જી.એસ.ટી. 2.0 : હોટેલ ઉદ્યોગ માટે ફાયદા કરતાં નુકસાન વધુ!!!
7500/- સુધીના રૂમના દરોમાં જી.એસ.ટી. 12% થી ઘટાડી 5% કરી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પર મૂકવામાં આવેલ છે બાધ!!
By Bhavya Popat
તા. 28.10.2025:
જી.એસ.ટી. 2.0 હેઠળ જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા અનેક ગ્રાહકલક્ષી ભલામણો સરકારને કરવામાં આવી હતી. આ ભલામણોનો સરકાર દ્વારા સ્વીકાર કરી ગ્રાહકોને મોટો ફાયદો થતાં હોય તેવા જી.એસ.ટી. માં ઘટાડા 22 સપ્ટેમ્બર 2025થી એટ્લે કે પ્રથમ નોરતાંથી લાગુ કરી આપવામાં આવ્યા છે. જી.એસ.ટી. ના દરોમાં મોટા પાયે, મોટાભાગની ચીજવસ્તુઓ તથા સેવાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાના કારણે મોટાભાગની ચીજવસ્તુઑ કે સેવાઓના ભાવમાં ઘટાડો થશે તેવું માનવમાં આવી રહ્યું છે જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. પરંતુ ઘણી એવી ચીજવસ્તુઓ છે કે સેવાઓ છે જેના દર ઘટવાના કારણે બજારભાવમાં ઘટાડો થવાને બદલે વધારો થવાની સંભાવના રહેલી છે. આનું કારણે એ છે કે આ ચીજવસ્તુઓ કે સેવાઓ માટેના ઉત્પાદનમાં ઉપયોગી માલનો દર ઘટાડવામાં ના આવ્યા હોય અથવા તો વધારવામાં આવ્યા હોય અથવાતો તેઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટને કોઈ પણ કારણસર નેગેટિવ અસર આપવામાં આવેલ હોય. આવીજ એક સેવા છે હોટેલને લગતી સેવા. સરકાર દ્વારા 12% નો જી.એસ.ટી. સ્લેબ હટાવવામાં આવ્યો હોય, 7500/- સુધીના હોટેલ રૂમ ઉપર જી.એસ.ટી. વેરાનો દર ઘટાડી 5% કરવામાં આવ્યો છે. પરંતુ આ દર ઘટાડા સાથે એવી પણ શરત રાખવામા આવેલ છે કે હોટેલ આ રૂમના વેચાણ બદલ કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈ શકશે નહીં. આ શરત હોટેલ ઉદ્યોગ માટે મોટા આર્થિક નુકસાન રૂપ સાબિત થશે તેવું ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો માની રહ્યા છે.
ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ (OTA) ને ચુકવણી થતાં કમિશનની મોટી ક્રેડિટ ગુમાવવી પડશે:
છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી હોટેલ ઉદ્યોગમાં મેઇક માય ટ્રીપ, ગોઆઈબીબો, બુકિંગ ડોટ કોમ જેવા ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ (OTA) દ્વારા થતાં હોટેલ રૂમ વેચાણમાં મોટા પ્રમાણમા વધારો થયો છે. આ તમામ OTA જે તે હોટેલ પાસેથી 15 થી લઈ 25 ટકા જેવુ કમિશન ઉઘરાવતા હોય છે. આ કમિશન ઉપર 18% ના ઊચા દરે જી.એસ.ટી. લાગુ થતો હોય છે. વાસ્તવિક પરિસ્થિતી જોતાં ઘણી હોટેલ્સ એવી છે જેનો 80% થી વધુ ધંધો આ OTA દ્વારા આવતો હોય છે. એક સામાની હોટેલ જે 1 કરોડની રકમના રૂમનું વેચાણ કરે તેઓ 20 લાખ જેવુ કમિશન સામાન્ય રીતે ચૂકવતા હોય છે. જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટમાં થયેલ આ સુધારા બાદ આવી સામાન્ય હોટેલને 20 લાખના 18% એટ્લે કે 3,60,000/- જેવુ નુકસાન થશે. આમ, હોટેલના નફા ઉપર 3.6% જેવી અસર આ સુધારાથી પડશે.
