કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ હેઠળ બહાર પાડવામાં આવી છે વિવાદ નિવારણ યોજના!!

Spread the love
Reading Time: 4 minutes

જૂની ડિમાન્ડ સંદર્ભે અપીલ કરેલી હોય તેવા કરદાતા માટે આ યોજના અંગે જાણવું ખાસ જરૂરી

તા. 02.10.2024

નાણામંત્રી દ્વારા 23 જુલાઇ 2024 ના રોજ બજેટ દ્વારા ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ “વિવાદ સે વિશ્વાસ સ્કીમ-2024” ની જાહેરાત કરવામાં આવી હતી. હવે 19 સપ્ટેમ્બરથી આ યોજના બાબતે નોટિફિકેશન પણ બહાર પાડી આપવામાં આવ્યું છે. આ યોજના અંગેની મહત્વની માહિતી આ લેખમાં આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

કયારથી લાગુ થશે આ યોજના?

“ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ સ્કીમ-2024” યોજના 01 ઓક્ટોબર 2024 થી કરદાતાઓ માટે શરૂ થશે.

આ યોજના હેઠળ કોણ લાભ લઈ શકે છે?

આ યોજના હેઠળ કોઈ પણ કરદાતા કે જેઓ દ્વારા સુપ્રીમ કોર્ટ, હાઇ કોર્ટ, ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ, કમિશ્નર અપિલ્સ,  પાસે કરદાતા દ્વારા કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા અપીલ કરવામાં આવી હોય કે કરદાતા દ્વારા રિવિઝનની કાર્યવાહી માટે અરજી કરવામાં આવી હોય અને તે 22 જુલાઇ 2024 ના રોજ પડતર હોય તેવા તમામ કેસોને લાગુ પડશે. આ ઉપરાંત “ડીસ્પ્યુટ રિઝોલ્યૂશન પેનલ” હેઠળ કોઈ કામગીરી પડતર હોય તેવા કેસોને પણ લાગુ પડશે.

આ યોજનાનો લાભ લેવા કરદાતાએ કઈ અને કેટલી રકમ ભરવાની રહેશે?

આ યોજના નો લાભ લેવા કરદાતાએ નીચે મુજબ રકમ ભરવાની જવાબદારી આવશે.

ટેક્સ સહિત ડિમાન્ડનો પ્રકાર 31 ડિસેમ્બર 2024 પહેલા ભરવાપાત્ર રકમ                        01 જાન્યુઆરીથી નિયત છેલ્લી તારીખ સુધી ભરવાપાત્ર રકમ
   
31 જાન્યુઆરી 2020 પછી કરવામાં આવેલ અપીલ જેમાં ડિમાન્ડમાં ટેક્સ, વ્યાજ અને દંડનો સમાવેશ થતો હોય મૂળ ટેક્સની રકમ મૂળ ટેક્સની રકમ ઉપરાંત ટેક્સની રકમના 10% રકમ
31 જાન્યુઆરી 2020 કે તે પહેલા કરવામાં આવેલ અપીલ જેમાં ડિમાન્ડમાં ટેક્સ, વ્યાજ અને દંડનો સમાવેશ થતો હોય મૂળ ટેક્સની રકમ ઉપરાંત ટેક્સની રકમના 10% રકમ મૂળ ટેક્સની રકમ ઉપરાંત ટેક્સની રકમના 20%
31 જાન્યુઆરી 2020 પછી કરવામાં આવેલ અપીલ જે કિસ્સામાં અપીલનો વિવાદનો મુદ્દો માત્ર વ્યાજ, દંડ કે ફી અંગેનો હોય વિવાદિત વ્યાજ, દંડ કે ફીના 25% રકમ વિવાદિત વ્યાજ, દંડ કે ફીના 30% રકમ’
31 જાન્યુઆરી 2020 કે તે પહેલા કરવામાં આવેલ અપીલ જે કિસ્સામાં અપીલનો વિવાદનો મુદ્દો માત્ર વ્યાજ, દંડ કે ફી અંગેનો હોય વિવાદિત વ્યાજ, દંડ કે ફીના 30%         રકમ વિવાદિત વ્યાજ, દંડ કે ફીના 35% રકમ’
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા જે કિસ્સામાં અપીલ ફાઇલ કરવામાં આવેલ હોય ત્યારે ઉપર 1 થી 4 માં જણાવેલ રકમના 50% રકમ ઉપર જણાવેલ રકમના 50% રકમ
કમિશ્નર કે જોઇન્ટ કમિશ્નર અપીલ પાસે કોઈ અપીલ પડતર હોય અને આ મુદ્દા અંગે ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલનો નિર્ણય કરદાતા તરફે થયેલ હોય ત્યારે ઉપર 1 થી 4 માં જણાવેલ રકમના 50% રકમ ઉપર 1 થી 4 માં જણાવેલ રકમના 50% રકમ
ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ પડતર હોય અને હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દા ઉપર કરદાતાની તરફેણમાં નિર્ણય કરવામાં આવેલ હોય ત્યારે ઉપર 1 થી 4 માં જણાવેલ રકમના 50% રકમ ઉપર 1 થી 4 માં જણાવેલ રકમના 50% રકમ

આ યોજનાનો લાભ લેવા કરદાતા દ્વારા કરવાની થતી વિધિ:

  • આ યોજનાનો લાભ લેવા કરદાતા દ્વારા નિયત ફોર્મમાં (જે હવે પછી બહાર પાડવામાં આવશે) એક “ડિકલેરેશન” ફાઇલ કરવાનું રહશે. આ “ડિકલેરેશન” ફાઇલ કર્યા બાદ અને સત્તાધિકારી દ્વારા આ સ્કીમની માન્યતાનું “સર્ટિફિકેટ” આપવામાં આવ્યાની સાથે જ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ, કમિશ્નર અપીલસ સમક્ષ ચાલી રહેલી અપીલ પરત ખેંચી લેવાની માની લેવામાં આવશે.
  • કરદાતા દ્વારા જ્યાં અપીલ ફાઇલ કરવામાં આવેલ છે અને જ્યાં આ યોજના હેઠળ અધિકારી દ્વારા આ યોજનાની માન્યતાનું “સર્ટિફિકેટ” કરદાતાને આપવામાં આવેલ છે ત્યારે કરદાતા દ્વારા જે તે અપીલ અધિકારી, ટ્રિબ્યુનલ, હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અપીલ પરત ખેચવાની રહેશે અને આ અપીલ પરત ખેંચી લીધી છે તે અંગેની જાણ અધિકારીને રકમ ભર્યાના પુરાવા સાથે કરવાની રહેશે.
  • આ યોજનાનો લાભ લેતા કરદાતા દ્વારા “ડિકલેરેશન” આપી ભવિષ્યમાં પણ આ મુદ્દા ઉપરના પોતાના કાયદાકીય વિકલ્પો જતાં કરવા અંગે બાહેધરી આપવાની રહેશે.
  • કરદાતા દ્વારા કોઈ મહત્વની માહિતી છુપાવવામાં આવી હોય, કે માહિતી ખોટી આપવામાં આવેલ હોય, આ યોજનાના કોઈ નિયમોનો ભંગ કરવામાં આવેલ હોય અથવા તો કરદાતા પોતે આપવામાં આવેલ બાંહેધરી પ્રમાણે વર્તવામાં નિષ્ફળ ગયેલ હોય તો આ યોજનાનો લાભ લેવા કરવામાં આવેલ “ડિકલેરેશન” માન્ય ગણાશે નહીં. આમ થવાથી કરદાતા આ યોજનાથી બહાર ગણાશે અને આ યોજનાની પૂર્વેની સ્થિતિ પૂર્વરત થયેલ ગણાશે.
  • આ યોજનાનો લાભ લેતા કરદાતા સંદર્ભે કોઈ પણ અપીલ અધિકારી કેસ આગળ વધારી નિર્ણય કરશે નહીં.

આ યોજના હેઠળ અધિકારી દ્વારા કરવાની થતી વિધિ: 

આ યોજના હેઠળ કરદાતા દ્વારા “ડિકલેરેશન” ફાઇલ કરવામાં આવે તેના 15 દિવસમાં કરદાતાને આ યોજના હેઠળ તેઓ દ્વારા ભરવાની થતી ટેક્સ, વ્યાજ, દંડ, ફી ની રકમ અંગે માહિતી આપતું સર્ટિફિકેટ આપવાનું રહેશે.

કરદાતા દ્વારા આ સર્ટિફિકેટ મેળવવામાં આવે ત્યારથી 15 દિવસમાં સર્ટિફિકેટમાં જણાવેલ રકમ ભરપાઈ કરી આપવાની રહેશે અને આ અંગેની જાણ અધિકારીને કરવાની રહેશે.

