ગૌહાતી હાઇકોર્ટનો આકારણી આદેશ બાબતે કરદાતાની તરફેણનો એક અતિ મહત્વનો ચુકાદો, બની શકે છે ઘણા કરદાતાઓ માટે ઉપયોગી!!

0
Spread the love
Reading Time: 3 minutes

તા. 08.10.2024:

નાણાકીય વર્ષ 2018-19 અને 2019-20 ના આકારણી આદેશ બાબતે છે આ ચુકાદો મહત્વનો

ગૌહાતી હાઇકોર્ટ દ્વારા WP(C)/3585/2024 તથા અન્ય સલગ્ન કેસોમાં 17 સપ્ટેમ્બર 2024 ના રોજ એક ખૂબ મહત્વનો અને કરદાતાની તરફેણનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદો નાણાકીય વર્ષ 2018 19 તથા 2019 20 ના વર્ષના પસાર કરવામાં આવેલ આકારણી આદેશ બાબતે ખૂબ મહત્વ ધરાવે છે.

કેસની વિગતો:

બરકતકી પ્રિન્ટ એન્ડ મીડિયા સર્વિસ વી. યુનિયન ઓફ ઈન્ડિયા અને અધર્સ સહિત ઘણા બધા કેસો આ મુદ્દા ઉપર હાઇકોર્ટ સમક્ષ હતા. નાણાકીય વર્ષ 2018 19 તથા 2019 20 માટેની કારણ દર્શક નોટિસ આપવાની સમય મર્યાદા અને આકારણી આદેશ પસાર કરવા માટે ની સમય મર્યાદા CBIC ના નોટિફિકેશન 56/2023, તા. 28.12.2023 દ્વારા, સેંટરલ જી.એસ.ટી. કાયદાની કલમ 168A નો ઉપયોગ કરી વધારવામાં આવી હતી. કોરોનાનું કારણ દર્શાવી આ સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો. આ નોટિફિકેશનને આ તમામ કેસોમાં પડકારવામાં આવ્યું હતું.

કરદાતાઓ દ્વારા નાણાકીય વર્ષ 2018-19 તથા 2019-20 ની કારણ દર્શક નોટિસ આપવાની સમય મર્યાદા વધારતા તથા આકારણી આદેશ પસાર કરવાની સમય મર્યાદા વધારતા આ નોટિફિકેશનની કાયદેસરતા બાબતે પ્રશ્ન ઉઠાવ્યા હતા.

કરદાતા તરફે દલીલ:

કરદાતા તરફે દલીલ કરવામાં આવી હતી કે જી.એસ.ટી. હેઠળ કલમ 168A નો ઉપયોગ કરી સમય મર્યાદા વધારવા અંગે નોટિફિકેશન બહાર પાડતા પહેલા જી.એસ.ટી. કાઉન્સીલની ભલામણ હોવી ફરજિયાત છે. નોટિફિકેશ 56/2023 બાબતે જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા આ પ્રકારે સમય મર્યાદા વધારવા કોઈ ભલામણ કરવામાં આવી ના હતી. જો કે નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ પ્રકારની ભલામણ જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલ છે, જે બાબત તથ્ય તપાસતા ખોટી હતી. આમ, જી.એસ.ટી. કાઉન્સીલની ભલામણ ના હોવા છતાં નોટિસ આપવાની તથા આકારણી આદેશ પસાર કરવાની સમય મર્યાદા વધારવી અયોગ્ય છે તેવી દલીલ કરદાતા તરફે કરવામાં આવી હતી. કરદાતા તરફે એ પણ દલીલ કરવામાં આવી હતી કે CBIC ના નોટિફિકેશ 56/2023 ને સમકક્ષ રાજ્ય જી.એસ.ટી. દ્વારા નોટિફિકેશન બાહર પાડવામાં આવ્યું જ નથી. નાણાકીય વર્ષ 2018 19 ના આદેશ 01.04.2024 કે ત્યાર પછી તથા નાણાકીય વર્ષ 2019 20 ના આદેશ 01.07.2024 કે ત્યાર બાદ પસાર કરવા સમય મર્યાદા બહાર ગણાય. આમ, સ્ટેટ જી.એસ.ટી. હેઠળ પસાર કરવામાં આવેલ તમામ આદેશ સત્તા બહારના અને સમય મર્યાદા બહારના ગણાય.

સરકાર તરફે દલીલ:

સરકાર તરફે એ બાબત સ્વીકારવામાં આવી હતી કે નોટિફિકેશ 56/2023 અંગે જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા કોઈ ભલામણ કરવામાં આવી ના હતી. સરકાર તરફે દલીલ કરવામાં આવી હતી કે જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા કરવામાં આવતી ભલામણો સરકાર માટે સ્વીકારવી બાધ્ય નથી અને સરકાર દ્વારા આ ભલામણો સ્વીકારવી કે ના સ્વીકારવી તે અંગે નિર્ણય પોતાની વિવેક બુદ્ધિથી કરવાનો રહે છે. આ અંગે સુપ્રીમ કોર્ટનો મોહિત મિનરલના કેસને ટાંકવામાં આવ્યો હતો. સરકાર દ્વારા એ બાબતનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો કે આસામ સરકાર દ્વારા 56/2023 ને સમકક્ષ કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી.

