જી.એસ.ટી. ની 8 વર્ષની સફર: થોડા હે હોડે કી ઝરૂરત હે….

આજે 8 વર્ષ જી.એસ.ટી. કાયદો લાગુ થયાને પૂર્ણ થાય છે ત્યારે ભૂતકાળ નહીં પરંતુ વર્તમાન અને ભવિષ્યમાં ડોકિયું કરવાં અંગે આ છે ખાસ લેખ:
તા. 02.07.2025:
01 જુલાઇ 2017 ના રોજ રાત્રિના 12 કલાકે સંસદ ભવનના સેન્ટરલ હૉલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા નાણાંમંત્રી અરુણ જેટલી સહિત દેશભરના સાંસદોની હાજરીમાં જી.એસ.ટી. એટલેકે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. ભારતીય ટેક્સ પ્રણાલીમાં જી.એસ.ટી. કાયદો આમૂલ પરીવર્તન તરીકે ગણવામાં આવી રહ્યો હતો. “વન નેશન વન ટેક્સ વન માર્કેટ” એ જી.એસ.ટી. કાયદાની “પંચ લાઇન” અથવા તો “USP” પણ ગણી શકાય. આજે આ જી.એસ.ટી. કાયદો લાગુ થયાને 8 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શું છે હાલમાં જી.એસ.ટી. કાયદાની અમલવારી અંગેની પરિસ્થિતી અને શું છે હોય શકે છે જી.એસ.ટી. નું ભવિષ્ય આ બાબતે ચર્ચા કરવાં પ્રયાસ કરવામાં આવ્યો છે.
- “સિમલેસ ક્રેડિટ” નો મુખ્ય ઉદ્દેશ નથી રહ્યો યાદ!!
“સિમલેસ ક્રેડિટ” ના મુખ્ય ઉદેશ સાથે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. કાયદાની આજે આઠ વર્ષ બાદ જો સૌથી ગંભીર ક્ષતિ ગણાય તો તે ક્ષતિ એ ગણી શકાય કે આજે સાત વર્ષ બાદ જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ લેવી અત્યંત મુશ્કેલ બનાવી આપવામાં આવી છે. માલ અને સેવાઓ વચ્ચે ઈન્પુટ ક્રેડિટ મળી શકે, આંતર રાજ્ય માલ વિનિમયની ક્રેડિટ મળી શકે અને આ ક્રેડિટના કારણે માલ પર ટેક્સનો બોજો ઘટે અને માલ ગ્રાહકો માટે સસ્તો બને તે હેતુ જી.એસ.ટી. લાગુ કરવાનો મુખ્ય હેતુ હતો. પરંતુ આજે આઠ વર્ષ પછી જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ લેવી એ “લોઢાંના ચણા ચાવવા” જેવી મુશ્કેલ બાબત બની ગઈ છે. અવારનવાર પકડવામાં આવતા જી.એસ.ટી. હેઠળના કરચોરીના કૌભાંડના કારણે દિવસેને દિવસે જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવી કરદાતા માટે મુશ્કેલ બનાવવામાં આવી છે. કરચોરોના કરચોરીની સજા હાલ પ્રમાણિક વેપારીઓ ભોગવી રહ્યા હોય તેવું જમીની સ્તરે ફલિત થઈ રહ્યું છે. જી.એસ.ટી.ને સફળ બનાવવા આ ક્ષતિ દૂર કરવી ખૂબ જરૂરી છે. ખરીદનાર વેપારી દ્વારા યોગ્ય જી.એસ.ટી. ચૂકવી ખરીદવામાં આવેલ માલ ઉપર વેચનાર વેપારી વેરો ના ભરે એવી પરિસ્થિતીમાં ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માન્ય ના રાખવામા આવે તે ક્યાંનો ન્યાય??? હા કરચોરીમાં સાંઠગાંઠ સાબિત થઈ તેવા ખરીદનાર વેપારીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમાન્ય કરવામાં આવે તે બારોબાર છે પરંતુ સામાન્ય ધંધાકીય વ્યવહારમાં થતી ખરીદી ઉપર આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમાન્ય કરવી એ પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી બાબત જ ગણી શકાય. આમ, કહી શકાય કે આજે વર્ષ બાદ “સિમલેસ ક્રેડિટ” મળી રહે તે હેતુ ફલિત થયો નથી. વેપાર જગતમાં તો એ માન્યતા સામાન્ય થઈ ગઈ છે કે જૂના વેટના સ્થાને જી.એસ.ટી. લાવતા, ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે તો બકરું કાઢતા ઊંટ પેસી ગયું હોવા જા હાલ છે.
- આજે ૮ વર્ષ પછી પણ છે જી.એસ.ટી. ટ્રિબ્યુનલની રાહ!!
