સમાધાન યોજના: એક તક

Spread the love
Reading Time: 6 minutes

JAY V. THAKKAR

E:MAIL: jay41084@yahoo.co.in

વ્યવસાયી મિત્રો,

GST કાયદો અમલમાં આવ્યાને લગભગ 2 વર્ષનો સમય વીતી ગયેલ છે. હજુ રાજ્યવેરા ખાતામાં 2015-16 તથા ત્યારબાદની આકારણીની કાર્યવાહી ચાલુમાં છે. રાજ્ય વેરા ખાતા દ્વારા અગાઉના વર્ષોના વેટ/સેલ્સટેક્ષ કાયદા હેઠળ જે આકારણી કરવામાં આવી હોય તેમાં જે માંગણું ઉપસ્થિત કરવામાં આવેલ હોય તેમાથી ઘણા કેસોની વસૂલાત કરવાની હજુ બાકી છે. ઘણા કેસોમાં વિવાદ અરજી પડતર હોય છે અને વસૂલાત સામે મનાઈ હુકમ મળેલ હોય છે. ઘણા કેસોમાં ડિમાન્ડની રકમમાં મૂળ રકમ કરતાં વ્યાજ તથા દંડની રકમ વધુ હોય છે. આથી રાજ્યવેરા ખાતાને વસૂલાતમાં જોઇયે તેવી સફળતા મળતી નથી. અને વસૂલાત તેમજ વિવાદની કાર્યવાહી વર્ષો સુધી પડતર રહે છે. આથી વસૂલાત અધિકારી તેમજ અપીલ અધિકારીનું કામનું ભારણ હળવું થતું નથી. વસૂલાત તેમજ અપીલની કાર્યવાહીમાં અધિકારીઓનો સમય તથા શક્તિ વેડફાય છે. અને જોઈએ તેવું પરિણામ સરકારને મળતું નથી. આથી આવા કેસોનો સત્વરે નિકાલ આવે તેમજ વસૂલાતની કાર્યવાહી કરવામાથી મુક્તિ મળે તેમજ વિવાદ અધિકારીનું ભારણ પણ ઓછું થાય અને સરકારને આવક પણ થાય તે હેતુ થી ગુજરાત રાજ્યના નાણાં મંત્રી શ્રી નિતિનભાઈ પટેલ દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ બજેટમાં એક મહત્વની જાહેરાત કરવામાં આવી. વેટ/સેલ્સટેક્ષ/એન્ટ્રી ટેક્ષ/મોટર સ્પિરિટ સેસ કાયદા હેઠળની આકારણી અન્વયેની બાકી વસૂલાત માટે વ્યાજ અને દંડમાં કેટલીક રાહતો મળે તે રીતે એક વસૂલાત સમાધાન યોજના 15-ઓગસ્ટ-2019ના રોજ અમલમાં મૂકવામાં આવશે. તેમણે કરેલી જાહેરાત મુજબ જે વેપારીઓની તમામ કાયદા હેઠળની આકારણીની બાકી રકમ રૂ.૧૦૦ કરોડ થી ઓછી  હશે તે તમામ વેપારીઓને આ યોજનાનો લાભ મળશે.  આ યોજનાની વિગતવાર શરતો અંગે ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવશે.  GST કાયદો અમલમાં આવ્યા બાદ ગુજરાત સિવાય ઘણા રાજ્યોની સરકાર (રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ) દ્વારા વેટ/વેચાણવેરા માટે સમાધાન યોજના અમલમાં મુકાયેલ છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત આ અંગે જાહેરાત કરવામાં આવેલ છે.

આ અગાઉ સરકારશ્રી દ્વારા વર્ષ-2006, 2012,2016 તથા 2017 માં સમાધાન યોજના લાવવામાં આવેલ. 2006 તથા 2012 માં આવેલી યોજનામાં વેચાણ વેરા/ કેન્દ્રીય વેચાણ વેરા/એન્ટ્રી ટેક્ષ/શેરડી ખરીદ વેરા કાયદા હેઠળની વસૂલાત માટે જ લાભ મળતો હતો. જ્યારે 2016 તથા 2017 માં આવેલી યોજનામાં વેચાણ વેરા/કેન્દ્રિય વેચાણ વેરા/વેટ/મોટર સ્પીરીટ કાયદા હેઠળની વસૂલાતને પણ યોજનાનો લાભ મળવાપાત્ર હતો. યોજના સફળ થશે કે નિષ્ફળ તેનો આધાર તેમાં મૂકવામાં આવેલી શરતો પર હોય છે. 2016 માં આવેલી યોજનામાં રહેલી શરતો ખૂબ જ કઠોર હોવાથી 2016 માં સરકારને યોજનામાં જોઇયે તેવી સફળતા મળી નહોતી. આથી 2017 માં કેટલાક સુધારા સાથે ફરીથી યોજના લાવવામી આવી. અને ત્યાર બાદ અંશત: સફળતા મળી. આથી સરકારશ્રી દ્વારા મોટું મન રાખીને ઉદારવાદી યોજના લાવવામાં આવે તો યોજના સફળ બને અને સરકારને ધાર્યા મુજબ આવક પણ થાય.

મે ઉપરોક્ત અલગ અલગ વર્ષોમાં આવેલ યોજનાની શરતો અંગે અત્રે ચર્ચા કરેલ છે.

  • 2006 – વર્ષ 2006 માં લાગુ પાડવામાં આવેલ આ યોજના હેઠળ વેચાણવેરા કાયદા કરવામાં આવેલ આકારણી/ફેરઆકારણી/રિવિશન આદેશો મુજબ બાકી વેરાની રકમ પૂરેપુરી ભરપાઈ કરે તો વ્યાજ તથા દંડ તેમજ ચડત વ્યાજની રકમ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે તેવી શરત મૂકવામાં આવી. હવે આ યોજનાની શરતોમાં ક્યાય એવો ઉલ્લેખ નથી કે વેપારી દ્વારા યોજના જાહેર થઈ તે પહેલા કોઈ રકમ માંગણા પેટે ભરવામાં આવી હશે તો તે રકમ સમાધાન યોજના મુજબ ભરવાના થતાં વેરાની રકમમાં થી બાદ મળશે કે કેમ ?કોઈ ઉલ્લેખ ન હોવાથી એવું માની શકાય કે આવી રકમ યોજના હેઠળ ભરવાના વેરામાં થી બાદ મળશે નહીં. આ યોજના મુજબ તમામ પ્રકારના આકારણી આદેશોને આ યોજનાનો લાભ મળવાપાત્ર હતો. જેમકે જે કેસોમાં કરચોરી (જેમકે અન્વેષણ/ફ્લાઇંગ સ્કવોડ વિભાગ દ્વારા કામગીરી થઈ હોય તેવાં) કેસોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર હતો.
  • 2012 – વર્ષ 2012 માં લાગુ પાડવામાં આવેલ આ યોજના હેઠળ પણ 2005-06 ના વર્ષ સુધી ની વેચાણવેરા કાયદા/કેન્દ્રિય વેચાણવેરા કાયદા/એન્ટ્રી ટેક્ષ કાયદા/શેરડી ખરીદવેરા કાયદા હેઠળની આકરણીની બાકી વસૂલાતને લાભ આપવામાં આવ્યો. જો વેપારી બાકી વેરાની પૂરેપુરી રકમ ભરપાઈ કરે તો વ્યાજ, દંડ સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યો. જે વેપારીની ઉપરોક્ત તમામ કાયદા હેઠળ ની 2005-06 સુધીની તમામ આકારણી હેઠળ બાકી માંગણું રૂ. 1 કરોડ થી વધુ ન હોય (વ્યાજ-દંડ સિવાય) તેવા કેસોને આ લાભ આપવામાં આવેલ. વધુમાં જે વેપારીઓએ યોજના જાહેર તથા અગાઉ કોઈ રકમ વસૂલાત પેટે ભરેલ હોય તો તે રકમ પણ બાદ કરીને બાકી વેરો યોજનાના સમયગાળા દરમ્યાન ભરપાઈ થાય તો વ્યાજ-દંડ સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યા.આ નીચેના ઉદાહરણ થી સમજીએ.

