જી.એસ.ટી. અપીલમાં વિલંબ: ૧૨૦ દિવસની મર્યાદા બાદ હાઈકોર્ટ પણ રાહત આપી શકે નહિ: ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટનાં આ કરદાતા વિરુદ્ધના ચુકાદાની પડી શકે છે ખુબ દુરોગામી અસર
કોઈ પણ કાયદા હેઠળ વ્યક્તિ કે કરદાતા વિરુદ્ધ કોઈ આદેશ પસાર કરવામાં આવેલ હોય ત્યારે તે વ્યક્તિ કે કરદાતા જેમની સામે આ આદેશ પસાર કરવામાં આવેલ હોય અથવા આ આદેશથી જેને વિપરીત અસર થતી હોય તેમના માટે અપીલ કરવા અંગે વિકલ્પ જે તે કાયદામાં આપવામાં આવ્યા હોય છે. આ કુદરતી ન્યાયની પ્રકિયાનો એક ભાગ ગણવામાં આવે છે. જી.એસ.ટી. કાયદા હેઠળ પણ આ જ પ્રકારે કરદાતા કે જેમના પર વિપરીત અસર થયેલ હોય તેવા કેસોમાં તેમની પાસે આપીલ કરવાનો વિકલ્પ આપવામાં આવેલ છે. જી.એસ.ટી. કાયદા હેઠળ કરદાતાને કે ત્રાહિત વ્યક્તિને પોતાને કોઈ આદેશ બજાવવામાં આવે તેનાથી ત્રણ મહિનાનો સમય અપીલ કરવા માટે આપવામાં આવેલ છે. આ ત્રણ મહિના બાદ પુરતું અને યોગ્ય કારણ હોય તો આ અપીલ કરવા વધુ એક મહિનાનો સમય અપીલ સત્તાધિકારી પોતાની સત્તાની રુએ “ડીલે કોન્ડોન” કરી આ અપીલ દાખલ કરી શકે છે. જી.એસ.ટી. ટ્રીબ્યુનલ માટે આ “ડીલે કોન્ડોન” કરવાનો સમય ૬૦ દિવસનો હોય છે. જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી અનેક કેસોમાં એ બાબતે પ્રશ્ન ઉભા થયા છે કે આપી. કરવાની મર્યાદા કોઈ કરદાતા ચુકી જાય તો શું વધુ વિલંબ સાથે અપીલ દાખલ થઇ શકે કે નહિ?? આ ખુબ મોટો અને ગંભીર પ્રશ્નો છે જેના જવાબ ઉપર ઘણા કરદાતા માટે ખુબ મોટી અને ઊંડી અસર કરી શકે છે. દેશની લગભગ તમામ હાઈકોર્ટમાં આ પ્રશ્ન બાબતે રીટ પીટીશન થયેલી છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ અનેક રીટ પીટીશન થયેલ છે. આ પૈકી એક રીટ પીટીશનનો ચુકાદો હાલ કરદાતાથી વિરુદ્ધ આવેલ હોય આની ગંભીર અસર અનેક કરદાતાઓના કેસો પર પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.
GST કાયદા હેઠળ અપીલ દાખલ કરવાની સમયમર્યાદા અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો અને દિશાસૂચક ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે જો GST કાયદામાં નિર્ધારિત મહત્તમ સમયમર્યાદા પસાર થઈ જાય પછી, અપિલેટ ઓથોરિટી જ નહિ હાઈકોર્ટ પણ Article 226 હેઠળ આવા વિલંબને દરગુજર કરી શકે નહિ.
આ ચુકાદો M/s Tapi Ready Plast વિ. State of Gujarat મામલે 27 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો.
કેસની પૃષ્ઠભૂમિ
અરજદારને નાણાકીય વર્ષ 2018-19 માટે GST અધિનિયમની કલમ 73 હેઠળ Show Cause Notice આપવામાં આવી હતી. આરોપ હતો કે વાર્ષિક રિટર્ન (GSTR-9)માં આઉટવર્ડ સપ્લાયનો કર ઓછો દર્શાવવામાં આવ્યો હતો. વિવિધ વિગતો ચકાસ્યા અને વિચારણા બાદ અધિકારીએ 28.02.2024ના રોજ Order-in-Original (આકારણી આદેશ) પસાર કર્યો હતો. આ આદેશ સામે અરજદારે GST અધિનિયમની કલમ 107 હેઠળ અપિલ દાખલ કરી હતી, પરંતુ આ અપીલ અપિલ નિર્ધારિત સમયમર્યાદા કરતાં 2 મહિના અને 16 દિવસ મોડેથી દાખલ કરવામાં આવી હતી.
અપિલેટ ઓથોરિટીનો નિર્ણય
GST કાયદા મુજબ:
- અપિલ 3 મહિના અંદર દાખલ કરવી ફરજિયાત છે
- યોગ્ય કારણ હોય તો વધુમાં વધુ 1 મહિના સુધી મોડાશ માફ કરી શકાય
આ રીતે મહત્તમ 120 દિવસની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અરજદારની અપિલ આ મર્યાદા બહાર હતી, તેથી અપિલેટ ઓથોરિટીએ અપિલ ફગાવી દીધી હતી.