જી.એસ.ટી. એક નવો કાયદો હોય તકરારોનું પ્રમાણ વધુ રહે તે સ્વાભાવિક છે. આજે જી.એસ.ટી. કાયદાની રચનાને આઠ વર્ષ પુર્ણ થયા પછી પણ જી.એસ.ટી. ટ્રિબ્યુનલની નથી થઈ શકી કાર્યરત. આઠ સુધી કોઈ કાયદામાં જોગવાઈ હોવા છતાં ટ્રિબ્યુનલની સ્થાપના ના કરવામાં આવી હોય તે કદાચ આ પ્રથમ ઘટના હશે. ટેક્સ પ્રોફેશનલ્સમાં તો આ બાબતને લઈ એટલો રોષ છે કે જેની કલ્પના કરવી મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટ તથા વિવિધ હાઇકોર્ટ દ્વારા પણ આ બાબતે ટકોર કરવામાં આવેલ છે. અનેક પક્ષકારોએ ટ્રિબ્યુનલ ના હોવાના કારણે અનેક કરદાતાઓએ હાઇકોર્ટના દ્વારા ખખડાવવા પડ્યા છે. એવા પણ કિસ્સા મોટા પ્રમાણમાં છે જ્યાં ટ્રિબ્યુનલના હોવાના કારણે કરદાતા દ્વારા કરવામાં આવેલ પ્રથમ અપીલ લાંબા-ખૂબ લાંબા સમય સુધી પડતર રાખવામા આવી રહી છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચેકપોસ્ટ બાબતેની અપીલનો મોટો ભરાવો થયેલ છે. હાલ, લાગુ રહ્યું છે કે આગામી થોડા મહિનાઓમાં ટ્રિબ્યુનલ કાર્યરત થઈ જશે.
૩. અપીલ કરવામાં થયેલ વિલંબ દરગુજર ના કરવામાં આવતા અનેક વેપારીઓ છે મુશ્કેલીમાં
જી.એસ.ટી. કાયદાની જોગવાઈ પ્રમાણે કરદાતા દ્વારા જી.એસ.ટી. ડિપાર્ટમેંટના કોઈ પણ આદેશ સામે ત્રણ મહિનામાં અપીલ કરી શકે છે. આ અપીલ કરવામાં કોઈ કારણોસર મોડુ થાય તો વધારાનો એક મહિનાની અપીલ દાખલ કરવાના “ડીલે” ને “કોંડોન” કરવાની સત્તા જી.એસ.ટી. કાયદામાં આપવામાં આવેલ છે. આ ચાર મહિના વિલંબ બાબતે પણ અપીલ દાખલ કરવવામાં અનેક મુશ્કેલીઓ કરદાતાઓને તથા તેમના ટેક્સ પ્રોફેશનલ્સને પડી રહી હોવાની અનેક ફરિયાદો સતત મળતી રહેતી હોય છે. પરંતુ આ વધારાના એક મહિનાના “બ્રહ્મ મુહરત” પછી તો વિલંબ અંગે કારણો જાણવાની દરકાર પણ અપીલ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી નથી. અપીલ દાખલ કરવાની આ જડતાના કારણે અનેક કરદાતાઓ નાની ભૂલની ખૂબ મોટી સજા ભોગવી રહ્યા છે. ઘણા કરદાતાને જૂની ડિમાન્ડ સામે અપીલ ના કરી શકવાના કારણે પોતાનો ધંધો બંધ કરી દવાની પરિસ્થિતી ઊભી થઈ ગઈ છે. જી.એસ.ટી. કાયદા હેઠળ અપીલ દાખલ કરવાની મર્યાદાના કારણે ક્યાંક વ્યક્તિના ધંધા કરવાના બંધારણીય હક્ક ઉપર તરાપ મારવામાં આવી હોય તેવું ફલિત થતું હોય છે.
