જી.એસ.ટી. કાયદા હેઠળની કાર્યવાહીમાં રાજ્યવેરા ખાતાનો નકારાત્મક અભિગમ: By ધવલ પટવા
Dhaval H. Patwa
Advocate
તા. 20.09.2021: હાલમાં જ પકડાયેલ કરોડોના બોગસ બિલીંગ ના કૌભાંડ પછી રાજ્યવેરા ખાતાએ જી.એસ.ટી. કાયદા અન્વયેની જુદી જુદી કાર્યવાહી બાબતે જે વહીવટી અભિગમ અપનાવ્યો છે તે ‘ઈઝ ઓફ ડુઈંગ બીઝનેઝ’ કે ‘વન નેશન વન ટેક્ષ’ જેવા સોહામણા સુવાક્યો સાથે બંધબેસતો હોઈ એમ જણાતું નથી. જી.એસ.ટી. કાયદા હેઠળ બોગસ બિલીંગ જેવી પ્રવૃત્તિ દ્વારા સરકારની આવકને હાનિ પોહચાડનારા કેટલાક મુઠ્ઠીભર તત્વોને કારણે તમામ પ્રમાણિક વેપારીઓને કે જેઓ નોંધણી નંબર મેળવી કાયદાની મર્યાદામાં રહી સમયસર વેરો ભરી પોતાની જવાબદારી અદા કરતા હોઈ ત્યારે જી.એસ.ટી. કાયદા હેઠળની અન્ય કાર્યવાહી જેવી કે ધંધાના નામ, ધંધાના સરનામામાં ફેરફાર કે વધારાના ધંધાની જગ્યાનો ઉમેરો કરવા જેવી કાર્યવાહીમાં અથવા નવો નોંધણી નંબર મેળવી ધંધાની શરૂઆત કરી વેરાકીય જવાબદારી અદા કરવા ઇચ્છતા હોઈ તેવા વેપારીઓ પાસે બિનજરૂરી વિગતો માંગી આખરે અરજીને કોઈપણ કારણસર નકારવી એવો ખાતાનો અભિગમ “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેઝ” ની વાતો સાથે સુસંગત હોઈ એવું જણાતું નથી.
એવા કેટલાય કિસ્સામાં આપણને જાણવા મળ્યું છે કે નવા નોંધણી નંબરની અરજી હોય કે ધંધાના નોંધણી સમયના મૂળભૂત રેકર્ડમાં જણાવેલ વિગતોમાં ફેરફાર હોય જ્યાં અધિકારીની એપ્રુવલની જરૂર હોય તેવા દરેક કિસ્સામાં રાજ્ય વેરાખાતા દ્વારા બિનજરૂરી વિગતો માંગી આખરે અરજી નકારવામાં આવી હોય. એવી કેટલીય અરજીઓ છે જેમાં સંબધિત ફેરફાર માટેના તમામ જરૂરી પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા હોય તેમ છતાં કાયદાકીય પ્રોસીજર ખાતર કારણદર્શક નોટીસ આપી અંતે અરજી રીજેક્ટ કરવામાં આવી હોય. અન્ય કેસમાં આવી જ અરજીઓ જયારે સી.જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટ દ્વારા એ જ પુરાવાને આધારે સ્વીકારવામાં આવી હોય ત્યારે રાજ્ય વેરાખાતાનું આવું નકારાત્મક વલણ ‘વન નેશન વન ટેક્ષ’ ના સુત્ર સાથે સુસંગત હોય એવું જણાતું નથી.
આ ઉપરાંત પસાર કરવામાં આવેલ આદેશમાં અરજી રીજેક્ટ કરવાના કારણો ન દર્શાવવાથી માંડીને કારણદર્શક નોટીસ ઇસ્યુ કર્યાના દિવસે જ પોતાનો જવાબ રજૂ કરવા જણાવી રજુઆતનો પુરતો સમય ના આપવા જેવા કુદરતી ન્યાયના સામાન્ય સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતી અનેક કાર્યવાહીઓ થયાના અનેક કિસ્સાઓ આપણા ધ્યાન પર આવેલ છે.
મિત્રો, હાલમાં જ ગુજરાત હાઇકોર્ટના સિનર્જી ફર્ટીકેમ પ્રા.લિ. વિ. સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં માનનીય ગુજરાત હાઇકોર્ટે ઠરાવ્યું છે કે જયારે વેપારીના વ્યવહારોમાં પારદર્શિતા હોઈ ત્યારે જી.એસ.ટી. ઓથોરિટીએ કરદાતાને કોઈ અનિચ્છીત હેરાનગતિ(undue harassment) ના થાય તેવું ધ્યાન રાખવું જોઈએ અને જી.એસ.ટી. ઓથોરિટીએ કોઈપણ પ્રકારના વિવાદમાં ઉતર્યા વગર સમાધાનકારી વલણ રાખવું જોઈએ. તે જ પ્રમાણે સુપ્રીમ કોર્ટના સી.સી.ટી. વિરુધ્ધ શુક્લા એન્ડ બ્રધર્સના ચુકાદા પર આધાર રાખતા માનનીય ગુજરાત હાઇકોર્ટે ઉપરોક્ત ચુકાદામાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોમાં પાયાની બે બાબતોનો સમાવેશ થતો હોવાનું જણાવેલ છે જે મુજબ-
- જે વ્યક્તિને ચુકાદાથી વિપરીત અસર થનાર હોઈ તેને કારણદર્શક નોટીસ બજાવી સાંભળવાની તક આપવી જરૂરી છે તથા
- આદેશ પસાર કરતા પહેલા ઓથોરિટીએ કોઈપણ નિર્ણય પર આવતાં કારણોની નોંધ કર્યા બાદ શુધ્ધબુદ્ધિપૂર્વક આદેશ પસાર કરેલ હોવો જોઈએ.
મે. નુતન ઇસ્પાત એન્ડ પાવર લિ. વિરુધ્ધ સ્ટેટ ઓફ છત્તીસગઢના ચુકાદામાં પણ માનનીય છત્તીસગઢ હાઇકોર્ટે નોંધ્યું છે કે દરેક આદેશ શુધ્ધબુદ્ધિપૂર્વક અને યોગ્ય કારણોની નોંધ સાથે પસાર થયેલ હોવો જોઈએ. પરંતુ હાલના સમયમાં જે પ્રમાણે રાજ્ય વેરા ખાતું કાર્યવાહી કરી રહ્યું છે તેમાં આ તમામ બાબતોની ગેરહાજરી સ્પષ્ટપણે દેખાય છે.
હાલમાં જ તા.૨૩/૦૭/૨૦૨૧ના રોજ માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા મે. ધર્મશીલ એજન્સીસ વિ. યુનિયન ઓફ ઇન્ડીયાના કેસમાં આપવામાં આવેલ અન્ય એક મહત્વપૂર્ણ ચુકાદાની હકીકત જોઈએ તો સી.જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટે તા.૧૪/૦૪/૨૦૧૯ના રોજ વેપારીને પ્રિ શો કોઝ નોટીસ કન્સલ્ટેશન માટે બપોરે ૧.૫૫ કલાકે નોટીસ બજાવીને તે જ દિવસે સાંજના ૪.૦૦ વાગ્યેહાજર રહેવા જણાવેલ. આ કેસમાં માનનીય ગુજરાત હાઇકોર્ટે ડીપાર્ટમેન્ટની સખત શબ્દોમાં ટીકા કરતાં જણાવેલ કે આ પ્રમાણે ટૂંકી મુદતની નોટીસ આપીને ખાતાએ પ્રિ શો કોઝ નોટીસ કન્સલ્ટેશનના મૂળભૂત આશયનો ભંગ કરેલ છે અને આ જ ઘટનાને ગંભીરતાથી લઇ હાઇકોર્ટે ખાતાને રૂ.૨૦,૦૦૦/-નો દંડ પણ ભરવા ફરમાવેલ છે.
ખેર….સત્તા આગળ શાણપણ નકામું એ કહેવત મુજબ વેપારી પાસે નાની નાની બાબતો માટે પણ અદાલતના દ્વાર ખખડાવવાનું શક્ય ન હોવા છતાં અન્ય કોઈ વિકલ્પ હોઈ એવું જણાતું નથી.સરકાર આ બાબતે યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરી રાજ્ય વેરા ખાતાને જરૂરી દોરી સંચાર આપે તેવી વેપારી વર્ગ તરફથી માંગ થઇ રહી છે જેથી જી.એસ.ટી. કાયદાના ચાર વર્ષ પૂરા થવા છતાં કાયદામાં જે અસ્થિરતા છે તેમાં કંઇક અંશે વેપારીઓને રાહત થાય.
(લેખક સુરત ખાતે ટેક્સ એડ્વોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે)