આદેશના ત્રણ મહિના સુધીમાં વસૂલાત ના કરે અધિકારી: પણ શરતો લાગુ
જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 78 મુજબ કોઈ પણ આદેશ પસાર થયાના 3 મહિનામાં અપીલની છે જોગવાઈ: અપીલ ના થઈ હોય તો જ કરવામાં આવે રિકવરી
તા. 02.06.2024: જી.એસ.ટી. ડિપાર્ટમેંટના અધિકારીઓ જી.એસ.ટી. કાયદાની જોગવાઈથી વિપરીત કોઈ પણ આદેશ સામે જલ્દી વસૂલાત માટે દબાણ કરતાં હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી હતી. આ ફરિયાદોને ધ્યાને લઈ સેન્ટરલ બોર્ડ ઓફ ઈંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC), દ્વારા મહત્વની સૂચના બહાર પાડવામાં આવી છે. 30 મે 2024 ના રોજ બહાર પાડવામાં આવેલ સૂચના 01/2024 અનુસાર અધિકારીઓને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે સામાન્ય સંજોગોમાં કોઈ પણ આદેશ સામેની વસૂલાત કલમ 78 મુજબ આદેશ મળ્યાના 3 મહિનાની અંદર કરવી જોઈએ નહીં. ખાસ કિસ્સાઓ કે જ્યાં “રેવન્યુ લોસ” ની સંભાવના જણાતી હોય તેવા કેસોમાં યોગ્ય પદ્ધતિનું પાલન કરી આ વસૂલાત 3 મહિના પહેલા પણ કરી શકાય છે. આ સૂચનાઓમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સામાન્ય સંજોગોમાં કોઈ પણ આદેશ સામે વસૂલાતની કામગીરી જે તે ઘટકના ડેપ્યુટી કમિશ્નર કે આસીસ્ટંટ કમિશ્નર દ્વારા કરવાની રહેતી હોય છે. પરંતુ જ્યારે વસૂલાતની કામગીરી ત્રણ મહિના પહેલા કરવાનો રહેતો હોય ત્યારે જે તે ક્ષેત્રાધિકાર ધરાવતા પ્રિન્સિપાલ કમિશ્નર અથવા તો કમિશ્નર ઓફ સેન્ટરલ ટેક્સ પાસે વિગતો તથા કારણો રજૂ કરી તેઓ દ્વારા જ આ વસૂલાત કરવામાં આવશે. ડે. કમિશ્નર કે આસિસ્ટન્ટ કમિશ્નર દ્વારા રજૂ કરવામાં આવેલ વિગતો તથા કારણો અંગે અભ્યાસ કરી, જો યોગ્ય લાગે તો પ્રિન્સિપાલ કમિશ્નર અથવા તો કમિશ્નર ઓફ સેન્ટરલ ટેક્સ દ્વારા આ બાબતે કારણોની યોગ્ય નોંધ કરી કરદાતાને જાણ કરવાની રહેશે. આ પ્રમાણે તેઓએ પોતાના દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની જાણ ડે. કમિશ્નર કે આસી. કમિશ્નરને પણ કરવાની રહેશે.
આ સૂચનારો ખરેખર આવકારદાયક છે. પરંતુ આ સૂચનાઓ CBIC દ્વારા આપવામાં આવેલ હોય CGST અધિકારીઓ માટે સીધી રીતે લાગુ પડે નહીં. રાજ્ય કર વેરા એટલેકે SGST માં પણ સતત આ પ્રમાણે સમય કરતાં પહેલા ઉઘરાણીઇ પદ્ધતિ પ્રચલિત છે. ટેક્સ પ્રોફેશનલ્સ તથા કરદાતાઓ આશા સેવી રહ્યા છે કે આ પ્રકારની સૂચના ગુજરાત SGST ડિપાર્ટમેંટ દ્વારા પણ બહાર પાડવામાં આવે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે