સોના ચાંદીના દાગીનામાં હોલમાર્કિંગ અંગે વેપારીઓને મુંઝવતા પ્રશ્નો અને તેમના સમાધાન..

Spread the love
Reading Time: 4 minutes

તા. 13.08.2021:

સોનાના દાગીનાનું વેચાણ કરતાં વેપારીઓ માટે ફરજિયાત હોલમાર્કિંગ અંગેનો નિયમ 16 જાન્યુઆરી 2021થી લાગુ કરવામાં આવ્યો છે. આ અંગે વેપારીઓમાં મોટા પ્રમાણમા દ્વિધા હોવાની વિગતો મળી રહી છે. આ વિષય ઉપર આ લેખ વેપારીઓ માટે સરળતા ઊભી કરવા ઉપયોગી બની શકે છે.

સોના-ચાંદીના દાગીનામાં “હોલમાર્કિંગ” અંગેનો ઇતિહાસ:

  1. બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, 2016 હેઠળ હોલમાર્કિંગની પદ્ધતિ લાગુ કરવામાં આવી છે.
  2. હોલમાર્ક નોંધણી અંગેનો કાયદો 14 જૂન 2018 ના રોજ બહાર પાડવામાં આવ્યો.
  3. હોલમાર્ક દાગીના વેચાણ માટે ફરજિયાત નોંધણી અંગેનો આદેશ 15 જાન્યુઆરી 2021 ના રોજ બહાર પાડવામાં આવ્યો અને 15 જાન્યુઆરીથી હોલમાર્ક ફરજિયાત કરવા અંગે આદેશ બહાર પાડવામાં આવ્યો.
  4. 09 ઓક્ટોબર 2020 થી આદેશ બહાર પડી ફરજિયાત હોલમાર્કિંગના નિયમ 15 જાન્યુઆરી 2020 ના સ્થાને 01 જૂન 2021 થી લાગુ કરવા જાહેર કરવામાં આવ્યું.
  5. 01 જૂન 2021 ના રોજ આદેશ બહાર પડી 01 જૂનના સ્થાને 16 જૂનથી ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ અમલી બનાવવામાં આવ્યો.

વેપારીઓની સરળતા માટે પ્રશ્ન જવાબ સ્વરૂપે આ કાયદા હેઠળ પૂછાતા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે.

  1. અમે હૉલમાર્કનું લાઇસન્સ ધરાવીએ છીએ. શું અમે અન્ય હૉલમાર્કનું લાઇસન્સ ધરાવતા વેપારીના દાગીનાનું વેચાણ કરી શકીએ છીએ?

જવાબ: હા, તમે હૉલમાર્કનું લાઇસન્સ ધરાવતા હોય ત્યારે અન્ય વેપારીના હૉલમાર્ક સાથેના દાગીનાનું વેચાણ કરી શકો છો. (રેગ્યુલેશન 3(5)2. આ માટે તમારી પાસે ખરીદીના પુરાવા અથવા તો હૉલમાર્ક ધરાવતા વેપારીનો ઓથોરીટી લેટર હોવો જરૂરી છે.

  1. મારી પાસે હૉલમાર્કનું લાઇસન્સ છે. હવે મારી દુકાન હું અન્ય સ્થળ ઉપર બદલું છું. શું આ અંગે મારે કોઈ જાણ હૉલમાર્ક ઓથોરીટીને કરવાની રહે?

જવાબ: હા, હોલમાર્કનું લાઇસન્સએ જે તે જગ્યા માટે આપવામાં આવે છે. જો ધંધાની જગ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવે તો આ અંગેની જાણ કરી હોલમાર્ક લાઇસન્સમાં સુધારો કરાવવો જરૂરી છે.

 

  1. એક વેપારી તરીકે જ્યારે અમે હોલમાર્ક લાઇસન્સ ધરાવીએ છીએ ત્યારે અમારો દાગીનો હૉલમાર્ક કરાવવા “હોલમાર્કિંગ સેન્ટર” પર મોકલીએ ત્યારે લેખિતમાં જાણ કરવી જરૂરી છે?

જવાબ: હા, તમારે જ્યારે પણ કોઈ દાગીનો લાઇસન્સ કરાવવા મોકલવાનો થાય ત્યારે તમારે આ અંગે લેખિતમાં “હોલમાર્કિંગ સેન્ટર” ને જાણ કરવાની રહે તથા આ લેખિત જાણ કર્યા અંગેની વિગતો પણ સાચવી રાખવાની રહે.

  1. અમારા બિલમાં હોલમાર્કિંગ ચાર્જનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે?

જવાબ: હા, હોલમાર્કનું રજીસ્ટ્રેશન ધરાવતા વેપારીએ પોતાના બિલમાં હોલમાર્કિંગનો ચાર્જ અલગ બતાવવો જરૂરી બને છે.

  1. હોલમાર્ક દાગીનાનું ખરીદ વેચાણના બિલો કેટલા વર્ષ સુધી જાળવવા જરૂરી છે?

જવાબ: હોલમાર્ક દાગીનાનું ખરીદ વેચાણ બિલ હોલમાર્ક તારીખથી/ ખરીદ તારીખથી 5 વર્ષ સુધી અથવા તો આ હોલમાર્ક જ્વેલરીનું વેચાણ થાય ત્યાં સુધી બે માંથી જે મોડુ હોય ત્યાં સુધી જાળવવાના રહે. અલબત આ બાબતે વેપારી એ બાબત પણ ધ્યાન રાખે કે ઇન્કમ ટેક્સ કાયદા તથા જી.એસ.ટી. કાયદા હેઠળ આ પ્રકારના સાહિત્યોની જાળવણી માટે આ નિયમો કરતાં પણ વધુ સમય સુધી આ સાહિત્યોની જાળવણી કરવાની રહે છે.

 

  1. હોલમાર્કનું લાઇસન્સ મારે દુકાન ઉપર પ્રદર્શિત કરવું ફરજિયાત છે?

જવાબ: હા, હોલમાર્કનું લાઇસન્સ દુકાન ઉપર લોકો જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવું જરૂરી છે.

 

  1. અમો હોલમાર્કનું લાઇસન્સ ધરાવીએ છીએ. શું આ લાઇસન્સ રિન્યૂ કરવાનું રહેતું હોય છે?

જવાબ: હા, હોલમાર્ક લાઇસન્સમાં આ લાઇસન્સ ક્યાં સુધી માન્ય છે તે અંગે વિગતો આપેલી હોય છે. આ મુદત પૂરી થયા ના ઓછામાં ઓછા 30 દિવસ પહેલા આ લાઇસન્સ રિન્યૂ કરાવવા અરજી કરવાની રહે છે.

  1. હોલમાર્ક અરજી માટે શું ફી ભરવાની રહે છે?

જવાબ: હોલમાર્ક અરજી સાથે 2000 રૂની અરજી ફી તથા 5 કરોડ સુધીના ટર્નઓવર વાળા વેપારીઓ માટે પાંચ વર્ષ માટે 7500 ની નોંધણી ફી ભરવાની રહે છે.

  1. હું નાના પાયે ધંધો કરતો વેપારી છું. શું મારે પણ હૉલમાર્ક લાઇસન્સ લેવું ફરજિયાત છે?

જવાબ: ના, 40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારી માટે હોલમાર્કનું લાઇસન્સ લેવું ફરજિયાત નથી.

  1. હું હોલમાર્ક કરેલા દાગીનાનું વેચાણ કરું છું પરંતુ મારી પાસે હોલમાર્કનું લાઇસન્સ નથી. શું આ માટે મને કોઈ દંડ થઈ શકે છે?

જવાબ: હા, હોલમાર્કનું લાઇસન્સ લેવા જવાબદારો હોય અને હોલમાર્ક નોંધણી ના કરાવેલ હોય તેવા વેપારી જો હોલમાર્ક દાગીનાનું વેચાણ કરતાં હોય તો તેમના ઉપર દંડ થઈ શકે છે.

  1. હોલમાર્કિંગનો નિયમ કઈ ચીજ વસ્તુઓના વેપાર બાબતે તથા ક્યાં પ્રકારના વેપારીઓ માટે ફરજિયા નથી?

જવાબ: હોલમાર્કિંગના નિયમ માટે નીચેના વસ્તુ/વ્યવહારો/વેપાર બાબતે લાગુ પડતાં નથી.

ગોલ્ડ જ્વેલરી આદેશ 15.01.2020

  1. એક્સપોર્ટ થતાં દાગીના
  2. બે ગ્રામથી ઓછું વજન ધરાવતા દાગીના
  3. ભારત બહારથી હોલમાર્કિંગ માટે આવતા દાગીના
  4. એવી ચીજવસ્તુ જે મેડિકલ/ડેન્ટલ/વૈજ્ઞાનિક બાબતો માટે વાપરવામાં આવતી હોય.
  5. સોનાની દોરીના દાગીના
  6. કોઈ દાગીના જે સંપૂર્ણ પણે તૈયાર નથી અને જેના ઉપર હજુ ઉત્પાદન થવાનું બાકી હોય
  7. ગોલ્ડ બુલિયન (સોનાની લગડી)

 

ગોલ્ડ જ્વેલરી આદેશ 23.06.2021

  1. ભારત સરકારના દિશાનિર્દેશ ઉપર એક્સપોર્ટ તથા રી ઇમ્પોર્ટ થતાં દાગીનાઓ
  2. વિદેશોમાં પ્રદર્શ્ન માટે લઈ જવામાં આવતા દાગીના
  3. ભારત સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ બિઝનેસ ટુ બિઝનેસ પ્રદર્શનો માટે રહેલા દાગીનાઓ.
  4. કુંદન, પોલકી, જાડાઉ જેવા દાગીના
  5. ઘડિયાળ અને ફાઉનટેન પેન
  6. એવા વેપારી કે જેમનું ટર્નઓવર 40 લાખથી નીચું હોય.

 

  1. શું ફરજિયાત હોલમાર્કનો નિયમ 22 કેરેટના દાગીના માટેજ લાગુ પડે છે?

જવાબ: ના, ફરજિયાત હોલમાર્કનો નિયમ 14, 18 તથા 22 કેરેટના દાગીનાઑ માટે લાગુ પડે છે.

 

  1. શું ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ સમગ્ર દેશમાં લાગુ પડી ગયો છે?

જવાબ: ના, ફરજિયાત હોલમાર્કિંગનો આ નિયમ 23 જૂન 2021 ના આદેશ માં જણાવેલ જિલ્લાઓ માટેજ ફરજિયાત રહે છે. આ જિલ્લાઓમાં ગીર સોમનાથનો જિલ્લાનો સમાવેશ થાય છે. પરંતુ દીવ જિલ્લાનો સમાવેશ થતો નથી.

      14. હોલમાર્કના દાગીના વેચાણ કરતાં વેપારીએ ફરજિયાત હોલમાર્કની નોંધણી લેવી ફરજિયાત બને?

જવાબ: ના, 40 લાખ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારી હોલમાર્ક ના હોય તો પણ હોલમાર્કિંગ કરેલા બીજાના દાગીનાનું વેચાણ કરી શકે છે. આ માટે ખરીદીનું બિલ જરૂર પડ્યે રજૂ કરવાનું રહે છે.

     15. હોલમાર્કનું લાઇસન્સ ધરાવતા વેપારીએ પોતાના જૂના સ્ટોક માટે પણ હોલમાર્કિંગ કરાવવું ફરજિયાત બને તથા HUID કરાવવું ફરજિયાત                    બને?

જવાબ: હા, હોલમાર્કિંગની નોંધણી મેળવવામાં આવે ત્યાર બાદ કોઈ પણ વેપારી પોતાનો જૂનો સ્ટોક વેચાણ કરે તો પણ હોલમાર્કિંગ કરાવવું જરૂરી બને.

    16. હોલમાર્ક લાઇસન્સ ધરાવતો વેપારી જૂનો સ્ટોક હોલમાર્ક ના ધરાવતા વેપારીઓને હોલમાર્ક વગર વેચાણ કરી શકે?

જવાબ: ના, હોલમાર્ક ધરાવતો વેપારી કોઈ પણ જૂનો માલ હોલમાર્ક હેઠળ રજીસ્ટર થયા પછી હોલમાર્ક વગર વેચાણ કરી શકે નહીં.

     17. હોલમાર્ક ધરાવતો વેપારી હોલમાર્ક નોંધણી ના ધરાવતા વેપારીને હોલમાર્ક વાળા દાગીનાનું વેચાણ કરી શકે?

જવાબ: હા, હૉલમાર્ક ધરાવતો વેપારી અન્ય હોલમાર્ક ના ધરાવતા વેપારીને જ્યારે નોંધણી મેળવવી ફરજિયાત ના હોય તેવા કિસ્સાઓમાં (40 લાખથી નીચેનું ટર્નઓવર વી.)  વેચાણ કરી શકે તેવો અમારો મત છે.

સોની વેપારીઓ હાલ હોલમાર્કિંગ સંદર્ભે ઘણી મુંઝવાણ અનુભાવિ રહ્યા છે. જે મુંઝવણ અને તેના મારા મત મુજબના સમાધાન આ સાથે આપવા પ્રયાસ કર્યો છે. આ તકે એ બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડનો કાયદો તથા તેના હેઠળ આવેલા ઓર્ડર્સ ઉપરથી આ મારા મંતવ્યો છે. આ અંગે કોઈ કાયદાવિદના મંતવ્યો અલગ પણ હોય શકે છે. આ અંગે આપના કોઈ પ્રશ્ન કે અભિપ્રાય હોય તો આપ કોમેન્ટ બોક્સમાં મૂકી શકો છો.

(લેખક: ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે)

 

1 thought on “સોના ચાંદીના દાગીનામાં હોલમાર્કિંગ અંગે વેપારીઓને મુંઝવતા પ્રશ્નો અને તેમના સમાધાન..

Comments are closed.

error: Content is protected !!