સર્વિસ પ્રોવાઇડર અને કમ્પોઝીશન સ્કીમ
ધવલ એચ. પટવા, એડવોકેટ
સર્વિસ પ્રોવાઇડર અને કમ્પોઝીશન સ્કીમ
વેટ કાયદા ની કલમ ૧૪માં વિવિધ ધંધાદારીઓ માટે કમ્પોઝીશન (ઉચ્ચક વેરા) સ્કીમ ની જોગવાઈ કરવામાં આવી હતી જેને અનુરૂપ વેપારી લાગુ પડતી જોગવાઈ મુજબ કમ્પોઝીશન સ્કીમ માં લાભ લઈ ઉચ્ચક ધોરણે વેરો ભરવાનું પસંદ કરતા હતા તેજ પ્રમાણે સીજીએસટી કાયદાની કલમ ૧૦ માં માત્ર માલ નો રાજ્યમાં સપ્લાય કરતાં નોધાયેલ વેપારી માટે કમ્પોઝીશન સ્કીમ ની જોગવાઈ કરવામાં આવેલ છે. જે મુજબ નિયત શરતોને આધીન માલ નો માત્ર રાજ્યમાં સપ્લાય કરતાં નોધાયેલ વ્યક્તિ આ સ્કીમનો લાભ લઈ શકે છે તથા તા.0૧/૦૨/૨૦૧૯થી સુધારેલ જોગવાઈ મુજબ માલની સાથે કુલ ટર્નઓવરના ૧૦% અથવા રૂ. ૫,૦૦,૦૦૦/- બેમાંથી જે વધુ હોઈ તેવી સેવા પૂરી પાડનાર નોધાયેલ વ્યક્તિ કમ્પોઝીશન સ્કીમ નો લાભ લઈ ઉચ્ચક ધોરણે વેરો ભરવાનો લાભ લઈ શકે છે.
પરંતુ માત્ર સર્વિસ પ્રોવાઈડરો કે જે માત્ર ને માત્ર સર્વિસ પૂરી પાડે છે તેઓને પણ આ જોગવાઈ નો લાભ મળવો જોઇએ એવી રજૂઆતો સરકારશ્રી ને કરાતાં તથા સરકારને પણ વ્યાજબી જણાતા ૩૧મી જીએસટી કાઉન્સીલની ભલામણોને આધીન નોટિફિકેશન નં.૨/૨૦૧૯.સેન્ટ્રલ ટેક્સ(રેટ) અને ત્યાર બાદ સુધારેલ નોટિફિકેશન નં.૦૯/૨૦૧૯ સેન્ટ્રલ ટેક્સ(રેટ) તા.૨૯/૦૩/૨૦૧૯ના રોજ બહાર પાડવામાં આવેલ છે જેની સાદી સમજ આ લેખમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.
કમ્પોઝીશન સ્કીમનો લાભ કયારથી મળશે?
આ સ્કીમનો લાભ તા.૦૧/૦૪/૨૦૧૯ થી મળવાપાત્ર રહેશે.
કમ્પોઝીશન સ્કીમનો ફાયદો શું?:
આ સ્કીમને કારણે લાભકર્તા સેવા પૂરી પાડનારને પોતાના માલ કે સેવા કે બંનેના પ્રથમ રૂ. ૫૦ લાખ સુધીના એગ્રીગેટ ટર્નઓવર પર ૬% (3% સીજીએસટી+3%એસજીએસટી) લેખે ઉચ્ચક વેરો ભરવાનો રેહેશે. જ્યારે અન્યથા મોટા ભાગની સેવાઑ પર ૧૨% કે ૧૮% જેવા ઊચા દરે વેરો ભરવાની જવાબદારી થાય છે.
કમ્પોઝીશન સ્કીમ નો લાભ કઈ રીતે લઈ શકાય?
CBICના તા.૦૫/૦૪/૨૦૧૯ના સર્ક્યુલર નં.૯૭/૧૬/૨૦૧૯-જીએસટીમાં જણાવ્યા મુજબ આ કમ્પોઝીશન સ્કીમનો લાભ લેવા માટે નોધાયેલ સેવા પૂરી પડનારે કોમન પોર્ટલ પર CMP-02માં ”Any other supplier eligible for composition levy” નો ઓપ્શન પસંદ કરી તા. ૩૦/૦૪/૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહેશે.
જે સર્વિસ પ્રોવાઇડર તા.૦૧/૦૪/૧૯ પછી નોધણી નંબર લેનાર હોઈ અને તેણે કમ્પોઝીશન સ્કીમનો લાભ લેવો હોઈ તો તેણે નોંધણી નંબરની અરજી કરતી વખતે જ GST REG-01 ફોર્મમાં સીરીયલ નં.૫ અને ૬.૧(iii) માં કમ્પોઝીશનનું ઓપ્શન પસંદ કરવાનું રહેશે.
