જી.એસ.ટી. ૨.૦: માત્ર જી.એસ.ટી.ના દર કરવામાં આવ્યો ઘટાડો, રિફોર્મ્સ બાબતે નિરાશા!!

Spread the love
Reading Time: 4 minutes

-By Bhavya Popat

ગ્રાહકો માટે દરોમાં કરવામાં આવેલ ઘટાડો ફાયદાકારક સાબિત થશે પણ ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ બાબતે નિરાશા!!

તા. ૦૯.૦૯.૨૦૨૫: જી.એસ.ટી. ૨.૦ બાબતે પ્રધાનમંત્રી મોદી સાહેબે જયારે સ્વતંત્રતા દિવસ ઉપર જાહેરાત કરી ત્યારે મારા જેવા અનેક મિત્રો જેઓ જી.એસ.ટી. કાયદામાં પ્રેક્ટીસ કરે છે તેઓના મનમાં ખુશીની લહેર અને ખાસ તો આશાની કિરણ જાગી ગઈ હતી. ૦૧.૦૭.૨૦૧૭ ના રોજ ઉતાવળે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. ને ખરેખર મોટાપાયે રિફોર્મ્સની જરૂર છે તેવું સૌકોઈ માની રહ્યા હતા. પ્રધાનમંત્રીની આ જાહેરાતના કારણે જી.એસ.ટી. કાઉન્સિલની ૫૬ મી મીટીંગ ઉપર સૌકોઈ મોટી આશા લઇ ને બેઠા હતા. જી.એસ.ટી. કાઉન્સિલની આ મીટીંગ દિલ્હી ખાતે ૦૩ અને ૦૪ સપ્ટેમ્બરે યોજાનાર હતી. પરંતુ કોઈ કારણસર બે દિવસના બદલે માત્ર ૦૧ દિવસમાં મીટીંગ પૂર્ણ કરી આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ રીલીઝ્ બહાર પાડી દેવામાં આવી હતી. જયારે આ પ્રેસ રીલીઝ્ જોઈ ત્યારે એક જ વિચાર આવ્યો કે જી.એસ.ટી. ના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો એ ચોક્કસ આવકારદાયક ગણાય પરંતુ શું માત્ર આ દરોમાં કરવામાં આવેલ ઘટાડાને જ જી.એસ.ટી. રિફોર્મ્સ ગણી શકાય?? કરદાતાઓને પડી રહેલી તકલીફો, ઈઝ ઓફ ડુઈંગ બાબતે આ મીટીંગમાં કોઈ ખાસ નિર્ણય લેવામાં આવેલ નથી.

જી.એસ.ટી. દરોમાં આવકારદાયક ઘટાડો:

જી.એસ.ટી. કાઉન્સિલની આ ૫૬ મી મીટીંગમાં મહત્વના નિર્ણય લઇ જી.એસ.ટી. ના મુખ્ય સ્લેબ જે ચાર  હતા તેમાંથી બે કરી નાંખવામાં આવ્યા છે. અગાઉ ૫%, ૧૨%, ૧૮%, ૨૮% ના જે સ્લેબ હતા તેમાંથી હવે ૫% અને ૧૮% એ બે જ સ્લેબ કરી નાંખવામાં આવ્યા છે. આ સ્લેબ ઉપરાંત શૂન્ય દર, ૩% જેવા અમુક જી.એસ.ટી. ના દરો અમુક ખાસ ચીજ વસ્તુઓમાં તથા સેવામાં છે. પરંતુ મોટાભાગની ચીજવસ્તુઓ તથા સેવા આ બે દર ૫% અથવા ૧૮% માં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. જી.એસ.ટી. દરોમાં મોટાપાયે થયેલ દર ઘટાડાથી વેપારીઓ અને ખાસ કરીને ગ્રાહકો ને ફાયદો થશે તેવું ચોક્કસ માની શકાય અને આ પગલાને એક આવકારદાયક પગલું જ ગણાય. પરંતુ વિવિધ સંગઠનો દ્વારા રજુ કરવામાં આવેલ “જી.એસ.ટી. રિફોર્મ્સ” અંગે કોઈ ખાસ નિર્ણય લેવામાં આવ્યો નથી. હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ ઉપર કરવામાં આવેલ ઘટાડો પણ ચોક્કસ આવકાર દાયક ગણી શકાય. હોટેલ રૂમ ભાડા પર પણ જી.એસ.ટી. દરમાં ઘટાડો કરી ૭૫૦૦ સુધીનાં ભાડા પર ૫% જી.એસ.ટી કરવામાં આવ્યો છે. જો કે આ ઘટાડામાં ઈનપુટ ટેક્સ ક્રેડીટ હોટેલને મળશે નહિ તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. હોટેલ સાથે જોડાયેલ હોય તેવા રેસ્ટોરંટના દરોમાં ૧૮ % થી ઘટાડો કરી ૫% થવાની આશા સેવાઈ રહી હતી, જે ફળીભૂત થઇ નથી.

જી.એસ.ટી. હેઠળ રીવાઈઝ રીટર્નની હતી જરૂરિયાત:

જી.એસ.ટી. લાગુ થયાને અંદાજે ૮ વર્ષ થી વધુ સમય થઇ ગયો છે. જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી વ્યાપારજગતની માંગ રહી છે કે જી.એસ.ટી. રીટર્ન રીવાઈઝ કરવાનો વિકલ્પ તેઓને આપવામાં આવે. જી.એસ.ટી. ૨.૦ માં આ બાબતે મોટી આશા બંધાઈ હતી. પરંતુ જી.એસ.ટી. કાઉન્સિલમાં આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. દેશના તથા રાજ્યોના તમામ ટેક્સ કાયદા હેઠળ ભરવાપાત્ર તમામ કાયદાકીય રીટર્ન રીવાઈઝ કરવા અંગે જોગવાઈઓ છે. જી.એસ.ટી. માં પણ આ જોગવાઈ કેમ નથી લાવવામાં આવી તે ખુબ આશ્ચર્યની વાત ગણી શકાય.

“કોમન વર્કિંગ ડે” બાબતે કરદાતાઓને નાં મળી રાહત

જી.એસ.ટી. કાયદા હેઠળ કોઈ પણ અધિકારીને કોઈ કામ પૂર્ણ કરવા માટે આપવામાં આવેલ સમયમર્યાદા “કોમન વર્કિંગ ડે” પ્રમાણે ગણવામાં આવે છે. આનો સામાન્ય સામાન્ય ભાષામાં અર્થ એ થાય કે સેન્ટ્રલ જી.એસ.ટી. કે સ્ટેટ જી.એસ.ટી. બન્નેમાં જે દિવસ ચાલુ દિવસ હોય એ જ દિવસને કામના દિવસમાં ગણવામાં આવે છે. બન્નેમાં થી એક પણ કચેરીમાં રાજા હોય તો એ દિવસ કોઈ પણ અધિકારી માટે કામ પૂર્ણ કરવાની સમયમર્યાદામાં ગણવામાં આવતો હોતો નથી. આ જ બાબતે કરદાતાઓ માટે ખુબ અન્યાયભરી પરિસ્થિતિ પ્રવર્તમાન છે. તહેવારની રજા હોય કે કોઈ પ્રાકૃતિક હાડમારી હોય, વ્યક્તિગત સારા નરસા પ્રસંગ હોય કે બીમારીની તકલીફ હોય, કરદાતાને પોતાને કરવાના થતા કામમાં કોઈ રાહત સામાન્ય રીતે મળતી હોતી નથી. વિવિધ એસોસીએશન દ્વારા આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી કે જયારે કોઈ કામ કરવાની છેલ્લી તારીખના રોજ રવિવાર આવતો હોય ત્યારે આ કામ કરવાની તારીખમાં સ્વયંભૂ રીતે ૧ દિવસનો વધારો થઇ જવો જોઈએ. આ ઉપરાંત કોઈ પ્રાંત, રાજ્યમાં જે તહેવારો ખાસ મહત્વના હોય તેવા પ્રાંત, રાજ્યમાં આ બાબતે પણ કરદાતાઓને આ કામ કરવાની મુદતમાં વ્યાજબી વધારો આપવો જોઈએ. આમ, કરવામાં આવે તો જ ખરેખર ઈઝ ઓફ ડુઈંગ બીઝ્નેસનો સિદ્ધાંત ફળીભૂત થઇ શકે છે. મુદત બાબતે જી.એસ.ટી. કાયદો ખુબ જડ છે તેવી સામાન્ય માન્યતા આ કાયદો લાગુ થયો છે ત્યારથી કરદાતાઓની અને જી.એસ.ટી. પ્રોફેશનલ્સની રહી છે જે દુર થવાની આશા હતી પરંતુ આ આશા બર આવી નથી.