કોર્ટનો ચુકાદો:

કોર્ટ માટે સૌથી મહત્વનું એ બાબતે નિર્ણય કરવો રહેતો હતો કે શું નાણાકીય વર્ષ 2018 19 તથા 2019 20 માટે કારણ દર્શક નોટિસ આપવાની તથા આકારણી આદેશ પસાર કરવાની સમય મર્યાદામાં વધારો કરતાં નોટિફિકેશન 56/2023 કાયદેસર રીતે અવૈધ ગણી શકાય?.

કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. કાયદાની કલમ 168A હેઠળ કોઈ નોટિફિકેશન બહાર પાડતા પૂર્વે જી.એસ.ટી. કાઉન્સીલની ભલામણ હોવી ખૂબ જરૂરી છે. નોટિફિકેશન 56/2023, તા. 28.12.2023 ના નોટિફિકેશન પૂર્વે જી.એસ.ટી. કાઉન્સીલની કોઈ ભલામણ હતી નહીં.

કોર્ટ દ્વારા એ પણ સ્વીકારવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. કાઉન્સીલની ભલામણો કાયદામાં પરિણામતી નથી અને સરકાર દ્વારા આ ભલામણોનો સ્વીકાર કરવો કે નહીં તેની સત્તા સરકાર પાસે છે. માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા મોહિત મિનરલના કેસમાં એ ઠરાવવામાં આવ્યું છે કે જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા આપવામાં આવેલ ભલામણ ક્યારે માનવા પાત્ર છે અને ક્યારે નથી.

બન્ને પક્ષોની દલીલ સાંભળી કોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે CBIC દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશ 56/2023, તા. 28.12.2023 અંગે જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા કોઈ ભલામણ કરવામાં આવી ના હોય, 168A નો ઉપયોગ કરી બહાર પાડવામાં આવેલ આ નોટિફિકેશન કાયદા હેઠળ માન્ય ઠરી શકે નહીં. આ ઉપરાંત આસામ રાજ્ય દ્વારા આ નોટિફિકેશનને સમકક્ષ નોટિફિકેશન બહાર પાડવામાં ના આવ્યું હોય, આસામ રાજ્ય જી.એસ.ટી. હેઠળ પસાર કરવામાં આવેલ આદેશ પણ કાયદેસર ગણી શકાય નહીં. આમ, વધારાના સમયનો ઉપયોગ કરી આપવામાં આવેલ કારણ દર્શક નોટિસ તથા આકારણી આદેશ સત્તાધિકાર બહારના ગણાય અને અમાન્ય ઠેરવવા કોર્ટ કરવામાં આદેશ કરવામાં આવે છે. જો કે કોર્ટ દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 168A(2) ની સત્તાનો ઉપયોગ કરી પાછલી તારીખથી નોટિફિકેશન બહાર પાડવાની સરકારની સત્તા ઉપર કોઈ રોક લગાવવામાં આવી નથી.

લેખકનો મત:

ગૌહાતી હાઇકોર્ટનો આ ચુકાદો ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઘણા કરદાતાઓ માટે ઉપયોગી બની શકે છે. આ નોટિફિકેશન ધ્યાને લઈ ઘણા આદેશ ઓગસ્ટના અંત ભાગમાં પસાર કરવામાં આવ્યા છે. આ ચુકાદા મુજબ આ આદેશો પણ રદ્દ થવા પાત્ર બને. આમ, કરદાતાઑ આ આદેશોને રીટ પિટિશન દ્વારા હાઇકોર્ટમાં પડકારી શકે છે. આ સિવાય આ આદેશ સામે જો અપીલ કરવામાં આવે તો પણ આ ચુકાદો ખૂબ ઉપયોગી બની શકે છે. ગૌહાતી હાઇકોર્ટનો આ મહત્વનો ચુકાદાની અસર સરકારી આવક ઉપર ના થાય તે માટે એવી પણ શક્યતા નકારી શકાય નહીં કે આ ચુકાદાના કારણે સરકારને નુકસાન ના થાય તે માટે આગામી જી.એસ.ટી. કાઉન્સીલમાં નાણાકીય વર્ષ 2018 19 તથા 2019 20 માટે નોટિસ આપવાની તથા આકારણી આદેશ પસાર કરવાની સમય મર્યાદામાં વધારા અંગે ભલામણ કરવામાં આવે અને સરકાર દ્વારા આ ભલામણ સ્વીકારી જૂની તારીખથી અમલી નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
18108