જી.એસ.ટી. રીફોર્મ, માત્ર કરના દરના ઘટાડાથી અધૂરું છે

By Axat Parekshkumar Vyas, Advocate
તા. 26.08.2025: ભારતમાં આઠ વર્ષ પહેલા જી.એસ.ટી. કાયદાનો જે હડબડીમાં અમલ કરવામાં આવ્યો તેના આપણે સૌ સાક્ષી છીએ જે તે સમયે કોઈ પણ તૈયારી વગર વર્ષના પહેલા ત્રણ મહિના વીતી ગયા પછી જી.એસ.ટી.ને દાખલ કરવા પાછળનો સરકારનો તર્ક શું હતો તે બાબતથી આજે પણ અજાણ છે. જે દિવસે જી.એસ.ટી. નો અમલ કરવામાં આવ્યો તે દિવસે વેપારીઓને પોતાનો માલ કે સેવાઓ વેરાપાત્ર છે કે નહીં અને છે તો કેટલા દરે તેના પર વેરો લાગે છે તે બાબતની પણ ખબર ન હતી. માલ કઈ રીતે વેચવો કે કઈ રીતે ખરીદ કરવો અને વેચવા કે ખરીદ કરવા વખતે શું શું વિગતોનું ધ્યાન રાખવું તે બાબતે માત્ર વેપારી જ નહીં પરંતુ જી.એસ.ટી. કાયદાના અમલ કરવા જવાબદાર અધિકારીઓ પણ અજાણ હતા.
જી.એસ.ટી., સિસ્ટમ આધારિત વેરા પ્રણાલી છે અને જે તે સમયે સિસ્ટમ સપોર્ટ કરતી ન હતી અને જેને હિસાબે અનેક વેપારીઓને આર્થિક રીતે નુકશાન થયું હતું અને આજે હવે તે દરેક વર્ષોની આકારણીઓ ચાલે છે ત્યારે જે તે સમયે હેરાન થયેલ હતા તેના કરતાં વધુ વેપારીઓ હેરાન થાય છે. આ અરાજકતા એટલી બધી હતી કે જી.એસ.ટી. અમલના પહેલા જ વર્ષમાં સરકારે તેમાં એક હજારથી વધુ ફેરફારો કરવા પડ્યા હતા અને આવા ફેરફારોનો સિલસિલો વધુ અસમંજશ ફેલાવતો હતો. આ વાતાવરણ પ્રથમ બે વર્ષ માટે રહ્યું.
ઉપરોક્ત બાબતો માત્ર કહેવા ખાતર કહેવી યોગ્ય નહિ હોય કારણ કે ઉપર એવી કોઈ બાબત નથી આલેખી જે ભારતની જુદીજુદી અદાલતોમાં ચર્ચાઇ ન હોય.
માનનીય ગુજરાત હાઈકોર્ટે તો Bodal Chemical Limited ના કેસમાં એવું પણ નોંધ્યું છે કે “It’s very easy for us to reach to moon, Mr. Advocate. If someone would say Mr Justice & Mr Justice, would you like a trip to the moon? We would take a chance, but to understand your policies and your intricacies of your tax (GST), Oh God! With folded hands! We say it’s beyond our capacity to understand” તેવી જ રીતે માનનીય મદ્રાસ હાઇકોર્ટ દ્વારા Tvl.Mehar Tex ના કેસમાં કહેવામા આવ્યું છે કે “Nothing can be more unfair than this (GST System)” તેવી જ રીતે માનનીય અલ્લાહાબાદ હાઇકોર્ટની દહેરાદૂન બેન્ચ દ્વારા River View Restaurant ના કેસમાં જણાવેલ હતું કે “technically complex for citizens focused on running their daily businesses” અને એવું પણ કહેલ હતું કે “GST is still in its initial phase and that several of its provisions are beyond the understanding of a common person.”
આવા બહુધા ઉદાહરણો છે જે સાબિત કરે છે કે જી.એસ.ટી. નો અમલ હડબડીમાં અને અધકચરો થયો છે તેમ છતાં રાજકીય કારણોસર સરકારે ક્યારેય આ ભૂલો સ્વીકારી નથી પરંતુ આજે જ્યારે જી.એસ.ટી. અમલને 8 વર્ષ પૂરા થયા છે ત્યારે અગાઉની ભૂલો સ્વીકારતા હોય તે રીતે હવે દિવાળી પહેલા જી.એસ.ટી. માં રીફોર્મ લઈ આવવાની જાહેરાત અગાઉની ભૂલો સુધારવા માટેનું એક રૂપકડું નામ છે તેવું ચર્ચાઇ રહ્યું છે.