અપીલ દાખલ કરવામાં “ડીલે કોન્ડોન” અંગે કોઈ રાહત નહિ:

જી.એસ.ટી. કાયદા હેઠળ કોઈ પણ આદેશ સામે કરદાતા અપીલ કરવા માંગતા હોય તો સામાન્ય રીતે તે અપીલ આદેશ મળ્યાના ત્રણ મહિનામાં કરી નાંખવાની હોય છે. કોઈ કારણસર કરદાતા અપીલની આ મર્યાદા ચુકી જાય તો તેઓ વધારાના ૧ મહિનામાં આ અપીલ “ડીલે કોન્ડોનેશન” ની અરજીમાં કારણ રજુ કરી આપી કરી શકે છે. પરંતુ એક વાર આ ચાર મહિનાનો સમય વીતી ગયો પછી કરદાતાની અપીલ કરવાના હક્ક ઉપર પાણી ફરી વાલે છે. જુજ કેસોને બાદ કરીએ તો ૪ મહિના બાદ કરવામાં આવેલ અપીલ સ્વીકારવામાં આવી નથી. કોઈ પણ કારણ જોયા વગર આ પ્રકારે ૪ મહિનાની મુદત બાદ અપીલ કરવાનો હક્ક કરદાતા પાસે છીનવી લેવામાં આવે તે ખુબ ત્રાસદાયક બાબત છે. આ જડ જોગવાઈના કારણે અનેક કરદાતાઓના ધંધા બંધ કરી આપવાની નોબત આવી ગઈ છે. આ બાબતે અનેક કરદાતાઓએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ બાબત પર મુશ્કેલી હજુ ચાલુ રહેશે. આ બાબતે કોઈ રાહત જી.એસ.ટી. ૨.૦ માં આપવામાં અવેલ નથી.

એમનેસ્ટી સ્કીમ અંગે કોઈ ઉલ્લેખ નહિ:

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જેવી અનેક નામી સંસ્થાઓએ જી.એસ.ટી. કાઉન્સિલને રજૂઆત કરી હતી કે જી.એસ.ટી. હેઠળ કલમ ૭૪ હેઠળ આદેશ થયેલ હોય તેવા કેસો માટે એમનેસ્ટી સ્કીમ એટલે કે માફી-રાહત યોજના લાવવામાં આવે. વેપાર જગતનું માનવું છે કે દરેક કરદાતા કે જેના ઉપર કરચોરીનો આરોપ લગાડી જી.એસ.ટી. કાયદાની કલમ ૭૪ હેઠળ આદેશ પસાર કરવામાં આવ્યા છે એ ચોર છે અને ચોરી ઈરાદાપૂર્વક કરી છે તે માનવું ભૂલ ભરેલું છે. ક્યારેક કાયદાની અજ્ઞાનતાના કારણે તો ક્યારેક પરિસ્થિતિના કારણે આ પ્રકારે કરચોરીની કલમ હેઠળ કરદાતા સામે આદેશ પસાર કરવામાં આવેલ હોય છે. આ આદેશ સામે મોટાપ્રમાણમાં કેસો અપીલમાં પેન્ડીગ છે. આ કેસોના ભારણને ઓછુ કરવા અને કરદાતાને પણ તક આપવા જી.એસ.ટી. કાઉન્સિલ દ્વારા એમનેસ્ટી સ્કીમ લાવવામાં આવે તે જરૂરી જણાતું હતું. આ બાબતે પણ જી.એસ.ટી. કાઉન્સિલ દ્વારા કરદાતાઓને કોઈ રાહત આ જી.એસ.ટી. ૨.૦ માં આપવામાં આવેલ નથી.

આ સિવાય પણ અનેક એવા રિફોર્મ્સ જરૂરી હતા કે જેના દ્વારા સરકારી તિજોરી ઉપર કોઈ ખાસ અસર પડતી નથી પરંતુ ઉદ્યોગ-વેપાર જગતને, ટેક્સ પ્રોફેશનલ્સને આ બાબત ઘણી રાહત મળી રહે તેમ હતી. પરંતુ જી.એસ.ટી. કાઉન્સિલની ૫૬ મી બેઠકમાં તો આ રિફોર્મ્સ બાબતે કોઈ ખાસ નિર્ણય લેવામાં આવ્યો નથી. આશા કે સપના તો એવા હજુ છે કે રિફોર્મ્સ માટે માત્ર ૫૬ મી કાઉન્સિલ મીટીંગ જ નહિ હવે આવનાર મીટીંગમાં પણ જી.એસ.ટી. ૨.૦ અંગે સતત સકારાત્મક પગલાઓ ભરવામાં આવશે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. ૦૮.૦૯.૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!