લીઝ-ભાડા ઉપર ચાલતી હોટેલ્સ માટેતો આ સુધારો મરણતોલ સાબિત થઈ શકે છે:
હોટેલ ઈન્ડસ્ટ્રીમાં લીઝ-ભાડે ચાલતી હોટેલ્સની સંખ્યા ખૂબ મોટી હોય છે. આ ઈન્ડસ્ટ્રીમાં આ એક ધંધો ચલાવવાનું પ્રચલિત મધ્યમ ગણાતું હતું. જી.એસ.ટી. 2.0 માં થયેલ સુધારા બાદ આ મોડેલ ઉપર હોટેલ ચલાવવી એ ખૂબ મુશ્કેલ બાબત થઈ ગઈ છે. ઉપરના ઉદાહરણને આગળ વધારી કોઈ એક હોટેલ જેનું વાર્ષિક ભાડું 24,00,000 જેવુ છે. આ ભાડા પર 4,32,000/- જેવો જી.એસ.ટી. ચૂકવવા ભાડે રાખનાર જવાબદાર બને છે. આ હોટેલ વાર્ષિક 1 કરોડ જેવો બિઝનેસ કરે છે તેવું માનવમાં આવે તો જી.એસ.ટી. 2.0 ના સુધારાની કેવી અસર થાય તે જોઈએ. આ હોટેલ ઉપર ક્રેડિટ ના મળવાના કારણે 3,60,000/- નું OTA કમિશનનું નુકસાન જવા ઉપરાંત 4,32,000/- જેવુ ભાડા ઉપર ચૂકવેલ જી.એસ.ટી.ની ક્રેડિટ ના મળવાનું નુકસાન જાય. આ કારણે સરવાળે આ હોટેલને માત્ર આ બે પરિબળો ઉપર 7,92,000/- ની જી.એસ.ટી. ક્રેડિટનું નુકસાન જાય. માત્ર આ બે બાબતની ક્રેડિટ હોટેલના 7.92 % એટ્લે કે 8% ના નફાના ઘટાડા માટે કારણભૂત બનશે. આ તકે યાદ રાખવું જરૂરી છે કે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ હોટેલ ઈન્ડસ્ટ્રી 1 કરોડ જેવુ ટર્નઓવર હોય તો કલમ 44AD હેઠળ 8% નફો બતાવવા જવાબદાર બનતી હોય છે. જી.એસ.ટી. 2.0 ના સુધારાના કારણે એક ઝાટકે હોટેલ્સના 8% નફનું ધોવાણ થઈ જશે તેવું હાલ જણાય રહ્યું છે.
ફ્રેંચાઈઝી/રેવન્યુ શેરિંગ મૉડ્લ ઉપર ચાલતી હોટેલ્સને પણ પડશે મોટો માર
હોટેલ ઈન્ડસ્ટ્રીમાં ફ્રેનચાઇઝી/રેવન્યુ શેરિંગ મોડેલ પર પણ મોટાપાયે બિઝનેસ ચાલે છે. ફેબ હોટેલ્સ, ટ્રિબો હોટેલ્સ, ઓયો હોટેલ્સ જેવી મિડ સેગમેન્ટ હોટેલ્સ હોય કે એક્સ્પ્રેસ ગ્રૂપ, હયાત, લેમન ટ્રી, નોવોટેલ જસ્ટા જેવી હાઇએન્ડ હોટેલ્સ હોય આ તમામ હોટેલ્સને મોટા પ્રમાણમા પોતાની ફ્રેંચાઈઝી ફી, સૉફ્ટવેર ફી, મેનેજમેંટ ફી વગેરે ઉપર લગતા જી.એસ.ટી. ક્રેડિટનું નુકસાન થશે અને તેઓની નફા ઉપર આ સીધી અસર કરશે.
