વેચાણ દસ્તાવેજ થયો હોય તો રેવન્યુ અધિકારી એન્ટ્રી પાડવા આનાકાની કરી શકે નહીં: ગુજરાત હાઇકોર્ટ
તા. 03.12.2024: ગુજરાત હાઈકોર્ટે દ્વારા એક મહત્વનો ચુકાદો આપતા આદેશ કર્યો છે કે એકવાર રજિસ્ટર્ડ સેલ ડીડ (વેચાણ દસ્તાવેજની નોંધણી) થઈ જાય પછી, મહેસૂલ સત્તાવાળાએ જે વ્યક્તિના નામે વેચાણ ખતનો દસ્તાવેજ નોંધાવવામાં આવ્યો છે તેના નામે એન્ટ્રી કરવી આવશ્યક છે. રજિસ્ટર્ડ સેલ ડીડના આધારે કરવામાં આવેલી એન્ટ્રીને રદ કરવાની કોઈ સત્તા મહેસૂલ અધિકારીના અધિકારક્ષેત્રમાં નથી, તેવું સ્પષ્ટ રીતે હાઈકોર્ટે ઠરાવ્યું હતું.
હાઈકોર્ટની બેન્ચે આ સંબંધમાં સિંગલ જજના આદેશને પડકારતી અપીલને ફગાવી દીધી હતી. કેસની વિગત મુજબ પાટણમાં પાલેશ્વર મહાદેવ સંસ્થાન ટ્રસ્ટ પાસે ખેતીની જમીન હતી. જો કે નિયમ મુજબ, આ જમીન ટ્રસ્ટની હોવાથી, ચેરિટી કમિશનરની મંજૂરી મેળવ્યા પછી જ તેનું વેચાણ કરી શકે છે. ટ્રસ્ટે મહેસાણાના જોઈન્ટ ચેરિટી કમિશનર પાસે જરૂરી મંજૂરી માંગી હતી. નિયમોનું પાલન કર્યા બાદ જોઇન્ટ ચેરિટી કમિશનરે મનુભાઇ બારોટને આ જમીન આપી હતી, જેમણે સૌથી વધુ બોલી લગાવી હતી.
જોકે, નીરૂબેન બારોટે આ મિલકત તેમના દાદાની હોવાનું જણાવી વાંધા અરજી દાખલ કરી હતી. જોકે જોઈન્ટ ચેરિટી કમિશનરે બારોટને જમીન વેચી દેવાનો આદેશ કર્યો હતો. નારાજ, નીરુબેન અને અન્યોએ ગુજરાત રાજ્ય મહેસૂલ આયોગ સમક્ષ અરજી કરી હતી. આ અરજીને ફગાવી દેવામાં આવી હતી. જે બાદ પાટણના મામલતદારે કોઈ કારણ વગર આ વેચાણ ખત રદ કર્યો હતો. તેથી, બારોટે મામલતદારના નિર્ણયને પડકારતી હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે ચેરિટી કમિશનરે કાયદાકીય પ્રક્રિયા બાદ અરજદારને જમીન વેચી દીધી છે. અસંતુષ્ટ પક્ષ દ્વારા આ લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરવામાં આવી હતી જે હાઇકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. આમ, ગુજરાત હાઇકોર્ટના આ આદેશ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વેચાણ દસ્તાવેજ હોય તેવા કિસ્સામાં મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલ કાયદા અંતર્ગત એન્ટ્રી પાડવી ફરજિયાત બની જાય છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે