કરદાતાઓને આપો વિશેષ સન્માન, સમયની છે આ માંગ
-By Bhavya Popat, Tax Advocate
Dt. 15.08.2024
“Honoring the Honest” નું સપનું હજુ છે ઘણું દૂર!!
સ્વતંત્રતા પર્વ ઉપર આજે એક ખાસ લેખ લખી રહ્યો છું. આ પર્વને અનુરૂપ આ લેખમાં કરદાતાને ખરી રીતે સ્વતંત્રતા મળી રહે તે સુનીશ્ચિત કરવા અમુક સૂચનો આપવા પ્રયાસ કરવામાં આવ્યા છે. દેશના બે મહત્વના ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) તથા ઇન્કમ ટેક્સ કાયદાઓ હેઠળ કરદાતાઓને પડતી તકલીફો રજૂ કરવા આ પ્રયાસ છે. સરકાર ગમે તેટલું કરે તો પણ કોઈ પણ કાયદામાં અમુક ત્રુટિઓ-ખામીઓ રહી જ જતી હોય છે. આ ખામીઓ દૂર કરવામાં આવે તો ભારતીય ટેક્સ સિસ્ટમ થોડી વધુ સરળ, થોડી વધુ કરદાતા કેન્દ્રી બની શકે તેમ છે. આ લેખમાં ક્યાં ક્યાં ફેરફારો કરવાથી ટેક્સ સિસ્ટમ વધુ કરદાતા લક્ષી બનશે તે અંગે મારા વિચારો રજૂ કર્યા છે.
જી.એસ.ટી. કાયદોછે આ બાબતો પર અન્યાયી!!
જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવવાની સ્વતંત્રતા
જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવાઓ હાલના સંજોગોમાં ખૂબ મુશ્કેલ બની ગયો છે. જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કરચોરીના અનેક કૌભાંડો બહાર આવ્યા છે. આ કૌભાંડોના કારણે દરેક નવા નોંધણી દાખલાની અરજીને શંકાની નજરે જોવામાં આવે છે. આ કારણે ખૂબ મોટા પ્રમાણમા જી.એસ.ટી. ની અરજી ના મંજૂર થઈ હોવાના સમાચાર જમીની સ્તરે મળી રહે છે. એક તરફ સરકારી આવક વધારવાની કવાયત કરવામાં આવતી હોય છે તો તેની સામે જી.એસ.ટી. નંબર ના આપવાની આ નીતિ આવક માં વધારો કરવાના બદલે ઘટાડો કરે છે. અનેક કરદાતાઓ જી.એસ.ટી. નંબર જરૂરી હોવા છતાં, જી.એસ.ટી. નિયમોમાં જણાવેલ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં જી.એસ.ટી. નંબર મેળવી શકતા નથી. આ સ્વતંત્રતા પર્વ પર કરદાતાઓને જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવવામાં સ્વતંત્રતા મળે તે જરૂરી છે. નાના નાના કારણ દર્શાવી કરદાતાની અરજી નામંજૂર કરવામાંથી પણ કરદાતાને સ્વતંત્રતા મકલે તેવી આશા.
જી.એસ.ટી. હેઠળ CGST-SGST ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ એક બીજા સામે લઈ શકે તેની સ્વતંત્રતા
“સિમલેસ ક્રેડિટ” ના મુખ્ય હેતુ સાથે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. માં હાલ જી.એસ.ટી. ક્રેડિટ મેળવવી ખૂબ અઘરી બની ગઈ છે. કરદાતા પાસે SGST ની ક્રેડિટ હોવા છતાં, CGST “કેશ” માં ભરવા જવાબદારી આવતી હોય છે. આ પ્રકારે કરદાતા પાસે ક્રેડિટ હોવા છતાં તેઓ “કેશ” માં ટેક્સ ભરવા જવાબદાર બને તે અયોગ્ય ગણી શકાય. ખરેખર કરદાતાને SGST માંથી CGST ની રકમ ભરવા છૂટ આપવામાં આવે અને ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય દ્વારા આ અંગે કોઈ પદ્ધતિ વિકસાવી સરકારી ધોરણે એક બીજા સાથેના એકાઉન્ટ સરભર કરવા જોઈએ. કરદાતા પોતાની પાસેની ક્રેડિટ કોઈ પણ ટેક્સ ભરવા વાપરી શકે તે અંગેની સ્વતંત્રતા મળે તે જરૂરી છે.
એક રાજ્યની CGST ક્રેડિટ અન્ય રાજ્યના CGST ભરવા સામે ઉપયોગ કરી શકે તેની સ્વતંત્રતા
જી.એસ.ટી. નો USP (યુનિક સેલ્સ પ્રપોઝીશન) “વન નેશન, વન માર્કેટ, વન ટેક્સ” હતો. આ USP હેઠળ સમગ્ર દેશમાં એક પ્રકારનો ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. કોઈ કરદાતા પાસે એક થી વધારે રાજ્યોમાં જી.એસ.ટી. નંબર ધરાવતા હોય અને જ્યારે એક રાજ્યમાં CGST ક્રેડિટ પડી હોય ત્યારે અન્ય રાજ્યમાં ભરવાં પત્ર CGST સામે એ બાદ મળવી જોઈએ. આમ છતાં અત્યાર સુધી, આ પ્રકારે આવા બહુ રાજ્ય ધંધા ચલાવતા કરદાતાઓ આ રીતે ક્રેડિટનો વપરાશ કરી શકતા નથી. SGST બાબતે વિચારીએ તો આ કદાચ શક્ય નથી કે વધુ અઘરું છે કારણ કે SGST ટેક્સ એ જે તે રાજ્ય પાસે રહે છે. જ્યારે CGST તો કેન્દ્ર સરકારનો ટેક્સ છે. આવા સંજોગોમાં CGST ની ક્રેડિટ ની આપલે એક રાજ્ય થી અન્ય રાજ્યમાં થઈ શકે તે અંગે કરદાતાઓને સ્વતંત્રતા મળે તે જરૂરી છે.
MRP બેઇઝ સેસ હોય ત્યારે “સેસ” આઉટપુટ અને ઈન્પુટમાં દર્શાવવાથી મળે સ્વતંત્રતા
જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કોઈ રાજ્યની આવકમાં જી.એસ.ટી. લાગુ થવાને કારણે ઘટ આવે તો તે સરભર કરવા “કંપેનસેશન સેસ” લાગુ કરવામાં આવ્યો છે. આ સેસ ઉઘરાવવામાં હાલ મોટાભાગે MRP મુજબ સેસ ઉત્પાદન સમયે ઉઘરાવવામાં આવી રહ્યો હોય, આ ટેક્સને “વન પોઈન્ટ ટેક્સેશન” માં લઈ જવો જરૂરી છે. દરેક સ્તરે આઉટપુટ ટેક્સ તરીકે દર્શાવી તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવાની પદ્ધતિ માંથી કરદાતાને સ્વતંત્રતા મળે તે જરૂરી છે.
“કેશ લેજર” નું રિફંડ કોઈ પણ જાતના પુરાવા માંગ્યા વગર આપવામાં આવે તે અંગે સ્વતંત્રતા
કરદાતાનું “કેશ લેજર” એ કરદાતાનું કરંટ ખાતું જ ગણી શકાય. કરદાતાના આ ખાતામાં રકમ જમા હોય અને આ રકમ કરદાતા દ્વારા રિફંડ સ્વરૂપે માંગવામાં આવે તો તેમાં ઓનલાઈન રિફંડ અરજી કરવા સિવાય કોઈ વધારાના પુરાવાઓ ના માંગવામાં આવે તે અંગે કરદાતાને સ્વતંત્રતા મળે તે જરૂરી છે. હાલ, એ બાબત સાચી છે કે “કેશ લેજર” નું રિફંડ સામાન્ય રીતે ખૂબ ઓછા પુરાવા માંગી સામાન્ય રીતે મોટા ભાગના અધિકારીઓ દ્વારા આપી દેવામાં આવતું હોય છે. પરંતુ આ પ્રકારે “કેશ લેજર” માં ઓનલાઈન અરજી સિવાય કોઈ વિધિ કરવાની ના રહે તો જ ખરેખર “કેશ લેજર” કરંટ ખાતા જેવુ કામ આપી શકે તેમ ગણી શકાય.
“કોમન વર્કિંગ ડે કોન્સેપ્ટ” કરદાતાઓને પણ મળે તે અંગેની સ્વતંત્રતા
જી.એસ.ટી. કાયદા હેઠળ અધિકારી દ્વારા કોઈ કામ પુર્ણ કરવા મુદત આપવામાં આવેલ છે આ મુદતની ગણતરી કરવામાં “કોમન વર્કિંગ ડે” એટ્લે કે એવા દિવસો જ ગણવામાં આવે છે જે દિવસોમાં સેન્ટરલ જી.એસ.ટી. અને સ્ટેટ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ચાલુ હોય. બન્નેમાંથી એક પણ ખાતામાં રજા હોય તેવા સંજોગોમાં આ દિવસને અધિકારીની કામ પૂર્ણ કરવાની મુદ્દતમાં ગણવામાં આવતો નથી. પરંતુ કરદાતાને આ પ્રકારે કોઈ લાભ આપવામાં આવતો નથી. કરદાતાઓને પણ જે દિવસો તહેવારની રજા હોય, રવિવાર હોય તેવા દિવસો જો મુદ્દતનો છેલ્લો દિવસ પડતો હોય તો તેમાં સ્વયંભુ વધારો થવાની સ્વતંત્રતા મળે તે જરૂરી છે. હમણાં પાછલી 11 તારીખે જ્યારે GSTR 1 ભરવાની છેલ્લી તારીખ હતી અને જી.એસ.ટી. પોર્ટલ સરખી રીતે ચાલતું ના હતું, તેવા સંજોગોમાં પણ કરદાતાઓને મુદત વધારાનો લાભ આપવામાં આવ્યો ના હતો.
જી.એસ.ટી. ના નોટિફિકેશન સાથે સરળ ભાષામાં ટ્રેડ નોટિસ બહાર પાડવામાં આવે તે અંગે સ્વતંત્રતા
જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી સૌથી ચર્ચાસ્પદ બાબત કોઈ ગણી શકાય તો તે છે ખૂબ “ટેકનિકલ” ભાષામાં બહાર પાડવામાં આવતા નોટિફિકેશન. કરદાતાની વાત કે સામાન્ય વ્યક્તિની વાત તો દૂર રહી, ટેક્સ પ્રોફેશનલ્સ અને અધિકારીઓ પણ આ નોટિફિકેશનના અર્થઘટન કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. જ્યારે એવું માનવમાં આવતું હોય કે “Everybody is presumed to know law” એટ્લે કે દરેક વ્યક્તિ કાયદાને જાણે છે, તેવું વિધિ દ્વારા માની લેવામાં આવતું હોય ત્યારે જરૂર છે આ પ્રકારના “ટેકનિકલ નોટિફિકેશન” બાદ સરળ ભાષામાં “ટ્રેડ નોટિસ” બહાર પાડવામાં આવે. કરદાતાને જી.એસ.ટી. કાયદો સરળ રીતે સમજાવવામાં આવે તે સ્વતંત્રતા પણ જરૂરી છે.
ઇન્કમ ટેક્સ કાયદામાં આ ફેરફારો થાય તે છે જરૂરો
દરેક આકારણી આદેશ કલમ 68/69 માં ના કરવામાં આવે તે અંગેની સ્વતંત્રતા
ઇન્કમ ટેક્સ કાયદાની વાત કરીએ તો જ્યારથી નોટબંધી લાગુ થઈ હતી ત્યારબાદ કરવામાં આવેલ મોટાભાગની (લગભગ તમામ) આકારણીમાં જો કોઈ રકમ ઉમેરવામાં આવે છે તે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 68 કે 69 હેઠળ જ ઉમેરવામાં આવે છે. આમ, આ કલમ હેઠળ ઉમેરો થવાથી કરદાતાની આકારણીમાં જે રકમનો ઉમેરો કરવામાં આવેલ હોય ત્યારે લગભગ તેટલી જ રકમ જેટલું માંગણું ઊભું થઈ જતું હોય છે. આવા અનેક આકારણી આદેશ થયેલ છે જેમાં કરદાતાની આકારણીમાં ખોટી રીતે મોટી રકમ ઉમેરવામાં આવેલ હોય અને અપીલમાં આ રકમ દૂર કરી આપવામાં આવેલ હોય. પરંતુ આ આકારણી આદેશ પસાર થયાથી અપીલ આદેશ કરદાતાની તરફેણમાં આવે ત્યાં સુધી ખૂબ યાતના કરદાતાએ ભોગવવી પડતી હોય છે. આ સ્વતંત્ર દિને આશા રાખીએ કે આ બાબતે આકારણી અધિકારીને યોગ્ય સૂચના આપવામાં આવે. દરેક આકારણી આદેશમાં ઉમેરો ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 68/69 હેઠળ ના થાય તેની પણ કરદાતાને સ્વતંત્રતા મળી રહે.
મોટી ડિમાન્ડ વાળા આકારણી આદેશમાં 20% ભરવા જેવો આગ્રહ ના રાખવામા આવે તે અંગેની સ્વતંત્રતા
એક વાર કરદાતા વિરુદ્ધ કોઈ આદેશ પસાર કરી આપવામાં આવે છે ત્યારબાદ ગમે તેટલી મોટી ડિમાન્ડ હોય, કરદાતાને 20% ટેક્સ ભરવા આગ્રહ કરવામાં આવતો હોય છે. કેસના તથ્યો જોયા વગર જ આ રકમ ભરવા આગ્રહ કરવામાં આવતા કરદાતા ખૂબ મુશ્કેલી અનુભવતા હોય છે. આવા સમયે કરદાતા સામે તેના રિટર્નમાં દર્શાવેલ આવકથી ખૂબ ઊંચી રકમની આકારણી થયેલ હોય તેવા કિસ્સામાં ખૂબ ઓછી/ન્યૂનતમ રકમ સ્વીકારી સ્ટે મેળવવાની સ્વતંત્રતા મળે તે જરૂરી છે.
ઇન્કમ ટેક્સ રિટર્નના ફોર્મ્સ ભરવા પૂરતો સમય મળે તેની સ્વતંત્રતા
ઓડિટ લાગુ ના હોય તેવા કરદાતાઓને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જે તે વર્ષ પછીના 31 જુલાઇ સુધીનો સમય મળતો હોય છે. આમ તો 01 એપ્રિલ થી 31 જુલાઇ એટ્લે કે ચાર મહિના જેટલો સમય કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા આપવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવતું હોય છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર રિટર્ન ભરવાની સગવડ સામાન્ય રીતે મોડી શરૂ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત હાલ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં AIS તથા TIS ખૂબ જરૂરી હોય, આ વિગતો ઇન્કમ ટેક્સ પોર્ટલમાં જૂનના પહેલા અઠવાડીયા સુધીમાં અપડેટ થતી હોય છે. આમ, કરદાતા માટે આ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા વ્યાવહારિક રીતે બે મહિનાથી પણ ઓછો સમય રહેતો હોય છે. જો આ મુદત ચૂકી જવામાં આવે તો “લેઇટ ફી” ના રૂપકડા નામ સાથે ની પેનટલી તો ઊભી જ છે. ઓડિટ સિવાયના કરદાતા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 ઓગસ્ટ કરી આપવામાં આવે તેવી સ્વતંત્રતા પણ કરદાતાઓ માટે જરૂરી છે.
ટેક્સ પેયર્સને આપવામાં આવે વિશેષ સન્માન:
આપણાં દેશમાં સ્વતંત્રતા દિન તથા ગણતંત્ર દિનની ઉજવણી લગભગ તમામ નાના મોટા શહેરોમાં થાય છે. આ ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. આ ઉજવણીના ભાગ રૂપે શહેર-ગામના નામી ડિફેન્સ પર્સનેલ(આર્મીમેન વગેરે), સેવાભવિઓ, ડોક્ટરો, વરીષ્ઠ નાગરિકો, પત્રકારોના સન્માન કરવામાં આવતા હોય છે. પરંતુ શું ટેક્સ પેયર્સ-ટેક્સ ભરનારાઓનું સન્માન થતું તમે જોયું છે??? ના, આપણાં દેશમાં ટેક્સ પેયર્સનું સન્માન કરવાની પદ્ધતિ શરૂ થઈ નથી. પરંતુ ટેક્સ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતાં પ્રોફેશનલ તરીકે હું ચોક્કસ માનું છું કે આપણાં દેશમાં ટેક્સ પેયર્સનું સન્માન કરવાંનો સમય આવી ગયો છે. 15 ઓગસ્ટનો પ્રોગ્રામ હોય કે 26 જાન્યુઆરીનો પ્રોગ્રામ હોય, દરેક ગામ તથા શહેરમાં સૌથી વધુ ટેક્સ ભરનાર ઓછામાં ઓછા 10 વ્યક્તિઓનું દરેક કર્યેક્રમમાં જાહેરમાં સન્માન કરવાની વિશિષ્ટ પદ્ધતિ શરૂ કરવામાં આવવી જોઈએ. આ ઉપરાંત ટેક્સ પેયર્સને સરકાર દ્વારા વિવિધ સરકારી કર્યેક્રમોમાં વિશેષ આમંત્રણ આપવામાં આવવું જોઈએ. સ્થાનિક MP (સંસદસભ્ય) તથા MLA (ધારાસભ્ય) પાસે પણ આ પ્રકારે પોતાના મતવિસ્તારના ઊંચા ટેક્સ ભરનાર વ્યક્તિઓની યાદી હોવી જોઈએ. સરકારી ઓફિસો જેવી કે ઇન્કમ ટેક્સ, જી.એસ.ટી. ઓફિસ દ્વારા વિવિધ સ્થાનિક મિટિંગમાં આ ટેક્સ પેયર્સ સાથે વિચાર વિમર્શ કરતાં કર્યેક્રમો પણ નિયમિત રીતે યોજવામાં આવે તે જરૂરી છે. આ કર્યેક્રમમાં ટેક્સ પેયર્સ માટે એક વિશેષ અગ્રહરોળ આપી તેઓનું સન્માન કરવું જોઈએ. આ ઉપરાંત સ્થાનિક સ્તરે આવા ટેક્સ પેયર્સની ફરિયાદ નિવારણ બાબતે અલગ “રેડ કાર્પેટ વિન્ડો” હોવી જોઈએ. તેઓની સ્થાનિક સમસ્યાઓનું સમાધાન અગ્રતાથી કરવામાં આવે તે પણ જરૂરી છે. આ પ્રમાણે ટેક્સ પેયર્સનું સન્માન કરવામાં આવશે તો તેઓને વ્યક્તિગત રીતે તો ગૌરવપદ બાબત લાગશે જ પરંતુ આ સાથે જ અન્ય લોકોને પણ પોતાનો ટેક્સ પ્રમાણિક પણે ભરવાની પ્રેરણા મળશે.
અને છેલ્લે
આપણે સૌ કરદાતાઑ માટે…..ઉપરની તમામ સ્વતંત્રતા એ મારા તમારા જેવા કરદાતાઓના હક્ક માટે જરૂરી છે પરંતુ દરેક હક્ક એ ફરજ પણ સાથે લઈ આવે છે. આપણાં સૌ માટે એ જરૂરી છે કે આપના દેશના વિકાસમાં આપણું યોગદાન આપીએ. આ માટે આપણે સૌ આપણો ટેક્સ યોગ્ય રીતે અને સમયસર ભરીએ.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં 12 ઓગસ્ટ 2024 ના રોજ પ્રકાશિત થયેલ છે)