રોકડ ઉપાડ પર TDS બાબતે આવ્યો મહત્વનો ખુલાસો!! નહીં કપાઈ TDS જો થશે નીચેની શરતો પૂર્ણ…
વેપારી સંગઠનો દ્વારા કરવામાં આવેલ રજૂઆત ને માન્ય રાખતી CBDT
તા.21.07.2020: 01 જુલાઇ 2020 થી ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રોકડ ઉપાડ ઉપર બેન્કો દ્વારા TDS કપાત લાગુ કરવામાં આવ્યો છે. આ TDS ના કારણે ઘણા ધંધાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરી ને એવા ધંધાર્થી કે જેઓનો ધંધો ખેત પેદાશોનો છે. તેઓ એ પોતાના ધંધાકીય વ્યવહારમાં મોટા પ્રમાણમા રોકડ ઉપાડ કરવાનો રહેતો હોય છે. આ રોકડ ઉપાડ વડે પોતાની ખરીદીઓ માટે ખેડૂતો ને ચૂકવણી કરવાની રહેતી હોય છે. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ આ નવો નિયમ લાગુ થતાં આ ધંધાર્થીઓ ખૂબ માઠી સ્થિતિમાં મુકાઇ ગયા હતા.
આ નવા નિયમ બાબતે ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા 20 જુલાઇ 2020 ના રોજ મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ખુલાસા મુજબ આ નિયમ નીચેના ધંધાઓ માટે લાગુ પાડવામાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.
- ATM મશીન માટે કેશ મેનેજ કરતી કંપનીઓ કે જેને અગાઉ નોટિફિકેશન 68, 18.09.2019 દ્વારા મુક્તિ આપવામાં આવી હતી તેવા ધંધાર્થીઓ.
- APMC (ખેત ઉત્પાદન બજાર સમિતિ) નું માન્ય લાઇસન્સ ધરાવતા ધંધાર્થીઓ કે જેઓને અગાઉ નોટિફિકેશન 70, 20.09.2019 દ્વારા મુક્તિ આપવામાં આવી હતી.
- ફૂલ ફ્લેજ મની ચેંજર, તેના એજન્ટ તથા સબ એજન્ટો કે જેમને નોટિફિકેશન 80, તા. 15.10.2019 થી મુક્તિ આપવામાં આવેલ હતી તેવા ધંધાર્થીઓ.
ઉપરોક્ત ધંધાઓ માટે અગાઉ જાહેર થયેલ નોટિફિકેશન ની શરતો ને આધીન TDS માં મુક્તિ ચાલુ રહેશે તેવી મહત્વની જાહેરાત થતાં આ ધંધાર્થીઓ એ રાહત નો શ્વાસ લીધો છે. 01 જુલાઇ થી 20 જુલાઇ સુધી આ ધંધાર્થીઓ માટે થયેલ TDS બાબતે કોઈ ખુલાસો જોકે કરવામાં આવ્યો નથી. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે