નોટબંધીના આ નવ વર્ષ!!
-By Bhavya Popat
તા. ૧૦.૧૧.૨૦૨૫: ૯ વર્ષ પહેલા, ૮ નવેમ્બર ૨૦૧૬ની રાત્રીમાં સમગ્ર દેશ માટે એક મોટી ચર્ચા જગાવનાર જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. આ જાહેરાત દ્વારા રાષ્ટ્રભરમાં ચલણમાં હોય તેવા રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ ના તમામ ચલણી નાણું માત્ર અગામી ત્રણ કે ચાર કલાકમાં કાયદેસરના ચલણ રહેવાનું નાં હતું. આ નિર્ણય એટલો મહત્વનો હતો કે સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં નાગરિકો ઉપર અસર થતી હોય તેવા નિર્ણય લેવામાં પ્રધાનમંત્રી અને તેમની કોર ટીમ દ્વારા ચોક્કસ ઘણા સમયની કવાયત હાથ ધરી હશે. પરંતુ આ કવાયત દરમ્યાન આ નિર્ણય લેવામાં આવશે તે અંગે ભારતીય તંત્રના ચોથા સ્તંભ ગણાતા મીડિયા જગતમાં સહેજ પુરતો અણસાર પણ આવવા દીધો નાં હતો.
આ પગલાનું મુખ્ય હેતુ હતું – “બ્લેક મની” ની “પેરેલલ ઈકોનોમી” રોકવાનો હતો. આ ઉપરાંત આતંકવાદી પ્રવૃત્તિ સહીતની દેશ વિરોધી પ્રવૃતિમાં મોટા પ્રમાણમાં વપરાતા આ કાળા નાણાને રોકી આ પ્રવૃત્તિ બંધ કરાવવાનો પણ મહત્વનો હેતુ નોટબંધીનો હતો. આ ઉપરાંત “ડીજીટલ મની” ને પ્રોત્સાહન આપવા પણ આ પગલાની નેમ હોય તેમ માની શકાય છે.
આ નવ વર્ષમાં નોટબંધી સારી કે ખરાબ તે અંગે અનેક લેખ-ચર્ચાઓ પ્રસિદ્ધ થયા છે. સામાન્ય રીતે લોકો આ નોટબંધીને એકંદરે સમગ્ર અર્થતંત્ર માટે નુકસાનકારક ગણે છે. આ પગલાને નિષ્ફળ ગણતા લોકો સૌથી વધુ એ બાબત પર ભાર મુકે છે કે નોટબંધીમાં જેટલા પ્રમાણમાં સામાન્ય લોકો હેરાન થયા તેના સામે કાળું નાણું અટકાવવામાં આ પગલું સદંતર નિષ્ફળ ગયું છે અને મોટાભાગની ચલણી નોટો બેંકમાં જમા કરી આપવામાં આવી છે. આ લેખમાં આજે નોટબંધીના આ ૯ વર્ષ પછીની પરિસ્થિતિ પર મારો અભિપ્રાય આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. વ્યવસાયે એક ટેક્સ એડવોકેટ હોવાના કારણે ધંધાકીય માહોલ અને તેના અર્થતંત્રને નજીકથી જોવાનો મોકો મળવાના કારણે હું આ નોટબંધીના પગલાને અલગ રીતે મૂલવવા પ્રયાસ કરીશ.
કાળું નાણું રોકવામાં અસફળ!
હું વ્યક્તિગત રીતે માનું છુ કે કાળું નાણું રોકવામાં નોટબંધીનું પગલું જોઈએ એવું સફળ રહ્યું નથી. આજથી નવ વર્ષ પહેલા જે પ્રમાણે જમીન મકાન જેવા રીયલ એસ્ટેટ, સોના જેવા રોકાણ, ભ્રષ્ટાચાર જેવા ઉપયોગ માટે આજે પણ બ્લેક મનીનો એવો જ ઉપયોગ થઇ રહ્યો છે જેવો પહેલા થઇ રહ્યો હતો. આ બાબતે કોઈ વ્યક્તિ પુરાવો મેળવવા માંગતો હોય તો પોતાના ગામમાં રહેલા કોઈ પણ જુના આંગડીયાની ઓફીસનો સર્વે કરી શકે છે. હા મોટા શહેરોમાં અને જુજ કિસ્સાઓમાં નાના ગામોમાં પણ રીયલ એસ્ટેટ કે સોના જેવા “બ્લેક મની સેફ હેવન” માં ઘટાડો થયો નજરે આવે છે પણ તેના કારણો હું નોટબંધી ના બદલે વ્યક્તિની આવક વધવા, ટેક્સ ઘટવા વગેરેને હું માનું છુ. આમ, નોટબંધીનો મુખ્ય હેતુ જો કાળું નાણું રોકવાનો જ ગણવામાં આવે તો તે હેતુ મહદ્દઅંશે પૂરો થયો નથી.