હાઉસકીપીંગ અને ફૂડ ઉપર પણ જી.એસ.ટી નું મોટું નુકસાન:
હોટેલ્સમાં આપવામાં આવતી કીટ હોય કે હોટેલ સાફ સફાઈ માટે કરવામાં આવતા ખર્ચ હોય આ તમામ ઉપર મોટાભાગે 18% જેવો જી.એસ.ટી. લાગુ પડતો હોય છે. આ ઉપરાંત કોંટિનેંટલ પ્લાન (CP) એટલે કે બ્રેકફાસ્ટ સાથે, અમેરિકન પ્લાન (AP) એટ્લે કે તમામ જમવા સાથે અથવા મોડીફાઇડ અમેરિકન પ્લાન (MAP) જેમાં બ્રેકફાસ્ટ સાથે લંચ કે ડિનર કોઈ એક સામેલ હોય તેવા ફૂડ સાથે વેચાણ કરવામાં આવેલ પેકેજ ઉપર પણ આ સુધારા બાદ હોટેલ્સને મોટો માર પડશે.
ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો બાધ હોટેલ ઉદ્યોગ માટે “કાસ્કેડીગ ઇફેક્ટ” ઊભી કરશે:
જી.એસ.ટી. લાગુ કરવાનો મુખ્ય હેતુ ટેક્સની “કાસ્કેડિંગ ઇફેક્ટ” દૂર કરવાનો હતો. “કાસ્કેડિંગ ઇફેક્ટ” એટ્લે એવી પરિસ્થિતી જ્યાં ટેક્સ ઉપર પણ ટેક્સ લાગુ પડતો હોય. જી.એસ.ટી. 2.0 માં કરવામાં આવેલ આ સુધારાથી હોટેલ ઉદ્યોગ પર “કાસ્કેડિંગ ઇફેક્ટ” લાગુ થશે જે જી.એસ.ટી. ના મૂળભૂત સિદ્ધાંતોથી વિપરીત ગણી શકાય.
મોટા પ્રમાણમા રોજગારી પૂરી પાડતા આ ઉદ્યોગ માટે આ નુકસાન સહન કરવું પડી શકે છે વસમું!!
હોટેલ ઉદ્યોગ મોટા પ્રમાણમા રોજગારી પૂરું પાડતું ક્ષેત્ર છે. જી.એસ.ટી. ના આ સુધારાથી એકંદરે ભાડાથી ચાલતી હોટેલ્સ ઉપર 10% થી માંડી 15% જેવુ નુકસાન સંભવિત છે. આ સુધારા થતાં ઘણી નાની તથા મધ્યમ હોટેલ્સ ખાસ કરીને જે એવી હોટેલ્સ છે કે જે ભાડા ઉપર ચાલે છે તેમના માટે મોટું નુકશાન થશે તે બાબત ચોક્કસ છે. આ પ્રકારે ભાડા પર ચાલતી હોટેલ્સનો નફાનો ગાળો 10% થી 20% જેવો રહેતો હોય છે. શક્ય બને કે આ સુધારાથી આ હોટેલ્સના અસ્તિત્વ સામે પણ સવાલ ઊભો થઈ શકે છે. આમ થવાથી આ હોટેલ્સ બંધ થઈ શકે છે અને મોટા પ્રમાણમા રોજગારી ઉપર પણ એની અસર પડી શકે છે. આ ખર્ચને પહોચી વળવા આ હોટેલ્સ પાસે માત્ર એક વિકલ્પ રહે છે કે તેઓ પોતાના રૂમ રેન્ટ માં વધારો કરે. પરંતુ માર્કેટમાં વાસ્તવિક રીતે એક સાથે મોટો વધારો કરવો શક્ય રહેતો હોતો નથી.