સરકાર તરફથી દર મહિનાની પહેલી તારીખે જી.એસ.ટી. કાયદા થકી થયેલ આવકના આકડાઓ જાહેર કરવામાં આવે છે અને જી.એસ.ટી. થી સરકારશ્રીની આવકમાં પણ બમ્પર વધારો થાય છે તેવામાં “સરકારની આવકમાં વધારો એટ્લે નાગરિકો પર વેરાના બોજમાં વધારો” ની હકીકત ભૂલીને ભારતના દરેક નાગરિકો આ બોજને દેશના વિકાસ માટે નાણાંનો ઉપયોગ થતો હોવાનું માની ખુશ થાય છે અને સરકાર હજુ વધુ વેરાની આવક કરે તો પણ નાગરિક તરીકે દરેક ભારતીય તેમાં ખુશ જ છે પરંતુ આ વેરાની રકમ નાગરિકો પાસેથી ઉઘરાવવા જવાબદાર સરકારી એજન્ટ તરીકે કાર્ય કરતાં કરદાતાઓને કાયદા દ્વારા ચોર સમજવાનું બંધ નહીં થાય ત્યાં સુધી જી.એસ.ટી. રીફોર્મ અસંગત રહેશે.
૧) કુદરતી ન્યાયનો સિધ્ધાંત
કુદરતી ન્યાયનો સિધ્ધાંત ઘણો વિશાળ વિષય છે પરંતુ તેને પોઈન્ટ વાર સમજાવો હોય તો નીચે મુજબ તેને તારાંકિત કરી શકાય છે.
- જે વ્યક્તિનો પોતાને કોઈ ફાયદો કે નુકશાન જતું હોય તે પોતે જે તે વિવાદમાં ન્યાય આપનાર ન બની શકે.
- દરેક વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર મળવો જોઈએ.
- કોઈ પણ નિર્ણય પાછળનું કારણ નિર્ણયમાં સ્પષ્ટ થવું જોઈએ.
જી.એસ.ટી. માં આ ત્રણ પૈકી કોઈ પણ નિયમનું પાલન થતું નથી આ બાબત બીજી રીતે સમજીએ તો, જી.એસ.ટી. એક કર કાયદો છે અને અહી સરકારશ્રી પોતાના પ્રતિનિધિ મારફત કાયદાનો અમલ કરાવે છે જેઓને આપણે ટેક્ષ ઓફિસર કહીએ છીએ અને દરેક વખતે કરદાતા અને સરકાર વચ્ચે વિવાદ થાય તો તેનો ફેસલો સરકાર પોતાના પ્રતિનિધિઓએ મારફતે જ કરાવે છે.
જી.એસ.ટી. ની કલમ 16 ની પેટા કલમ 2 અને 4 જેવી જોગવાઈઓ સાબિત કરે છે કે કરદાતાઓને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર નથી. વિસ્તૃતમાં જોઈએ તો જી.એસ.ટી. કાયદાની કલમ 16 ની પેટા કલમ 2 કહે છે કે જો માલ ખરીદનાર વેપારી માલ વેચનાર વેપારીને માલ ખરીદીના 180 દિવસમાં તેનો અવેજ નહીં ચૂકવે તો તે માલ ખરીદી સબબ માલ ખરીદનાર વેપારીએ ક્લેમ કરેલ ઈનપુટ ટેક્ષ ક્રેડિટ રદ છે. અહી બે વેપારીઓ વચ્ચેની વાત છે અને અહી એવા અનેક સંજોગો હોય શકે છે જે સંજોગોમાં માલ ખરીદનાર વેપારી માલ વેચનાર વેપારીને પેમેન્ટ 180 દિવસ પછી આપે છે પરંતુ આવા સંજોગો કહેવા માટે કાયદો વેપારીઓને કોઈ જગ્યા જ આપતો નથી અને આથી અહી કુદરતી ન્યાયના સિધ્ધાંતનો ખુલ્લો ભંગ છે.
જી.એસ.ટી. ની કલમ 16 ની પેટા કલમ 4 માં જણાવેલ છે કે માલ ખરીદ કરનાર વેપારી જો અમુક નિર્ધારિત સમય મર્યાદામાં ઇનપુર ટેક્ષ ક્રેડિટ અંગે દાવો નહીં કરે તો તેની ઈનપુટ ટેક્ષ ક્રેડિટ રદ છે. જી.એસ.ટી. કાયદાની આ જોગવાઈ પણ કોઈ લૉજિક વગરની છે કારણ કે જી.એસ.ટી. માં ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવવી સહેલી નથી અહી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ શું કરવાથી મળી શકશે તે બાબતની એક જોગવાઈ છે અને શું શું હશે તો નહીં મળી શકે તે બાબતે 50 જેટલી જોગવાઈ છે જે અભિમન્યુના 7 કોઠાથી પણ વિશેષ છે અને બની શકે દરેક કોઠા પસાર કરીને કરદાતા પોતાના હક્ક સમાન ઈનપુટ ટેક્ષ ક્રેડિટ લેવા માટે જી.એસ.ટી. સિસ્ટમ સામે પહોચે છે કે તેને માત્ર તમે સમયસર નથી માંગી એટલે નહીં મળે તેવું કહી દેવું અને તે પાછળ કરદાતાને પોતાની સફાઈ આપવા માટે પણ મોકો ન આપવો કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધનું છે અને આમ, વૈશ્વિક માન્યતા પાપ્ત કુદરતી ન્યાયના સિધ્ધાંતનું પાલન જી.એસ.ટી. ના કાયદામાં નહીં કરવામાં આવે ત્યાં સુધી જી.એસ.ટી. કાયદાના સુધારા અપરિપક્વ છે.
જી.એસ.ટી. હેઠળ લેટ ફી, દંડકીય જોગવાઇઓ જેવા બીજા અનેક ઉદાહરણો આ લીસ્ટમાં ઉમેરી શકાય છે જે દર્શાવે છે કે જી.એસ.ટી. કાયદામાં માનવીય સંવેદનાઓ તો ઠીક કુદરતી ન્યાયના નિયમોને પણ અવગણેલ છે અને આથી જ્યારે સરકારશ્રી અગાઉ ઉતાવળે દાખલ કરાયેલ જી.એસ.ટી. સુધારીને ભૂલો સુધારવા જ માંગે છે ત્યારે આવા સુધારાઓને પણ પ્રાથમિકતા આપવી જોઈએ તેવું નિષ્ણાંતોના મુખે ચર્ચાઇ રહ્યું છે.
૨) લો ઓફ લિમિટેશન
અગાઉ કહ્યું તેમ જી.એસ.ટી. સિસ્ટમ બેઝ ટેક્ષ પ્રણાલી છે આ બાબત કરદાતાઓ માટે ફાયદાકારક છે તેવું સાબિત કરવા છેલ્લા આઠ વર્ષથી પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ હકીકત તો એવી છે કે કર વસૂલાત અને કાયદાના અમલ કરવા જવાબદાર વહીવટીતંત્ર પર સરકારને ભરોસો નથી અને આથી જી.એસ.ટી. ના રીફોર્મ થકી વધુ કોમ્પુટરાઇઝેશન પર ભાર મૂકવામાં આવશે તે વાતને નકારી શકાતી નથી પરંતુ વધુ કોમ્પુટરાઇઝેશન જી.એસ.ટી. રીફોર્મ નહીં પરંતુ જી.એસ.ટી. રિગ્રેસ હશે.
ભારતના જી.એસ.ટી. સિવાયના દરેક કાયદાઓમાં લો ઓફ લિમિટેશન લાગુ પડે છે આ કાયદો 1963 માં પસાર કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ કાયદાકીય કામોમાં થતી ઢીલો ક્યાં સંજોગોમાં માન્ય રાખવામા આવે તે ઢીલ દરગુજર કરવી તે બાબત જણાવી છે.
આ કાયદાની કલમ 4 મુજબ જો કોઈ કામ કરવા માટે ના છેલ્લા દિવસે રજાનો દિવસ આવતો હોય તો રજાના દિવસના પછીના દિવસને તે કામ કરવા માટેનો છેલ્લો દિવસ ગણવાની જોગવાઈ છે.
જી.એસ.ટી. માં બહુધા કરદાતાએ દર મહિને બે પત્રકો ભરવાના થતાં હોય છે અને આ પત્રકોની તારીખો સ્પષ્ટ છે પરંતુ જો તે પત્રક ભરવાની છેલ્લા દિવસે તે રવિવાર કે રાષ્ટ્રીય અથવા રાજ્ય સ્તરીય શોક હોય કે પછી ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ રજા હોય તો પણ વેપારીઓ પોતાના પત્રકો સમયસર સાદર કરે તેવી અપેક્ષા રાખવામા આવે છે. અને સમયસર પત્રક ભરી ન શકાય તો બીજા દિવસે તે કરદાતાને લેટ ફી નો સામનો કરવો પડે છે.
લો ઓફ લિમિટેશનની કલમ 5 કહે છે કે જો કોઈ કામમાં વેપારીઓ સમયસર ન કરવાના કારણો હોય તો તે કારણોના જસ્ટિફિકેશન મળ્યે તે કામ સમયસર થયેલું ગણવું અને આ જોગવાઈ નો જી.એસ.ટી. કાયદામાં સરેઆમ ભંગ થાય છે અને આથી વરસાદ, પૂર વગેરે જેવી હોનારતો અને કોવિડ જેવા કપરા સમયમાં પણ વેપારીઓ પોતાના પત્રકો સમયસર સાદર કરતાં હતા અને તેવી જ રીતે સારા કે નરસા પ્રસંગો, માંદગીઓ અને જન્મ કે મરણના પ્રસંગોએ પણ જી.એસ.ટી. કાયદો કરદાતાઓ પાસે સમયસર પત્રકની અપેક્ષા રાખે છે અને આવા માનવીય કારણોનું જી.એસ.ટી. માં કોઈ સ્થાન નથી અને જી.એસ.ટી. કાયદો, કારણો અંગે જસ્ટિફિકેશન કર્યા વગર જે પત્રકો લેટ છે તેમ ગણીને લેટ ફી વસૂલ કરાવે છે અને જો કરદાતાને વેરો ચૂકવવાનું થતું હોય તો વ્યાજ પણ માંગે છે અને આ લેટ ફી અમુક કિસ્સામાં તો એટલી હાઇ છે કે અનેક વેપારીઓ આ પત્રક દંડની રકમને કારણે દેવાદાર બની ગયાના પણ દાખલા છે.
વધુ ગંભીર બાબત પર પ્રકાશ પાડીએ તો, જી.એસ.ટી. કાયદા હેઠળ કોઈ હુકમ વિરુધ્ધ વિવાદ અરજી ફાઇલ કરવા માટે 90 દિવસ જેવો સમય અપાયેલ છે અને તે પછીના 30 દિવસ સુધીની ઢીલ દરગુજર કરવાની જોગવાઈ છે આવા સમયે ગમે એટલું અગત્યનું અને જેનયુએન કારણ હોવા છ્તા 121 માં દિવસે વેપારી દ્વારા દાખલ કરાયેલ વિવાદ અરજી સાંભળવા કોઈ તૈયાર રહેતું નથી અને વેપારીએ અનેક ગણું સહન કરવું પડે છે. હકીકતમાં કહીએ તો અંગ્રેજોના સમયમાં આવેલ દરેક કાયદામાં જે વ્યક્તિને પોતાની હકીકતો રજૂ કરવા માટે મોકો જરૂર થી મળતો હતો જે જી.એસ.ટી. કાયદામાં 121 માં દિવસે છીનવાય જાય છે. ભારતિય બંધારણ કહે છે 121 મો દિવસ હોય કે 365 મો દિવસ હોય યોગ્ય કારણ ધરાવતા દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવા મોકો ગમે ત્યારે મળવો જ જોઈએ. ભારતમાં ભૂતકાળમાં 1975 માં અનેક લોકોને પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો છીનવાયેલ હતો અને તેથી તે ઘટનાને આજે સરકાર અધિકૃત રીતે “સવિધાન હત્યા દિવસ” તરીકે ઉજવાય છે. અને આથી આ જોગવાઈઓ બદલાયા વગર જી.એસ.ટી. માં સુધારા અધૂરા હશે.
વિવાદ અરજી ફાઇલ કરવાની જોગવાઈ, પત્રકો સાદર કરવાની જોગવાઇઓ જેવી જી.એસ.ટી. કાયદામાં વ્યાજ અને અમુક સમય બાદ જોબવર્ક પર મેળવેલ માલને વેચાણ ગણવા જેવી અનેક એવી જોગવાઇઓ છે જ્યાં સુધારો અનિવાર્ય છે અને જે કરીને સરકાર કોઈ જી.એસ.ટી. કાયદામાં માનવીય સંવેદનાઓ સાથે તાર્કિકતાનો ઉમેરો કરશે અને સાથે સાથે વહીવટીતંત્રને પણ લાગશે કે તેઓ ઉપર સરકારશ્રીને ભરોસો કાયમ છે.
૩) વિધીશાસ્ત્રના સિધ્ધાંત:
વિશ્વના કોઈ પણ કાયદાનું મૂળ જયુરીપ્રુડસ એટલે કે વિધિશાસ્ત્ર પર આધારિત છે, વિધિશાસ્ત્રની કોઈ એક વ્યાખ્યા નથી પરંતુ સમય સમય પર તેનું અલગ અલગ અર્થઘટન અને ઓળખ તેને કાયદાનું વિજ્ઞાન બનાવે છે અને આજે દરેક દેશોની લગભગ દરેક અદાલતો દરેક કાયદાના અર્થઘટન કરતી વખતે વિધિશાસ્ત્રના ઉત્ક્રાંતિ દરમિયાન બનેલ નિયમોનો આધાર લે છે. આપણે સમયસમય પર વિસ્તૃત થયેલા વિધિશાસ્ત્રના ખ્યાલ અને જી.એસ.ટી. માં તેના ઉલંઘન બાબતે ચર્ચા કરીએ.
- પ્રાકૃતિક અર્થઘટન: આ સિધ્ધાંત મુજબ “જે બાબત થઈ શકે છે તેવું કરાવવા માટે કાનૂન બનાવવાઓ” એટલે કે “અશક્ય બાબતોની આશા રાખવા વાળો કાનૂન વ્યર્થ છે” અને અશક્ય કાર્યો કરાવવા માટે કાયદો બનાવો ન જોઈએ. જી.એસ.ટી. કાયદાની વાત કરીએ તો અહી કલમ ૧૬ (૨) એવું કહે છે કે વેપારી કોઈ માલ ખરીદ કરે છે ત્યારે તેને માલ વેચનારા વેપારીએ કાયદેસરનો વેરો સરકારમાં ચૂકતે ન કરેલ હોય તો માલ ખરીદનાર વેપારીને ઈનપુટ ટેક્ષ ક્રેડિટ અંગે દાવો કરી શકે નહીં. આ બાબતનું પાલન કરવું તદન અશક્ય છે. આ કાયદો બનાવનારા લોકોને આ નિયમ બનાવતા પહેલા એ બાબતનું ધ્યાન પડ્યું ના હતું કે ગોપનીયતા વ્યાપારની એક સમજણ છે અને દરેક વેપારી કોની પાસેથી કેટલા રૂપિયા આપી ક્યો માલ ખરીદ કરે છે તે બાબત જાહેર કરતો નથી અને તેવા સંજોગોમાં તે વેપારી પૂરેપૂરો વેરો ચૂકવે છે કે નહીં તે બાબત પોતાના ગ્રાહકોને કઈ રીતે જાહેર કરે તેની વિગતો જાહેર કર્યા વગર જી.એસ.ટી. હેઠળ માલ ખરીદનારને વેચનારની ભૂલોનો ભોગ બનાવાય છે અને આમ વૈશ્વિક સ્તરે વિધિશાસ્ત્રના મૂળ સિધ્ધાંત પૂર્ણ ન થવાને કારણે આપણો જી.એસ.ટી. વૈશ્વિકસ્તરે વખોડાયેલ છે. તેવી જ રીતે ભારતમાં હાલ 806 જિલ્લાઓ છે તે પૈકી 75 જિલ્લાઓ જંગલનું મધ્યે છે અને 34 જિલ્લામાં પર્વતો પર સ્થિત છે અને બાકી રહેલ 700 જેવા જિલ્લાઓ પૈકી 297 જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તાર 90% કરતાં વધુ છે આવા સંજોગોમાં હકીકતોને સાપેક્ષ કર્યા વગર દરેક કરદાતાઓને ઇન્ટરનેટ પર સચોટ અને સાચા પત્રકો ભરવા માટે મજબૂર કરવા તે પણ એક અશક્ય ગણી શકાય તેવી બાબત જ છે અને આથી આ બાબત જી.એસ.ટી. માં સુધારો થાય તે પણ અપેક્ષિત છે. આમ કરવાથી “મેક ઇન ઈન્ડિયા” ના સ્લોગન સાથે આગળ વધતો દેશનો કર કાયદો કોઈ વિદેશી કર નીતિથી પ્રેરિત નહીં પરંતુ ભારતિય વિવિધતાને પોષશે.
- હકારાત્મક અર્થઘટન: આ સિધ્ધાંત મુજબ જ્યારે પણ કાયદો બનાવવામાં આવે ત્યારે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવે અને જી.એસ.ટી. કાયદો પણ ભારતના વિકાસ માટે કર રૂપી આર્થિક સહાય સરકારને મળી રહે તે માટે બનાવાયેલ છે પરંતુ આ કાયદો ભારતના 140 કરોડની જનતા પાસેથી કર ભલે વસૂલ કરાવતો હોય પરંતુ જી.એસ.ટી. કાયદાનું મુખ્ય બિંદુ કરદાતાઓ નહીં પણ સરકાર માટે કર વસૂલ કરી શકે તેવા એજન્ટો એટલે કે રજીસ્ટર્ડ વેપારીઓ છે. આ રજિસ્ટર્ડ વેપારીઓ સરકાર વતી દેશના તમામ નાગરિકો પાસેથી વેરો વસૂલ કરીને સરકારમાં સુપ્રત કરે છે અને આથી દેશ આ રજિસ્ટર્ડ વેપારીઓનો ઋણી છે પરંતુ તેઓ સાથે તેના જેવુ વર્તન થવું જોઈએ જે સાપેક્ષ તદન ઊલટું આ રજિસ્ટર્ડ વેપારીઓ ચોર છે અને તેઓને વધુ ચોરી નથી કરવા દેવી તે ભાવનાથી કાયદાની દરેક કલમો આલેખવી ખોટી બાબત છે અને આથી જી.એસ.ટી. કાયદાની સરળીકરણની વાત આવે ત્યારે જી.એસ.ટી. કાયદાનો ટોન બદલવાની જરૂર છે અને નવા કાયદામાં વેપારીઓને શું શું નથી કરવાનું તે બાબતોના ઉલ્લેખ કરવાની જગ્યાએ વેપારીઓ શું શું કરી શકે છે તેવી જોગવાઇઓ કરવી જરૂરી છે.
વિધિશાસ્ત્રના આ સિધ્ધાંત કાયદા અર્થઘટનનો બીજો પહેલું “જાહેરાત” અને તેનો તે જ પ્રમાણે અમલ પણ છે એટલે કે જે જોગવાઈ સરકાર જાહેર કરે છે તે જ જોગવાઈનો અમલ કરાવવા સરકારે પ્રયત્ન કરવો જોઈએ. અહી “રિટ્રોસ્પેક્ટિવ એમેન્ડમેન્ટ” ને ખોટું માનવામાં આવે છે જ્યારે જી.એસ.ટી. માં કોઈ કલમને અદાલતે અર્થઘટિત કરીને કોઈ ચુકાદો આપ્યો અને જે સરકારને ન ગમ્યો તો પાશ્ચાદ્વર્તિ અસરથી તે કલમ બદલી નાખવી એ જી.એસ.ટી. જેવા કરકાયદાઓ ને અત્યંત જટિલ બનાવે છે અને આથી સરકારે પાશ્ચાદ્વર્તિ અસરથી હવે જી.એસ.ટી. સહિત કોઈ કરકાયદો નહીં બદલાય તેવું જાહેર કરી ખેલદિલી સાથે કાયદાનો અમલ કરવાનું વચન શ્વેતપત્રથી જાહેર કરવાની જરૂર છે. જોકે 2014 માં આ બાબત સંસદમાં જાહેર થઈ ચૂકી છે અને આથી હવે તેના અમલની તારીખ જ જાહેર કરવાની છે અને જેથી વેપારીઓને કાયદો પાલનમાં રહેલો ડર દૂર થઈ જાય.
