જીવનવીમો અને આવકવેરો: મહત્વ ની માહિતી By ધવલ પટવા, એડવોકેટ, સુરત
ધવલ એચ.પટવા, એડવોકેટ, સુરત.
સામાન્ય રીતે કરબચત માટે જાણીતી અનેક યોજનાઓ પૈકી જીવનવીમા પોલિસીને ચાલુ રાખવા માટે ભરવામાં આવતા પ્રીમિયમની રકમ પણ રોકાણો માટેના અન્ય માન્ય સાધનો સહિત કુલ રૂ।. ૧,૫૦,૦0૦/- ની મર્યાદામાં આવકવેરા કાયદાની કલમ ૮૦-સી હેઠળ કરપાત્ર આવકમાંથી બાદ મળવાપાત્ર છે. સામાન્ય સમજ મુજબ રૂ।.૧,૫૦,૦૦૦/- ની મર્યાદામાં ભરેલ સંપૂર્ણ રકમ બાદ મળવાપાત્ર છે અને જાણકારીના અભાવે અથવા ગેરસમજને કારણે સંપૂર્ણ રકમ બાદ માંગવામાં પણ આવે છે. પરંતુ આ રકમ નિયત શરતોને આધીન બાદ મળવાપાત્ર છે જે અંગેની તમામ જોગવાઈઓનું વર્ણન નીચે મુજબ છે:
- કોને બાદ મળવાપાત્ર છે:
વ્યક્તિગત અથવા એચ.યુ.એફ તરીકે કરપાત્ર કરદાતાને આવકવેરા કાયદાની કલમ ૮૦સી હેઠળ વીમા પ્રીમિયમની ભરેલ રકમ બાદ મળવાપાત્ર છે.
- કોના નામે લીધેલી પોલિસીનું પ્રીમિયમ બાદ મળવાપાત્ર છે:
કલમ ૮૦સી(૪)માં જણાવ્યા મુજબ વ્યક્તિગત કરદાતાના કિસ્સામાં કરદાતાની
- પોતાની,
- પોતાના જીવનસાથીની,
- પોતાના પુત્રની કે
- પુત્રીની પોલિસી
પર ભરેલ પ્રીમિયમની રકમ બાદ મળવાપાત્ર છે. અહીં એ નોંધપાત્ર છે કે પુત્ર કે પુત્રી પોતાના પર આશ્રિત હોય કે ન હોય, પુખ્ત હોય કે સગીર હોય, પરિણીત હોય કે અપરિણીત હોય તો પણ ભરેલ પ્રીમિયમની રકમ બાદ મળવાપાત્ર છે પરંતુ આ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ જેમ કે માતા, પિતા, પૌત્ર, પૌત્રી, કે પુત્રવધુની પોલિસીનું ભરેલ પ્રીમિયમ બાદ મળવાપાત્ર નથી.
એચ.યુ.એફ કરદાતાના કિસ્સામાં એચ.યુ.એફના કોઈપણ સભ્યની પોલિસીનું ભરેલ પ્રીમિયમ બાદ મળવાપાત્ર છે.
- કેટલી રકમ બાદ મળવાપાત્ર છે:
કલમ૮૦-સી હેઠળ માન્ય અન્ય રોકાણો સહિત રૂ।॰૧,૫૦,૦૦૦/- (આ.વ. ૨૦૧૪-૧૫ સુધી રૂ।. ૧,૦૦,૦૦૦/-) ની મર્યાદામાં ભરેલ પ્રીમિયમની રકમ બાદ મળવાપાત્ર છે. આ રકમમાં કલમ ૮૦સીસીસી તથા કલમ ૮૦સીસીડી હેઠળ ભરેલ રકમનો પણ સમાવેશ થાય છે. આ માટે પ્રીમિયમની નીચેની મર્યાદા પણ ધ્યાનમાં રાખવી અત્યંત આવશ્યક છે:
- તા.૦૧/૦૪/૧૨ પહેલાં લેવાયેલી પોલિસીમાં પ્રીમિયમની રકમ વીમા રકમ(Capital Sum Assured)ના ૨૦% થી વધુ ન હોવી જોઈએ.
- તા.૦૧/૦૪/૧૨ ના રોજ કે ત્યારબાદ લેવાયેલી પોલીસીમાં પ્રીમિયમની રકમ વીમા રકમ(CapitalSum Assured)ના ૧૦%થી વધુ ન હોવી જોઈએ.
દા.ત.: કોઈ વ્યક્તિએ પોતાના જિંદગી પર રૂ।. ૫,૦૦,૦૦૦/-ની વીમા પોલિસી લીધી હોય તો તેનું પ્રીમિયમ આ કલમ હેઠળ બાદ લેવા માટે રૂ।. ૫,૦૦,૦૦૦/-ના ૧૦% લેખે રૂ।. ૫૦,૦૦૦/- થી વધવું જોઈએ નહીં. જો આ રકમ રૂ।.૫૦,૦૦૦/- થી વધતી હોય તો મહત્તમ રૂ।. ૫૦,૦૦૦/- ની રકમ કલમ ૮૦સી હેઠળ બાદ મળવાપાત્ર થાય.
નાણાંકીય ધારા ૨૦૧૩ હેઠળ તા.૦૧/૦૪/૧૩ ના રોજથી કરવામાં આવેલા સુધારા મુજબ કોઈ કરદાતા કે જે કલમ ૮૦યુ સંબંધિત શારીરિક અસમર્થતા ધરાવતો હોય અથવા કલમ ૮૦ડીડીબી સંબંધિત ગંભીર રોગથી પીડાતો હોય તેના કિસ્સામાં તેણે પોતાની જિંદગી પર લીધેલ વીમા પોલિસીમાં પ્રીમિયમની રકમ વીમા રકમના ૧૫% થી વધુ હોવી જોઈશે નહીં.
