31 ડિસેમ્બર પહેલા જી.એસ.ટી. રીટર્ન ભરી આપવું છે જરૂરી: અન્યથા લાગુ થઇ જાય છે મોટી લેઇટ ફી
-By ભવ્ય પોપટ, એડવોકેટ-નોટરી, એડિટર ટેક્સ ટુડે
તા. ૧૬.૧૨.૨૦૨૫
જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન સિવાયના કરદાતાઓ એ જી.એસ.ટી. નું વાર્ષિક રિટર્ન GSTR 9 માં ભરવાનું રહેતું હોય છે. જી.એસ.ટી. કાયદાની કલમ 44 હેઠળ 31 ડિસેમ્બર સુધીમાં આ વાર્ષિક રિટર્ન ભરવાનું રહેતું હોય છે. કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે વાર્ષિક રિટર્ન ભરવાનું થતું નથી. આવી જ રીતે કંપટ્રોલર અને ઓડીટર જનરલ ના ઓડીટ થવા પત્ર સરકારી કચેરીઓ, નગર પાલિકા-મ્યુનીસીપાલીટી જેવા લોકલ ઓથોરીટી માટે પણ જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રીટર્ન ભરવામાં મુક્તિ આપવામાં આવેલ છે. આવા કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓએ પોતાનું વાર્ષિક રિટર્ન GSTR 4 માં, વર્ષ પૂરું થયા પછીના 30 એપ્રિલ સુધીમાં ભરવાનું રહેતું થતું હતું. જો કે આ મુદતમાં સુધારો કરી કંપોઝીશન કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2024 25 થી પોતાનું વાર્ષિક રિટર્ન GSTR 4 માં પછીના વર્ષની 30 જૂન સુધીમાં ભરવાનું થશે.
ક્યાં કરદાતાઑને જી.એસ.ટી. હેઠળ રિટર્ન ભરવામાં આપવામાં આવી છે મુક્તિ?
નીચે દર્શાવેલ કરદાતાઓને જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરવા માંથી મુક્તિ આપવામાં આવેલ છે.
- ઈન્પુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર
- કેઝયુલ ટેક્સેબલ પર્સન (મેળા, પ્રદર્શન જેવા હંગામી ધંધો કરતાં કરદાતાઓ)
- નોન રેસિડંટ ટેકસેબલ પર્સન
- કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ
- કંપટ્રોલર અને ઓડીટર જનરલ પાસે ઓડીટ કરવા જવાબદાર કરદાતા
2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓને વાર્ષિક રિટર્ન ભરવામાં આપવામાં આવી છે વિશેષ મુક્તિ:
જી.એસ.ટી. કાયદા હેઠળ કોઈ પણ વર્ષમાં બે કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે GSTR 9 માં ભરવાનું થતું વાર્ષિક રિટર્ન ભરવું મરજિયાત બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે જી.એસ.ટી. હેઠળ ઓડિટ (આકારણી) કરવાની સમય મર્યાદા એ વાર્ષિક રિટર્ન ભરવાની મુદત સાથે સલગ્ન છે. આ કારણે આવા કરદાતાઓ કે જેઓનું ટર્નઓવર જે તે વર્ષમાં બે કરોડ સુધીનું છે અને જેઓ જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરતા નથી તેઓનું વાર્ષિક રિટર્ન, વાર્ષિક રિટર્ન ભરવાની મુદતના દિવસે ભરાઈ ગયું છે તેમ માની લેવામાં આવશે (ડીમ્ડ ટુ બી ફાઇલ્ડ) તેવી જોગવાઈ કરવામાં આવી છે.
ઇન્કમ ટેક્સ રિટર્નમાં ટર્નઓવર ફેરફાર આવતો હોય તો પણ વાર્ષિક રિટર્ન ભરી આ ફેરફાર દૂર કરવો છે જરૂરી:
કરદાતા દ્વારા ઇન્કમ ટેકસ રિટર્ન ભરવા સમયે જો જી.એસ.ટી. ટર્નઓવર અને પોતાના ચોપડાના ટર્નઓવરમાં તફાવત માલૂમ પડેલ હોય તો તેવા કિસ્સામાં જી.એસ.ટી. નું ટર્નઓવર 2 કરોડથી ઓછું હોય તો પણ જી.એસ.ટી. નું વાર્ષિક રિટર્ન ભરી આપવું જોઈએ તેવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે.
પાછલા કે આગામી વર્ષમાં કરવામાં આવેલ કોઈ ફેરફારના સંજોગોમાં વાર્ષિક રિટર્ન ભરી આપવું હિતાવહ:
જી.એસ.ટી. કાયદા હેઠળ CBIC સર્ક્યુલર 26/2017 મુજબ કરદાતા પોતાના ભરવામાં આવેલ GSTR 3B માં ફેર આવેલ હોય તો આ ફેરફાર પછીના રીટર્નમાં કરવાની છૂટ આપવામાં આવેલ છે. જયારે આ ફેરફાર એવી રીતે કરવામાં આવેલ હોય જેમાં એક વર્ષનો ફેરફાર અન્ય વર્ષમાં કરવામાં આવેલ હોય ત્યારે ટરર્નોવર ૨ કરોડથી ઓછુ હોવા છતાં વાર્ષિક રીટર્ન ભરી આપવામાં આવે તે હિતાવહ છે. ઉદાહરણ તરીકે કોઈ કરદાતાએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેની ઈનપુટ ટેક્સ ક્રેડીટ ૨૦૨૪-૨૫ માં લેધેલ હોય અથવા તો ૨૦૨૪-૨૫ ની ઈનપુટ ટેક્સ ક્રેડીટ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં લીધેલ હોય તો આ બન્ને સંજોગોમાં કરદાતા વાર્ષિક રીટર્ન ભરી આપે તે તેઓના હિતમાં ગણી શકાય. આવા ફેરફારોના સંજોગોમાં કરદાતાને આકારણી સમયે આ વાર્ષિક રિટર્ન ઉપયોગી બની શકે છે.
કરદાતાએ પોતાના લૉગિનમાં “પ્રિ ડ્રાફટેડ” વાર્ષિક રિટર્ન જોઈ લેવું છે જરૂરી!!
કંપોઝીશન સિવાયના કરદાતાઓએ પોતાનું ટર્નઓવર વાર્ષિક રિટર્ન ભરવાની ટર્નઓવર મર્યાદાથી ઓછું હોવા છતાં પોતાના જી.એસ.ટી. પોર્ટલ લૉગિનમાં “સિસ્ટમ જનરેટેડ-પ્રિ ડ્રાફટેડ” GSTR 9 જોઈ પોતાના ચોપડા સાથે મેળવી લેવું હિતાવહ છે તેવું નિષ્ણાંતો માને છે. આ “સિસ્ટમ જનરેટેડ-પ્રિ ડ્રાફટેડ” જો કોઈ ફેરફાર જણાય તો કરદાતા વાર્ષિક રિટર્ન ભરી આપે તે હિતાવહ છે.
5 કરોડ ઉપરના ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે વાર્ષિક રિટર્ન ઉપરાંત સેલ્ફ સર્ટિફાઇડ GSTR 9C ભરવું છે ફરજિયાત
જી.એસ.ટી. હેઠળ પાછલા વર્ષમાં 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ફોર્મ GSTR 9 માં વાર્ષિક રિટર્ન ભરવા ઉપરાંત GSTR 9C માં “રિકનસીલેશન સ્ટેટમેન્ટ” ભરવું ફરજિયાત રહેતું હોય છે. નાણાકીય વર્ષ 2019 20 સુધી આ રિકનસીલેશન સ્ટેટમેન્ટ ચાર્ટડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા સર્ટીફાય કરવાની જોગવાઈ લાગુ હતી. પરંતુ નાણાકીય વર્ષ 2020-21 થી આ જોગવાઈ માં સુધારો કરી હવે આ ફોર્મ કરદાતા દ્વારા સેલ્ફ સર્ટિફાય કરવાનું રહે છે. કરદાતાઓએ આ ફોર્મ પણ 31 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન ભરી આપવાનું રહે છે. ૫ કરોડ ઉપર ટર્નઓવર હોય તેવા કરદાતા માટે જ્યાં સુધી GSTR ૯ C ભરી આપવામાં ના આવ્યા હોય ત્યાં સુધી તેઓની વાર્ષિક રીટર્નની જવાબદારી પૂર્ણ થઇ હોયેલ ગણાય નહિ. આમ, GSTR 9C લાગુ પડતું હોય તો આ રીટર્ન પણ સમયસર ભરવું જરૂરી છે અન્યથા કરદાતા લેઇટ ફી માટે જવાબદાર બની શકે છે.
જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ના ભરવાથી લાગે છે મોટી લેઇટ ફી
જી.એસ.ટી. કાયદાની કલમ 47(2) હેઠળ જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ભરવા જવાબદાર કરદાતાઓ આ રિટર્ન મોડુ ભારે તો તેઓના ઉપર રોજના 200 રૂ જેવી મોટી લેઇટ ફી લાગુ પડતી હોય છે. આ કારણે 2 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતાઓ પોતાનું જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન સમયસર ભરવું જરૂરી બને છે.
વાર્ષિક રિટર્ન ભરવાની જોગવાઈઑની જાણકારીના અભાવે ઘણા કરદાતાઓ આ રિટર્ન ભરવામાં ચૂક કરી બેસતા હોય છે. કરદાતાઓ જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન તથા રીકન્સિલેશનની જોગવાઈ સમજી સમયસર આ બંને જવાબદારી પૂરી કરે તે જરૂરી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા ૧૫ ડીસેમ્બર ૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલ છે)