 

વિગત રકમ યોજના જાહેર થઈ તે પહેલા ભરેલ રકમ. યોજના અન્વયે ભરવાની થતી રકમ.
વેરો રૂ. 1,00,000/- રૂ. 60,000/- રૂ.50,000/-
વ્યાજ રૂ. 80,000/- માફ
દંડ રૂ. 1,50,000/- માફ
કુલ રૂ. 3,30,000/- રૂ. 60,000/- રૂ. 50,000/-

 

ઉપરોક્ત બાબત હવે પછી સરકાર દ્વારા જાહેર કરવામાં આવનારી યોજનામાં પણ સમાવેશ થાય તે અત્યંત જરૂરી છે. કારણકે મહદઅંશે જે આકારણીમાં  વિવાદ અરજી કરવામાં આવી હોય તેવા કેસોમે વિવાદ અધિકારીની સૂચના મૂજબની રકમ પ્રાથમિક ભરણા તરીકે ભરેલ હોય છે. જો આવી રકમ યોજનાનો લાભ લેવા માટે બાદ આપવામાં ન આવે તો જે વેપારીઓ વિવાદ અરજીમાં હાજર રહી સરકારને સહકાર આપે છે તેમને અન્યાય થાય. અને જે વેપારીઓ એ કોઈ રકમ ભરેલ નથી તેઓને ફાયદો થાય. ઉપરોક્ત બાબતનું સરકાર ખાસ ધ્યાન રાખે તે જરૂરી છે.

 

વધુમાં વર્ષ-2012 માં જાહેર થયેલી યોજના માં એક રસપ્રદ ફાયદો આપવામાં આવ્યો. જે વેપારીઓની વર્ષ-2005-06 સુધીની તમામ 4 કાયદા હેઠળની આકારણીમાં બાકી વસૂલાત રૂ. 20,000/- (વ્યાજ – દંડ સિવાય) થી ઓછી હોય તેવા વેપારીઓની વેરો, વ્યાજ તથા દંડની સંપૂર્ણ રકમ માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ માટે વેપારીએ કોઈ અરજી કરવાની જરૂર પણ નહોતી. ઉદાહરણ તરીકે, કોઈ વેપારીની વર્ષ 2005-06 પહેલાની આકારણી અન્વયે વસૂલાત રૂ. 50,000/- છે. (જેમાં રૂ.20,000/-વેરો, રૂ.15,000/- વ્યાજ તથા રૂ.15,000/-દંડ) છે તો આવા વેપારીને ઉપરોક્ત રકમ સંપૂર્ણપણે માફ કરવાં આવી. આશા રાખીએ હવે પછી જાહેર થનારી યોજનામાં સરકાર આવી જ કોઈ યોજના અમલમાં મૂકે. જેથી નાના વેપારીને ફાયદો થાય તેમજ અધિકારીઓને આવી નાની રકમની વસૂલાતમાં થી મુક્તિ મળે.

 

વધુમાં વર્ષ-2012 માં જાહેર થયેલી યોજનામાં જે વેપારીઓના કિસ્સાઓમાં અન્વેષણના કારણે માંગણું ઉપસ્થિત થયેલ હોય તેવા વેપારીઓને યોજનામાં ભાગ લેવાથી વંચિત રાખવામા આવ્યા હતા.

 

2016- અનેક પ્રકારની શરતો સાથે જાહેર થયેલી વર્ષ-2016 ની સમાધાન યોજના મહદ: અંશે નિષ્ફળ રહી. વર્ષ-2016 માં જાહેર કરવામાં આવેલી યોજના હેઠળ તા.31-12-2015 સુધી થયેલી વેટ/વેચાણ વેરા/કેન્દ્રિય વેચાણ વેરા/મોટર સ્પિરિટ કાયદા હેઠળની આકારણીને લાભ આપવામાં આવ્યો હતો. જે વેપારીઓની તમામ કાયદાઓ હેઠળ ઉપસ્થિત જવાબદારી રૂ.10 કરોડ (વેરો-વ્યાજ સિવાય) થી ઓછી હોય તેવા વેપારીઓને આ યોજનાનો લાભ આપવામાં આવેલ. વધુમાં આ યોજના 2 પ્રકારમાં વહેચવામાં આવી.

