હોટેલ અને રેસ્ટોરન્ટ પર જી.એસ.ટી. કેવી રીતે લાગે??? હોટેલ સંચાલન સાથે જોડાયેલ વ્યક્તિ તથા ગ્રાહકો માટે પણ ઉપયોગી છે આ લેખ

-By Bhavya Popat, Advocate & Notary, Editor Tax Today
તા. 11.06.2025
પ્રવાસન ક્ષેત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના સૌથી વધુ ઝડપે વિકાસ પામતા ક્ષેત્ર માંથી એક છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભારતની વાત કરીએ તો HoReCa એટ્લે કે Hotel, Restaurant, Cafe ઈન્ડસ્ટ્રી ખૂબ મજબૂત રીતે આગળ વધી રહી છે તેવું જમીની સ્તરે પણ વર્તાઇ રહ્યું છે. આ ક્ષેત્ર ઉપર જી.એસ.ટી. કેવી રીતે લાગુ પડે આ જાણવાનું આ ક્ષેત્રના વેપારીઓ-કરદાતાઓ માટે જરૂરી છે. આ ઉપરાંત આ ક્ષેત્ર ઉપર જી.એસ.ટી. કેવી રીતે લાગુ પડે તે સમજવું સામાન્ય લોકો માટે પણ જરૂરી છે કારણકે જી.એસ.ટી. એક “ઇંડાયરેક્ટ ટેક્સ” હોય આ જી.એસ.ટી. નું ભારણ તો આ સેવાનો ઉપયોગ કરનાર ઉપર જ આવશે. આજે આ લેખમાં માત્ર હોટેલ, રેસ્ટોરન્ટ ધારકો જ નહીં પરંતુ હોટેલ, રેસ્ટોરન્ટના ગ્રાહકો પણ આ સેવાને લગતી જી.એસ.ટી. જોગવાઇઓ વિષે સમજે તે રીતે સરળ ભાષામાં રજૂ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
હોટેલ ઉપર જી.એસ.ટી. નો દર:
એક સમય એવો હતો કે જ્યારે 1000 થી ઓછા હોટેલના ભાડા હોય ત્યારે જી.એસ.ટી. નો દર શૂન્ય હતો. બીજા શબ્દોમાં કહીએ તો એક રૂમનું ભાડું 999 સુધી હોય તો તે રૂમના ભાડા ઉપર કોઈ જી.એસ.ટી. લાગુ પડતો નહીં. 18 જુલાઇ 2022 થી આ છૂટ દૂર થઈ ગઈ છે. 18 જુલાઇ 2022 બાદ તમામ હોટેલના રૂમ ઉપર જી.એસ.ટી. લાગુ થઈ ગયો છે. પ્રવર્તમાન જોગવાઈ પ્રમાણે હોટેલ રૂમ કે જેનું ભાડું 7500 સુધી હોય તેના ઉપર 12% જી.એસ.ટી. લાગુ પડે છે જ્યારે 7501 થી ઉપર કોઈ રૂમનું ભાડું હોય ત્યારે તેના ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે છે.
રેસ્ટોરન્ટ ઉપર જી.એસ.ટી. નો દર:
રેસ્ટોરન્ટ ઉપર જી.એસ.ટી. દરોમાં 01 એપ્રિલ 2025 ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. એવી રેસ્ટોરન્ટ કે જે “સ્ટેન્ડઆલોન રેસ્ટોરન્ટ” હોય, જે કોઈ હોટેલ સાથે જોડાયેલ ના હોય તેના ઉપર 5% જી.એસ.ટી. લાગુ પડે છે. આ હોટેલ માટે 5% ના દરે જી.એસ.ટી. નો વિકલ્પ લેવો ફરજિયાત છે અને તેઓ પોતે ઈચ્છે તો પણ 18% નો વિકલ્પ લઈ શકતા નથી. આ પ્રકારની રેસ્ટોરન્ટ કે જે 5% લેખે જી.એસ.ટી. ભરે છે, તેઓને પોતાની ખરીદીઓ પર કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. 01 એપ્રિલ 2025 થી લાગુ થતાં ફેરફાર મુજબ કોઈ રેસ્ટોરન્ટ કે જે કોઈ હોટેલ સાથે સલગ્ન હોય (રહેવાની સગવડ આપતી હોટેલની જગ્યા માંજ જે રેસ્ટોરન્ટ હોય) અને તે હોટેલનું કોઈ પણ એક રૂમનું કોઈ પણ એક દિવાસનું ભાડું પાછલા વર્ષમાં 7500 થી વધુ લેવામાં આવેલ હોય તો તેની રેસ્ટોરન્ટ ઉપરનો જી.એસ.ટી. નો દર 18% રહેતો હોય છે. આ પ્રકારની હોટેલ્સ પોતે ખરીદીઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકે છે. આ નિયમ નવો છે, થોડો પેચીદો છે, ઘણી હોટેલ આ બાબતે ભૂલ કરતી હોય છે તેવું ધ્યાનમાં આવ્યું છે. હોટેલ્સ સાથે સલગ્ન હોય તેવી રેસ્ટોરન્ટ જો આ નિયમના અર્થઘટનમાં ભૂલ કરે તો ભવિષ્યમાં મોટી આર્થિક જવાબદારી તેમના ઉપર આવી શકે છે. હોટેલ્સ સાથે જોડાયેલ રેસ્ટોરાંટ્સ કે જે હોટેલનું રૂમ ભાડું પાછલાં વર્ષમાં 7500 થી વધુ થયું ના હોય તેઓ મરજિયાત રીતે 18% લેખે જી.એસ.ટી. ભરવાનું અને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
શું રેસ્ટોરન્ટ કંપોઝીશન સ્કીમ નો લાભ લઈ શકે?