કમ્પોઝીશન સ્કીમનો લાભ કોણ લઈ શકે?
(૧) જે નોધાયેલ વ્યક્તિનું પાછલા વર્ષ દરમિયાન અગ્રિગેટ ટર્નઓવર ૫૦લાખ સુધી નું હોય ફક્ત તેવા જ નોધાયેલ વ્યક્તિ જ આ સેવા નો લાભ લઈ શકસે એટલે કે જે નોધાયેલ વ્યક્તિ નું વર્ષ ૨૦૧૮-૧૯ માં એગ્રીગેટ ટર્નઓવર રૂ.૫૦ લાખ થી ઓછું હશે તેવી નોધાયેલ વ્યક્તિને જ આ સ્કીમનો લાભ મળવાપાત્ર રહેશે.
વધુમાં જે વ્યક્તિ તા.૦૧/૦૪/૨૦૧૯ પછી અરજી કરીને નવો નોધણી નંબર મેળવશે તેણે પોતાની નોધણી નંબરની અરજી કરવાની થ્રેસોલ્ડ લિમિટ રૂ.૨૦ લાખથી જેટલું ટર્નઓવર વધે તેના પર ૬% (3% સીજીએસટી+3%એસજીએસટી) લેખે ઉચ્ચક વેરો ભરવાનો રહેશે દા.ત.કોઈ વ્યક્તિ નું તા.૦૧/૦૪/૨૦૧૯ થી તા.૧૫/૦૫/૨૦૧૯ નું અગ્રિગેટ ટર્નઓવર રૂ.૨૦ લાખ થી વધવાને કારણે તા.૧૫/૦૫/૨૦૧૯ના રોજ નોધણી નબરની અરજી કરે અને તેનું વર્ષ ૨૦૧૯-૨૦ નું એગ્રીગેટ ટર્નઓવર જો રૂ.૬૦ લાખ હોય તો રૂ. ૪૦ લાખ પર તેની ૬% (3% સીજીએસટી+3%એસજીએસટી) લેખે ઉચ્ચક વેરો ભરવાની જવાબદારી થશે. એટલે કે પ્રથમ રૂ. ૨૦ લાખના ટર્નઓવર પર તેણે વેરાની ગણતરી કરવાની રહેશે નહીં અને તેનું એગ્રીગેટ ટર્નઓવર રૂ. ૫૦ લાખથી વધવા છતાં તે આ સ્કીમનો વર્ષ ૨૦૧૯-૨૦માં લાભ લેવા માટે ગેરલાયક ઠરશે નહીં જોકે વર્ષ ૨૦૨૦-૨૧મા તે કમ્પોઝીશન સ્કીમનો લાભ લઈ સકશે નહીં.
(૨) જે નોધાયેલ વ્યક્તિને કલમ ૧૦ ની પેટા કલમ (૧) મુજબ કમ્પોઝીશન સ્કીમનો લાભ મળવા પાત્ર ના હોય તેવા નોધાયેલ વ્યક્તિ જ આ સ્કીમનો લાભ લઈ સકશે અર્થાત નોધાયેલ વ્યક્તિ કે જે માલ નો સપ્લાય કરતો હોય અને સાથે ટર્નઓવર ના ૧૦% અથવા રૂ. ૫લાખ બે માથી જે વધુ હોય તેવી સર્વિસ પણ પૂરી પડતાં હોય તેમણે આ કમ્પોઝીશન સ્કીમ માં ઉચ્ચક વેરો ભરવાની પરવાનગી મળી શકશે નહીં માત્ર ને માત્ર જે નોધાયેલ વ્યક્તિ કલમ ૧૦(૧) ની જોગવાઈનો લાભ લઈ શકે તેમ ન હોય તેવી વ્યક્તિ જ આ સ્કીમ નો લાભ લઈ સકશે.
મારા અંગત મંતવ્ય પ્રમાણે પણ જો નોધાવેલ વ્યક્તિને કલમ ૧૦(૧) મુજબ જ કમ્પોઝીશન સ્કીમનો લાભ મળી શકતો હોય તો તે પ્રમાણે જ લાભ લેવો જોઈએ જેથી માત્ર ૧%વેરો ભરી વેરાકીય જવાબદારી પૂરી થઈ શકે કારણકે આ નવી જોગવાઈ મુજબ ૬% (3% સીજીએસટી+3%એસજીએસટી) પ્રમાણે વેરો ભરવાનો થાય છે.