  • નોંધાયેલ વેપારીઓ કે જેમના કિસ્સામાં કરચોરી જોવા મળેલ નથી. આવા વેપારીઓને આદેશ મુજબ વેરાનીરકમ યોજનાના સમયગાળા દરમ્યાન ભરપાઈ કરે તો વ્યાજ-દંડ તથા ચડત વ્યાજ સંપૂર્ણ પણે માફ કરવામાં આવ્યા.
  • નોંધાયેલ કે બિનનોંધાયેલ વેપારીઓ કે જેમની આકારણીમાં ઉપસ્થિત માંગણું કરચોરીના કારણે હતું.
  • નોંધાયેલ વેપારીઓના કેસમાં આદેશ મુજબ વેરો, વ્યાજ તથા યોજનાનો લાભ લેવા રકમ ભરપાઈ કરે તે તારીખ સુધીનું ચડત વ્યાજ તથા દંડની કુલ રકમના 25% ગણતરી કરીને કુલ રકમ ભરપાઈ કરે તો માત્ર બાકીનો દંડ માફ કરવામાં આવ્યો.
  • બિનનોંધાયેલ (યુઆરડી) વેપારીઓના કરચોરીના કારણે ઉપસ્થિત માંગણા તેમજ સ્વમેળે કરચોરી જાહેર કરતાં બિનનોંધાયેલ વેપારીઓના કેસમા વેરો, વ્યાજ જેટલી રકમનો દંડ તથા આદેશ મુજબની દંડની રકમના 25% ભરપાઈ કરે તો બાકીનો દંડ માફ કરવામાં આવ્યો.

ઉપરોક્ત બંને પ્રકારના કેસોમાં યોજના જાહેર થઈ તે અગાઉ કોઈ રકમ આદેશ પેટે ભરેલ હશે (જેમકે વિવાદ તબક્કે) તો તે રકમ યોજના મુજબ ભરવાપાત્ર રકમમાં થી બાદ મળશે નહીં. યોજનાની શરત અનુસાર યોજના મુજબ ભરવાપાત્ર સંપૂર્ણ રકમ યોજનાના સમયગાળા દરમ્યાન જ ભરપાઈ થયેલી હોવી જોઈયે. આ શરત ના કારણે જ યોજના મહદ: અંશે નિષ્ફળ રહી.

વધુમાં યોજનાના પરિપત્રમાં કરચોરી કરતાં કેસો એવો શબ્દ લખાયેલો છે. હવે કયા કેસોને કરચોરી વાળા કેસો ગણવા તેની સ્પષ્ટતા પરિપત્રમાં ક્યાય કરેલ નથી. જે કેસો અન્વેષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે માત્ર તેવા કેસોને જ કરચોરી વાળા કેસો ગણવા કે જે કેસો ઘટકના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા હોય પરંતુ કેટલીક કલમ હેઠળ દંડ લેવામાં આવ્યો હોય તો તેવા કેસને પણ કરચોરી વાળો ગણવો? (દા.ત. વેટ કાયદા હેઠળની ઘટક કક્ષાએ થતી આકારણીમાં જો કલમ-34(7) હેઠળ દંડ લેવામાં આવ્યો હોય તો આવા કેસને કરચોરી વાળો ગણી શકાય?) હવે પછી  જાહેર થનારી યોજનામાં ઉપરોક્ત બાબતની સ્પષ્ટતા ખાતા દ્વારા કરવી અત્યંત જરૂરી છે. જેટલી યોજના સરળ અને સ્વયંસ્પષ્ટ હશે તેટલો વેપારીવર્ગ તરફથી વધુ આવકાર મળશે અને યોજના સફળ થઈ રહેશે તેનાથી સરકારની ગણતરી મુજબની વેરાની આવક મળી રહેશે.

2017- વર્ષ-2017 માં જાહેર થયેલી યોજના મહદ: અંશે 2016 માં જાહેર થયેલી યોજના જેવી જ હતી. 2016માં જાહેર થયેલી યોજનાને જોઇયે તેવો પ્રતિશાદ ન મળતા ખૂબ જ ટૂંકા ગાળા બાદ વર્ષ-2017 માં શરતોમાં અંશત: ફેરફાર સાથે ફરીથી યોજના લાવવામાં આવી. જેમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો. જે મુજબ યોજના જાહેર થઈ તે પહેલા કોઈ રકમ વેપારી દ્વારા આદેશ પેટે ભરવામાં આવેલ હશે તો તે રકમ યોજના મુજબ ભરવાપત્ર રકમમાં થી બાદ મળી શકશે. આ જોગવાઈ દાખલ કર્યા બાદ યોજના કેટલેક અંશે સફળ થઈ.