ડીજીટલ પેમેન્ટમાં અભૂતપૂર્વ વધારો!!
નોટબંધી બાદ ડીજીટલ પેમેન્ટમાં મોટા પ્રમાણમાં વધારો આવ્યો છે આ બાબત કોઈ નકારી શકે તેમ નથી. આપણા રોજબરોજના જીવનમાં પેનથી લઇ શાકભાજી, સોનાથી લઇ સાબુ, રેસ્ટોરંટથી લઇ ચાની ટપરી સુધીની તમામ વસ્તુઓ કે સેવાઓ માટે ડીજીટલ પેમેન્ટ હાલ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. આજે તમે ફરવા ગયા હોય અને ચણાજોર ખાશો તો પણ આ ફેરિયો તમને ડીજીટલ પેમેન્ટ કરવાની સુવિધા આપશે તો તમે રીક્ષા વાળાને પણ આરામથી ડીજીટલ પેમેન્ટ આજે કરી રહ્યા છો. એક અંદાજ પ્રમાણે ૨૦૧૭ માં “ડીજીટલ પેમેન્ટ” ના વ્યવહારની સંખ્યા જે ૨૦૭૦ કરોડ પ્રતિવર્ષ હતી તે હાલ ૨૦૨૫ માં વધીને ૨૩૦૦૦ કરોડ થી વધુ થઇ રાહી છે. આ વ્યવહારોમાં UPI દ્વારા થતી વિવિધ ખરીદીઓ માટે ૧ લાખની રકમની ચુકવણીનો સમાવેશ પણ થાય છે તો સામે ચા પીવા જેવા સામાન્ય ૧૦ રૂ જેવી રકમની ચુકવણી નો સમાવેશ પણ થઇ જાય છે. આમ, ડીજીટલ પેમેન્ટ વધારવામાં નોટબંધીની સંપૂર્ણ નહિ તો મહત્વની ભૂમિકા તો ગણી જ શકાય.
ઇન્કમ ટેક્સ કાયદામાં થયા મોટા ફેરફાર, જેનો કરદાતાઓ નવ વર્ષ બાદ પણ બની રહ્યા છે ભોગ!!
નોટબંધી પહેલા ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતાઓને પોતાના કાળાનાણા જાહેર કરવા “વિવાદ સે વિશ્વાસ સ્કીમ” બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ ૬૮ તથા ૬૯ હેઠળ મહત્વનો ફેરફાર કરી કાળું નાણું પકડાઈ તો તેનો મહત્તમ ટેક્સ દર જે અગાઉ ૩૦% નો હતો તેમાં વધારો કરી ૬૦% ઉપરાંત સરચાર્જ કરી નાંખવામાં આવ્યો હતો. નોટબંધી અગાઉ જયારે આકારણી કરવામાં આવતી ત્યારે આ સખ્ત એવી ઇન્કમ ટેક્સ કાયદાની કલમ ૬૮ અને ૬૯ નો જુજ કિસ્સાઓમાં ઉપયોગ કરવામાં આવતો હતો. જયારે નોટબંધીના કેસો અને ત્યારબાદના તમામ કેસોમાં મોટાભાગના કેસોમાં ઇન્કમ ટેક્સ કાયદાની આ સૌથી સખત કલમનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જયારે પણ કોઈ કરદાતા પોતાનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ જાય ત્યારે તેઓની ઉપર જેટલા રકમની કરચોરીનો આક્ષેપ હોય તેટલા જ રકમની ટેક્સ અને વ્યાજની જવાબદારી ઉપસ્થિત થઇ જતી હોય છે. ઉદાહરણ તરીકે કોઈ કરદાતા ઉપર ૨૦ લાખ જેવી કરચોરીનો આક્ષેપ ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ છે. ખરેખર આ રકમ એ કરચોરીની નથી પણ “જેન્યુઈન” છે પરંતુ ફેઈસ લેસ આકારની