હા, રેસ્ટોરન્ટ કંપોઝીશન સ્કીમનો લાભ ચોક્કસ લઈ શકે છે. પરંતુ મારા વ્યક્તિગત મત મુજબ કોઈ પણ રેસ્ટોરન્ટ કંપોઝીશનમાં જાય તે યોગ્ય નથી. આનું કારણ એ છે કે રેસ્ટોરન્ટ ઉપર કંપોઝીશનનો જી.એસ.ટી. નો દર 5% છે જ્યારે કંપોઝીશનનો દર પણ 5% જ છે. આવા સંજોગોમાં કંપોઝીશનમાં ના હોય તો રેસ્ટોરન્ટ 5% નો ટેક્સ અલગથી ઉઘરવી શકે છે જ્યારે કંપોઝીશનમાં હોય તેવા રેસ્ટોરન્ટ 5% જી.એસ.ટી. અલગથી ઉઘરાવી શકે નહીં. આ ઉપરાંત કંપોઝીશનમાં હોય તેવા રેસ્ટોરન્ટ ઇ કોમર્સ દ્વારા એટ્લે કે ઝૉમેટો કે સ્વીગી દ્વારા વેચાણ પણ કરી શકે નહીં. આમ, રેસ્ટોરન્ટના ધંધાર્થી માટે કંપોઝીશન સ્કીમ કરતાં રેગ્યુલર સ્કીમમાં રહેવું વધુ સારું ગણાય તેવો મારો મત છે.
ઇ કોમર્સ દ્વારા રેસ્ટોરન્ટ દ્વારા વેચાણ કરવામાં આવે તો જી.એસ.ટી. ની જવાબદારી કોની આવે?
આજે રેસ્ટોરન્ટ સેવાનું ઇ કોમર્સ દ્વારા વેચાણ ખૂબ વધી રહ્યું છે. ઇ કોમર્સ દ્વારા એટ્લે કે ઝૉમેટો કે સ્વીગી દ્વારા રેસ્ટોરન્ટ દ્વારા વેચાણ કરવામાં આવે તો આ વેચાણ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી જે તે ઇ કોમર્સ વાળાની રહેતી હોય છે. જે તે રેસ્ટોરન્ટ ઉપર આ પ્રકારના વ્યવહાર માટે ટેક્સ ભરવાની જવાબદારી રહેતી નથી. જો કે આ બાબતે એક મહત્વની બાબત જાણવી જરૂરી છે કે હોટેલ સાથે સલગ્ન હોય તેવી રેસ્ટોરન્ટ જે 18% ભરવા જવાબદાર હોય અને તેઓ જો ઇ કોમર્સ દ્વારા વેચાણ કરતાં હોય તેવા વ્યવહારો માટે પણ આ રેસ્ટોરન્ટ જ જી.એસ.ટી. ભરવા જવાબદાર રહેશે.
કેટરિંગ સેવા ઉપર જી.એસ.ટી. ની જવાબદારી:
કેટરિંગ સેવા જેને સામાન્ય રીતે “આઉટડોર કેટરિંગ” તરીકે ઓળખાઈ છે તેના માટે જી.એસ.ટી. ભરવાની જવાબદારી તેઓ કઈ જગ્યાએ આ સેવા પૂરી પડે છે તેના ઉપર રહે છે. કેટરિંગની સેવા જો કોઈ એવી હોટેલમાં પૂરી પાડવામાં આવેલ હોય જેના કોઈ એક રૂમનું ભાડું પણ પાછલા વર્ષમાં 7500/- થી વધુ થયું હોય, તો આ કેટરિંગ સેવા પૂરી પાડવા ઉપર પણ 18% નો જી.એસ.ટી. લાગુ પડશે. આ સિવાયની કોઈ પણ જગ્યા ઉપર કેટરિંગની સેવા પૂરી પાડવામાં આવી હોય તો આ કેટરિંગની સેવા ઉપર 5% નો જી.એસ.ટી. લાગુ પડશે.
મિત્રો, હોટેલ-રેસ્ટોરન્ટમાં જવું હવે કોઈ “સ્ટેટ્સ સિમ્બોલ” કે “લક્ઝરી સેવા” રહી નથી પરંતુ આ સેવા આપણાં સૌના રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે. આ સેવાઓ ઉપરના જી.એસ.ટી. અંગેની જાણકારી હોવી એ માત્ર હોટેલ-રેસ્ટોરન્ટ સાથે જોડાયેલ વ્યવસાયીઓ માટે જ જરૂરી છે તેવું નથી પણ આ સેવાનો વપરાશ કરનાર ગ્રાહકો માટે પણ આ બાબત જાણવી જરૂરી છે તેવો મારો મત છે. આ લેખમાં આ સેવા અંગે જી.એસ.ટી. ની માહિતી સરળ શબ્દોમાં આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આશા રાખું છું કે આ લેખ આપને ઉપયોગી બનશે. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો આપ adv.bhavyapopat@gmail.com ઉપર ઇ મેઈલ દ્વારા પૂછી શકો છો.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 09 જૂન 2025 ના રોજ પ્રકાશિત થયેલ છે)