કરદાતા દ્વારા સર્ટિફિકેટ મુજબનું ચુકવણું કરી અધિકારીને જાણ કરવામાં આવે ત્યારબાદ અધિકારી દ્વારા આ અંગે આદેશ પસાર કરવામાં આવશે. આ આદેશ એ આ યોજનાના લાભ લેવાનો પૂર્ણ રીતે માન્ય પુરાવો ગણાશે. આ યોજના હેઠળના આદેશ ઉપર પુનઃ ચકાસણી માટેના કોઈ અવકાશ રહેશે નહીં.

આ યોજનાની અન્ય મહત્વની શરતો તથા વિગતો:

આ યોજનાનો લાભ લેતા કરદાતાને આ મુદ્દા ઉપર ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ફોજદારી કાર્યવાહી જેવી અન્ય કાર્યવાહીમાંથી પણ મુક્તિ મળી રહશે.

આ યોજના હેઠળ ભરવામાં આવેલ રકમનું કોઈ પણ સંજોગોમાં રિફંડ આપવામાં આવશે નહીં.

જો આ યોજનાના લાભ લેતા અગાઉ કરદાતા દ્વારા કોઈ રકમ ભરવામાં આવી છે (પ્રિ ડીપોઝીટ) અને આ રકમ કરતાં આ યોજના હેઠળ ભરવાપાત્ર રકમ ઓછી હોય આવા સંજોગોમાં કરદાતાને રિફંડ આપવામાં આવશે પરંતુ આ રિફંડ હેઠળ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 244 હેઠળ કોઈ વ્યાજ આપવામાં આવશે નહીં.

ક્યાં કરદાતાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી?

આ યોજનાનો લાભ નીચેના કરદાતાઑને મળવા પાત્ર નથી.

  • સર્ચના કિસ્સામાં જ્યાં આદેશ પસાર કરવામાં આવ્યો હોય તેવા કેસો
  • જે આકારણી વર્ષમાં “પ્રોસીક્યૂશન” (ફોજદારી ફરિયાદ) દાખલ કરવામાં આવી હોય તેવા કેસો
  • વિદેશી આવક કે વિદેશી મિલ્કત અંગેના સ્ત્રોત બાબતે પસાર કરવામાં આવેલ આદેશ
  • “ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ” (DTAA), સ્મગ્લિંગ એક્ટ” હેઠળ “ડિટેન્શન” ઓર્ડર પસાર કરવામાં આવેલ હોય તેવા કરદાતા,
  • UAPA, “નાર્કોટિક્સ એક્ટ”, “બેનામી પ્રોપર્ટી એક્ટ”, પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટ, પ્રિવેંશન ઓફ મણિ લોંડરિંગ એક્ટ, ભારતીય ન્યાય સંહિતા વગેરે જેવા ગંભીર કાયદા હેઠળ કાર્યવાહી ચાલુ હોય તેવા કરદાતા

ઇન્કમ ટેક્સ હેઠળ કોઈ કરદાતાનો કેસ અપીલમાં હોય તેઓએ હાલમાં રજૂ કરવામાં આવેલ આ “વિવાદ સે વિશ્વાસ સ્કીમ-2024” ની જોગવાઈ જાણવી જરૂરી છે. આ યોજનાની જોગવાઈ જાણી પોતાના કેસેના તથ્યોને જોઈ આ યોજનાનો લાભ લેવો કે ના લેવો તે નક્કી કરવું જોઈએ. વિવાદ ચાલુ હોય એવા કિસ્સામાં આ સ્કીમ ઘણા કરદાતાઑને ઉપયોગી બનશે તે ચોક્કસ છે. પરંતુ આ સ્કીમમાં એવા કરદાતા કે જેઓના ઉપર ઇન્કમ ટેક્સ આદેશ પસાર કરવામાં કલમ 68, 69, 69A હેઠળ ઉમેરો કરવામાં આવ્યો છે તેવા કેસોમાં લાભ ખૂબ જૂજ કેસોમાં મળશે તે પણ ચોક્કસ છે. નોટબંધી થઈ છે ત્યાર બાદ મોટાભાગના આદેશમાં જ્યારે કોઈ રકમનો ઉમેરો કરવામાં આવે છે તે ઉમેરો કલમ 68, 69, 69A હેઠળ જ કરવામાં આવે છે તેવું જોવા મળી રહ્યું છે. આમ, છેલ્લા 8 કે 9 વર્ષમાં થયેલ આદેશ બાબતે આ સ્કીમ કેટલી ઉપયોગી બનશે તે શંકાનો વિષય છે!!

error: Content is protected !!