દરમ્યાન કરદાતા આ રકમના જે ખુલાસા આપે તે ઇન્કમ ટેક્સ અધિકારીને માન્ય નાં લાગ્યા હોય તો આ ૨૦ લાખની રકમ ઉપર જે ટેક્સ, વ્યાજ અને દંડ ભરવાની જવાબદારી આકારની આદેશમાં આવે તે ૨૦ લાખથી પણ ક્યારેક વધુ હોય છે. આ સંજોગોમાં કરદાતા પાસે આ આદેશ સામે અપીલ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આ અપીલ કરી ઇન્કમ ટેક્સ ઓફીસની ડીમાંડ સામે “સ્ટે” લેવા કરદાતા કુલ રકમના ૨૦% ભરવા જવાબદાર બની જાય છે. આવા સંજોગોમાં ૪ લાખ જેવી મોટી રકમ કરદાતાએ ભરવાની રહે છે અને ત્યારબાદ જ ઇન્કમ ટેક્સની ઉઘરાણી થતી બંધ થાય છે. આ રકમના ભરવામાં આવે તો કરદાતાના બેંક ખાતા ઇન્કમ ટેક્સ દ્વારા “એટેચ” કરી નાંખવામાં આવે છે. આમ, આ જુના કેસ ના કારણે કરદાતા પોતાનો હાલનો ધંધા કે જીવન નિર્વાહ ઉપર પણ તેની ગંભીર અસર પડતી હોય છે. અનેક કિસ્સાઓમાં આ મોટી ડીમાંડ અપીલમાં નીકળી જતી હોય છે પણ આ અપીલમાં કરદાતાને રાહત મળે તે દરમ્યાન તેઓ અનેક યાતના ભોગવવા મજબુર બની જાય છે. નોટબંધીની કે તેના બાદની પરિસ્થિતિની સૌથી મોટી નબળાઈ તરીકે હું આ બાબતને ગણું છુ. નોટબંધી સમયે વધારવામાં આવેલ ૬૦% નો સખત દર ઘટાડવો ખુબ જરૂરી છે. આ ઊંચા દરના કારણે થયેલ આકારણી આદેશ સામે કરદાતાઓ સરકારની વિવિધ માફી યોજના (એમનેસ્ટી સ્કીમ) નો લાભ પણ લઇ શકતા નથી હોતા. એકંદરે સરકારની માફી યોજના પણ આ પ્રકારના ઊંચા અને વિવાદાસ્પદ દરના કારણે નિષ્ફળ નીવડતી હોય છે. આ સાથેજ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ ૬૮ કે ૬૯ હેઠળ આ ઊંચા દર સાથે આકારની થયા હોવાના કિસ્સામાં કોઈ ટેક્સની રકમના ૫% અથવા તો કોઈ ફિક્સ રકમ ભરી સ્ટે આપવાની જોગવાઈ કરવામાં આવે તે જરૂરી છે. આ સુધારો જે નોટબંધી સમયે કરવામાં આવ્યો હતો તેમાં સુધારો કરવામાં આવે તે સમયની માંગ છે. નોટબંધીનું આ નુકસાન સામાન્ય રીતે લોકોના ધ્યાને આવતું હોતું નથી.
આજે નોટબંધીને જયારે નવ વર્ષના વહાણા વહી ગયા હોય ત્યારે આ પગલાની તાત્કાલિક ખરાબ અસર જે પડી તે તો નિવારવી લગભગ અશક્ય હતી પરંતુ નોટબંધીના લાંભાગાળાના ગંભીર પરિણામ જે હાલ કરદાતાઓ ભોગવી રહ્યા છે તે નિવારવા પ્રયાસો થવા ખુબ જરૂરી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી અખબાર ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. ૧૦.૧૧.૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલ છે)