(૩) આ સ્કીમ નો લાભ લેનાર નોધાયેલ વ્યક્તિ જો નોન ટેક્સેબલ એટલે કે જીએસટી દાયરા માં આવતી ન હોઈ તેવા સપ્લાયમાં રોકાયેલ હોય તો તેને આ સ્કીમ નો લાભ મળવાપાત્ર નથી.
(૪) કલમ ૧૦ ની જોગવાઇ મુજબ જ જો કોઈ નોધાયેલ વ્યક્તિ આંતર રાજ્ય સેવા પૂરી પડતાં હોય તો તેઓ આ સ્કીમ નો લાભ લઈ શકશે નહિ. અહી આંતરરાજ્ય સપ્લાય કરમુક્ત છે. કે કરપાત્ર તે મહત્વ નું નથી એટલે કે આંતરરાજ્ય સપ્લાય કરમુક્ત સપ્લાય હશે તો પણ આ સ્કીમ નો લાભ મળવાપાત્ર રહેશે નહીં.
(૫)કેઝયુયલ ટેક્સેબલ પર્સન તથા નોન રેસિડેન્ટ ટેક્સેબલ પર્સન આ સ્કીમનો લાભ લઈ શકશે નહીં.
(૬)ઈલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટરના મધ્યમ થી સપ્લાય કરનાર નોધાયેલ વ્યક્તિ આ સ્કીમ નો લાભ લઈ શકશે નહીં
(૭)નીચેની વસ્તુઑ નો સપ્લાય કરનાર નોધાયેલ વ્યક્તિ આ સ્કીમ નો લાભ લઈ શકશે નહીં
નં. ટેરીફ કોડ વર્ણન
૧ ૨૧૦૫ ૦૦ ૦૦ આઇસક્રીમ તથા અન્ય ખાધ્ય બરફ,કૉકૉ સહિત અથવા વગર
૨ ૨૧૦૬ ૯૦ ૨૦ પાન મસાલા
૩ ૨૪ બીજા ગુડ્સ જેમ કે તમાકુ અને ઉત્પાદિત તમાકુ સબ્સ્ટીટ્યૂટસ
એક જ પાન હેઠળ એક કરતાં વધુ નોધણી નંબર ધરાવનાર નોધાયેલ વ્યક્તિ ને કઈ રીતે લાભ મળશે?
એક જ પાન હેઠળ એક કરતાં વધુ નોધણી નંબર ધરાવનાર નોધાયેલ વ્યક્તિ પોતાના એક જ પાન નંબર હેઠળ એક કરતાં વધુ નોધણી નંબર ધરાવતો હશે તો તેને તેના દરેક નોધણી નંબર ના કુલ ટર્નઓવર પર ૬% (3% સીજીએસટી+3%એસજીએસટી) વેરો ભરવાનો રહશે એટલે કે દરેક નોધણી નંબર હેઠળ થયેલ ટર્નઓવર નું ટોટલ કરી તેના પર ૬% (3% સીજીએસટી+3%એસજીએસટી) લેખે વેરો ભરવાનો રહશે.
બિલમાં ટેક્સ અલગથી ઉઘરાવી શકાશે કે કેમ ?
આ સ્કીમ નો લાભ લેનાર નોધાયેલ વ્યક્તિ બિલમાં અલગ વેરો ઉઘરાવી શકશે નહીં એટલે કે વેરા સહિતનું બિલ ઓફ સપ્લાય બનવાનું રહશે તથા બિલના મથાળે “taxable person paying tax in terms of notification No.02/2019 – central tax (Rate) dated 07.03.2019, not eligible to collect tax on supplies” લખવાનું રહેશે.
વેરા શાખનો દાવો કરી શકાય?
ઉચ્ચકવેરાની આ સ્કીમમાં પણ કલમ ૧૦ મુજબ જ વેરા શાખ નો દાવો કરી શકાશે નહીં.
માફી સપ્લાય પર પણ ૬% (3% સીજીએસટી+3%એસજીએસટી) વેરો ભરવો કે કેમ?
નોટિફિકેશનની શરત નંબર ૬ મુજબ તમામ પ્રકાર ના આઉટ્વર્ડ સપ્લાય પર ૬% (3% સીજીએસટી+3%એસજીએસટી) વેરો ભરવાપાત્ર થાય છે જેથી આ સ્કીમનો લાભ લેનારે માફી સપ્લાય પર પણ ૬% (3% સીજીએસટી+3%એસજીએસટી) વેરો ભરવાપાત્ર રહેશે જો કે આવક કે જે ડિપોઝીટ, લોન કે એડવાન્સ પરના વ્યાજ તરીકે મળી હોય તેવી આવકને નોટિફિકેશનના પેરા નં.૨માં એગ્રીગેટ ટર્ન ઓવર નક્કી કરવા માટે સ્પષ્ટ પણે બાકાત રાખવાની જોગવાઈ કરી હોઈ તેના પર વેરાકીય જવાબદારી રહેશે નહીં.
