GST 2.0 : ભારતની જી.એસ.ટી. સીસ્ટમનો નવો અધ્યાય

0
Spread the love
Reading Time: 3 minutes

સ્વતંત્રતા દિવસ પર જાહેરાત પ્રધાનમંત્રીની આવકારદાયક જાહેરાત: ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ દ્વારા પણ બે ટેક્સ સ્તરોને આપવામાં આવ્યું અનુમોદન:

તા. ૨૫.૦૮.૨૦૨૫: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લાલકિલ્લેથી આપેલા સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન ભારતના Goods and Services Tax (GST) માં મોટા ફેરફારોની જાહેરાત કરી. આ ફેરફારોને “GST 2.0” નામ આપવામાં આવ્યું છે.

2017માં GST અમલમાં આવ્યો ત્યારથી સતત વ્યવસાયિક જગતમાં સરળતા, પારદર્શિતા અને એકરૂપતા લાવવાનો પ્રયત્ન થયો છે. પરંતુ અત્યાર સુધી વ્યવસાયીઓ, રાજ્યો અને કર નિષ્ણાતો તરફથી ઘણી સમસ્યાઓ, ટેક્સ સ્લેબની જટિલતા અને વિવાદો અંગે ઉઠાવા મળ્યા હતા. હવે GST 2.0 એ આગામી તબક્કાની સુધારણા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને રાહત, વ્યવસાયોને સરળતા અને રાજ્યોને સ્થિર આવકનો સ્ત્રોતને ગણી શકાય.

GST 2.0 ના મુખ્ય સ્તંભો

૧. ટેક્સ સ્લેબનું સરળીકરણ

હાલના GST માળખામાં 0%, 5%, 12%, 18% અને 28% જેવા પાંચ સ્લેબ છે. અનેક વસ્તુઓ અને સેવાઓના વર્ગીકરણને કારણે ઉદ્યોગોને પણ મુશ્કેલી પડે છે. GST 2.0 અંતર્ગત હવે માત્ર બે મુખ્ય સ્લેબ રાખવાની વાત છે –

  • 5% : દૈનિક વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ (મેરિટ આઇટમ્સ)
  • 18% : મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ માટે સ્ટાન્ડર્ડ દર
  • 40% સુધીનો ઉચ્ચ દર : માત્ર લક્ઝરી અને “સિન” આઇટમ્સ માટે હોય શકે છે. (ઉદાહરણ: તમાકુ, મોંઘી કાર વગેરે). જો કે મોટા ભાગના મીડયા દ્વારા આ પ્રકારના ટેક્સ સ્લેબનાં હોવાની વિગતો બહાર આવી રહી છે.
  • કમ્પેનસેશન સેસની નાબુદી પણ જી.એસ.ટી. ૨.૦ માં જાહેર થઇ શકે છે.

જો કે હું વિવિધ અહેવાલોના અભ્યાસ પછી વ્યક્તિગત રીતે એમ માનું છું કે “શૂન્ય” દર જે સૌથી મહત્વની દૈનિક વપરાશની આવશ્યક ચીજો ઉપર ચાલુ રહેશે. આ પગલાઓથી ઘરેલુ બજેટ પર સીધી અસર થઇ શકે છે. નાના કાર, ઘરેલું ઉપકરણો અને સામાન્ય વીમા પોલિસી જેવા ઘણા માલ અને સેવાઓ ઉપરનો બોજો ઓછો થવાની શક્યતા છે.

૨. વપરાશમાં વધારો અને અર્થવ્યવસ્થા પર અસર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક અહેવાલના અંદાજ મુજબ નવા દરોથી ₹1.98 લાખ કરોડ જેટલો વધારાનો વપરાશ જોવા મળી શકે છે. જોકે આ પગલાઓથી સરકારને લગભગ ₹85,000 કરોડ જેટલી આવકમાં ઘટ થાય તેવી શક્યતા છે.

અંતે, ગ્રાહકને સીધી રાહત મળે તો બજારમાં માંગ વધી શકે છે, જે અર્થવ્યવસ્થાને લાંબા ગાળે મજબૂત બનાવશે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ આ સુધારાને GDPના 0.6–0.7% જેટલા પ્રોત્સાહન સમાન ગણાવ્યું છે.

૩. કંપનીઓ માટે પ્રક્રિયાની સરળતા

GST 2.0 માત્ર દરોમાં ફેરફાર નથી, પણ પ્રક્રિયા સ્તરે પણ મોટો સુધારો લાવવાનો છે:

  • સરળ રજિસ્ટ્રેશન પ્રક્રિયા
  • ફેસલેસ એસેસમેન્ટ અને ઓટોમેટેડ રિટર્ન
  • પ્રિ-ફિલ્ડ રિટર્ન ફોર્મ જેથી નાના વેપારીઓને એકાઉન્ટિંગનો ભાર ઓછો પડે
  • ઝડપી રિફંડ સિસ્ટમ, ખાસ કરીને MSME માટે
  • ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ (IMS) અને વેન્ડર કોમ્પ્લાયન્સ રેટિંગ જેવી નવી તકનીકી સુવિધાઓ

૪. “ઇન્વર્ટેડ ડ્યૂટી” સ્ટ્રક્ચરની સમાસ્યા દૂર કરવી

ઘણા ઉદ્યોગોમાં હાલ એવી પરિસ્થિતિ છે કે કાચા માલ પર ટેક્સ વધારે અને તૈયાર માલ પર ઓછો છે. આ કારણે ક્રેડિટ અટવાઈ જાય છે. GST 2.0 એ ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર સુધારવા પર ભાર મૂક્યો છે, જેથી ઉદ્યોગોને કાર્યકારી મૂડીમાં રાહત મળે. સરકાર દ્વારા જી.એસ.ટી. ૨.૦ માં આ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે જેમાં મહત્વના માલ અને સેવા ઉપર “ઇન્વર્ટેડ ડ્યૂટી” વાળા માલ અને સેવા ઘટે તેવા પ્રયાસો કરવામાં આવે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

૫. વિવાદ નિવારણ અને પારદર્શિતા

GST લાગુ થયા બાદ અનેક કેસોમાં વર્ગીકરણ અને દર અંગે અનેક વિવાદો ઊભા થયા. GST 2.0 અંતર્ગત:

  • GST Appellate Tribunal (GSTAT) ઝડપથી કાર્યરત કરાશે
  • વર્ગીકરણમાં સ્પષ્ટતા લાવવામાં આવશે
  • નિયમોમાં એકરૂપતા લાવવાથી વ્યવસાયિક વિવાદો ઓછા થશે

૬. GSTના વ્યાપ વિસ્તાર માટે નવા ક્ષેત્રોનો સમાવેશ

હાલમાં પેટ્રોલિયમ, ડીઝલ, વિજળી, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને પ્રાકૃતિક ગેસ જેવા ક્ષેત્રો GSTની બહાર છે. GST 2.0નો હેતુ આ ક્ષેત્રોને ધીમે ધીમે GSTની ઝપટામાં લાવવાનો છે, જેથી ટેક્સનું પુનરાવર્તન અટકે અને પરિવહન ખર્ચમાં ઘટાડો થાય. પેટ્રોલ, ડીઝલ, CNG જેવી વસ્તુઓનો સમાવેશ જી.એસ.ટી. માં કરવામાં આવે તો આ તમામના ભાવમાં મોટો ઘટાડો આવે તેવી શક્યતા પણ રહેલી છે. હાલ, માત્ર રાજકીય કારણોસર તમામ રાજ્યોની આ બાબતે પરવાનગી મળી નાં રહી હોવાના કારણે આ પ્રકારની ચીજવસ્તુ ઉપર હજુ રાજ્યો દ્વારા “વેટ” લગાડવામાં આવે છે

૭. કેન્દ્ર-રાજ્ય સરકાર વચ્ચે સહકાર જરૂરી:

GST ભારતના ફેડરલ માળખામાં એક મહત્વપૂર્ણ સુધારો છે. હવે GST 2.0 અંતર્ગત એક GST માટે સચિવાલય જેવી સંસ્થા ઉભી કરવા અંગે વિચારણા હેઠળ હોવાની માહિતી મળી રહી છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સુમેળ જાળવી નીતિઓ ઘડશે. આથી રાજ્ય સરકારોને પણ વિશ્વાસ મળશે કે તેમના આવક હિતોની અવગણના નહીં થાય.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ સુધારાનો વિગતવાર પ્રસ્તાવ સપ્ટેમ્બર સુધી GST કાઉન્સિલ સમક્ષ મુકવામાં આવશે. જો રાજ્ય સરકારો સહમત થાય તો દિવાળી પહેલા GST 2.0 અમલમાં આવી શકે છે.

સરકાર તરફથી “ડબલ દિવાળી બોનસ” આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે, જે સીધા જ જનભાવનાને સ્પર્શે છે.

આ સુધારાઓ માટે જી.એસ.ટી. કાઉન્સિલની માં આ તમામ પ્રસ્તાવો પસાર થવા જરૂરી છે. જી.એસ.ટી. કાઉન્સિલ એ જી.એસ.ટી. અંગે નિર્ણય લેનાર સર્વોચ્ચ સત્તા છે. જી.એસ.ટી. કાઉન્સિલ દ્વારા વિવિધ વિષયો ઉપર “ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ” નામથી કમિટી બનાવવામાં આવેલ છે. આ કમિટીઓ વિવિધ અભ્યાસ કરી જી.એસ.ટી. કાઉન્સિલને પોતાનો રીપોર્ટ આપતા હોય છે. જી.એસ.ટી. દર ઘટાડા માટે બનેલી કમિટી દ્વારા જી.એસ.ટી. હેઠળ ૫% અને ૧૨% ના દરો જ રાખવા પોતાની સહમતી આપી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આમ, જી.એસ.ટી. ૨.૦ તરફનું આ પ્રથમ પણ ખુમ મહત્વનું પગલું ગણી શકાય. Well began is Half Done ની કહેવત મુજબ કરદાતાઓ તથા ગ્રાહકો જી.એસ.ટી. ૨.૦ ની આતુરતાથી રાહ જોશે તે ચોક્કસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!