ઇન્કમ ટેક્સ વેબસાઇટના ધાંધીયા બાબતે કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ પરેશાન
ઇન્કમ ટેક્સ પોર્ટલ સતત ખોરંભે ચડતાં ઉઠી રહી છે ફરિયાદ.. જો અત્યારથી આ પરેશાની છે તો છેલ્લા દિવસોમાં શું થશે???
તા. 09.07.2024: ઓડિટ લાગુના હોય તેવા કરદાતાઓએ પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઇ સુધીમાં ભરવાના થતાં હોય છે. આમ, નાના વેપારીઓ, નોકરિયાતો, વ્યાજની આવક ધરાવતા નાના કરદાતાઓ વગેરે પોતાના રિટર્ન 31 જુલાઇ સુધીમાં ભરવાના રહેતા હોય છે. આમ તો ઇન્કમ ટેક્સ રિટર્ન એપ્રિલ મહિનાથી ભરવાના ચાલુ થઈ ગયા હોય છે પરંતુ AIS અને TIS જેવી વિગતો ઓનલાઈન બતાવતા લગભગ 31 મે 2024 જેવો સમય થઈ જતો હોય છે. AIS-TISની વિગતો ધ્યાને લીધા સિવાય ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાય નહીં. આમ, કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જૂન અને જુલાઇ એમ બે મહિના જ મળી રહેતા હોય છે. મોટાભાગના કરદાતાઓ માટે ઓડિટ લાગુ પડતું ના હોય ઇન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઇ સુધીમાં ભરવા ભારે ઘસારો થતો હોય છે. કરદાતાના મોટા ઘસરાથી ટેક્સ પ્રોફેશનલ્સઆ આ સમય દરમ્યાન ખૂબ કામમાં રહેતા હોય છે. આ સમયે ઇન્કમ ટેક્સ પોર્ટલ ના ચાલવાના કારણે કરદાતા કે ટેક્સ પ્રોફેશનલ્સ ધાર્યું કામ કરી શકતા નથી.
આ અંગે વાત કરતાં ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના જયેન્દ્ર તન્ના જણાવે છે કે હજુતો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું શરૂજ થયું છે અને આ ઘસરાને તો “પીકચરનું ટ્રેલર” જ ગણી શકાય, તો ત્યારે જ્યારે 31 જુલાઇ નજીક આવશે અને છેલ્લી તારીખોમાં “પીકચર અભિ બાકી હે” ની જેમ ત્યારે પોર્ટલની શું પરિસ્થિતી થશે તે વિષે વિચરવું જરૂરી બની રહ્યું છે. કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ વતી ખાસ મારી નાણાંમંત્રીને અપીલ છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત બજેટ દ્વારા જ 31 જુલાઇથી વધારી 31 ઓગસ્ટ કરી આપવામાં આવે”
કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સની આ વ્યથા ઉપર સરકાર ધ્યાન આપે અને પોર્ટલ માં જરૂરી સુધારા કરવામાં આવે તેવી અપેક્ષા સૌ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે