેરા શાખ ઘટાડા ના અન્ય કેસો.
- વેરપાત્ર ટર્નઓવર નક્કી કરવા બાબત નો મુદ્દો
- ચીજવસ્તુ ના વેરાના દર બાબત નો મુદ્દો
- એડિશનલ ટેક્સ ભરવા બાબત નો મુદ્દો
- ઉપર સિવાય ના તમામ મુદ્દાઓ એકજ મુદ્દો ગણાશે.
સંપાદક નોંધ: ઉપર ના મુદ્દાઓ ને સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરી સરકાર દ્વારા મુદ્દો એકજ ગણાય કે અલગ અલગ એ બાબત ના અર્થઘટન ના પ્રશ્ન ઉપર પૂર્ણવીરામ મૂકી આપ્યો છે.
- ખાતા દ્વારા કરવામાં આવેલ અપીલ ના કેસો:
સરકાર દ્વારા ટ્રિબ્યુનલ કે કોર્ટ માં અપીલ કરવામાં આવેલ હોય તેવા કેસોમાં વેપારી વિવાદિત માંગણું સ્વીકારીને યોજના મુજબ રકમ ભારે તો લાભ મળવા પાત્ર થશે.
ઉદાહરણ તરીકે કોઈ વેપારી ના કેસમાં વેરનો દર 15% આકારવામાં આવેલ છે. વેપારી દ્વારા કરવામાં આવેલ અપીલ માં આ દર 5% છે તેવું ઠરાવવા માં આવ્યું હોય. આ સામે ખાતા દ્વારા અપીલ કરવામાં આવેલ હોય. તો આવા કિસ્સામાં વિવાદિત માંગણું 15% લેખે ગણવાનું રહેશે. જો આ 15% લેખે યોજના મુજબ ભરવાની થતી રકમ સ્વીકારશે તો વેપારી ને આ યોજના નો લાભ મળી શકશે.
- અરજી કરવાનો સમયગાળો તથા તેની કર્યપદ્ધતિ:
- આ યોજના હેઠળ ની અરજી વેપારીએ 10.01.2020 સુધી માં ઓનલાઈન વેબસાઇટ commercialtax.gujarat.gov.in પર કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ની પ્રિન્ટ સાથે જરૂરી દસ્તાવેજો જેવા કે આકારણી આદેશો/ડીમાંડ નોટિસ/અપીલ આદેશો/ ભરેલ ચલણ ની નકલ લાગુ ઘટક કચેરી માં 18.01.2020 સુધીમાં રજૂ કરવાના રહેશે.
- ઘટક કચેરી માં અરજી રજૂ થયાના દિન 15 માં પરંતુ મોડમાં મોડુ 28.02.2020 સુધીમાં અરજીકર્તા ને યોજના મુજબ ભરવાની થતી રકમ ની વિગતો ઓનલાઈન જણાવવાની રહેશે.
- યોજના મુજબ રકમ ભરવા માટે ની સમયમર્યાદા:
- યોજના મુજબ ભરવાની થતી રકમ ના 10% રકમ પ્રથમ હપ્તા તરીકે 15.03.2020 સુધીમાં ભરવાની રહેશે.
- બાકીની 90% રકમ એપ્રિલ 20 થી 11 સરખા માસિક હપ્તા માં ભરવાની રહેશે.
- માસિક હપ્તા ની રકમ જે તે માસ ની અંતિમ તારીખ પહેલા ભરવાની રહેશે.
- માસિક હપ્તા ની રકમ જો માસ પૂરો થાય ત્યાં સુધી માં ના ભરી શકાય તો પછી ના મહિના ની 20 તારીખ સુધીમાં 1.5% વ્યાજ સાથે ભરી શકશે.
- જો ઉપર મુજબ રકમ ભરવામાં ચૂંક થાય તો તેવા વેપારી ને યોજના નો લાભ મળવા પાત્ર થશે નહીં અને તેમણે ભરેલ રકમ કાયદાકિયા જોગવાઈ મુજબ ગણતરી માં લેવામાં આવશે.
સંપાદક નોંધ: જો કોઈ વેપારી આ યોજના માં અરજી કરે અને ઉપર મુજબ રકમ ભરવામાં ચૂંક કરે તો તેણે ભરેલ રકમ તેના માંગણા પેટે જમા થશે પણ તેને આ યોજના નો લાભ મળી શકશે નહીં.
- યોજનાની અન્ય અગત્ય ની બાબતો:
- એક કરતાં વધુ કાયદા હેઠળ કરવામાં આવેલ એક કરતાં વધુ આદેશો પૈકી કોઈ એક અથવા એકથી વધુ આદેશો માટે આ યોજના નો લાભ લઈ શકશે.
- માલની હેરફેર કર્યા વગર વેચાણ બિલો આપવાના (બોગસ બિલિંગના) કેસોને આ યોજના હેઠળ લાભ મળશે નહીં.
- ભારત સરકાર દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવેલ વ્યક્તિ ને આ યોજના નો લાભ મળશે નહીં.
- આ યોજના અનુસંધાને કોઈ રિફંડ ઉપસ્થિત થાય તો તેવું કોઈ રિફંડ આપવામાં આવશે નહીં.
- યોજના હેઠળ ના વેરા, વ્યાજ કે દંડ રેમીશન ના આદેશો ઘટક અધિકારીએ કરવાના રહેશે.
- આ યોજના હેઠળ મળેલ અરજીની યોગ્યતા અંગે, કે ભરવાપાત્ર રકમ અંગે કે રેમીશન ની રકમ અંગે વાણિજયક વેરા કમિશ્નર નો નિર્ણય આખરી ગણાશે અને આવા નિર્ણય સામે કોઈ કોર્ટ કે સત્તાધિકારી સમક્ષ અપીલ કરી શકશે નહીં.
આ યોજના ખરેખર વેપારીઑ કે જેમના સેલ્સ ટેક્સ, વેટ વગેરે કાયદા ની રકમ ભરવાની બાકી છે તેમના માટે એક ઉતમ તક છે. મારા અંગત મતે આ યોજનાથી સારી યોજના ની શક્યતા નહિવત છે. તો તમામ બાકીદાર વેપારી ને ટેક્સ ટુડે અપીલ કરે છે કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજના નો લાભ લઈ પોતે બોજા મુક્ત બને. અત્રે એ બાબત જાણવી જરૂરી છે કે સરકારી બોજો વસૂલ કરવા સરકાર પાસે બેન્ક ટાંચ મૂકવાના, મિલ્કત ની હરરાજી કરવા જેવી સત્તા હોય છે. સાથોસાથ સરકાર ને પણ અપીલ કરવી ઘટે કે આ યોજના નો સમયગાળો જે 10 જાન્યુઆરી સુધીનો છે તેને વધારી ને 31 માર્ચ 2020 કરવો જરૂરી છે જેથી ઘણા મોટા પ્રમાણમા વેપારીઓ આ યોજના નો લાભ લઈ શકે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે