તમાકુ ઉત્પાદનો પરના કર માળખામાં ૦૧ ફેબ્રુઆરીથી મોટો ફેરફાર!!
GST હેઠળનું ‘કમ્પેન્સેશન સેસ’ ૦૧ ફેબ્રુઆરીથી બંધ, લાગુ થશે વધારાનો GST અને એક્સાઇઝ ડ્યૂટી :
ઉના, ૦૫.૦૧.૨૦૨૬:
કેન્દ્ર સરકાર દ્વારા તમાકુ અને તમાકુજન્ય ઉત્પાદનો પર લાગતા “ઈંડાયરેકટ ટેક્સ” માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. GST અમલ દરમિયાન રાજ્યોને થતી આવકની ખોટ પૂરી કરવા માટે વસૂલાત થતો GST કમ્પેન્સેશન સેસ હવે બંધ કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ તમાકુ અને તમાકુની અમુક બનાવટો પર સરકારએ ઉચ્ચ દરે GST તથા વધારાની એક્સાઇઝ ડ્યૂટી અને હેલ્થ સેસ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ નવો કર 1 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે.
કમ્પેન્સેશન સેસ શા માટે બંધ?
GST લાગુ થયા બાદ રાજ્યોને આવકની ખોટ ન પડે તે માટે કમ્પેન્સેશન સેસ એક અસ્થાયી વ્યવસ્થા હતી. હવે આ સમયગાળો પૂર્ણ થતાં જી.એસ.ટી. કાઉન્સસિલની ભલામણ સ્રવીકારી સરકારએ આ કમ્સેપેનસેશન સેસને બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે તમાકુ ઉત્પાદનો પર કરમાં એકંદરે કોઈ રાહત આપવામાં આવી નથી, પરંતુ કર વસૂલવાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા કર બંધારણમાં શું બદલાયું?
નવા કર માળખા મુજબ હવે તમાકુ ઉત્પાદનો પર સીધો 40% GST લાગુ થશે, જે અગાઉના 28% GST કરતાં વધુ છે. આ સાથે, તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યૂટી પણ વસૂલવામાં આવશે. પાન મસાલા માટે તો સરકારએ ખાસ કરીને હેલ્થ એન્ડ નેશનલ સિક્યુરિટી સેસ પણ લાગુ કર્યો છે.
વિવિધ ઉત્પાદનો પર અસર
-
સિગારેટ: અગાઉ 28% GST સાથે કમ્પેન્સેશન સેસ લાગતો હતો. હવે 40% GST અને વધારાની એક્સાઇઝ ડ્યૂટી લાગશે. પરિણામે સિગારેટ મોંઘી થવાની શક્યતા છે.
-
પાન મસાલા (તમાકુ સાથે અથવા વગર): આ કેટેગરી પર કરનો ભાર સૌથી વધુ વધશે. 40% GST ઉપરાંત એક્સાઇઝ ડ્યૂટી અને હેલ્થ સેસ લાગશે.
-
ચ્યૂઇંગ તમાકુ અને ગુટખા: નવા કર બંધારણ હેઠળ કરમાં વધારો થશે અને બજાર કિંમતો પર અસર પડશે.
-
બીડી: બીડી પર GST દર 18% યથાવત રાખવામાં આવ્યો છે. આ ક્ષેત્ર મોટેભાગે અસંગઠિત હોવાથી સરકારએ અહીં રાહત ચાલુ રાખી છે.
સરકારનો હેતુ શું?
સરકારના જણાવ્યા મુજબ આ ફેરફારના ત્રણ મુખ્ય હેતુ છે –
-
તમાકુ ઉત્પાદનોના સેવનને ઘટાડવું
-
જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવું
-
કર વ્યવસ્થાને વધુ સરળ અને સ્પષ્ટ બનાવવી
ઉચ્ચ કરના કારણે તમાકુ ઉત્પાદનો મોંઘા બનશે, જેના કારણે તેનો ઉપયોગ ઓછો થાય તેવી અપેક્ષા રાખવામાં આવતી હોય છે.
વેપારીઓ અને ગ્રાહકો પર અસર
આ નવા કર માળખાને કારણે ઉત્પાદકો અને વેપારીઓને તેમના બિલિંગ, કિંમતો અને કર પાલન પ્રક્રિયામાં ફેરફાર કરવો પડશે. જ્યારે સામાન્ય ગ્રાહકો માટે સિગારેટ અને પાન મસાલા જેવા ઉત્પાદનો વધુ મોંઘા બનશે.
નિષ્કર્ષ
કુલ મળીને જોવામાં આવે તો, તમાકુ પરનો સેસ હટાવ્યો નથી, પરંતુ તેની જગ્યાએ અન્ય કર લાદવામાં આવ્યો છે. સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય આરોગ્ય નીતિ અને આવક સંકલન – બન્ને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
-ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
