MRP થી નીચે વેચાણ બાબતે ના કરવામાં આવે તકરાર: કેરેલા રાજ્ય જી.એસ.ટી.
માલ વહન સમયે ઓછા મૂલ્ય બાબતે તકરાર કરી માલ જપ્ત ના કરવામાં આવે તેવી અધિકારીઓએને સ્પષ્ટ સૂચના
તા. 11.04.2022: કેરેલા રાજ્ય જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા 06 એપ્રિલ 2022 ના રોજ પરિપત્ર 6/2022 બહાર પાડી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માલ વહન દરમ્યાન માલના ઓછા મૂલ્ય સંદર્ભે તકરાર કરી કોઈ માલ જપ્ત કરી શકાશે નહીં. આ સર્ક્યુલર કેરેલા હાઇકોર્ટના 2019 ના ચુકાદાને ધ્યાને લઈ બહાર પાડવામાં આવ્યો છે. આ સર્ક્યુલર બહાર પાડી રાજ્ય જી.એસ.ટી.ના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે માલના ઓછા મૂલ્ય કે MRP થી નીચે વેચાણ દર્શાવેલ છે તેવા કારણસર કોઈ વહન થતો માલ અથવા તો પાર્સલ એજન્સીમાં સંગ્રહિત માલ જપ્ત કરવા આદેશ કરી શકાશે નહીં. મોબાઈલ ચેકપોસ્ટ અધિકારીને જો કરદાતાના માલના મૂલ્ય બાબતે શંકા ઊભી થાય તો આ અંગે તેઓએ કરદાતાના ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારીને જાણ કરવાની રહેશે. આ ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારી દ્વારા આ મુદ્દાની ચકાસણી કરવાની રહેશે. કેરેલા જી.એસ.ટી. દ્વારા આ સર્ક્યુલરમાં એમ જણાવાયું છે કે આ પ્રકારની અધિકારીની કામગીરીના કારણે ઘણી તકરારો ઊભી થઈ હતી અને નાહકના કેસો વિવિધ કોર્ટમાં દાખલ થયા હતા. આમ ના થાય આ કારણે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટના તથા હાઇકોર્ટના આદેશને ધ્યાને લઈ કાયદામાં આથી વિરુદ્ધ જોગવાઈ દાખલ કરવાના દાખલા ઘણી વાર જોવા મળી રહે છે. પરંતુ કોર્ટના આદેશને સ્વીકારી અન્ય કરદાતાઓને તકલીફ ના પડે અને નાહકની તકરારોના ઊભી થાય તેવા પરીપત્રો બહાર પાડવામાં આવે તેવા દાખલા જૂજ જોવા માલ્ટા હોય છે. કેરેલા રાજ્ય જી.એસ.ટી. નો આ પરિપત્ર કરદાતાઓ માટે ખરેખર આવકારદાયક ગણાય. ગુજરાત સહિત અન્ય રાજ્યોના વેપારીઓની રોજબરોજની ચિંતા ઓછી કરવા આ પ્રકારના સર્ક્યુલર અન્ય રાજ્યો દ્વારા બહાર પાડવામાં આવે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે