પરિવારના CCTV ફૂટેજનો ઉપયોગ GST વિભાગ કરી શકશે નહીં: દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો :

15 સપ્ટેમ્બર 2025 – દિલ્હી હાઇકોર્ટએ મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે GST વિભાગ assesseeના પરિવારના રહેણાંક મકાનમાંથી જપ્ત કરાયેલું CCTV ફૂટેજ તેમના વિરુદ્ધ ઉપયોગ કરી શકશે નહીં, કેમ કે તે વ્યક્તિગત ગોપનીયતાના હક્કનું ઉલ્લંઘન છે.
કેસની પૃષ્ઠભૂમિ
આ કેસ જેનિસિસ એન્ટરપ્રાઇઝિસ અને ગુંબર પરિવાર સાથે સંકળાયેલો હતો. GST વિભાગે શંકાસ્પદ ITC રિફંડ ક્લેઇમ્સને લઈને 22 જુલાઈ 2025એ દિલ્હી અને નોઈડામાં રહેણાંક તથા બિઝનેસ પ્રાંગણમાં સર્ચ અને સીઝર કર્યું હતું. તપાસ દરમ્યાન અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે ઘરની CCTV હાર્ડ ડિસ્ક અને મેમરી કાર્ડ પણ જપ્ત કરાયા હતા.
પિટીશનર્સની દલીલો
-
સર્ચ દરમ્યાન પંચનામામાં CCTV જપ્ત કર્યાનું યોગ્ય રીતે લખાયું ન હતું.
-
રહેણાંક ફૂટેજમાં પરિવારના સભ્યોનો ખાનગી જીવનનો ભાગ કેદ હોવાથી તેનો ઉપયોગ ગોપનીયતા હક્કનું સીધું ભંગ કરે છે તેવી દલીલ કરવામાં આવેલ હતી.
-
રિફંડ એપ્લિકેશનો દબાણ હેઠળ પરત ખેંચાવવામાં આવી હતી અને ચૂકવણીઓ પણ દબાણ હેઠળ કરાવાઈ હતી તેવી કરદાતા તરફે દલીલ કરવામાં આવી હતી.
કોર્ટના નિરીક્ષણ
ન્યાયમૂર્તિ પ્રતીફા એમ. સિંહ અને ન્યાયમૂર્તિ શૈલ જૈનના બેન્ચે મહત્વની ટિપ્પણીઓ કરી –
-
પરિવારના ખાનગી CCTV ફૂટેજનો ઉપયોગ કે પ્રસારણ થઇ શકે નહિ.
-
જો GST વિભાગ આ ફૂટેજ બતાવવા માંગે તો તે માત્ર પરિવારના સભ્ય અને તેમના વકીલની હાજરીમાં જ થઈ શકે. જપ્ત કરેલી સામગ્રીનો ઉપયોગ ફક્ત કાયદેસર તપાસ માટે જરૂરી હદ સુધી જ થઈ શકે, ત્યારબાદ તેને પરત આપવી પડશે.
દબાણ હેઠળની ચૂકવણી અંગે
હાઇકોર્ટએ જણાવ્યું કે coercion (દબાણ) હેઠળ થયેલી ચૂકવણી અને રિફંડ પરત ખેંચવાના આક્ષેપોને આગળની કાર્યવાહી દરમ્યાન વિગતવાર તપાસવી પડશે. હાલ માટે, આ મુદ્દો Show Cause Notice પ્રક્રિયામાં જ નિરાકરણ પામશે.
ચુકાદાનું મહત્વ
આ ચુકાદો કરદાતાઓ માટે મોટી રાહત સમાન છે કારણ કે તે બતાવે છે કે GST વિભાગ પાસે તપાસના પાવર્સ હોવા છતાં નાગરિકોના ગોપનીયતાના અધિકારોને અસ્પૃશ્ય રાખવા પડશે.
આ નિર્ણય ભવિષ્યમાં ટેક્સ તપાસ દરમ્યાન અધિકારીઓને વધુ પારદર્શિતા અને કાયદેસર પ્રક્રિયા અપનાવવા માટે દિશા દર્શન રૂપ બનશે.
ભવ્ય પોપટ, ટેક્સ ટુડે