સેન્ટરલ જી.એસ.ટી. ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવ્યું “કર મિત્ર” અભિયાન: કરચોરી વિષેની માહિતી પહોચાડી શકે છે સામાન્ય નાગરિક
ગાંધીનગર ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવ્યું વિશેષ અભિયાન::
જી.એસ.ટી. કાયદા નો અમલ થયા બાદ કરચોરી અંગે ના સમાચાર અવારનવાર સમાચાર પત્રોમાં-ઈલેક્ટ્રોનિક મીડિયા માં વાંચવા સાંભળવા મળી રહ્યા છે. આ સમાચાર દ્વારા એમ માનવમાં આવે છે કે જી.એસ.ટી. ના અમલ બાદ કરચોરી ની ઘટના મોટા પ્રમાણમા વધવા પામી છે. તો બીજી તરફ આ અંગે એવું અર્થઘટન પણ કરી શકાય છે કે જી.એસ.ટી. ખાતાની સતર્કતા ના કારણે આ ચોરી પકડાઈ રહી છે.
ઉપર પૈકી કારણ જે પણ હોય તે ખરું પણ કરચોરી નાથવા સંદર્ભે એક નવીનતમ પ્રયોગ ગાંધીનગર ની સેન્ટરલ જી.એસ.ટી. ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. કરચોરીની માહિતી સામાન્ય નાગરિક જી.એસ.ટી. ખાતા સુધી પહોચાડી શકે તે માટે “કર મિત્ર” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભયાન અંતર્ગત સામાન્ય નાગરિક વિવિધ સરળ મધ્યમ જેવાકે વોટ્સ એપ, SMS, ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ વડે જી.એસ.ટી. ખાતા ને કરચોરી અંગે માહિતી આપી શકે છે. આ જાણકારી આ માધ્યમો દ્વારા 91577 02006 ઉપર મોકલી શકાશે. આ નંબર ઉપર માહિતી 24 કલાક દરમ્યાન ક્યારેય પણ મોકલી શકાશે. આ ઉપરાંત ઇ મેઈલ દ્વારા માહિતી મોકલવા commr-cexamd3@nic.in નો ઉપયોગ કરી શકાશે.
ખાતા દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે આ અભયાનમાં મદદરૂપ બનનાર “કરમિત્ર” ની માહિતી ગોપનીય રાખવામા આવશે. આ ઉપરાંત આવા “કર મિત્ર” ને વખતો વખત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ રકમ વડે પુરસ્કૃત કરવામાં પણ આવશે.
આ અંગે વધુ માહિતી http://www.centralexciseahmedabad3.nic.in ઉપરથી મેળવી શકાશે. આ ઉપરાંત સેન્ટરલ ટેક્સ ની આશ્રમ રોડ, અમદાવાદ, ની ઓફિસ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, કડી, કાલોલ, પાલનપુર, હીમતનગર ના સેવા કેન્દ્રો ઉપર થી વધુ માહિતી મેળવી શકાશે.
આ અંગે ટેક્સ ટુડે સાથે વાત કરતાં અમદાવાદ ના જાણીતા કરવેરા સલાહકાર જય ઠક્કર જણાવે છે કે આ પ્રકારના અભિયાન ના કારણે નાગરિકોમાં જાગરુકતા આવશે અને કરચોરો ને પકડવામાં ખાતાને યોગ્ય સમયે માહિતી મળી શકશે.
આ પ્રકારના અભિયાન અન્યત્ર પણ શરૂ થાય તેવી આશા નાગરિકો સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે