જી.એસ.ટી. હેઠળ ઓક્ટોબર મહિનાનું GSTR 1 તથા 3B રિટર્ન છે અતિ મહત્વનુ

Spread the love
Reading Time: 3 minutes

તા. 22.10.2024

નાણાકીય વર્ષ 2023 24 ના વર્ષ ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવાંની મુદત છે 30 નવમ્બર

 જી.એસ.ટી. હેઠળ રિવાઈઝ રિટર્ન ભરવાની કોઈ સગવડ કરદાતાને આપવામાં આવી નથી. કરદાતા દ્વારા પોતાના દ્વારા પાછલા વર્ષીની કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની રહી ગઈ હોય અથવા તો પાછલા વર્ષના વેચાણની વિગતો દર્શાવવાનું રહી ગયું હોય કે આ વિગતો દર્શાવવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, ત્યારે કરદાતા પછીના GSTR 3B તથા GSTR 1 દ્વારા સુધારી શકે છે. આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની મર્યાદા કે વેચાણ દર્શાવવાની કે સુધારવની મર્યાદા જે તે નાણાકીય વર્ષ પછીના વર્ષના 30 નવેમ્બર સુધીની છે. આમ, નાણાકીય વર્ષ 2023 24 ના વર્ષની કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની રહી ગઈ હોય અથવા વેચાણને લગતી કોઈ વિગતો દર્શાવવાની રહી ગઈ હોય કે તેમાં ભૂલ રહી હોય તો ઓક્ટોબર મહિનાનું રિટર્ન કરદાતા માટે ખૂબ મહત્વનુ રહે છે.

30 નવેમ્બર 2024 પછી નાણાકીય વર્ષ 2023-24 ના વેચાણની વિગતોમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં!

અત્રે એ નોંધવું ખૂબ જરૂરી છે કે 30 નવેમ્બર 2024 પછી જી.એસ.ટી.આર. 1 ભરવામાં આવે તો નાણાકીય વર્ષ 2023 24 ના વર્ષને લગતા વેચાણના કોઈ વ્યવહારોમાં ફેરફાર થઈ શકતો નથી. કોઈ B2B વેચાણ દર્શાવવાનું રહી ગયું હોય કે આ દર્શાવેલ વેચાણમાં કોઈ ભૂલ હોય તો આ સુધારો પણ 30 નવેમ્બર 2024 પહેલા ભરવાના થતાં GSTR 1 કે IFF માં કરી લેવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત કોઈ વેચાણ B2B ના બદલે B2C માં દર્શાવેલ હોય તો તે ફેરફાર પણ આગામી GSTR 1 માં કરી લેવો જરૂરી છે. જો કે ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતા માટે હવે GSTR 1 ભરવાનું જાન્યુઆરીમાં આવવાનું હોય તેઓ IFF માં પાછલા વર્ષના કોઈ B2B ઉમેરી તો શકશે પરંતુ B2C ના વેચાણમાં સુધારો કરવાનો મોકો કરદાતાને મળશે નહીં. આ પ્રકારના ફેરફાર કરવામાં ના આવે તો આ અંગે આકારણી ની નોટિસ આ તફાવતના કારણે આવવાની શક્યતા રહેતી હોય છે. આમ, ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઑ દ્વારા આ બાબતે ખાસ તકેદારી રાખવી જરૂરી છે કે ભલે કાયદા હેઠળ 30 નવેમ્બર સુધી પાછલા વર્ષના સુધારા કરવાની પરવાનગી હોય છે પરંતુ વ્યાવહારિક રીતે આ QRMP કરદાતા દ્વારા સપ્ટેમ્બર મહિનાના રિટર્નમાં જ આ સુધારા કરી લે તે જરૂરી છે.

30 નવેમ્બર 2024 પછી નાણાકીય વર્ષ 2023-24 ની કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ થઈ શકે નહીં!

અત્રે એ નોંધવું ખૂબ જરૂરી છે કે 30 નવેમ્બર 2024 પછી જી.એસ.ટી.આર. 3B ભરવામાં આવે તો નાણાકીય વર્ષ 2023 24 ના વર્ષને લગતી કોઈ ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં. આમ, ઓક્ટોબર 2024 નું GSTR 3B પાછલા વર્ષની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરી લેવી ફરજિયાત છે. જો કે ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતા માટે હવે GSTR 3B ભરવાનું જાન્યુઆરીમાં આવવાનું હોય તેઓ માટે આ લાભ હવે મળી શકશે નહીં. આમ, ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઑ દ્વારા આ બાબતે ખાસ તકેદારી રાખવી જરૂરી છે કે ભલે કાયદા હેઠળ 30 નવેમ્બર સુધી પાછલા વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની પરવાનગી હોય છે પરંતુ વ્યાવહારિક રીતે આ QRMP કરદાતા દ્વારા સપ્ટેમ્બર મહિનાના રિટર્નમાં જ આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈ લે જરૂરી છે.

નાણાકીય વર્ષનું વાર્ષિક રિટર્ન ભરતા પહેલા આ ક્રેડિટ ક્લેઇમ કરવી છે જરૂરી:

સામાન્ય રીતે કરદાતા કોઈ નાણાકીય વર્ષ માટેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પછીના વર્ષના 30 નવેમ્બર સુધી ક્લેઇમ કરી શકે છે. પરંતુ જો કરદાતાએ પોતાનું વાર્ષિક રિટર્ન, GSTR 9, 30 નવેમ્બર પહેલા પહેલા ફાઇલ કરી આપેલ છે તો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવાની મુદત એ તે વાર્ષિક રિટર્ન ભર્યાની મુદત સુધીમાં જ ક્લેઇમ કરી શકાશે. આ બાબત કરદાતાએ ધ્યાને લેવી ખૂબ જરૂરી છે. આમ, કરદાતાએ પોતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગે સંપૂર્ણ ખાત્રી કર્યા બાદ જ પોતાનું વાર્ષિક રિટર્ન ભરવું હિતાવહ છે. સામાન્ય રીતે જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરવાની મુદત નાણાકીય વર્ષ પછી 31 ડિસેમ્બર રહેતી હોય છે. આમ, વાર્ષિક રિટર્ન ભરવામાં ઉતાવળ ના કરવામાં આવે તે જરૂરી છે.

મોટા પ્રમાણમાં “રોયલ્ટી” બાબતે RCM ની નોટિસ મળી છે તેવા કરદાતા માટે ઓક્ટોબર 24 નું રિટર્ન છે વધુ મહત્વનુ!!

છેલ્લા બે મહિનાથી મોટા પ્રમાણમા “લીઝ” ધારકોને રોયલ્ટી ઉપર રિવર્સ ચાર્જ મીકેનીઝમ (RCM) હેઠળ ટેક્સ ભરવાની નોટિસો મોટા પ્રમાણમા આપવામાં આવી છે. આવા કરદાતા માટે આ ઓક્ટોબરનું રિટર્ન, કે જે 30 નવેમ્બર 2024 સુધીમાં ભરવામાં આવે તે વિશેષ મહત્વ ધરાવે છે. નાણાકીય વર્ષ 2023 24 ના વર્ષના RCM ભરી આ RCM ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવે તો કરદાતાને વ્યાજ અંગે અને દંડ પૂરતું જ નુકસાન જશે. ટેક્સની રકમ ક્રેડિટ સ્વરૂપે બાદ મળી જશે. આમ, આ પ્રકારે નોટિસ આવેલ હોય તેવા કરદાતા અથવા તો અન્ય કોઈ RCM ભરવાનો બાકી હોય તેવા કરદાતાએ આ RCM ભરી તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આગામી રિટર્નમાં લઈ લેવી જરૂરી છે.

જી.એસ.ટી. હેઠળ ઓક્ટોબરનું માસિક GSTR 1 તથા GSTR 3B રિટર્ન ખૂબ મહત્વ ધરાવે છે. આ રિટર્ન ભરવામાં વધુમાં વધુ સાવધાની રાખવી કરદાતા માટે જરૂરી છે. આ સમયે ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતા માટે 30 નવેમ્બર 2024 સુધીમાં વેચાણ અંગે સુધારા કરવા બાબતે તથા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવા બાબતે કોઈ વ્યવસ્થા આપવામાં આવે તો તેઓના માટે 30 નવેમ્બર સુધી વધારવામાં આવેલ સમય મર્યાદાનો લાભ અસરકારક રીતે મળી શકે. પાછલા નાણાકીય વર્ષના તમામ ફેરફાર આગામી રિટર્નમાં કરી આપવામાં આવે તો કરદાતાઓને આકારણીમાં સરળતા રહેતી હોય છે. કરદાતાઓ આ અંગેની ગંભીરતા સમજે તે ખાસ જરૂરી છે.

error: Content is protected !!