આ બાબતે વાત કરતાં ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ અને જાણીતા વેપારી જયેન્દ્રભાઈ તન્ના જણાવે છે કે “ભારતની સ્થાપના પછી પ્રથમ સેલ્સ ટેક્સ, પછી વેટ અને હવે જીએસટી આ મુજબ ના ફેરફાર સાથે વીસમી સદી માં આપણે જીવી રહ્યા છીએ. વિશેષ સંસદના સ્ત્રમાં રાત્રે 12 વાગ્યે જેની અમલવારી સરકાર દ્વારા ક્રાંતિકારી પગલાં તરીકે જાહેરાત કરવામા આવી તે હાલની પ્રથા આ ત્રણેય વેરા પદ્ધતિ માં વધારે અનિષ્ટો સર્જનારી અને કરદાતાઓ માટે પીડાદાયક બની રહી છે. સરકારે જીએસટીની સરળ અને પ્રગતિશીલ પ્રણાલીમાં 8 વર્ષમાં 1200 થી વધારે નાના મોટા ફેરફાર કરવા પડ્યા છે. સહુથી વધુ વિવાદો અને એના કારણે લિટીગેશન થયા છે તેવું હું માનું છું. જે પદ્ધતિને કાયદાને ફૂલ પ્રૂફ અને પારદર્શક ગણાવી હતી તેમાં અભૂતપૂર્વ કરચોરીના બનાવો બની રહ્યા છે. વેપારી માટે જીએસટી નમ્બર મેળવવા માટે અનેક વિડમ્બના અને કોઠા પાર કરવા પડે છે. સંસદમાં જેમને સિદ્ધિઓ ગણાવી તે કોઈ રાજકીય નેતાઓ કઈ ઉકેલ લાવી શકતા નથી અને અધિકારીઓ ટેક્સ ટેરરીઝમને હકીકત બનાવી રહ્યા છે તેમ છતાં આંખ આડા કાન થઈ રહ્યા છે. ઇકોનોમી નું લગભગ કોઈ જ સેકટર જીએસટી પ્રથાની જોગવાઈ થઈ રાજી નથી તેવું હું માનુ છું. વીદેશી રોકાણકારો પણ આ સિસ્ટમ અંગે મુંઝાયેલ છે તેવું લાગી રહ્યું છે. હું ચોક્કસ માનુ છું કે ઈન્પુટ ટેક્સ ક્રેડિટને લગતી જોગવાઇઓમાં આમૂલ પરીવર્તન આવવું જોઈએ. આ જોગવાઇઓ કરચોરોને ધ્યાને રાખી નહીં પણ પ્રમાણિક વેપારીઓને ધ્યાને રાખી બનાવવી જોઈએ. આ ઉપરાંત નાની નાની ભૂલો ઉપર દંડની જોગવાઈ ના હોવી જોઈએ. નાણાકીય વર્ષ 2017-18 થી 2018-19 સુધી જે માફી યોજના લાવવામાં આવી હતી તે રીતે પછીના નાણાકીય વર્ષોમાં માફી યોજના લાવવી જોઈએ તેવું હું સ્પષ્ટ રીતે માનુ છું. છેલ્લા આઠ વર્ષમાં ફુગાવાને ધ્યાને લઈ, માલ અને સેવાની ઊચી પડતરને ધ્યાને લઈ જીએસટી ફરજિયાત નોંધણી માટેની જે ટર્નઓવરની મર્યાદા સેવા પૂરી પાડનાર કરદાતાઓ માટે હાલ 20 લાખની છે તે વધારી 50 લાખ કરવી જોઈએ. તેવી જ રીતે માલનું વેચાણ કરતાં કરદાતાઓ માટે હાલ જે ટર્નઓવર મર્યાદા 40 લાખછે તેમાં વધારો કરી 2 કરોડ કરવી જોઈએ. આ સાથે કંપોઝીશન માટેની જે મર્યાદા છે તેમાં સેવા પ્રદાતા માટે 50 લાખથી વધારી 1 કરોડ કરી આપવામાં આવે અને માલ વેચાણ સાથે જોડાયેલ વેપારીની મર્યાદા હાલ જે 1.5 કરોડની છે તેમાં વધારો કરી 3 કરોડ કરી આપવામાં આવે તેવી વેપાર જગતની માંગણી છે.”
જી.એસ.ટી. લાગુ કરવાની હિમ્મત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા બાહોશ અને હિમ્મતવાન પ્રધાનમંત્રી જ કરી શકે એ ચોકકસ છે. જી.એસ.ટી. લાગુ કરવામાં પડેલ વિવિધ સમસ્યાઓનો દ્રઢતાથી સામનો કરી, જી.એસ.ટી. લાગુ કરવા અડગ રહી 01 જુલાઇ 2017 થી જી.એસ.ટી. લાગુ કરવો એ પ્રધાનમંત્રીએના મક્કમ મનોબળનો પુરાવો છે. સૈદ્ધાંતિક રીતે જી.એસ.ટી. લાગુ કરવો દેશના તથા વેપારના હિતમાં છે તે બાબતે કોઈ બે મત નથી. પરંતું જી.એસ.ટી. જોઈએ તેવો “સ્મૂથલી” લાગુ થઈ શક્યો નથી એ પણ હકીકત છે. આજે આઠ વર્ષ પછી પણ ઘણી બાબતો એવી છે જેમાં આમૂલ ફેરફારનો મોટાપાયે અવકાશ છે. આવી બાબતોમાં સૌથી વધુ જરૂર છે તો તે છે કરદાતા પ્રત્યેના વલણના બદલાવની જ્યાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા દરેક વેપારી/કરદાતાને શંકાની નજરે જોવામાં આવે છે!!