નાણાંમંત્રી નિર્મલા સિથારમનએ કરી જી.એસ.ટી. ના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી સમિક્ષા બેઠક

આગામી સપ્તાહમાં ઓટોમેટિક જી.એસ.ટી. પત્રક ચકાસણી શરૂ કરવા અધિકારીઓને તાકીદ કરતાં નાણાંમંત્રી
તા. 01.05.2023: નાણાંમંત્રી નિર્મલા સિથારમનએ તારીખ 29 એપ્રિલ 2023 ના રોજ જી.એસ.ટી. નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેંટરલ બોર્ડ ઓફ ઇંડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સના (CBIC) ઉચ્ચ અધિકારીઓ સાથે નાણાકીય વર્ષ 2022-23 અંગેની સમિક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં રેવન્યુ સેક્રેરેટરી સંજય મલ્હોત્રા, CBIC ચેરમેન વિવેક જાહોરી તથા CBIC ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં વેપાર સરળતા, કરદાતાઓને આપવામાં આવતી સેવાઓ, વેપાર જગતની ફરિયાદ નિવારણ જેવા મહત્વના વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત CBIC ના કર્મચારીઓ ઉપરના ખાતાકીય તપસના કેસો, વિવિધ માળખાકીય સુવિધા અંગેના પ્રોજેકટ ઉપરાંત “નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ, ઇંડાયરેક્ટ ટેકસીસ એન્ડ નાર્કોટીક્સ” (NACIN) ના આવનારા પાલાસમુદ્રમ પ્રોજેકટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નાણામંત્રીએ કરદાતાઓને આપવામાં આવતી સેવાઓમાં સતત વધારો કરવા ઉપર ભાર મૂક્યો હતો. નાણામંત્રીએ વેપારજગતની ફરિયાદો સાંભળવા ઝોન દીઠ બેઠકોનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. આ બેઠકોમાં વિવિધ વેપાર જગતના લોકોની ફરિયાદો સંભાળી, તેઓ પાસેથી સૂચનો મેળવી આ ફરિયાદો દૂર કરવા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં નાણાંમંત્રીને જણાવવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022 23 માટે ઇંડાયરેક્ટ ટેક્સનું કલેક્શન 13.82 લાખ કરોડ જેટલું થવા પામ્યું હતું જે ગત વર્ષ 2021-22 માં 12.89 લાખ કરોડ હતું.જી.એસ.ટી. નું ગ્રોસ કલેક્શન માસિક 1.51 લાખ કરોડ જેટલું રહેવા પામ્યું હતું અને છેલ્લા 12 મહિનાથી સતત માસિક જી.એસ.ટી. કલેક્શન 1.4 લાખ કરોડ થી વધુ રહેવા પામ્યું છે. નાણાંમંત્રીએ આગામી અઠવાડીયામાં જી.એસ.ટી. પત્રક ચકાસણી માટે ઓટોમેટિક પદ્ધતિ શરૂ કરી આપવા તાકીદ કરી હતી. આ ઉપરાંત ટેકનૉલોજીનો લાભ લઈ કરદાતાઓની સંખ્યા વધારવા પણ અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે