ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા શરૂ કરવામાં આવેલ ફેર આકારણીના 1346 કેસોની નોટિસ અયોગ્ય ઠરાવતી દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઇકોર્ટ પાસે આ કેસોમાં ઊભો થયેલ કયદાકીય પ્રશ્ન: શું કાયદા કે નિયમોથી ઉપરવટ જોગવાઈ ખુલાસાઓ કે જાહેરનામા દ્વારા બહાર પાડી શકાય?
અંદાજે 1346 જેટલા કરદાતાઓ એ દિલ્હી હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન દ્વારા દાદ માંગવામાં આવી હતી કે શું ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરવામાં આવેલ જોગવાઈ થી ઉપરવટ જાહેરનામું બહાર પાડી શકાય? જ્યારે કાયદો તથા જાહેરનામું બન્નેના અર્થઘટન અલગ અલગ થતાં હોય ત્યારે કાયદાથી વિરુદ્ધ હોય તેવું જાહેરનામું ટકી શકે ખરી??. આ બાબતે લાંબી દલીલો બાદ દિલ્હી હાઇકોર્ટ દ્વારા 15 ડિસેમ્બર 2021 ના રોજ અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદાનો આદેશ 106 પાનાંનો ખૂબ વિગતવાર આદેશ છે.
કેસના તથ્યો:
દિલ્હી હાઇકોર્ટ સમક્ષ 1346 જેટલા કરદાતાઓ દ્વારા રિટ પિટિશન કરવામાં આવી હતી જેમાં કોર્ટ પાસે 31 માર્ચ 2021 બાદ આપવામાં આવેલ ફેરઆકારણીની નોટિસ રદ ઠેરવવા દાદ માંગવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સિથારમણ દ્વારા બજેટ 2021 માં ફેર આકારણીની સમયમર્યાદા 6 વર્ષથી ઘટાડી 3 વર્ષ કરી કરદાતાઓને રાહત આપવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ કાયદામાં ફેરફાર કરી ફેર આકારણીની વિધિમાં સુધારો કરવામાં આવ્યો હોવા છતાં, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) ના 31.03.2021 તથા 27.04.2021 ના જાહેરનામાનો તથા ખુલાસાનો સહારો લઈ કરદાતાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. દિલ્હી હાઇકોર્ટ દ્વારા અમુક કેસોમાં અંતરીમ રાહત આપતા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની કાર્યવાહી ઉપર “સ્ટે” પણ આમાં આવ્યો હતો.
કરદાતા તરફે દલીલો:
કરદાતા તરફે દલીલ કરતાં તેઓના એડવોકેટ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કાયદા ઘડનાર સંસદ દ્વારા સ્પષ્ટ રીતે ફેર આકારણીની જૂની જોગવાઈ 31 માર્ચ 2021 બાદ દૂર કરવામાં આવી હોય અને 01 એપ્રિલ 2021 થી ફેર આકારણી માટે સ્પષ્ટ રીતે નવી જોગવાઈ અમલી બનાવવામાં આવેલ હોય ત્યારે કોઈ નોટિફિકેશન કે ખુલાસાનો લાભ લઈ આપવામાં આવેલ નોટિસ માન્ય ગણાય નહીં. આ દલીલના સમર્થનમાં તેઓ દ્વારા વિવિધ ચૂકદાઓ પણ ટાંકવામાં આવ્યા હતા. તેઓ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે 01 એપ્રિલ 2021 પછી માત્ર આકારણી વર્ષ 2018-19 (નાણાકીય વર્ષ 2017 18) ના કેસો માટે જ ફેર આકારણી કરી શકાય. તે પહેલાના વર્ષની ફેર આકારણી નવી જોગવાઇઓ મુજબ થઈ શકે નહીં. ભારત સરકાર દ્વારા 31 માર્ચ 2021 તથા 27 એપ્રિલ 2021 ના રોજ બહાર પાડવામાં આવેલ જાહેરનામા એ કાયદા વિરુદ્ધના ગણાય તેવી દલીલ કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ નવી દાખલ કરવામાં આવેલ 148A ની જોગવાઇઓનું પાલન પણ આ નોટિસો આપવામાં થયેલ નથી તેવી દલીલ પણ કરદાતા તરફે કરવામાં આવી હતી.
સરકાર તરફે દલીલો:
બીજી તરફ સરકાર તરફે ઉપસ્થિત વકીલો દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની નોટિસો યોગ્ય હોવાની દલીલ કરવામાં આવી હતી. તેઓએ કોર્ટને જણાવ્યુ હતું કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ 31 માર્ચ 2021 તથા 27 એપ્રિલ 2021 ના જાહેરનામા કોવિડ-19 ની ખાસ પરિસ્થિતીને ધ્યાને રાખી બહાર પાડવામાં આવ્યા છે. છેલ્લા 100 વર્ષની સૌથી મોટી મહામારીમાં કરદાતાઓ તથા અધિકારીઓ તમામને સરકાર દ્વારા વિવિધ રાહતો આપવામાં આવેલ છે. આ નોટિફિકેશન આ પ્રકારે અધિકારીઓને રાહત આપતું નોટિફિકેશન છે. સરકાર વતી ઉપસ્થિત વકીલો દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની તરફેણના વિવિધ ચુકાદાઑ રજૂ કરવામાં આવ્યા હતા. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા 01 એપ્રિલ 2021 થી 30 જૂન 2021 દરમ્યાન આપવામાં આવેલ નોટિસો યોગ્ય હોવાની દલીલ કરવામાં આવી હતી.
દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો
દિલ્હી હાઇકોર્ટ દ્વારા વિવિધ 1346 રીટ પિટિશનમાં ચુકાદો આપતા જણાવ્યુ હતું કે 01.04.2021 થી ફેર આકારણી માટે નવી જોગવાઈ અમલી બની ગઈ છે. “ફાઇનન્સ એક્ટ 2021” માં ફેર આકારણી અંગેની નવી જોગવાઇઓના અમલની તારીખમાં વધારો કરવાં માટે CBDT ને કોઈ સત્તા આપવામાં આવેલ નથી. આમ, 31 માર્ચ તથા 27 એપ્રિલ 2021 ના રોજ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન કાયદાથી વિરુદ્ધના ગણાય અને આ નોટિફિકેશન દ્વારા ફેર આકારણીની નોટિસની સમય મર્યાદા વધારવી યોગ્ય ગણી શકાય નહીં. આમ, દિલ્હી હાઇકોર્ટના આ ચુકાદા દ્વારા આ 1346 કરદાતાઓને તો રાહત મળી જ છે પરંતુ આ ઉપરાંત દેશની વિવિધ કોર્ટમાં પડતર આ બાબત પર ના ઘણા કેસો માટે આ કેસ સીમાચિન્હ રૂપ સાબિત થશે તે ચોક્કસ છે.
જે કરદાતાઓ હાલ ફેર આકારણીની કાર્યવાહી માંથી પસાર થઈ રહ્યા હોય તેના માટે આ કેસની ઉપયોગિતા:
માનનીય દિલ્હી હાઇકોર્ટનો આ કેસ એવા કરદાતાઓ માટે પણ ઉપયોગી સાબિત થશે, જે કરદાતાઓ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ હાલ ફેર આકારણીની કાર્યવાહીમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. જો કે અત્રે એ જાણવું ખૂબ જરૂરી છે કે જે કરદાતાઓને ફેરઆકારણીની નોટિસ 31 માર્ચ 2021 પહેલા મળેલ છે તેઓને દિલ્હી હાઇકોર્ટનો આ ચુકાદો લાગુ પડશે નહીં. માત્ર 01 એપ્રિલ 2021 બાદ જેઓને આકારણી વર્ષ 2017 18 (નાણાકીય વર્ષ 2016 17) માટેની ફેર આકારણીની પહેલી નોટિસ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા બજાવવામાં આવેલ હોય તેઓને જ આ ચુકાદાનો લાભ મળશે.
01 એપ્રિલ પછી જે કરદાતાઓને નોટિસ મળેલ હોય તેઓ માટે રીટ પિટિશન અંગે વિચારવાની તક:
જે કરદાતાઓને આકારણી વર્ષ 2017-18 (નાણાકીય વર્ષ 2016-17)કે તે પહેલાના ફેર આકારણી અંગેની નોટિસ 01 એપ્રિલ 2021 કે ત્યાર બાદ મળેલ હોય, તેવા કરદાતા દ્વારા અધિકારી સમક્ષ નોટિસ બાબતે કાર્યવાહીમાં ઉપસ્થિત થવાના શક્ય હોય તો પ્રથમ જવાબ માંજ નોટિસ સમય બહારની છે તે અંગે તકરાર કરવી જરૂરી છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 292BB હેઠળ જો કોઈ કરદાતા ઇન્કમ ટેક્સ હેઠળની આકારણી કે ફેર આકારણીની કાર્યવાહીમાં ઉપસ્થિત થાય અથવા તો સહયોગ આપે ત્યારે આ આકારણી કે ફેર આકારણી આદેશ પસાર થયા બાદ નોટિસ યોગ્ય નથી, નોટિસની બજવણી સમયસર થયેલ નથી કે નોટિસની બજવણી યોગ્ય રીતે થયેલ નથી તેવી તકરાર લઈ શકે નહીં. નોટિસની અયોગ્યતા બાબતેની તકરાર આકારણી કે ફેર આકારણી પૂર્ણ થયા પહેલા ઉઠાવવી જરૂરી છે. આમ, એવા કરદાતા કે જેઓને 01 એપ્રિલ 2021 બાદ, આકારણી વર્ષ 2017-18 કે તે પહેલાના વર્ષ માટે ફેર આકારણીની નોટિસ મળેલ છે તેઓએ આ નોટિસ યોગ્ય નથી અને સમય બહારની છે તે અંગેની તકરાર જલ્દીથી લેવી ખૂબ જરૂરી છે. આવા કરદાતા પોતાના ટેક્સ એડ્વોકેટ,CA કે ટેક્સ કન્સલ્ટન્ટને મળી પોતાના કેસમાં રિટ પિટિશનનો વિકલ્પ પણ તપાસે તે ઇચ્છનીય છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ રાહત આવા કરદાતાને પોતાના રિટ પિટિશનમાં ઉપયોગી બની શકે છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની સોમવાર તા. 20.12.2021, સોમવારની વ્યાપાર ભૂમિ પૂર્તિમાં પ્રકાશિત થયેલ છે. )