કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અવગણી જી.એસ.ટી. નંબર રદ કરવાની કાર્યવાહી ઉપર ગુજરાત હાઇકોર્ટ ખફા
અધિકારી દ્વારા ન્યાયને મઝાક બનાવી આપવામાં આવ્યો છે
તા. 17.01.2022: જી.એસ.ટી. હેઠળ નોંધણી નંબર રદ કરવાની કાર્યવાહીમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવામાં ના આવતું હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. કરદાતાને સાંભળવાની તક આપ્યા વગર, કોઈ વિગતવાર કારણ દર્શાવવામાં આવ્યા વગર તેઓનો નોંધણી દાખલો રદ થવાના અનેક કિસ્સાઑ બની રહ્યા છે. જી.એસ.ટી. નિયમોમાં જ્યારથી નિયમ 21(b) દાખલ કરવામાં આવ્યો છે ત્યારથી કરદાતાઓના નોંધણી દાખલા આ નિયમનો ઉપયોગ કરી કારણો રજૂ કરવાની કોઈ પણ તક આપ્યા સિવાય ત્વરિત સસ્પેન્ડ કરી નાંખવામાં આવતા હોય છે.
આવા જ એક કેસ હાલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. કરદાતાને નોંધણી દાખલો શા માટે રદ કરવામાં ના આવે તે અંગે કારણ દર્શક નોટિસ 11.10.2021 ના રોજ આપવામાં આવી હતી. આ નોટિસમાં માત્ર એટલું જ જણાવવામાં આવ્યું હતું કે ડીલર બોગસ બિલિંગની પ્રવૃતિમાં સામેલ છે. આ નોટિસ આપ્યા સાથે જ તેઓનો નોંધણી દાખલો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યો હતો. આ નોટિસ સામે કરદાતા દ્વારા 18.10.2021 ના રોજ વિગતવાર જવાબ રજૂ કર્યો હતો અને બિલિંગ પ્રવૃતિ અંગેના આક્ષેપો માટેની વિગતોની માંગણી અધિકારી પાસેથી કરવામાં આવી હતી. આ જવાબમાં કરવામાં આવેલ વિગતોની માંગણી ધ્યાને લીધા સિવાય અધિકારી દ્વારા 15.11.2021 ના રોજ માત્ર એક લીટીનું કારણ “Dealer is Engaged In Bogus Billing” દર્શાવી કરદાતાનો નોંધણી નંબર 01.07.2017 ની પાછલી અસરથી રદ કરી નાંખવામાં આવ્યો હતો. અધિકારીના આ આદેશ સામે કરદાતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. કરદાતા વતી સિનિયર એડવોકેટ મિહિર જોશી તથા એડવોકેટ કુંતલ પરીખે ધારદાર દલીલો રજૂ કરી હતી. સરકારી વકીલ દ્વારા અધિકારીના આદેશના બચાવમાં દલીલો રજૂ કરવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટની ટેક્સ બેન્ચ દ્વારા ખાસ આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે આ કેસમાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટના વર્તાવથી ખૂબ નિરાશ છે. કોર્ટે આદેશમાં જણાવ્યૂ હતું કે એક બાજુ અધિકારી દ્વારા જે પ્રકારે આ કેસમાં નોટિસ તથા આદેશ કરવામાં આવ્યા છે તે કુદરતી ન્યાયના સિદ્ધાંતોથી વિપરીત છે અને સાથે બીજી બાજુ સરકારી વકીલ દ્વારા જે રીતે આ આદેશોનો બચાવ કરવા દલીલો તથા પ્રયત્ન કરવામાં આવ્યા છે તે ખરેખર નિરાશાજનક છે. કરદાતાને બોગસ બિલિંગ અંગે આક્ષેપ કરી કોઈ પણ વિગતો આપવામાં આવી નથી. માત્ર નિયમ 21(b) નો સહારો લઈ આ નોટિસ તથા આદેશ પસાર કરવામાં આવ્યો છે જે ખેદજનક છે. હાઇકોર્ટના હાઇકોર્ટના આ આદેશમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અધિકારી દ્વારા આ પ્રકારનો આદેશ પસાર કરી પોતાની તો મશ્કરી કરી જ છે સાથે સાથે ન્યાયની પણ મશ્કરી કરવામાં આવી છે. જો અધિકારીની કાયદાની સમજણ આ પ્રમાણે જ હોય તો અમને લાગે છે કે તેઓ એક દિવસ પણ ઓફિસર બની રહેવાને લાયક નથી. કોર્ટે ખાસ નોંધ કરી હતી કે આ પ્રકારના કેસો રોજ આવી રહ્યા છે જે ખૂબ ખેદ જનક કહેવાય.
હાઇકોર્ટ દ્વારા આ પ્રકારે ટકોર કરવામાં આવે તે ખૂબ નોંધનીય બાબત ગણાય. આ અંગે વાત કરતાં જામનગરના જાણીતા એડવોકેટ અને ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનરના રાષ્ટ્રીય કારોબારી સભ્ય, અક્ષત વ્યાસ જણાવે છે કે “કુદરતી ન્યાયના સિદ્ધાંતો ધ્યાને લીધા સિવાય આદેશ પસાર કરવાનું હવે સામાન્ય બનતું જાય છે. જી.એસ.ટી. નિયમોના નિયમ 21(b) ની જોગવાઈ જ કુદરતી ન્યાય વિરુદ્ધની ગણાય. આ અંગે વેપારી સંગઠનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે તે જરૂરી છે. આ મુદા ઉપર CGST તથા SGST ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્ક્યુલર બહાર પડી SOP પણ બહાર પાડવામાં આવે તે પણ ખાસ જરૂરી છે.” હાઇકોર્ટ દ્વારા આ પ્રકારની ટિપ્પણી અધિકારીઓ માટે આંખ ઊઘડનારી બને અને આ પ્રકારના આદેશો પસાર કરવામાં ના આવે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે