જી.એસ.ટી. હેઠળ નોંધણી નંબર મેળવવામાં કરદાતાની પરેશાનીમાં થશે ઘટાડો!!

0
Spread the love
Reading Time: 2 minutes

સેંટરલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા જી.એસ.ટી. નોંધણી બાબતે બહાર પાડવામાં આવી મહત્વની સૂચનાઓ:

તા. 18.04.2025: જી.એસ.ટી. હેઠાણ નોંધણી દાખલો મેળવવામાં કરદાતાઓ પાસે અધિકારી દ્વારા અલગ અલગ વિગતો માંગવામાં આવતી હતી. ઘણીવાર આ વિગતો ના આપી શકવાના કારણે કરદાતાની અરજી નામંજૂર કરી આપવામાં આવતી હતી. બીજી બાજુ સાવ સરળ રીતે નોંધણી દાખલો કરચોરો મેળવી ના લે એ તકેદારી પણ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રાખવી જરૂરી બની જતી હોય છે. આ બન્ને સ્થિતિને ધ્યાને લઈ જી.એસ.ટી. નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેંટરલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા એક મહત્વની સૂચના તારીખ 17 એપ્રિલ 2025 ના રોજ ઇન્સટ્રકશન નંબર 03/2025-GST દ્વારા બહાર પાડવામાં આવી છે. આ સૂચના મુજબ જી.એસ.ટી. નોંધણી આપતા અધિકારી દ્વારા કરદાતા પાસેથી ક્યાં દસ્તાવેજો માંગી શકશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સૂચના મુજબ કરદાતાના ધંધાના સ્થળના પુરાવા તરીકે છેલ્લી મિલ્કત વેરાની પહોચ, મ્યુનિસિપલ ખાતાની કોપી, માલિકના નામનું ઇલેક્ટ્રીક બિલ, પાણી બિલ કે આ પ્રકારના કોઈ પણ એક દસ્તાવેજ માંગવાના રહેશે. આ પૈકી કોઈ એક પુરાવો રજૂ કરવામાં આવ્યો હોય તો અધિકારી દ્વારા આ સિવાય કોઈ પુરાવા માંગવાના રહેશે નહીં. આ સૂચનામાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે અધિકારી દ્વારા આ પુરાવાની ઓરિજિનલ ફીઝીકલ કોપી માંગવાની રહેશે નહીં. જ્યારે કરદાતાની જગ્યા ભાડાની હોય તેવા સંજોગોમાં ભાડા કરાર ઉપરાંત મકાન માલિકની ઉપર જણાવેલ માલિકી મુરવા સિવાય કોઈ વધારાનો પુરાવો માંગવાનો રહેશે નહીં. જો રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ હોય તો માત્ર ભાડા કરાર અને મકાન માલિકનો માલિકી પુરાવો અને જો અનરજિસ્ટર્ડ એગ્રીમેન્ટ હોય તો અગાઉ જણાવેલ પુરાવા ઉપરાંત ભાડે આપનારની ઓળખ સ્પષ્ટ કરતો એક પુરાવો માંગવાનો રહેશે. આ ઉપરાંત સંમતિથી કોઈ ધંધાની જગ્યા રાખવામા આવેલ હોય તો અને જગ્યાના માલિક વ્યકિતના જીવન સાથી કે સબંધી હોય તો સાદા કાગળ ઉપરની સંમતિ, સંમતિ આપનારનો ઓળખનો પુરાવા અને સંમતિ આપનારના માલિકીના દસ્તાવેજ રજૂ કરવામાં રહેશે. જ્યારે કોઈ ધંધાની જગ્યા પાઘડીથી હોય તો આ અંગેનું સોગંદનામું અને ઉપર જણાવેલ કોઈ માલિકી પુરાવા આપતા અધિકારી દ્વારા આ ચલાવવાનું રહેશે તે અંગે પણ મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સૂચના ના કારણે કરદાતા માટે નોંધણી દાખલો લેવો તો ચોક્કસ સહેલો બનશે પરંતુ નોંધણી દાખલો લીધા બાદ કરવામાં આવતા સુધારાઓ માટે પણ આ સૂચના ઉપયોગી બનશે. ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માટે આ ખુલાસો એક સારું પગલું ગણી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!