જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઉપર નિયંત્રણ લાદતા નિયમ 36(4) સામે વધુ એક રિટ પિટિશન એડમિટ કરતી ગુજરાત હાઇકોર્ટ
જી.એસ.ટી. નિયમ 36(4) સામે સુરત મર્કંટાઇલ એસો. દ્વારા દાખલ કરવામાં આવેલ છે રિટ પિટિશન: 12.02.2021 ના રોજ થશે વધુ સુનાવણી
તા. 18.01.2021: જી.એસ.ટી. કાયદા હેઠળના નિયમ 36(4) મુજબ ખરીદનારની ક્રેડિટ નિયંત્રિત કરતો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમના કારણે વેપાર જગતમાં અનેક મુશ્કેલી ઊભી થઈ છે. વેચનાર, ખરીદનારને કરેલ વેચાણની વિગતો પોતાના રિટર્નમાં ના દર્શાવે ત્યારે ખરીદનારને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. આમ, વેચનારની ભૂલના કારણે ખરીદનારને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નકરવામાં આવતો આ નિયમ એ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ ગણાય. આ અંગે ગુજરાત હાઇકોર્ટમાંજ ઘણી રિટ પિટિશન ફાઇલ થયા ના સમાચાર મળી રહ્યા છે. આ રિટ પિટિશનમાં એક વધુ રિટ પિટિશનને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એડમિટ કરવામાં આવી છે. સુરત મર્કંટાઇલ એસોશીએશન દ્વારા પણ આ જોગવાઈ સામે રિટ પિટિશન ફાઇલ કરેલ છે. આ કેસમાં વધુ સુનાવણી 12 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
પાડાના વાંકે પખાલીને ડામ આપતી આ જોગવાઈ દૂર થાય તે વેપાર જગત માટે ખૂબ જરૂરી છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવતી “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” ને આ પ્રકારની જોગવાઈ દ્વારા ખૂબ મોટો ધક્કો પહોચે છે તેવું માનવમાં આવી રહ્યું છે. આ જોગવાઈ અંગે પુનઃ વિચાર થાય તેવી આશા વેપાર જગત રાખી રહ્યું છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.