હાઈકોર્ટ સમક્ષ મુખ્ય પ્રશ્ન
પ્રથમ અપેલેત ઓથોરીટી દ્વારા અપીલ ફગાવી દેવામાં આવતા, જી.એસ.ટી. ટ્રીબ્યુનલ ના હોય કરદાતાએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખાટાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ કેસમાં સૌથી મહત્વનો પ્રશ્ન નીચે મુજબ હતો.
શું હાઈકોર્ટ Article 226 હેઠળ અપિલેટ ઓથોરિટીનો આદેશ રદ કરી શકે અને સમયમર્યાદા બહારની અપિલ સ્વીકારવા આદેશ આપી શકે?
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ વિલંબિત અપીલ દાખલ કરવા બાબતે નિર્યણ આપવાનો હતો કે શું ૪ મહિનાના વિલંબિત સમય પછી અપીલ દાખલ કરવામાં આવે અને ગમે તેવા યોગ્ય કારણ હોય તો પણ શું અપીલ દાખલ કરી તેનો ગુણ–દોષ પર ચુકાદો આપી શકાય છે??
હાઈકોર્ટનો સ્પષ્ટ અભિપ્રાય
ગુજરાત હાઈકોર્ટે નીચે મુજબ મહત્વના નિષ્કર્ષો આપ્યા:
- GST કાયદાની સમયમર્યાદા કડક અને સ્પષ્ટ છે
કલમ 107 હેઠળ નિર્ધારિત 120 દિવસની મર્યાદા બાદ કોઈપણ પ્રકારનો વિલંબ માફ કરી શકાય નહીં. - Limitation Act, 1963 લાગુ પડતો નથી
GST એક વિશેષ કાયદો (Special Law) હોવાથી Limitation Actની કલમ 5 લાગુ કરી શકાતી નથી. આમ, કરદાતાને લીમીટેશન એક્ટની જોગવાઈને અધીન કોઈ રાહત મળવા પાત્ર નથી. - Article 226 ની શક્તિ અસીમ નથી
હાઈકોર્ટ પાસે વ્યાપક સત્તા હોવા છતાં તે કાયદાની સ્પષ્ટ જોગવાઈઓને અવગણી શકે નહીં. - કારણો અસ્વીકાર્ય ગણાયા
અકાઉન્ટન્ટની બીમારી, વ્યવસાય બંધ થવો, ભાગીદારો વચ્ચે સંપર્ક ન રહેવો — આવા કારણોને પણ હાઈકોર્ટ દ્વારા “નબળા અને અસ્વીકાર્ય” ગણવામાં આવ્યા. - સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો આધાર
હાઈકોર્ટે Glaxo Smith Kline, Singh Enterprises અને ONGC જેવા ચુકાદાઓનો આધાર લઈ જણાવ્યું કે કાયદા દ્વારા નક્કી કરેલી મહત્તમ સમયમર્યાદા બાદ કરદાતાને કોઈ રાહત મળી શકતી નથી
આ ચુકાદાની ખુબ મોટી દુરોગામી અસર પડી શકે છે. આ બાબતે વાત કરતા રાજકોટના યુવાન એડવોકેટ ભાર્ગવભાઈ ગણાત્રા જણાવે છે કે “એવા ઘણા કેસ સામે આવ્યા છે જ્યાં કેસના ગુણ-દોષ ઉપર (મેરીટ ઉપર) કેસ ઘણો સારો હોવા છતાં માત્ર સમયમર્યાદાના કારણે કરદાતાની અપીલ ચાલી શકી નથી અને કરદાતા ઉપર મોટી જવાબદારી આવી ગઈ હોય. ગુજરાત હાઈકોર્ટનું આ બાબતે અનેક કેસોમાં આ પ્રકારે વલણ કાયમ રહેતું જોવા મળ્યું છે. આ કારણે કરદાતાઓએ તથા તેમના ટેક્સ પ્રોફેશનલ્સએ આ બાબતે ખુબ સજાગ રહી અપીલ સમયસર દાખલ થાય તે બાબતે તકેદારી રાખવી જરૂરી છે. હા, હું ચોક્કસ માનું છું કે કરદાતાને આપવામાં આવેલ નોટીસમાં કે પસાર કરવામાં આવેલ આદેશમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન નાં થયું હોય તો આ આદેશ રદ્દ કરાવવા માનનીય હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી દાદ ચોક્કસ માંગવાનો વિકલ્પ કરદાતા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.”
જી.એસ.ટી. કાયદામાં અપીલ દાખલ કરવાની સમય મર્યાદાની જડતા બાબતે રાહત આપવા અનેક વાર રજુઆતો થઇ છે. આ રજુઆતોનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ગુણ-દોષના આધારે કેસ ખુબ સારો હોવા છતાં માત્ર મોડી અપીલ દાખલ થયાના ટેકનીકલ કારણોસર અપીલ નાં ચલાવવી એ કેટલા અંશે યોગ્ય ગણી શકાય??
-By Bhavya Popat, Editor Tax Today
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 29.12.2025 ના રોજ પ્રકાશિત થયેલ છે.)