GST આવ્યાને ૨વર્ષનોસમયવીતી ગયેલ છે. આમ છતાં જુના કાયદાઓની વસુલાત, આકારણી તથા અપિલની કામગીરીમાં અધિકારીઓનો ઘણો સમય જતો હોઈ GST ની કામગીરીને જોઈએ તેવો ન્યાય આપી શકાતો નથી. આ વાત મુખ્ય રાજ્ય વેરા કમિશ્નરશ્રી સારી રીતે જાણે છે. આથી જો સરકાર આવનારી સમાધાન યોજનાને  મહદ અંશે: સફળ બનાવવા માંગતી હોય તો મોટું મન રાખીને નીચેનીબાબતોનું ધ્યાન રાખવામા આવે તો ઘણા અંશે સફળતા મળી શકે.

  • તમામ પ્રકારના કેસોમાં એટલે કે કરચોરી સાથે સંકળાળેલ કે કરચોરી સિવાયના તમામ કેસોમાં વેરો ભરપાઈ થાય તો વ્યાજ, દંડ તથા ચડત વ્યાજ સંપૂર્ણ માફ કરવામાં આવે.
  • યોજના જાહેર થઇ તે અગાઉ વેપારી દ્વારા જો કોઈ રકમ આદેશ પેટે ભરપાઈ કરવામાં આવી હોય તો તે રકમ યોજના હેઠળ ભરવાની થતી રકમમાં થી બાદ આપવામાં આવે.
  • જે કેસોમાં ભરવાની થતી રકમ વધુ હોય જેમકે ૧૦થી૧૫કરોડથીવધુહોયઆવાકેસોમાં હપ્તાની સગવડ આપવામાં આવે.
  • યોજનાની શરતો સ્વયં : સ્પષ્ટ હોય જેથી યોજના જાહેર થયા બાદ અર્થઘટનમાંવિસંગતાઓન સર્જાય અને ગૂંચવાડા જેવી પરિસ્થિતિ ન ઉભી થાય.
  • વર્ષ-૨૦૧૨ માં જાહેર થયેલી યોજના ની જેમ જે કેસોમાં વેરાની રકમ રૂ.૨૦,૦૦૦(વ્યાજ-દંડ સિવાય) થી ઓછી હોય તેમને વેરો, વ્યાજ તથા દંડ ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવી. આવી કોઈ શરત હવેની યોજના માં પણ મુકવામાં આવે અને રૂ. ૫૦,૦૦૦સુધીનીમર્યાદામુકવામાંઆવે. આમ કરવાથી નાના કેસોની વસુલાતનો ત્વરિત નિકાલ આવશે અને મોટા કેસોની વસુલાત પર વધુ ધ્યાન કેન્દ્રિત થઇ શકશે.
  • યોજના જાહેર થાય ત્યારથી જ વિવિધ પ્રચાર માધ્યમોમાં વધુ માં વધુ યોજનાનો લાભ લે તે માટે સરકાર દ્વારા નિયમિત પ્રચાર કરવામાં આવે. જેમકે વર્તમાનપત્રો, સોશિયલ મીડિયા, સરકારી વેબસાઈટ, જાહેર હોર્ડિંગસ વગેરે વગેરે.
  • જે વેપારીઓ ની વસુલાત બાકી છે તેમના ધંધાના સ્થળે નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવે અને યોજનાનો લાભ લેવા માટે વેપારીને સમજ આપવામાં આવે.

ઉપરોક્ત રીતરસમ ખાતા દ્વારા અપનાવવામાં આવશે તો યોજનાને મળનારી સફળતામાં ચોક્કસપણે વધારો થશે. આશા રાખીએ જાહેર થનારી યોજના આવકારદાયક હોય.

error: Content is protected !!