COVID-19 બાદ અર્થતંત્રને ફરી બેઠું કરવા પોરબંદર ચેમ્બર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સૂચનો મોકલવામાં આવ્યા
તા. 23.05.2020: COVID-19 ની આ મુશ્કેલ પરિસ્થિતીનો ભોગ ધંધા ઉદ્યોગો બન્યા છે. આ સ્થિતિમાંથી અર્થતંત્ર ને ફરી બેઠું કરવા કેન્દ્ર તથા રાજ્ય સરકારો માટે ખરી પરીક્ષા સાબિત થશે તે બાબત બેમત છે. ગુજરાત સરકાર વતી આ સ્થિતિ નું આકલન કરવા તથા અર્થતંત્ર માટે વિવિધ યોજના બહાર પાડવા અંગે માર્ગદર્શન આપવા ઉચ્ચસ્તરીય કમિટીની નિમણુંક પૂર્વ રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયા ના અધ્યક્ષ સ્થાને કરેલ છે. જમીની સ્તરેથી આ અંગે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ અંગે વિવિધ સૂચનો સાથેનું આવેદન મુખ્યમંત્રીશ્રી ને પાઠવવામા આવ્યું છે. આ રજૂઆતમાં મુખ્યત્વે વેટ તથા જી.એસ.ટી. અંગે નીતિ વિષયક બાબતો તથા વહીવટી બાબતો માટે, ઉર્જા શુલ્ક અંગે, વ્યવસાયવેરા બાબતે, આત્મનિર્ભર યોજના બાબતે, મજૂર કાયદા બાબતે, વેરા સમાધાન યોજના બાબતે, ટુરિઝમ ઉદ્યોગ બચાવવા અંગે, વેપારીઓ માટે સરળતા વધારવા અંગે, શિપિંગ અંગે, બેંકિંગ ક્ષેત્રે બદલાવ અંગે, આયાતકારો ની સરળતા બાબતે સૂચનો નો સમાવેશ થાય છે.
પોરબંદર ચેમ્બર ના પ્રમુખ, જિગ્નેશભાઈ કરિયા, ટેક્સેશન કમિટીના ચેરમેન આકાશભાઈ ગોંધિયાએ આ અંગે નું એક વિગતવાર આવેદન જિલ્લા કલેક્ટર ને આપેલ છે. ચેમ્બર પ્રમુખ એ જણાવ્યુ હતું કે તેમણે આશા છે કે આ સૂચનો ઉપર સરકાર સકારાત્મક નિર્ણયો લેશે. સમીર તેજુરા-ટેક્સ ટુડે, પોરબંદર