આ બાબતે વાત કરતાં હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા (HRAWI) ના સિનિયર વાઇસ પ્રેસિડંટ અને એક્સ્પ્રેસ ગ્રૂપના નિરવભાઈ ગાંધી કહે છે કે “ઈન્પુટ ટેક્સ ક્રેડિટમાં મૂકવામાં આવેલ કાપ એ એકંદરે હોટેલ્સના ખર્ચમાં દેખીતો વધારો કરશે. આ કારણે હોટેલ પાસે પોતાના ભાડા વધારવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. આમ, સરકાર દ્વારા ગ્રાહકોને ફાયદો થાય તે માટે કરવામાં આવેલ સુધારો ગ્રાહકો માટે નુકસાનકારક રહેશે. જે હોટેલ્સ આ સુધારાને સમજી નહીં શકે તેઓને ઈન્પુટ ટેક્સ ક્રેડિટના નુકસાન સ્વરૂપે મોટા પ્રમાણમા નુકસાન જશે તેવું અમે માની રહ્યા છે. વિપુલ પ્રમાણમા રોજગારી પૂરી પાડતા આ ક્ષેત્રને જી.એસ.ટી. 2.0 માં થયેલ આ ફેરફારથી ચોક્કસ નુકસાન થયું છે. અમે અમારા એસોસીએશન લેવલે આ બાબતે હોટેલોના હિતમાં રજૂઆતો કરી રહ્યા છે અને આ બાબતે જરૂર કોઈ પોઝિટિવ સુધારો આવશે તેવો મને વિશ્વાસ છે. અમારી ઈન્ડસ્ટ્રી રેસ્ટોરન્ટના જી.એસ.ટી. દરોને રૂમના ભાડા સાથે જોડવામાં આવેલ બાબત પર પણ રજૂઆતો કરી રહી છે અને આ બાબતે પણ હોટેલ્સના હિતમાં સુધારા થશે તેવા પ્રયાસો પણ મોટા પાયે થઈ રહ્યા છે.”
સામાન્ય રીતે હોટેલ ઈન્ડસ્ટ્રી એટ્લે કે હોટેલ અને રેસ્ટોરન્ટ સાથે ચાલતા હોય તેવા ધંધાનો મુખ્ય ધંધો હોટેલના રૂમનું વેચાણ હોય છે અને ગૌણ ધંધો રેસ્ટોરન્ટનો હોય છે. જી.એસ.ટી. માં અગાઉ ઈન્ડસ્ટ્રીના મુખ્ય ધંધા હોટેલના રૂમ ઉપર 12% થી માંડી 18% જેવો દર હતો અને ગૌણ ધંધો કે જે રેસ્ટોરન્ટનો હતો તેના ઉપર 5% નો દર હતો, જેના ઉપર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળતી નહીં. આજે વિચિત્રતા એ છે કે જી.એસ.ટી. 2.0 માં આ પરિસ્થિતી 360 ડિગ્રી બદલી ગઈ છે અને આ ઈન્ડસ્ટ્રીના મુખ્ય ધંધા એવા હોટેલ રૂમ ઉપર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના મળવાની શરતે 5% અને રેસ્ટોરન્ટ ઉપર 18% નો દર લાગુ થઈ રહ્યો છે. હોટેલ્સ સાથે હોય તેવા રેસ્ટોરન્ટના જી.એસ.ટી. દર વિષેની તકલીફો ભોગવી રહેલી આ ઈન્ડસ્ટ્રી માટે પીડા આપનારું વધારનું પરિબળ જી.એસ.ટી. 2.0 માં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નકરવા અંગેનો આ નિયમ સાબિત થશે તે ચોક્કસ છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબમાં તા. 27.10.2025 ના રોજ પ્રકાશિત થયેલ છે)