જો પ્રીમિયમની રકમ ઉપરોક્ત ટકાવારી કરતાં વધુ હોય તો પાકતી રકમ પણ કલમ ૧૦(૧૦ડી) હેઠળ કરમુક્ત ન રહેતા કરપાત્ર ગણાશે.
- વીમા પોલિસી બંધ થવા બાબત અથવા શરણમૂલ્ય (Surrender) મેળવવા બાબત જોગવાઇ:
જ્યારે કરદાતા પોતે લીધેલી વીમા પોલિસીનું પ્રીમિયમ નિયત મુદત સુધી ન ભરે અથવા વીમા પોલિસીનું શરણમૂલ્ય (surrender) મેળવે તો નીચે જણાવેલા સંજોગોમાં કલમ ૮૦સી(૫) માં જણાવ્યા મુજબ અગાઉના તમામ વર્ષોમાં બાદ લીધેલ રકમને પોલિસી બંધ કર્યાના વર્ષમાં માની લીધેલ આવક તરીકે અન્ય સાધનોમમાંથી આવક (Income from other sources)ના મથળા હેઠળ આવકમાં ઉમેરવાની રહેશે.
- સિંગલ પ્રીમિયમ પોલિસીના સંજોગોમાં :
જ્યારે વીમા પોલિસી સિંગલ પ્રીમિયમ એટલે કે પોલીસીની મુદત પૂરી થાય ત્યાં સુધીમાં માત્ર એક જ વાર પ્રીમિયમ ભરી લેવામાં આવી હોય તો તે પોલિસી શરૂ થયાના બે વર્ષમાં બંધ કરવામાં આવે કે શરણમૂલ્ય (surrender) મેળવવામાં આવે.
- યુનિટ લિન્કડ ઇન્સ્યોરન્સ પોલિસી (ULIP) ના સંજોગોમાં:
જ્યારે કરદાતા યુનિટ લિન્ક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન (ULIP) માં પ્રીમિયમ ભરતો હોય ત્યારે પોલિસી લીધાના પાંચ વર્ષમાં બંધ કરવામાં આવે કે શરણમૂલ્ય (surrender) મેળવવામાં આવે.
- અન્ય પોલિસીના સંજોગોમાં :
ઉપરોક્ત પોલીસી સિવાયની પોલિસીમાં બે વર્ષના પ્રીમિયમ ભર્યા પહેલા બંધ કરવામાં આવે કે શરણમૂલ્ય (surrender) મેળવવામાં આવે.
- ટીડીએસ(TDS) સંબંધી જોગવાઈ:
જ્યારે વીમા કંપની દ્ધારા ચૂકવાતી રકમ કલમ ૧૦(૧૦ડી) હેઠળ કરમુક્ત હોય ત્યારે ટીડીએસ ની જોગવાઇ લાગુ પડતી નથી પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે પોલિસી પ્રિમિયમની રકમ વીમા રકમ(CapitalSum Assured) ની ટકાવારી કરતાં વધુ હોય કે ઉપર જણાવેલ સંજોગોમાં નિયત સમય મર્યાદા પહેલા પોલિસી બંધ કરવામાં આવે કે શરણમૂલ્ય મેળવવામાં આવે તો વીમા કંપની પાસેથી મળવાપાત્ર રકમ કરપાત્ર બને છે અને આ સંજોગોમાં વીમા કંપની જે તે નાણાકીય વર્ષની આવી બધી પોલિસીઓ મળી ચુકવવાપાત્ર રકમ રૂ। ૧,૦૦,૦૦૦/- કે તેથી વધુ થાય તો કલમ ૧૯૪ડીએ અનુસાર ચુકાવવાપાત્ર રકમના ૧%લેખે કર કપાત કરી બાકી ની રકમ ચૂકવશે.
તા.૦૧/૦૯/૧૯ થી કરવામાં આવેલ સુધારા મુજબ ચૂકવવાપાત્ર રકમમાંથી ભરેલ પ્રીમિયમની રકમ બાદ કર્યા પછી એટલે કે વીમા કંપની મારફત વધારાની ચૂકવવામાં આવતી રકમ પર ૫% લેખે ટીડીએસ કરવામાં આવશે.
વધુમાં ઉપરોક્ત ટીડીએસની જોગવાઈ અંગે શૂન્ય દરે કે ઓછા દરે ટીડીએસ કરવા માટેના સેર્ટિફિકેટની કલમ ૧૯૭ ની જોગવાઇ લાગુ પડતી નથી પરંતુ જો કરદાતાની કરપાત્ર આવક ન હોય તો ફોર્મ ૧૫જી/૧૫એચમાં (તા. ૦૧/૦૬/૧૫)થી સેલ્ફ ડેક્લેરેશન આપી ટીડીએસ કરાવવામાંથી રાહત મેળવી શકે છે.
અહીં એક બાબત નોંધપાત્ર છે કે જો પોલિસી પર અગાઉના વર્ષોમાં વીમા કંપની પાસેથી લોન લેવામાં આવી હોય તો ચૂકવવાપાત્ર રકમ ચૂકવતી વખતે વીમા કંપની આપેલ લોનની રકમ પણ ગણતરીમાં લઈ ટીડીએસ કરશે.
ઉપરોક્ત સંજોગો સિવાયની દરેક વીમા પોલિસીની પાકતી રકમ (Maturityamount) કે મૃત્યુદાવા (DeathClaim) સંબંધિત રકમ કલમ ૧૦(૧૦ડી) હેઠળ કરમુક્ત છે જે ધ્યાને લઈ વીમા પોલિસીનું ચયન કરવું જોઈએ.