ITC ચાર વર્ષથી વધુ સમય બ્લોક રાખવી સદંતર રીતે ગેરકાયદેસર

0
Spread the love
Reading Time: 2 minutes

ગુજરાત હાઇકોર્ટની કડક ટિપ્પણી, જવાબદાર અધિકારી સામે વ્યક્તિગત ખર્ચનો આદેશ

અમદાવાદ | Tax Today News

GST કાયદા હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ને એક વર્ષથી વધુ સમય સુધી બ્લોક રાખી શકાય નહીં, તેવા સ્પષ્ટ નિયમ હોવા છતાં ચાર વર્ષથી વધુ સમય સુધી ITC બ્લોક રાખવાના મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્યના કર અધિકારીઓ સામે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે. હાઇકોર્ટે આ મામલે જવાબદાર અધિકારી સામે ઉદાહરણરૂપ વ્યક્તિગત ખર્ચ ફટકારવાનો આદેશ આપ્યો છે.

કેસની પૃષ્ઠભૂમિ

Gaj Alloys Private Limited દ્વારા દાખલ કરાયેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. 16403 of 2025માં અરજદારનું રૂ. **22,53,426/-** રકમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ 10 માર્ચ 2021ના રોજ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર (ECL)માં બ્લોક કરવામાં આવી હતી. આ ITC ચાર વર્ષથી વધુ સમય સુધી અનબ્લોક કરવામાં આવી ના હતી.

હાઇકોર્ટનું અવલોકન

માનનીય ન્યાયમૂર્તિ એ.એસ. સુપેહિયા અને પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે નોંધ્યું કે:

  • CGST તથા GGST નિયમો હેઠળના Rule 86A(3) મુજબ ITC વધુમાં વધુ એક વર્ષ માટે જ બ્લોક કરી શકાય

  • એક વર્ષ પૂર્ણ થયા બાદ ITC આપોઆપ અનબ્લોક થઇ જવી જોઈએ.

  • એક વર્ષ બાદ અધિકારી પાસે કોઈ વિવેકાધિકાર (discretion) રહેતો નથી, સિવાય કે નવો કાયદેસર ઓર્ડર પસાર કરવામાં આવ્યો હોય

પાછલા ચુકાદાનો સંદર્ભ

કોર્ટે M/s Ambika Creation v. Commissioner, Govt. of Gujarat (2022) કેસનો સંદર્ભ આપતાં જણાવ્યું કે, જો એક વર્ષ બાદ પણ ITC અનબ્લોક ન કરવામાં આવે તો તે સ્પષ્ટ કાયદાનો ભંગ છે. તે ચુકાદામાં કોર્ટએ ચેતવણી આપી હતી કે આવી સ્થિતિમાં જવાબદાર અધિકારીને વ્યક્તિગત રીતે નુકસાન માટે જવાબદાર ઠેરવવામાં આવશે.

ચાર વર્ષ સુધી ITC બ્લોક – કોર્ટની કડક ટિપ્પણી

હાઇકોર્ટે નોંધ્યું કે વર્તમાન કેસમાં ITC ચાર વર્ષથી વધુ (લગભગ સાડા ચાર વર્ષ) સમય સુધી બ્લોક રાખવામાં આવી, જે કાયદાની મર્યાદા કરતા ઘણું વધારે છે. કોર્ટે આ સ્થિતિને “અત્યંત દુર્ભાગ્યપૂર્ણ” ગણાવી છે.

ખર્ચ ફટકારવાનો આદેશ

આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈ હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે:

  • જવાબદાર અધિકારી તરફથી **રૂ. 35,000/-**નો ખર્ચ કોર્ટના રજિસ્ટ્રીમાં જમા કરાવવામાં આવે

  • આગામી સુનાવણી સુધીમાં સંબંધિત અધિકારીનું નામ કોર્ટમાં રજૂ કરવામાં આવે

અરજદારની રજૂઆત

કોર્ટે નોંધ્યું કે અરજદાર દ્વારા અગાઉ પણ સંબંધિત અધિકારીને હાઇકોર્ટના અગાઉના ચુકાદાઓ અંગે અવગત કરવામાં આવ્યો હતો, તેમ છતાં ITC અનબ્લોક કરવામાં આવી નહોતી, જેના કારણે અરજદારને ફરજિયાત રીતે હાઇકોર્ટમાં રિટ અરજી કરવી પડી.

Tax Today વિશ્લેષણ

આ ચુકાદો GST હેઠળ ITC બ્લોકિંગની મનમાની કાર્યવાહી સામે એક મહત્વપૂર્ણ સીમાચિન્હ રૂપ ચુકાદો છે. હાઇકોર્ટનો સ્પષ્ટ સંદેશ છે કે:

  • Rule 86Aનો દુરુપયોગ સહન કરવામાં આવશે નહીં

  • કાયદામાં નક્કી કરેલી સમયમર્યાદા બાદ ITC રોકવી ગેરકાયદેસર છે

  • ભવિષ્યમાં આવા કેસોમાં અધિકારીઓને વ્યક્તિગત જવાબદારીનો સામનો કરવો પડી શકે છે

આ ચુકાદો કરદાતાઓના હક્કોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. આ કેસમાં કરદાતા તરફથી વડોદરાના જાણીતા એડવોકેટ અભય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!