વેચનારના વાંકે નિર્દોષ ખરીદનારને દંડી શકાય નહિ: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

તારીખ: ૧૩ ઑક્ટોબર, 2025
કેસ: Commissioner, Trade & Tax, Delhi v/s M/s Shanti Kiran India (P) Ltd. | Citation: TS-691-SC-2025-VAT
રિપોર્ટ: ભવ્ય પોપટ, ટેક્સ ટુડે ન્યુઝ બ્યુરો
1. ચુકાદાનો સાર:
સુપ્રીમ કોર્ટની બેન્ચ — માનનીય ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા અને ન્યાયમૂર્તિ એન. કોટિસ્વર સિંહ — એ એક મહત્વપૂર્ણ ચુકાદામાં વેટ વિભાગની અપીલ ફગાવી દીધી. આ ચુકાદો Delhi VAT Act, 2004 હેઠળની Input Tax Credit (ITC) સંબંધિત વિવાદમાં આવ્યો છે. જી.એસ.ટી. હેઠળ નથી આ ચુકાદો
2. મુદ્દાનો આધાર:
-
શાંતિ કિરણ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે રજીસ્ટર્ડ ડીલરો પાસેથી માલ ખરીદ્યો હતો.
-
બાદમાં એ વેચનાર ડીલરોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું અને તેમણે વસુલ કરેલો ટેક્સ સરકારમાં જમા કર્યો નહોતો.
-
ટેક્સ વિભાગે દલીલ કરી કે વેચનારોએ ટેક્સ જમા ન કર્યો હોવાથી ખરીદદારોને ITC ન આપવી જોઈએ.
3. હાઈકોર્ટનો નિર્ણય:
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે —
જો ખરીદદારો “બોના ફાઇડ” નિર્દોષ છે, વેચનાર સાથે કરચોરીમાં સામેલ નથી, એટલે કે તેમણે વેચનાર વેપારીના વિશ્વાસથી રજીસ્ટર્ડ ડીલર પાસેથી ખરીદી કરી છે, તો તેમની ITCનો હક પર તરાપ મારી શકાય નહિ.
જ્યાં સુધી વેટ ડીપાર્ટમેન્ટ પાસે કોઈ પુરાવો ન હોય કે વેચનાર અને ખરીદદારે મિલીભગત કરી છે ત્યાં સુધી નિર્દોષ ખરીદનારની ઈનપુટ ટેક્સ ક્રેડીટ રોકી શકાય નહિ.
4. સુપ્રીમ કોર્ટનું નિષ્કર્ષ:
સુપ્રીમ કોર્ટએ હાઈકોર્ટના આ નિર્ણયને સંપૂર્ણ રીતે સમર્થન આપ્યું.
તેમણે કહ્યું —
“જ્યારે ટ્રાન્ઝેક્શનના દિવસે વેચનાર રજીસ્ટર્ડ હતો અને ઇન્વોઇસ સાચા હતા, ત્યારે ITC ઇનકાર કરવાનો કોઈ યોગ્ય કારણ નથી.”
તેથી વેટ વિભાગની અપીલ ફગાવી દેવામાં આવી અને ખરીદદારોને ITCનો લાભ મંજૂર રાખ્યો.
5. અગાઉના ચુકાદાનો સંદર્ભ:
કોર્ટએ On Quest Merchandising India Pvt. Ltd. vs. Govt. of NCT of Delhi (2017) કેસનો ઉલ્લેખ કર્યો,
જેમાં હાઈકોર્ટે Section 9(2)(g) ને વાંચીને કહ્યું હતું કે
“બોના ફાઇડ ખરીદદારો પાસેથી ITC રોકી શકાતી નથી જો સુધી સાબિત ન થાય કે ખરીદદારે પણ કાવતરું કર્યું છે.”
6. વેપારીઓ માટે મોટો રાહતનો નિર્ણય:
આ ચુકાદો એવા તમામ બોના ફાઇડ ખરીદદારો માટે મહત્વપૂર્ણ છે, જેઓએ પોતાનો ટેક્સ ચૂકવી દીધો છે પણ વેચનારોએ સરકારમાં જમા કર્યો નથી. હવે આવા ખરીદદારો સામે ITC કાપવાનો ધમકાવટો કાયદાકીય રીતે ટકી શકશે નહીં.
7. GST કાયદા પર અસર:
વિશેષજ્ઞોના મતે, આ ચુકાદાનો સિદ્ધાંત હવે CGST Act, 2017 ની કલમ 16(2)(c) પર આ ચુકાદાની અસર થઇ શકે છે. આ જ કલમ હેઠળ આજે પણ અનેક ખરીદદારોને ITC નામંજુર કરવાની કાર્યવાહી થાય છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એ માટે એક precedent બની શકે છે કે “સારા વિશ્વાસથી-નિર્દોષ રીતે કરવામાં આવેલ કરેલી ખરીદી માટે ખરીદનારની ITC રોકી શકાય નહીં.”
8. નિષ્ણાતોની પ્રતિક્રિયા:
જેતપુરના જાણીતા ટેક્ટેસ એડવોકેટ અને ગુજરાત સ્ક્સટેટ ટેક્સ બાર એસો. ના ઉપપ્રમુખ લલીતભાઈ ગણાત્રા આ બાબતે વાત કરતા જણાવે છે કે —
“આ ચુકાદો ખરીદદારો માટે ઉપયોગી સાબીત થઇ શકે છે. જી.એસ.ટી. માં આ કારણે અનેક ખરીદનારની ઈનપુટ ટેક્સ ક્રેડીટ નામંજુર કરવામાં આવેલ છે. આ ચુકાદા પ્રમાણે જી.એસ.ટી. વિભાગે પહેલા ખરીદનારની મિલીભગત સાબિત કરવી જોઈએ અને આ થાય તો જ ખરીદનારની ઈનપુટ ટેક્સ ક્રેડીટ નામંજુર કરવા કાર્યવાહી કરવી જોઈએ. જો કે જી.એસ.ટી. માં હાલ પણ અગાઉના આ પ્રકારના ચુકાદા હોવા છતાં અનેક કિસ્સામાં નિર્દોષ ખરીદનારાની ઈનપુટ ટેક્સ ક્રેડીટ નામંજુર કરવામાં આવેલ છે.”
9. સારાંશ:
આ ચુકાદાથી સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે : “બોના ફાઇડ ખરીદદારોને દંડ ન થાય — ટેક્સ ચુકવવાનો દોષ વેચનારનો છે અને તેનો જ રહે છે.”આ નિર્ણય માત્ર દિલ્હી જ નહીં, પણ સમગ્ર દેશમાં ITC સંબંધિત વિવાદોમાં માર્ગદર્શક બની શકે છે.