આમ, નિષ્ણાતોના મતે જોઈએ તો જી.એસ.ટી. કાયદામાં, માત્ર કરના દરોમાં વિસંગતતા છે તેવું નથી પરંતુ જી.એસ.ટી. કાયદો ભારતના બંધારણ દ્વારા પ્રથાપિત બીજા અમુક કાયદાઓનો પણ ભંગ કરે છે અને સમગ્ર વિશ્વમાં લાગુ પડતાં કાયદાના અમુક પ્રથાપિત સિધ્ધાંતો જી.એસ.ટી. કાયદો સ્વીકારતો નથી અને આમ જોઈએ તો જી.એસ.ટી. નો સમગ્ર કાયદો અધકચરો છે અને જો ખરેખર જી.એસ.ટી. કાયદામાં રીફોર્મ કરવું જ હોય તો જી.એસ.ટી. ના સમગ્ર કાયદામાં ધડમૂળથી બદલાવ કરવો જોઈએ. આ લેખનો મુખ્ય મુદ્દો જી.એસ.ટી. કાયદાને વૈશ્વિક કાયદાઓ સમકક્ષ બનાવવા જરૂરી ફેરફારો પૈકી અમુક બાબતે ચર્ચા કરવાનો છે. સરકારએ હંમેશાં “Ease of Doing Business” નો નારો આપ્યો છે. અને “Ease of Doing” માટે કરનો દર નહીં કર વસૂલ કરવાની, કર સાદર કરવાની, અને સાદર કરેલ કરની ચકાસણી કરવાની બાબતો સામેલ છે પરંતુ તેવું નહીં કરીને માત્ર કરના દરોમાં ફેરફાર કરીને સરકાર તેને જી.એસ.ટી. રીફોર્મ કહેવા માંગે તો કોઈને વાંધો નથી પરંતુ તે અપૂર્ણ હશે અને તેનાથી ઈકોનોમિકલ બુસ્ટ નહીં જ મળે.
વળી, જી.એસ.ટી. એક ક્રેડિટ મિકેનિઝમ બેઝ ટેક્ષ સિસ્ટમ છે અને અહી જો વેપાર સાંકળની છેલ્લી કડી માં રહેલ ચીજવસ્તુઓ ના દરમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી ઉપભોગકર્તાઓને કોઈ ફાયદો થવાનો નથી આ બાબત ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ એક વસ્તુની બનાવટમાં વપરાતા કાચામાલ પર 50% વેરો લાગે છે અને વસ્તુ પર 10% વેરો છે. આવા સંજોગોમાં 50% વેરો ઘટીને 2% થાય અને તો પણ ગ્રાહક જે વસ્તુ ખરીદ કરે છે તે માલ 10% જેટલો જ રહેશે તો તે વસ્તુ સસ્તી નહીં જ થાય તેથી ઊલટું પહેલા આ વસ્તુ બનાવનાર વેપારી રિફંડ લેતા હવે તેને 8% વેરો ચૂકવવો પડશે અને આથી તેઓનું લિક્વિડિટી (કેસ) મેનેજમેન્ટ અમુક સમય માટે બગડી જશે.
આમ, જી.એસ.ટી. જે રીતે હડબડીમાં બનાવ્યો તે જ રીતે તેનો રીફોર્મ કરવામાં આવશે તો તેનો અસલ ફાયદો બજારને કે ગ્રાહકોને પહોચશે કે નહીં તે PR એજન્સીઓ ના સ્થાને હકીકતના નાગરિકો નક્કી કરે તેવા સુધારાઓ આજે જરૂરી છે અને તેવા સુધારાઓ જ થશે તેવી ઈચ્છાઓ રાખી શકાય. જેથી જી.એસ.ટી. વધુ “સહજ અને ન્યાયસંગત ટેક્સ વ્યવસ્થા” બની શકે.