રીવર્સ ચાર્જ ની જોગવાઈ લાગુ થાય કે કેમ ?
નોટિફિકેશનની શરત નંબર ૭ મુજબ આ જોગવાઈનો લાભ લેનાર નોધાયેલ વ્યક્તિએ રિવર્સ ચાર્જ હેઠળ વેરો ભરવાની તમામ જોગવાઈનું પાલન કરવાનું રહેશે.
સ્કીમમાથી બહાર નીકળવા માટેની જોગવાઈ
નોધાયેલ વ્યક્તિ આ સ્કીમમાંથી બહાર આવવા માગતો હોઈ તો તે મરજિયાતપણે વર્ષના ગમે તે સમયે કોમન પોર્ટલ પર કમ્પોઝીશન સ્કીમમાંથી બહાર નીકળવાની અરજી કરી શકશે અથવા પોતાનું એગ્રીગેટ ટર્નઓવર ૫૦ લાખથી વધતુ હોય તો ફરજિયાતપણે કમ્પોઝીશન સ્કીમમાંથી બહાર નીકળી શકશે. આ સ્કીમમાંથી બહાર નીકળ્યા પછી તે રેગ્યુલર નોધાયેલ વ્યક્તિ તરીખે કાયદા ની તમામ જવાબદારીનું પાલન કરવા બંધાયેલો રહેશે.
ઓપનિંગ અને ક્લોજિંગ સ્ટોક બાબત
નોટિફિકેશન નં. ૦૯/૨૦૧૯-સેંટ્રલ ટેક્સ(રેટ) તા.૨૯/૦૩/૨૦૧૯ માં જણાવ્યા મુજબ એવો નોધાયેલ વ્યક્તિ કે જેણે કમ્પોઝીશન સ્કીમમાં દાખલ થતાં પહેલા વેરા શાખ લીધી હોય તો તેણે કમ્પોઝીશન સ્કીમમાં દાખલ થતી વખતે જે કોઈ સ્ટોક માં રહેલ તૈયાર માલ ,અર્ધતૈયાર માલ કે કેપિટલ ગુડ્સની વેરા શાખ લીધી હોય તે Form GST ITC-03 મારફત ઈલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર કે ઈલેક્ટ્રોનિક કેશ લેજરમાં ડેબિટ કરવાની રહેશે અને ત્યાર બાદ પણ જો કોઈ ક્રેડિટ ઈલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર માં વધતી હોય તો તે લેપ્સ કરવાની રહેશે.
તે જ પ્રમાણે કમ્પોઝીશન સ્કીમમાંથી બહાર નીકળતી વખતે સ્ટોકમાં રહેલ તૈયાર , અર્ધતૈયાર કે કેપિટલ ગૂડ્સની વેરા શાખ અંગે નોટિફિકેશન નં.૦૨/૨૦૧૯ તથા ૦૯/૨૦૧૯માં અલગથી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી પરંતુ CBICનાં તા.૦૫/૦૪/૨૦૧૯નાં રોજ બહાર પાડવામાં આવેલ ક્લેરિફિકેટરી સર્ક્યુલર નં.૯૭/૧૬/૨૦૧૯ – જીએસટીમાં જણાવ્યા મુજબ સીજીએસટી રૂલ્સનાં ચેપ્ટર ૨ માં જે પ્રોસીજરલ બાબતોનો ઉલ્લેખ કરેલ છે તે આ સ્કીમને પણ લાગુ પડશે જેથી એમ કહી શકાય કે કમ્પોઝીશન સ્કીમમાંથી બહાર નીકળતી વખતે પણ FORM ITC-01 ભરીને આવા તૈયાર, અર્ધતૈયાર કે કેપીટલ ગૂડ્સની વેરા શાખ મેળવી શકાવી જોઈએ.
ઉપરોક્ત જોગવાઇઓ જોતાં એમ કહી શકાય કે જે નોંધાયેલ સર્વિસ પ્રોવાઇડરને ખરીદીની વેરા શાખ ન્યૂનતમ લેવાની હોઈ અને સર્વિસ મેળવનાર નોંધાયેલ વ્યક્તિએ વેરા શાખ મેળવવાની ન હોય તો તા.૩૦/૦૪/૨૦૧૯ સુધીમાં અરજી કરીને કમ્પોઝીશન સ્કીમનો લાભ અવશ્ય લઈ શકાય.