નાણાકીય વર્ષ 2024-25 ના ઇન્કમ ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર 25 પહેલા ભરી દેવું છે જરૂરી!!!
-By Bhavya Popat, Advocate
31 ડિસેમ્બર પછી રિટર્ન ભરવામાં આવે તો કરદાતાને ના મળે રિફંડ!!
તા. 09.12.2025: ભારતમાં આવકવેરા રિટર્ન (ITR) ભરવું હવે માત્ર કાનૂની ફરજ નથી પરંતુ નાણાકીય શિસ્તનો મહત્વપૂર્ણ ભાગ પણ ગણી શકાય. સમયસર રિટર્ન ભરવાથી જ્યાં એક તરફ તમારા નાણાકીય રેકર્ડ મજબૂત બને છે, ત્યાં બીજી તરફ લોન, વિસા કે અન્ય નાણાકીય પ્રક્રિયામાં પણ તે લાભકારી સાબિત થાય છે. કોઈ પણ નાણાકીય વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન જે તે નાણાકીય વર્ષ પૂર્ણ થયા પછીના ડિસેમ્બર સુધીમાં ભરવાનું થતું હોય છે. ડિસેમ્બર મહિનો હાલ ચાલુ હોય અને નાણાકીય વર્ષ 2024-25 ના વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ નજીક હોય આજે આ લેખમાં ઇન્કમ ટેક્સ રિટર્ન અંગે સામાન્ય ભાષામાં સમાજ આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
🔹 સામાન્ય કરદાતાઓ (Individual / Salaried / Small Business)
દર વર્ષે આવકવેરા કાયદા મુજબ ITR ભરવાની સામાન્ય તારીખ 31 જુલાઈ છે. જો કે ઇન્કમ ટેક્સ યુટિલિટી મોડી આવવાના કારણે નાણાકીય વર્ષ 2024-25 ના રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પ્રકારના કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 16 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.
🔹 ઓડિટ આવશ્યક ધરાવતા વ્યવસાયો (Tax Audit Cases)
ધંધો કે વ્યવસાય, જ્યાં ઓડિટ ફરજિયાત હોય, તેઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સામાન્ય રીતે 31 ઑક્ટોબર હોય છે. આવા કરદાતાઓ માટે પણ યુટિલિટી મોડી આવવાના કારણસર રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરી 10 ડિસેમ્બર કરી આપવામાં આવી છે. આમ, જેઓના ધંધાકીય ચોપડા ઓડિટ કરાવવા જરૂરી છે અથવા એવા કરદાતા જેઓ આ પ્રકારના ઓડિટ માટે જવાબદાર ધંધાના વર્કિંગ પાર્ટનર્સ છે તેઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત નાણાકીય વર્ષ 2024-25 માટે 10 ડિસેમ્બર છે. આમ, જેઓનું ઇન્કમ ટેક્સ રિટર્ન બાકી હોય અને તેઓના ધંધા ઓડીટ માટે જવાબદાર હોય તેઓ માટે હજુ રિટર્ન ભરવા ત્રણ દિવસની મુદત બાકી છે.
🔹 નાણાકીય વર્ષના “બિલેટેડ” ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ હોય છે 31 ડિસેમ્બર!!
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોઈ પણ કરદાતા માટે પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર ભરવા ઉપર જણાવેલ મુદત રહેતી હોય છે. પરંતુ આ મુદતમાં સમયસર રિટર્ન ભરી ના શક્યા હોય તેવા કરદાતા માટે પોતાનું “બિલેટેડ” (મોડુ) રિટર્ન ભરવાની છેલ્લી તક જે તે નાણાકીય વર્ષ પૂર્ણ થયાના 31 ડિસેમ્બર સુધી રહેતી હોય છે. 31 ડિસેમ્બર સુધી જો પોતાનું રિટર્ન ભરી ના શકે તો ત્યારબાદ કરદાતા માટે માત્ર “અપડેટેડ” રિટર્ન ભરવાનો વિકલ્પ રહેતો હોય છે. આ અપડેટેડ રિટર્ન ભરવામાં કરદાતાને ઘણી નુકસાની જતી હોય છે. આ “બિલેટેડ” રિટર્ન ભરવામાં પણ કરદાતા લેઇટ ફી ભરવાં તો જવાબદાર બને છે પરંતુ આ લેઇટ ફી ભરી તેઓ પોતાની ભૂલ સુધારી શકે છે. પરંતુ એક વાર આ 31 ડિસેમ્બરનો સમય જતો રહે પછી આ લેઇટ ફી સિવાય પણ અનેક નુકસાન કરદાતાને જતાં હોય છે.
જો 31 ડિસેમ્બર સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં નહીં આવે તો શું થાય?
- કરદાતા પોતાની નિયત મુદત સુધી રિટર્ન ના ભારે તો તેઓ લેઇટ ફી ભરવાં જવાબદાર બની જતાં હોય છે જે 1000/- અથવા 5000/- જેવી લેઇટ ફી ભરવાં જવાબદાર બની જાય છે.
- 31 ડિસેમ્બર 2025 પછી જો નાણાકીય વર્ષ 2024-25 નું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં આવે છે તો ગમે તેટલો સાચો રિફંડનો દાવો હોવા છતાં કરદાતા રિફંડનો ક્લેઇમ કરી શકતા નથી. આમ, ઘણીવાર કરદાતાને રિટર્ન મોડુ ભરવાની નાની લગતી ભૂલ માટે મોટી સજા ભોગવવી પડતી હોય છે.
- 31 ડિસેમ્બર પછી રિટર્ન ભરવામાં આવે તો કરદાતા પોતાના ભરવાં પાત્ર ટેક્સ, વ્યાજ, લેઇટ ઉપરાંત એડિશનલ ટેક્સ ભરવાં જવાબદાર બની જતાં હોય છે જે ટેક્સની રકમના 70% જેટલો હોય શકે છે.
ઇન્કમ ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર પહેલા ભરી આપવામાં છે સમજદારી:
નાણાકીય વર્ષ 2024-25 નું ઇન્કમ ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર 2025 પહેલા ભરી આપવામાં કરદાતા માટે સમજદારી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર સુધીમાં ભરી આપવામાં તો કરદાતા માટે નીચેના ફાયદા રહેતા હોય છે. દરેક કરદાતાએ પોતાનું 26AS કે જે ઇન્કમ ટેક્સની તેઓની પાસબુક ગણી શકાય તે તથા કરદાતાના આર્થિક વ્યવહારોનો ચિતાર “એન્યુઅલ ઈન્ફર્મેશન સમરી” (AIS) અને “ટેક્સ પેયર્સ ઇન્ફોર્મેશન સમરી” (TIS) જોઈ લેવી ખૂબ જરૂરી છે. ઘણી વાર કરદાતાને પોતાને પોતાના અમુક આર્થિક વ્યવહારોની જાણ હોતી નથી અથવા તો પોતે કરેલ વ્યવહારો યાદ હોતા નથી. આ AIS અને TIS માં વર્ષ દરમ્યાનના કરદાતાના ઇન્કમ ટેક્સ રિટર્ન માટે ઉપયોગી વ્યવહારોની યાદી મળી રહેતી હોય છે. આના પરથી કરદાતા પોતાનું રિટર્ન ભરવું જરૂરી છે કે નહીં તે નિર્ણય કરી શકતા હોય છે.
AIS-TIS ઉપરથી ભવિષ્યમાં નોટિસ આવતા ફરજિયાત રિટર્ન ભરવું પડી શકે છે મોંઘું!!
ઘણા કિસ્સામાં એવું જોવા મળતું હોય છે કે અમુક વ્યવહારો જે AIS કે TIS માં દર્શાવેલ હતા પરંતુ કરદાતાએ સમયસર આ વ્યવહાર જોયેલ ના હોય અને આ વ્યવહારો દર્શાવી પોતાનું રિટર્ન ભરેલ ના હોય તેના કારણે ભવિષ્યમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી તેઓને નોટિસ આવતી હોય છે. હવે જ્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી નોટિસ આપવામાં આવે ત્યારે કરદાતા માટે ફરજિયાત રિટર્ન ભરવાનું થતું હોય છે. આ સમયે ફરજિયાત રિટર્ન ભરવામાં કરદાતા જે તે વ્યવહાર માટે ટેક્સ, વ્યાજ, લેઇટ ફી, એડિશનલ ટેક્સ ભરવાં તો જવાબદાર બની જ જતાં હોય છે પરંતુ કાયદેસર ગણતરી કરતાં રિફંડ માટે લાયક હોય તો પણ તેઓ માત્ર રિટર્ન ના ભરવાની નાની ભૂલ બદલ આ રિફંડ મેળવવાનો પોતાનો હક્ક ખોઈ બેસે છે. આ ઉપરાંત અનેક અન્ય વ્યાવહારિક મુશ્કેલીનો સામનો કરદાતાએ કરવાનો થઈ શકે છે.
આમ, 31 ડિસેમ્બર 2025 એ નાણાકીય વર્ષ 2024-25 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તક હોય કરદાતાએ પોતાના CA, એડવોકેટ, ટેક્સ કન્સલ્ટન્ટ કે જાતે આ રિટર્ન ભરવાં અંગે AIS-TIS જોય યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને જરૂરી હોય ત્યાં પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર 2025 પહેલા ભરી આપવું જોઈએ.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ ૦૮ ડીસેમ્બર ૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલ છે.)
